અજબ ગજબ ની દુનિયા – હેન્રી શાસ્ત્રી
એક મહિલાની હત્યાના આરોપ બદલ નરમઘેંસ ગણાતા ઘેટાને સજા અને એ પણ ત્રણ વર્ષ જેલની સજા ફરમાવવામાં આવી છે. ચોંકી ગયા ને! અજબ દુનિયાની ગજબ વાત, બીજું શું? આરબ દેશ સુદાનના દક્ષિણ વિસ્તારમાં એક ઘેટું ૪૫ વર્ષની એક મહિલા પર ધસી ગયું હતું. આ હલ્લામાં મહિલાને ભારે ઈજા થઈ હતી અને પછી તેનું અવસાન થયું હતું. આ ‘ગુના’ બદલ ઘેટાને પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યું હતું. સુદાનના રેડિયો પર આ ઘટનાનું વર્ણન કરી પોલીસે જણાવ્યું હતું કે ‘નર ઘેટાએ હુમલો કરતા મહિલાને પાંસળીઓમાં ભારે ઈજા થઈ હતી. આ દુર્ઘટના પછી તરત જ મહિલા મૃત્યુ પામી હતી. પોલીસ તરીકે અમારી ફરજ જનતાની સલામતીનું ધ્યાન રાખવાની અને લડાઈ – ઝઘડા કે હુમલા ન થાય એનું ધ્યાન રાખવાની છે. એટલે અમે ઘેટાને પકડી લીધો છે અને હાલ એ પોલીસ કસ્ટડીમાં છે.’ ઘેટાની ધરપકડનું કારણ આપતા પોલીસે ખુલાસો કર્યો હતો કે ‘ઘેટાનો માલિક નિર્દોષ છે અને ગુના બદલ ઘેટું કસૂરવાર હોવાથી એને તાબામાં લેવાયું છે.’ સુદાનના મિલિટરી કેમ્પમાં ઘેટાએ ત્રણ વર્ષ માટે જેલની સજા ભોગવવી પડશે. ઉપરાંત ઘેટાના માલિકે મરનારના પરિવારને વળતર પેટે પાંચ ગાય આપવી પડશે. સજા પૂરી થયા પછી સુદાનના કાયદા પ્રમાણે ઘેટું મૃતકના પરિવારને ભેટ તરીકે આપી દેવાનું રહેશે. જાણવા જેવી વાત એ છે કે મૃતક અને ઘેટાનો માલિક પાડોશી છે અને આપસમાં સંબંધી છે.
—
રસોડામાં રાઉન્ડ: કભી રોટલી કભી લોટરી
અચાનક – અણધાર્યો લાભ થાય ત્યારે ‘બગાસું ખાતા મોંમાં પતાસું આવી પડ્યું’ એ કહેવતનો ઉલ્લેખ થાય છે. બ્રિટનનો આ કિસ્સો સાંભળ્યા પછી ‘રસોડામાં રાઉન્ડ: કભી રોટલી કભી લોટરી’ એવી નવી કહેવત બનાવવાની ઈચ્છા તમને થઈ શકે છે. એક બ્રિટિશ કિચનમાં રાખવામાં આવેલી ૨૦૦ – ૩૦૦ પાઉન્ડમાં ખરીદેલી એક ફુલદાની લિલામમાં અધધ ૧૫ લાખ પાઉન્ડમાં વેચાઈ ગઈ. આંખો પહોળી થઈ ગઈ ને. રસોડામાં આંટો મારવાની આદત રાખવા જેવી છે, હેં ને. વાત એમ છે કે ૨૫૦ વર્ષ જૂની અને અલભ્ય ગણાતી આ ફુલદાની ચીનના શહેનશાહ માટે બનાવવામાં આવી હતી.
કોઈ અંગ્રેજ સર્જને ૧૯૮૦ના દાયકામાં ખરીદી હતી. પછી એમના દીકરા પાસે આવી. અલબત્ત કોઈને એનો ઈતિહાસ કે તેના મૂલ્ય વિશે કોઈ ગતાગમ નહોતી. એક દિવસ અચાનક ઘરે આવેલા એન્ટિક સ્પેશ્યાલિસ્ટની નજર એના પર પડી અને ત્યારે ઘર માલિકને એનું મૂલ્ય સમજાયું. સ્પેશિયાલિસ્ટે એ ફુલદાનીનું મૂલ્ય દોઢ લાખ પાઉન્ડ આંક્યું હતું. જોકે, લિલામમાં ચડસાચડસી થઈ અને અંતે ૧૪, ૪૯,૦૦૦ પાઉન્ડની બોલીમાં નવા માલિક પાસે ગઈ. કહેવા માટે પોર્સલેન પ્રોડક્ટ, પણ મૂલ્ય તો કિંમતી હીરા જેવું અને હા, ક્યારેક એન્ટિક સ્પેશિયાલિસ્ટને ઘરે બોલાવવો. કોને ખબર ક્યારે બગાસું ખાતા….
