નવરીબજારના નવ ગુણ: બારે માસ ટાઇમપાસ!

ઉત્સવ

મિજાજ મસ્તી -સંજય છેલ

ટાઇટલ્સ: આરામ હરામ છે પણ ઇટ્સ ઓકે, એમાંયે ટેવાઇ જવાશે!(છેલવાણી)
“મમ્મી, ફુરસદ એટલે શું?, બાળકે પૂછ્યું.
“ફુરસદ એટલે એવો સમય જેમાં ‘મમ્મી’, ઘરકામ સિવાયનું બીજું કામ કરી શકે! જી હાં, આજના જમાનામાંયે ઘરઘરની આ વાસ્તવિકતા છે. લેકિન..કિંતુ..પરંતુ ગુલઝાર દ્વાર ગાલિબનું ચોરેલું ગીત પણ છે: “દિલ ઢૂંઢતા હૈ, ફિર વહી ફુરસત કે રાતદિન.. પણ જો કોરોનાકાળ બાદ પણ ફરી રાતદિનની ફુરસદ મળી જાય તો શું કરીશું? ખૂબ ટીવી જોશું? મોબાઈલ પર ચેટ કરીશું કે ઊંઘી જશું… પણ પછી?
અમેરિકામાં ‘ફુરસદ’ વિશે વિસ્તારથી અભ્યાસ થયો છે. આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિકોએ અભ્યાસ કરીને કારણ આપ્યું છે કે વધારે પડતો ફ્રી ટાઈમ/નવરાશ ખરાબ છે. ‘જર્નલ ઓફ પર્સનાલિટી એન્ડ સોશિયલ સાયકોલોજી’માં સંશોધન પ્રગટ થયું છે કે-’ વધારે પડતી નવરાશથી પણ ઊલટાનું તાણ કે સ્ટ્રેસ વધે છે ને એકંદરે સુખમાં ઘટાડો થાય!’ અમેરિકન અભ્યાસુ ડો. મારિસા શરીફનું કહેવું છે કે ઓછી ફુરસદ એ ખરાબ છે તો વધારે પડતી નવરાશ પણ ફાયદાકારક નથી! સંશોધકોએ ૨૧૭૩૬ અમેરિકનોનો અભ્યાસ કર્યો ને તારણ કાઢ્યું કે નવરાશનો સમય જેમ વધે તેમ આનંદ વધે છે પણ લગભગ બે કલાક સુધી જ! ૫ કલાક પછી ધીમે ધીમે તેમાં ઘટાડો થવા લાગે છે. તેમણે ૬૦૦૦ અમેરિકનોને ઓનલાઇન જોડ્યા અને કેટલાકને દિવસની ૧૫ મિનિટની ફુરસદ માણવા કહ્યું તો કેટલાકને દિવસના સાડા ત્રણ કલાકની જ ફુરસદ માણવા કહ્યું ને બાકીનાને દિવસના સાત કલાક માટે. તેમના અનુભવોનો સરવાળો કર્યો તો જણાયું કે વધારે સમય જે લોકો ફુરસદ માણતા હતા, એ લોકો કરતાં સાડાત્રણ કલાકવાળા લોકો વધારે ફુરસદ માણી શક્યા. ઓછા સમયવાળાને સમયની તાણ રહી ને વધારે સમય ફુરસદ માણવાવાળા લોકો આખરે કંટાળી ગયા.
લોકોને નકામી પ્રવૃત્તિમાં(ટીવી કે ઇંટરનેટમાં ટાઇમપાસથી) બહુ મજા ના આવી ને અમુક સમય પછી ફરીથી એનો એ જ કંટાળો આવવા લાગ્યો. એની સામે સર્જનાત્મક કે મહેનતાના કામ, જેમ કે- કસરત કરવી, ચિત્રો દોરવાં, લખવું કે અન્ય શોખ પૂરા કરવામાં લાંબા સમય સુધી મજા આવી. ડો.શરીફ કહે છે કે ‘સંશોધન મુજબ આખો દિવસ નવરાધૂપ રહેવાથી પણ દિવસને અંતે સખત કંટાળો આવે. તેના બદલે માત્ર બે-ત્રણ કલાક ફુરસદમાં ગાળશો તો ઓવરઓલ વધુ આનંદ આવશે ’
જો કે આપણને ક્યાં ફરક પડે છે? ફુસરસદ તો આપણો રાષ્ટ્રીય ટાઇમપાસ છે!
