નક્ષત્રલોકથી આવેલી છ માતા શિવ-પાર્વતીના પુત્રનું લાલનપાલન કરે છે

ધર્મતેજ

શિવ રહસ્ય – ભરત પટેલ

ગત સપ્તાહ સુધીનો સારાંશ: ત્રણે પુત્રો પોતાની સમક્ષ આવતાં જ તારકાસુર તેમનું સ્વાગત કરતાં કહે છે કે હવે તમે પિતૃઋણ અદા કરવા સક્ષમ બન્યા છો. આશા છે તમે ત્રણે ત્રિલોક વિજેતા બની ત્રણે લોક પર રાજ કરશો. હવે શિવપુત્ર મારી હત્યા કરે તો મને કોઈ અફસોસ નથી, મારા પુત્રો અસુરોને એક ઊંચાઈએ લઈ જવા સક્ષમ છે. કમલાક્ષ અને તારકાક્ષ જણાવે છે કે, પિતાજી અમે મહાદેવને વચન આપ્યું છે કે અમે કદાપિ અધર્મના માર્ગ પર નહીં ચાલીએ, અધર્મના માર્ગ પર મળેલું વરદાન સ્વયં નિષ્પ્રભાવ થઈ જશે. પણ અજ્ઞાની તારકાસુર કહે છે કે, પિતાની આજ્ઞા માની તેમના કાર્યમાં સહાય કરવી એ જ ખરો પુત્રધર્મ છે. સમજશક્તિનો અભાવ ધરાવતા પિતા સમક્ષ ત્રણે પુત્રો હાર માનતાં કહે છે કે, પિતાજી તમારી આજ્ઞા અમને માન્ય છે, કહો અમારે શું કરવાનું છે? તે દરમિયાન ત્યાં ઉપસ્થિત શુક્રાચાર્ય કહે છે કે, તમારી વાત સત્ય છે તારકાસુર, મને લાગતું હતું કે તમારા પુત્રો આસુરી પ્રવૃત્તિઓનો ત્યાગ કરી સૃષ્ટિમાં ભક્તિમય સર્જનાત્મક કાર્યમાં સામેલ થશે, પણ હું ભૂલી ગયો હતો કે આસુરી વંશ પોતાની આસુરી પરંપરાને ક્યારેય ત્યાગી નહીં શકે, તમારા બધાનો વિનાશ નિશ્ર્ચિત છે. આટલું કહી ક્રોધિત અસુર ગુરુ શુક્રાચાર્ય ત્યાંથી વિદાય લે છે. તારકાસુર તેમના ત્રણે પુત્રોને કહે છે કે, તમને ભગવાન શિવનું વરદાન છે, તમે મહિદાનવ સાથે મળી ત્રણ ગ્રહોનું નિર્માણ કરો, પહેલો સ્વર્ણ, બીજો રજત અને ત્રીજો લોહતત્ત્વથી નિર્માણ કરો, આ ત્રણે ગ્રહોમાં કોઈ દેવતાગણ પ્રવેશી ન શકે તેવી વ્યવસ્થા કરવી, આ ત્રણે ગ્રહો બનાવવા જોઈતું તત્ત્વ સૃષ્ટિના પેટાળમાંથી લેવું. કૈલાસ ખાતે ઘણા સમયથી એકાંતવાસ માણી રહેલાં પુત્રની ઝંખના કરતાં માતા પાર્વતીને રાત્રે સ્વપ્ન આવવા માંડ્યાં કે તેમને પુત્રરત્નની પ્રાપ્તિ થઈ છે પણ સ્વપ્ન પૂર્ણ થતાં જ વાસ્તવિકતાનું ભાન થતાં માતા પાર્વતી ચિંતામાં સરી પડતાં હતાં. ચિંતિત રહેતાં માતા પાર્વતીને જોઈ ભગવાન શિવ કહે છે કે, પ્રકૃતિ અને પુરુષનું મિલન ફક્ત શારીરિક હોય એ આવશ્યક નથી, પ્રકૃતિ અને પુરુષનું મિલન આત્માથી પણ થાય છે, આત્માના મિલનથી