—
તમિળનાડુની ‘મરદ’ મા
‘મા તે મા બીજા બધા વગડાના વા’ કે પછી ‘જનનીની જોડ સખી નહીં જડે રે લોલ’ જેવી ઉપમાઓ માતાને અમસ્તી નથી આપવામાં આવી. માના સ્નેહનું ઝરણું અવિરત વહ્યા કરે છે. સંતાનની સુરક્ષા માટે માતા કોઈપણ અંતિમે જવા તૈયાર હોય છે એની અનેક કથાઓ તમે વાંચી હશે – સાંભળી હશે. તમિળનાડુનો આ કિસ્સો સંતાન માટેની કાળજીનું અદ્ભુત સ્વરૂપ છે. અચાનક ઘટેલી દુર્ઘટનાને કારણે નાજુક પરિસ્થિતિમાં મુકાઈ જવાથી દીકરીના રક્ષણ માટે માતાએ પોતાની ઓળખ જ બદલાવી નાખી અને ૩૬ વર્ષ સુધી બહારની દુનિયા માટે પુરુષ બની જીવી અને દીકરીની સારસંભાળ રાખી.
૨૦ વર્ષની ઉંમરે આ મહિલાના લગ્ન થઈ ગયા હતા. જોકે, લગ્નના ૧૫ દિવસ પછી જ પતિનું અવસાન થતાં એને માથે દુ:ખના ડુંગર તૂટી પડ્યા હતા. થોડા સમય પછી જાણ થઈ કે પોતે પ્રેગ્નન્ટ છે. એ રહેતી હતી એ વિસ્તારમાં એકલવાયી યુવાન માતા માટે જીવન દુષ્કર હતું. જ્યાં પણ નોકરી કરી, હેરાનગતિનો સામનો કરવો પડ્યો.
વાતાવરણ અને લોકોની સતામણીથી બચવા મહિલાએ મંદિરે જઈ પ્રભુની સાક્ષીએ વાળ ઉતારી, પુરુષ જેવા કપડાં પહેરી મુથુ નામ ધારણ કરી જીવવાનું શરૂ કર્યું. તાજેતરમાં એ મહિલાએ જ સોશિયલ મીડિયામાં આ વાતનો ખુલાસો કર્યો હતો જે વીડિયો વાયરલ થતા લોકોને જાણ થઈ.
—
ગાજર નારંગી કેમ છે?
‘ઈસ રંગ બદલતી દુનિયા મેં ઈન્સાન કી નિયત ઠીક નહીં’ એ ગીત રૂપેરી પડદા પર નાયકે પોતાની માશુકા માટે ગાયું છે. અલબત્ત રંગ બદલવાની આવડતની વાત આવે તો સૌપ્રથમ સરડાનું સ્મરણ થાય. સ્વરક્ષણ માટે શરીરનો રંગ બદલવા માટે આ પ્રાણી જાણીતું છે. જોકે, તમને જાણીને હેરત થશે કે સૅલડમાં તમે બધા જે હોંશે હોંશે ખાઓ છો અને એક સમયે ફિલ્મોમાં હીરોની માતા જેનો હલવો કાયમ બનાવતી એ ગાજર ઘણા વર્ષ પહેલા સફેદ, જાંબલી અથવા આછા પીળા રંગના હતા. ચોંકી ગયા ને? હવે તમને સવાલ થશે કે આજે જે દેખાય છે એ નારંગી રંગ ગાજરને કેવી રીતે મળ્યો? કથા એવી છે કે વિલિયમ ઓફ ઓરેન્જએ (રાજા વિલિયમ બીજો) ૧૭મી સદીમાં ડચ લોકોને (નેધરલેન્ડ્સના રહેવાસી) સ્પેનની ગુલામીમાંથી મુક્ત કરાવી આઝાદી મેળવવામાં મદદ કરી હતી. આ ઉપકારના નજરાણા તરીકે ડચ ખેડૂતોએ રાજાનું સન્માન કરવા ખેતીવાડીમાં પ્રયોગ કરી નારંગી (ઘફિક્ષલય) રંગની ગાજરની નવી જાતિ વિકસાવી. આ નવા નારંગી રંગને અફાટ લોકપ્રિયતા મળી અને આજની તારીખમાં પણ એ નેધરલેન્ડ્સનો સત્તાવાર રંગ છે અને ડચ રાજવી પરિવારે પણ એ રંગ અપનાવ્યો છે. ડચ લોકોની રાષ્ટ્રીય ખેલકૂદ ટીમ પણ ઓરેન્જ – નારંગી રંગના કપડાં પહેરે છે. ઉ