ઇંટરવલ:
કામને હમેં નિકમ્મા કર દિયા ‘ગાલિબ’
વર્ના હમ ભી આદમી થે ઈશ્ક કે? (નેહરૂજીને નામે ફેલાયેલું એક પ્રતિકાવ્ય)
ફુરસદ અંગે મને મારા લેખક-ચિંતક મિત્રની વાત યાદ આવે છે. એ આખું વરસ કહ્યા કરે કે: ’ગામ જઈને બસ આરામ કરવો છે. વતનની ધૂળ, ત્યાંના મિત્રો, સગાંવહાલાંઓ, ફૂલો-પતંગિયાઓ- બધાં સાથે નિરાંતે રહેવું છે.’ આખું વર્ષ એની આ જ રેકોર્ડ વાગે. છેવટે મહિનાની રજા લઈને ગામ ગયો ને અઠવાડિયામાં પાછો મુંબઇ આવી ગયો. મેં પૂછ્યું: ‘કેમ તરત પાછો આવ્યો?’ તો કહે: ‘યાર, ગામમાં શું કરવાનું? એક દિવસ મિત્રોને મળ્યો. બે દિવસ સગાંવહાલાંઓને મળ્યો. એક દિવસ ગામની શેરીઓમાં ને ખેતરોમાં પણ ફર્યો. પછી ગામનાં નવરા લોકોએ મારી ને મારા પરિવારની એટલી ચોવટ કરી કે કંટાળીને પાછો આવી ગયો!’ હકીકતમાં અંદર શાંતિ નથી તો ક્યાંક નથી!
ફુરસદ વિશે મહાન વાર્તાકાર ચેખોવની વાર્તા ‘શરત’ યાદ આવે છે. એમાં એક માણસ, મિત્ર જોડે શરત લાગે છે અને તે ૨૦ વર્ષ માટે જો એકલો રહેવા તૈયાર થાય છે જો ૨૦ વરસ પછી લાખો રૂ. મળે! પેલો મિત્ર તૈયાર થઇ જાય છે. જેલમાં તે ખૂબ વાંચે છે, લખે છે, સંગીત સાંભળે છે, જાતજાતની પ્રવૃત્તિઓ કરે છે. પણ છેવટે બધાથી કંટાળે છે. એ એકાકી માણસને કશાયમાંથી શાંતિ મળતી નથી! છેલ્લે ૨૦ વરસ બાદ શરતના છેલ્લા દિવસે એનો શરત લગાવનાર મિત્ર જાણી જોઇને જેલના દરવાજા ખુલ્લા મૂકી દે છે કે પેલો હાલી જાય અને સાચે જ ત્યારે એ માણસ ૨૦ લાખ લીધા વિના જાણી જોઇને નીકળી જાય છે, કારણકે હવે એને પૈસા, જીવન કે વાચેલું જ્ઞાન..બધું..બધું જ એને વ્યર્થ લાગે છે!
દોઢેક વરસ અગાઉ આપણે સૌ સતત બિઝી રહેતાં. કોરોનાકાળમાં આપણે સૌ થોડા કોહવાઇ ગયા. ફૂરસદ માણવાનું જાણે આપણેને પર્મેનેંટ સદી ગયું. જો કે અગાઉ પણ પાનના ગલ્લે, બસ-સ્ટેન્ડ પર કે ચોરેચૌટે વાતો કરવાનોનો કંસેપ્ટ આપણાં દેશમા હતો જ! અમેરિકનોએ જો ભારતીયોની ‘ફુરસદ કલા’ પર સંશોધન કયુર્ં હોત તો સમજાત કે ફેસબૂક, ટ્વિટર વગેરે સોશયલ મીડિયા પર ચોવટ કરવામાં આપણે કેવા ચેંપિયન છીએં! લોકોએ તો એમાં આખેઆખી કેરિયર બનાવી છે! ‘ગુજરાતીઓની નવરાશમાં પંચાતનો ફાળો’ એ વિશે તો પી.એચ.ડી. પણ થઈ શકે! એટલે જ ગુજરાતીમાં ‘નવરીબજાર’ શબ્દ છે.
તો આવનારા દિવસોમાં, પોતપોતાની ‘નવરીબજાર’ માણો!
એંડ ટાઇટલ્સ:
ઈવ: આરામથી વજન વધે?
આદમ: મહિનાથી સોફા પરથી ઊભો જ ક્યાં થયો છું!

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.