થતું સર્જન અલૌકિક હોય છે. પ્રકૃતિ અને પુરુષનું શારીરિક મિલન વિસ્તૃત સંપૂર્ણતા (કુટુંબની વિસ્તૃતતા) હેતુ હોય છે. દેવી રતિનો શ્રાપ સૃષ્ટિના ઘટનાક્રમમાં પૂર્ણવિરામ નથી, માત્ર અલ્પવિરામ છે. તમારી કૂખથી ભલે એ પુત્રપ્રાપ્તિ નહીં થાય, પણ એ પુત્ર મારા તેજપૂંજ અને તમારી શક્તિઓથી ભરપૂર હશે. તમારો પુત્ર મા ગંગાની શરણમાં જન્મ લઈ ચૂક્યો છે અને તેનો ઉછેર છ નક્ષત્ર માતાઓ કરી રહી હોવાથી તેનું નામ કાર્તિકેય છે જેનેે નક્ષત્ર લોક સ્થિત દેવગણો વિદ્યા આપી રહ્યા છે, થોડા જ સમયમાં તમારો પુત્ર તમારી સમક્ષ ઉપસ્થિત થશે, તમારી બધી જ મનોવ્યથા પૂર્ણ થશે. તો સામે પક્ષે તારકાસુરના ત્રણે પુત્રો મહિદાનવને મળે છે અને તેમને આજ્ઞા કરે છે કે હે મહિદાનવ તમને અસુરસમ્રાટ તારકાસુરે ત્રણ ગ્રહ બનાવવા કહ્યું છે જે સ્વર્ણ, રજત અને લોહતત્ત્વના હોય અને આ ત્રણે ગ્રહોને સૂર્યમંડળમાં સ્થાપિત કરવા. આ સાંભળી મહિદાનવ કહે છે કે, આ કાર્ય ખૂબ વિકટ છે, આ કાર્યની સંપૂર્ણતા માટે ખૂબ મોટી સંખ્યામાં સ્વર્ણ, રજત અને લોહતત્ત્વ જોઈશે, આ તત્ત્વો સૃષ્ટિના પેટાળમાંથી લેતાં કદાચ સૃષ્ટિનો વિનાશ પણ થઈ શકે.
***
સૃષ્ટિનો વિનાશ પણ થઈ શકે એટલું સાંભળતાં તારકાક્ષ કહે છે:
તારકાક્ષ: ‘મહિદાનવ, તમને અસુરરાજે જે આદેશ આપ્યો છે તેનું પાલન કરો, સૃષ્ટિનું શું થશે તેનો વિચાર તમારે કરવાનો નથી, અસુરરાજના આદેશનું પાલન નહીં થાય તો અસુરરાજ શું કરશે તે વિચારો.’
ભયભીત મહિદાનવ સુવર્ણ, રજત અને લોહતત્ત્વના ત્રણ ગ્રહો બનાવી સૂર્યમંડળમાં સ્થાપિત કરવા તૈયાર થાય છે. અસુરગણો મહિદાનવની સૂચના પ્રમાણે પૃથ્વીના પેટાળમાંથી સુવર્ણ, રજત અને લોહતત્ત્વ તેમને પહોંચાડે છે. કઠિન પરિશ્રમ બાદ ત્રણે ગ્રહો તૈયાર થઈ ગયા હોવાની માહિતી મળતાં જ તારકાસુર ત્યાં ઉપસ્થિત થાય છે.
તારકાસુર: ‘મહિદાનવ, તમારી નિષ્ઠા અને કલાકારીગરીની નિપુણતા માટે સંપૂર્ણ અસુર સમાજને ગર્વ છે, આ ત્રણે ગ્રહોને તમે સૂર્યમંડળમાં ક્યારે સ્થાપિત કરશો.
મહિદાનવ: ‘અસુરરાજ, ત્રણે ગ્રહો તૈયાર છે, તમારી આજ્ઞા હોય તો સૂર્યમંડળમાં સ્થાપિત કરવાની તુરંત તૈયારી કરું તો પણ એ માટે ૩૬૫ દિવસની જરૂરિયાત છે, આ ગ્રહો સૂર્યમંડળમાં સ્થાપિત થયા બાદ તેમાં એક ત્રુટી ઉત્પન્ન થશે.’
