નરેશ પટેલે સોનાની જાળ પાણીમાં ના નાંખી

એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

ગુજરાતમાં લેઉઆ પાટીદારોની શ્રદ્ધાના કેન્દ્ર એવા ખોડલધામના ચેરમેન નરેશ પટેલ રાજકારણમાં આવશે કે નહીં એ મુદ્દે લાંબા સમયથી અટકળો ચાલતી હતી. નરેશ પટેલ સમાજને પૂછવાના બહાને તારીખ પર તારીખ, તારીખ પર તારીખ પાડ્યા કરતા હતા ને વણજોઈતું સસ્પેન્સ ઊભું કર્યા કરતા હતા. એક તબક્કે તો એવી વાતો પણ બહાર આવેલી કે, નરેશ પટેલ કૉંગ્રેસમાં જોડાઈ રહ્યા હોવાનું નક્કી છે.
દેશના જાણીતા ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર નરેશ પટેલને આગળ કરીને ગુજરાતમાં કૉંગ્રેસને જીતાડવાની વ્યૂહરચના બનાવી રહ્યા હોવાની વાતો પણ ચાલી હતી. નરેશ પટેલને કૉંગ્રેસ મુખ્યમંત્રીપદના ઉમેદવાર બનાવીને ચૂંટણીના મેદાનમાં ઉતરશે એવી વાતો પણ ચાલતી હતી. નરેશ પટેલ ભાજપના નેતાઓને પણ મળ્યા કરતા હતા તેથી નરેશ પટેલ ભાજપમાં જોડાઈ જશે એવી વાતો પણ ચાલી હતી. નરેશ પટેલે પોતે પોતાના બધા વિકલ્પ ખુલ્લાં રાખીને આમ આદમી પાર્ટીના નેતાઓને પણ મળ્યા કરતા હતા તેથી જાત જાતની વાતો ચાલતી હતી.
ગુરુવારે નરેશ પટેલે પોતે આ બધી અટકળોનો અંત લાવીને રાજકારણમાં નહીં જોડાવાનું એલાન કરી દીધું. કાગવડ ખાતેના ખોડલધામ ખાતે નરેશ પટેલે જાહેરાત કરી કે, પોતે તેઓ રાજકારણમાં નહીં જોડાય અને હવે પછી ખોડલધામના પ્રોજેક્ટને આગળ વધારશે. નરેશ પટેલે એ પણ જાહેરાત કરી કે, સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન ખાતે તમામ સમાજના યુવાનોને રાજકારણ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ આપવામાં આવશે.
નરેશ પટેલે પોતે રાજકારણમાં જોડાવું કે નહીં એ નક્કી કરવા સર્વે પણ કરાવેલો. નરેશ પટેલે પ્રેસ-કોન્ફરન્સમાં કરેલી જાહેરાત પ્રમાણે સમાજમાં થયેલા સર્વે અનુસાર ૫૦ ટકા મહિલાઓ અને ૮૦ ટકા યુવાનો એવું ઈચ્છે કે મારે રાજકારણમાં જવું જોઈએ પણ વડીલોનું માનવું એવું છે કે મારે રાજકારણમાં જોડાવવું ન જોઈએ. વડીલોના મતને માન્ય રાખીને મારો રાજકારણમાં પ્રવેશવાનો નિર્ણય હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે.
નરેશ પટેલે સત્તાવાર રીતે આ કારણ આપ્યું છે પણ સાથે એ પણ કબૂલ્યું છે કે, રાજકારણમાં પ્રવેશથી ખોડલધામ અને સમાજની સામાજિક પ્રવૃત્તિને અસર થઇ શકે. જો કે રાજકીય પક્ષો સાથે જોડાવા માટે તેમણે મૂકેલી શરતો કોઈએ માન્ય ના રાખતાં મેળ નહીં પડ્યો હોવાની વાતો પણ ચાલી રહી છે. નરેશ પટેલના વિરોધીઓના મતે, પટેલ તો રાજકારણમાં આવવા બહુ થનગનતા હતા પણ કોઈ તેમને જોઈએ એવું મહત્વ આપવા તૈયાર નહોતું તેથી નરેશ પટેલે છેવટે રાજકારણથી અલિપ્ત રહેવાનો નિર્ણય લીધો છે. ટૂંકમાં તેમનો મત એવો છે કે, પોતાનું ધાર્યું ના થયું તેમાં પટેલને દ્રાક્ષ ખાટી લાગી છે.
આ વાત સાચી હોઈ શકે છે કેમ કે નરેશ પટેલે ભવિષ્યમાં રાજકારણમાં આવવાનો રસ્તો ખુલ્લો રાખ્યો છે પણ હાલ પૂરતા એ રાજકારણમાં નહીં આવે એ નક્કી છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે ચારેક મહિનાની વાર છે ને રાજકીય ગરમી વધી રહી છે એ જોતાં નરેશ પટેલ આ વખતની ચૂંટણીમાં મેદાનમાં નહીં હોય એ નક્કી છે. ભવિષ્યમાં શું થશે એ ખબર નથી પણ આ વખતે નરેશ પટેલ બીજા રાજકીય પક્ષો શું કરે છે તેનો ખેલ જોશે એવો આ જાહેરાતનો અર્થ થાય છે.
