નજીવા વરસાદમાં મુંબઈમાં પહેલી હોનારત

આમચી મુંબઈ

ચેંબુરમાં ભેખડ ધસી પડતાં બે જખમી ક આજે મુશળધાર વરસાદની આગાહી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ સહિત રાજ્યના અનેક વિસ્તારમાં આખરે વરસાદનું આગમન થઈ ગયું છે. રવિવારે દિવસ દરમિયાન છૂટોછવાયો વરસાદ પડતો રહ્યો હતો. જોકે આ નજીવા વરસાદમાં મુંબઈમાં પહેલી હોનારત ઘટી હતી, જેમાં વહેલી સવારે ચેંબુરમાં ભેખડ ધસી પડતા બે ભાઈઓ જખમી થયા હતા. હવામાન ખાતાએ આજથી પાંચ દિવસ માટે મુંબઈ, થાણે અને પાલઘરમાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું હોઈ મુશળધાર વરસાદની શક્યતા છે.
છેલ્લા બે-ત્રણ દિવસથી મુંબઈમાં વાદળિયું વાતાવરણ રહ્યા બાદ શનિવાર મોડી રાતથી વરસાદ ચાલુ થઈ ગયો છે. જોકે હજી સુધી મુંબઈમાં મુશળધાર વરસાદનું આગમન નથી થયું. હજી તો નજીવો વરસાદ જ પડી રહ્યો છે, તેમાં રવિવારે વહેલી સવારે ચેંબુરમાં ભારત નગરમાં ભેખડો ધસી પડી હતી.
પાલિકાના ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ વહેલી સવારના ભારે વરસાદ પડી રહ્યો હતો એ દરમિયાન લગભગ ચાર વાગ્યાની આસપાસ ભારત નગરમાં ભેખડ ધસી પડીને ત્યાં રહેલા ઝૂંપડા પર પડી હતી. જેમાં ૨૦ વર્ષ અને ૨૫ વર્ષના બે ભાઈઓ જખમી થયા હતા. બંને ભાઈઓને સાયન હૉસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા.
હવામાન ખાતાએ મુંબઈ, થાણે અને પાલઘરમાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે, તે મુજબ આજથી આ વિસ્તારોમાં મુશળધાર વરસાદની પડવાની શક્યતા છે. તો કોંકણ, વિદર્ભ સહિત રાજ્યમાં પણ ચોમાસું આજથી ફરી સક્રિય થવાનો અંદાજો હવામાન ખાતાએ વ્યક્ત કર્યો છે.
રવિવારે દિવસ દરમિયાન છૂટોછવાયો વરસાદ પડયો હતો. વરસાદનું જોર જોકે દક્ષિણ મુંબઈમાં વધારે હતું. સવારના ૮થી સાંજના સાત વાગ્યા સુધીમાં તળ મુંબઈમાં ૨૨.૬૪ મિલીમીટર, પશ્ર્ચિમ ઉપનગરમાં ૮.૦૧ તો પૂર્વ ઉપનગરમાં ૫.૫૮ મિ.મી. વરસાદ નોંધાયો હતો.
——————-
ભેખડ ધસી પડવાનું જોખમ

રવિવારે ચેંબુરમાં ભેખડ ધસી પડતા બે ભાઈઓ જખમી થયા હતા. આગામી દિવસમાં ચોમાસું જામવાની સાથે વરસાદનું જોર વધશે ત્યારે ભેખડ ધસી પડવાની જેવી દુર્ઘટના વધવાની શક્યતાએ પાલિકાની ચિંતા વધારી મૂકી છે. મુંબઈમાં દર વર્ષે ચોમાસા દરમિયાન ભેખડ ધસી પડવાના બનાવ બનતા હોય છે, જેમાં ચેંબુર, ઘાટકોપર, માહુલ, સાકીનાકા, વિક્રોલી જેવા વિસ્તારમાં ભેખડ પડવાના બનાવ વધારે છે. પાલિકા પ્રશાસન દ્વારા ડુંગરાળ વિસ્તારમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસવાની અપીલ કરવામાં આવતી હોય છે. છતાં તેઓ પોતાના ઘર છોડતા નથી અને વરસાદ દરમિયાન ડુંગરાળ વિસ્તારમાં ભેખડ ધસી પડીને ઘર પર પડતી હોય છે અને જાનમાલનું નુકસાન થતું હોય છે. છેલ્લાં બે-ત્રણ વર્ષમાં ચોમાસામાં ભેખડ ધસી પડવાને કારણે લગભગ ૬૦થી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યાં છે.

ચાંદિવલીમાં ઘરનો સ્લેબ તૂટી પડ્યો
ચાંદીવલીમાં મ્હાડા કૉલોનીમાં નિસર્ગ હાઉસિંગ સોસાયટીમાં ૩૦ વર્ષ જૂની બિલ્ડિંગ નંબર ૧૦માં બે માળાનો સ્લેબ તૂટી પડ્યો હતો. ફાયરબિગ્રેડ અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ દુર્ઘટના રવિવાર બપોરના બની હતી. લગભગ ૧૯૯૨-૯૩માં બંધાયેલી આ ઈમારતના દસમા માળા પર ૧૦૫ નંબરના ઘરમાં સમારકામનું કામ ચાલી રહ્યું હતું. આ સમયે ઘરનો સ્લેબ તૂટી પડ્યો હતો. સદનસીબે આ દુર્ઘટના બની ત્યારે ઘરમાં કોઈ નહોતું. તે સમયે ફક્ત એક જ મજૂર કામ કરી રહ્યો હતો તે મામૂલી જખમી થયો હતો.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.