તારકાસુર: ‘મહિદાનવ, સૂર્યમંડળમાં સ્થાપિત થયા બાદ કઈ ત્રુટી ઉત્પન્ન થશે.’
મહિદાનવ: ‘અસુરરાજ, આ ત્રણે ગ્રહો સૂર્યમંડળમાં સ્થાપિત થયા બાદ પોતાની ગતિ પ્રમાણે સમાંતર અંતરે સૂર્યની ગોળ ફરશે, પણ એક સમયે ત્રણે એક સમાંતર રેખામાં આવશે ત્યારે આ ત્રણે ગ્રહો એકબીજાની ચુંબકીય શક્તિથી ગ્રહિત થશે, અને તે સમયે કોઈ પણ દેવગણો આક્રમણ કરે તો આ ગ્રહો સાથે તમારા પુત્રોનો પણ વિનાશ કરી શકે છે.
તારકાસુર: ‘મહિદાનવ, આપણે આ ત્રણે ગ્રહોની ગતિ તો નિયંત્રિત કરી શકીએ છીએને? સુવર્ણ ગ્રહની ગતિ ખૂબ જ વધારે, રજત ગ્રહની ગતિ અન્ય ગ્રહો જેટલી અને લોહતત્ત્વ ગ્રહની ગતિ એકદમ મંદ રાખવી જેથી આ ત્રણે ગ્રહો એક સમાંતર રેખામાં આવે તો પણ કોઈને દૃશ્યમાન જ ન થાય તો તેઓ આક્રમણ જ નહીં કરી શકે.’
***
અગ્નિદેવ: ‘દેવરાજ ઇન્દ્ર, જુઓ તારકાસુર મહિદાનવ પાસે ત્રિપુરનું નિર્માણ કરાવી રહ્યો છે, જે સૂર્યમંડળમાં સ્થાપિત કરવામાં સફળ થયો તો આપણે ક્યારેય તારકાસુર અને તેના પુત્રનો વિનાશ નહીં કરી શકીએ.’
દેવરાજ ઈન્દ્ર: અગ્નિદેવ, હું જોઈ રહ્યો છું કે મહિદાનવે ત્રણે ગ્રહોને બનાવી લીધા છે અને તે સૂર્યમંડળમાં સ્થાપિત કરવા જઈ રહ્યો છે, તેને અટકાવી શકાય નહીં, આ ગ્રહો સૂર્યમંડળમાં સ્થાપિત થાય તે પહેલાં આપણે શિવપુત્રને લાવી તારકાસુરનો વધ કરવો આવશ્યક છે.
***
શિવપુરાણ અને દક્ષિણના શિવપુરાણમાં કાર્તિકેયનો જન્મ મા ગંગાના સાંનિધ્યમાં થયો અને નક્ષત્રલોકમાં તેનું લાલનપાલન થાય છે. તે દરમિયાન દેવગણો કાર્તિકેયને અસ્ત્રશસ્ત્ર વિદ્યાનું જ્ઞાન આપી તેમને યુદ્ધ કલામાં પારંગત બનાવે છે, તો ભારતના ઉત્તરીય પ્રદેશમાં એક વર્ગ એવો માનવાવાળો છે જેમાં તેઓ એમ કહેવા માગે છે કે, ભગવાન શિવ અને માતા પાર્વતીનાં લગ્ન બાદ તેઓ પ્રથમ એક સ્થળે નંદીને રાહ જોવાનું કહી આગળ વધે છે. ત્યારબાદ માતા ગંગાને એક ઝીલ (સરોવર)માં સ્થાન આપે છે જેમાં શેષનાગ અને ચંદ્રદેવને પણ ત્યાં રોકાવાનું કહેવામાં આવે છે. આ ઝીલ આજે શેષનાગ ઝીલ તરીકે પ્રખ્યાત છે. ભગવાન શિવના શરીર પર અન્ય કંઈ પણ શોભાયમાન ન રહેતાં માતા પાર્વતી અને ભગવાન શિવ આગળ વધે છે અને હાલમાં કહેવાતી અમરનાથ ગુફામાં પ્રથમ પ્રકૃતિ અને પ્રથમ પુરુષનું