નરેશ પટેલના નિર્ણય વિશે ગુજરાતના ત્રણેય મુખ્ય પક્ષ ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પોતપોતાની રીતે પ્રતિક્રિયા આપી છે. કોઈકે ખરખરો કર્યો છે તો કોઈએ આવકાર આપ્યો છે તો કોઈકે અફસોસ વ્યક્ત કર્યો છે. લોકશાહીમાં દરેકને પોતપોતાની વાત કરવાનો અધિકાર છે તેથી એ લોકો પોતાને ગમે એ મત વ્યક્ત કરવા મુક્ત છે પણ નરેશ પટેલના દૃષ્ટિકોણથી જોઈએ તો આ નિર્ણય યોગ્ય છે. પટેલે સોનાની જાળ પાણીમાં નહીં નાંખવાનો નિર્ણય કરીને શાણપણ વાપર્યું છે.
નરેશ પટેલ પાટીદાર આગેવાન છે અને ગુજરાતના રાજકારણમાં પાટીદારોનો દબદબો રહ્યો છે. ગુજરાતના કુલ મતદારોમાં પાટીદારોનું પ્રમાણ ૧૬ ટકાની આસપાસ છે. પાટીદારોમાં અલગ અલગ ફાંટા છે પણ કડવા અને લેઉઆ ફાંટા મુખ્ય છે. ગુજરાતના પાટીદારોમાંથી ૯૦ ટકા પાટીદાર કાં કડવા છે કાં લેઉઆ છે. ઉત્તર ગુજરાતમાં કડવા પાટીદારો વધારે છે ને સૌરાષ્ટ્રમાં લેઉઆ પાટીદારો વધારે છે. નરેશ પટેલ લેઉઆ પાટીદાર આગેવાન છે તેથી એ મેદાનમાં ઉતરે તો ચૂંટણી પર પ્રભાવ પાડી શકે તેમાં શંકા નથી પણ સવાલ ધાર્યો પ્રભાવ પાડી શકે કે નહીં તેનો છે.
નરેશ પટેલ લેઉઆ પાટીદારોના સર્વમાન્ય નેતા મનાય છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં લેઉઆ પાટીદાર મતદારોની સંખ્યા બહુ મોટી છે. આ મતદારો પર નરેશ પટેલનો પ્રભાવ છે કેમ કે નરેશ પટેલ ખોડલધામના નામે લેઉઆ પાટીદારોને એક છત્ર હેઠળ લાવ્યા છે. ખોડલધામના નેજા હેઠળ નરેશ પટેલ પાટીદારો માટે સમાજસેવાનાં કામો પણ કરે છે ને કોઈ પણ વિવાદમાં પડ્યા વિના આ કામ કરે છે. નરેશ પટેલ ખમતીધર પાર્ટી છે ને ગાંઠનું ગોપીચંદન કરીને સમાજસેવાનાં કામ કરવા માંડ્યાં તેથી પાટીદારોમાં તેમના માટે માન પણ છે પણ સમાજસેવાનું કામ કરવું અને રાજકારણમાં ઉતરવું બંનેમાં ફરક છે.
સૌરાષ્ટ્રમાં વિધાનસભાની પચાસ ટકા બેઠકો પર લેઉઆ પાટીદારોનું વર્ચસ્વ છે પણ સૌરાષ્ટ્રમાં સંખ્યાબંધ પાટીદાર નેતાઓ ભાજપ ને કૉંગ્રેસ બંનેમાં છે જ. નરેશ પટેલની રાજકારણમાં એન્ટ્રી થાય તેથી બધાંનાં હિત જોખમાય ને બધાં સાથે દુશ્મનાવટ બંધાય. નરેશ પટેલ રાજકારણથી અંતર રાખીને ચાલતા રહ્યા ને બધાંને રાજી રાખવાની નીતિ અપનાવી તેના કારણે પાટીદારો તેમની વાત લોકો સાંભળે પણ ચૂંટણીમાં લોકો તેમની વાત માને એ જરૂરી નથી.
આ સંજોગોમાં એ ધાર્યો પ્રભાવ ના પાડી શકે ને બાંધી મુઠ્ઠી ખુલી જાય એવું બને. તેના કારણે તેમનો અત્યારે જે પ્રભાવ છે એ ખતમ થઈ જાય. સમાજમાં તેમનો જે મોભો છે એ પતી જાય ને રાજકારણમાં આવે તેના કારણે કાદવ ઉછળે એ વધારાનો. નરેશ પટેલે એ બધાથી દૂર રહેવાનું પસંદ કરીને સમજદારી બતાવી છે. રાજકારણથી દૂર રહીને પણ એ સમાજનું ભલું કરી જ શકે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.