Homeદેશ વિદેશનામિબિયન ચિત્તાને કૂનો નેશનલ પાર્કનું વાતાવરણ અનુકૂળ આવ્યું

નામિબિયન ચિત્તાને કૂનો નેશનલ પાર્કનું વાતાવરણ અનુકૂળ આવ્યું

નવી દિલ્હી: નામિબિયાથી લાવીને મધ્યપ્રદેશના કૂનો નેશનલ પાર્કમાં રાખવામાં આવેલા આઠ ચિત્તામાંથી બે ચિત્તાને ક્વૉરેન્ટિન એરીયામાંથી એક્લાઇમેટાઇઝેશન એન્ક્લોઝરમાં છોડવામાં આવ્યા હતા. કૂનો નેશનલ પાર્કના ડિવિઝનલ ફોરેસ્ટ ઑફિસર(ડીએફઓ) પ્રકાશકુમાર વર્માએ જણાવ્યું હતું કે શનિવારે આઠ નામિબિયન ચિત્તામાંથી બે ચિત્તાને ક્વૉરેન્ટિન ઝોનમાંથી મોટા એન્ક્લોઝરમાં છોડવામાં આવ્યા છે. અન્ય છ ચિત્તાને તબક્કાવાર રીતે વારાફરતી મોટા એક્લાઈમેટાઇઝેશન એન્ક્લોઝરમાં મૂકવામાં આવશે. એ સમાચારને
વધાવી લેતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર પોસ્ટ લખી હતી. શનિવારે બે ચિત્તાનો વીડિયો શૅર કરતાં લખેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે ‘ખૂબ સારા સમાચાર છે. મને કહેવામાં આવ્યું કે ફરજિયાત ક્વૉરેન્ટિન પીરિયડ પછી કૂનો પાર્કના વાતાવરણને વધુ અનુકૂળ થવા માટે મોટા એન્ક્લોઝરમાં છોડવામાં આવ્યા છે. અન્ય ચિત્તાને ટૂંક સમયમાં મોટા એક્લાઇમેટાઇઝેશન એન્ક્લોઝરમાં છોડવામાં આવશે. બધા ચિત્તા સ્વસ્થ, સક્રિય અને ઝડપથી કૂનો નેશનલ પાર્કના વાતાવરણને અનુકૂળ થઈ રહ્યા હોવાના સમાચારથી પણ મને ખુશી થાય છે.’ (એજન્સી)

RELATED ARTICLES

Most Popular