માનસિક મિલન થતાં ત્યાં એક ઊર્જા ઉત્પન્ન થાય છે, તે ઊર્જા એટલે જ ભગવાન કાર્તિકેય. એક ગુફામાં એક ઊર્જા ઉત્પન્ન થઈ રહી હોવાના સમાચાર મળતાં જ તારકાસુર ત્યાં પહોંચવાની તૈયારી કરે છે, આ સમાચાર દેવગણોને મળતાં જ તેઓ ગુફાના દ્વાર પર પહોંચે છે, દ્વાર પર પહોંચી તેઓ જુએ છે કે અલૌકિક ઊર્જા ગુફામાં દૃશ્યમાન છે તો દેવરાજ ઇન્દ્ર અગ્નિ દેવને આદેશ આપે છે કે જાઓ અગ્નિ દેવ, આ ઊર્જા એવી જગ્યાએ લઈ જાઓ કે કોઈને ખબર ન પડે, આ ઊર્જા ભગવાન શિવ અને માતા પાર્વતીના મિલન બાદ આવી હોવાથી આ જ આપણા તારણહાર હોઈ શકે. દેવરાજ ઈન્દ્રના આદેશથી અગ્નિદેવ એ ઊર્જાને લઈ ત્યાંથી અદૃશ્ય થાય છે. ઊર્જા ત્યાંથી દૂર થઈ હોવાથી માતા પાર્વતીનું ધ્યાન ભંગ થાય છે. તેઓ જુએ છે કે અગ્નિ દેવ ઊર્જાને લઈ જઈ રહ્યા છે અને થોડીક જ ક્ષણોમાં અગ્નિ દેવ અદૃશ્ય થાય છે.
અગ્નિ દેવની પાછળ દોડી રહેલાં માતા પાર્વતીને જોઈ ભગવાન શિવ પણ તેમની પાછળ જાય છે, ગુફાની બહાર દેવગણો ઉપસ્થિત હોય છે, દેવગુરુ બૃહસ્પતિ કહે છે, ‘હે જગતમાતા, દેવગણોને માફ કરો, દેવરાજ ઇન્દ્રના આદેશથી જ તમારા પુત્રને અગ્નિ દેવ એક સુરક્ષિત સ્થળે લઈ જઈ રહ્યા છે, અને સમય થતાં તેઓ તમારી સમક્ષ લઈ આવશે. તે જ સમયે ભગવાન શ્રીહરિ વિષ્ણુ અને બ્રહ્માજી પણ ત્યાં ઉપસ્થિત થાય છે.
ભગવાન શ્રીહરિ વિષ્ણુ: ‘દેવી, તમારો પુત્ર સુરક્ષિત સ્થળે જન્મ લેશે અને યોગ્ય સમયે તમારી પાસે આવશે, તેની જવાબદારી હું લઉં છું.’
માતા પાર્વતી: ‘શ્રી હરિ, મને તમારી જવાબદારી પર વિશ્ર્વાસ છે, પણ શું અગ્નિ દેવ પ્રથમ પ્રકૃતિ અને પ્રથમ પુરુષ દ્વારા ઉત્પન્ન થયેલી ઊર્જાનો ભાર સહન કરી શકશે? શું એ ઊર્જામાં અગ્નિ દેવનો વિનાશ સંભવ છે?
ભગવાન શ્રીહરિ વિષ્ણુ: ‘દેવી, તમારી ચિંતા યોગ્ય છે, અગ્નિ દેવ એ ઊર્જાનો ભાર સહન કરવા શક્તિમાન નથી, પણ તેઓ પતિત પાવન મા ગંગાના શરણે પહોંચી ગયા છે, અને આ ઊર્જા મા ગંગાની પવિત્ર ધારામાં વહેતી થઈ ગઈ હોવાથી થોડા જ સમયમાં તમારા પુત્રનો જન્મ થશે અને આ પવિત્ર મા ગંગાની ધારામાં સ્નાન કરી રહેલી નક્ષત્રલોકથી આવેલી છ માતાઓ તમારા પુત્રનું લાલનપાલન કરશે. (ક્રમશ:)

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.