ધરતી પરના જીવ માટે વરદાન રૂપ ગણાય છે દૂધ

ઇન્ટરવલ

સ્વાસ્થ્ય સુધા-શ્રીલેખા યાજ્ઞિક

આજે ૧ જૂન, ૨૦૨૨ના દિવસને ‘વિશ્ર્વ દૂધ દિવસ’ તરીકે ઊજવવામાં આવે છે. વળી આજના દિવસને ‘વૈશ્ર્વિક માતા-પિતા’ દિવસ તરીકે પણ ગણવામાં આવે છે. પ્રત્યેક વ્યક્તિના જીવનમાં માતા-પિતાનું સ્થાન શ્રેષ્ઠ માનવામાં આવે છે, તેથી જ તો કહેવાય છે કે ઈશ્ર્વર સર્વત્ર પહોંચી શકવા અશક્તિમાન હોવાથી માતા-પિતાનું સર્જન કર્યું. સાંસારિક રીતે વિચારીએ તો સંતાનના જન્મ બાદ જ યુગલને માતા-પિતાનો દરજ્જોે મળે છે. શિશુની વય વધવાની સાથે સૌથી મોટી સમસ્યા માતા-પિતાને તેમને દૂધ પિવડાવવાની જ હોય છે. નવજાત શિશુ માટે તો માતાનું દૂધ જ શ્રેષ્ઠ ગણાય છે. ધીમે ધીમે બાળકના શરીરને પૂરતું પોષણ મળી રહે તે માટે ગરીબ હોય કે ધનિક, સંતાનને દૂધ દ્વારા મળતા પૌષ્ટિક ગુણો મળે તે માટે ખાસ કાળજી રાખવામાં આવતી હોય છે. પ્રત્યેક ઘરમાં બાળકની પાછળ માતા-પિતા, દાદા-દાદી દૂધ પિવડાવવા માટે તેને કાલા-વાલા કરતાં જોવા મળતાં જ હોય છે. વાત પણ વ્યાજબી જ છે કે બાળકના સંપૂર્ણ વિકાસમાં દૂધની ભૂમિકા અગત્યની ગણાય છે.
ભારતીય પુરાણોમાં દૂધને પવિત્ર માનવામાં આવ્યું છે. દેવોને પણ દૂધ અત્યંત પ્રિય દર્શાવવામાં આવ્યું છે, તેથી જ તો સ્નાનાદિમાં દૂધનો ઉપયોગ છૂટથી કરવામાં આવી રહ્યો છે. તો દૂધનો ભોગ પણ પ્રત્યેક દેવને અચૂક ધરાવવામાં આવતો જ હોય છે, આથી જ મંદિરોમાં ભોગ માટે અનેક સામગ્રી દૂધથી બનાવવામાં આવે છે. અનેક સરકારી શાળામાં વિદ્યાર્થીઓને રિસેસમાં ખાસ દૂધ પિવડાવવામાં આવતું હોય છે. સંતાનના વેવિશાળ વખતે પણ ખાસ કેસરિયા દૂધ પીવાની વિધિ કરીને સંબંધને આગળ વધારવામાં આવે છે. દૂધ જેવું શુદ્ધ ચારિત્ર્ય હોવાની કહેવત પણ ચલણમાં જોવા મળે છે. ચાલો, આજે આપણે પણ દૂધના સ્વાસ્થ્ય સંબંધિત લાભને મમળાવી લઈએ.
કહેવાય છે કે સર્વોત્તમ દૂધ એટલે ગાયનું દૂધ. ગાયના દૂધમાં ૮૭ ટકા પાણી સમાયેલું છે. જ્યારે ૧૩ ટકામાં પ્રોટીન, ફેટ, કાર્બોહાઈડ્રેટ્સ, વિટામિન્સ તથા મિનરલ્સ સમાયેલાં જોવા મળે છે. પ્રોસેસિંગ ટેક્નિકના ઉપયોગ દ્વારા દૂધમાંથી ફેટને બે ટકા જેટલી ઘટાડવામાં આવે છે, જે લૉ ફેટ દૂધ તરીકે ઓળખવામાં આવે છે. એક ટકા જેટલી ફેટની માત્રા હોય તે દૂધને નૉન ફેટ કે સ્કિમ મિલ્ક તરીકે ઓળખવામાં આવે છે. એક સંશોધન દ્વારા એવી પણ માહિતી જાણવા મળી છે કે જાપાની પ્રજાની સરખામણીમાં પાશ્ર્ચાત્ય દેશોમાં દૂધ વધુ પીવામાં આવે છે. દૂધની ગુણવત્તા ગાયની જાતિ તથા તેને આપવામાં આવતા ચારા પર નિર્ભર રહે છે. દૂધની ગુણવત્તા વિશે પણ મુખ્યત્વે ત્રણ પ્રકાર વધુ લોકપ્રિય ગણાય છે. કેટલાકને ફેટવાળું દૂધ પસંદ હોય છે. કેટલાકને ફેટ-ફ્રી દૂધ પીવાનું ગમે છે. તો કેટલાક લોકો ઑર્ગેનિક દૂધનો ઉપયોગ કરવાનું જ પસંદ કરતા હોય છે. કયું દૂધ શ્રેષ્ઠ ગણાય તેવો પ્રશ્ર્ન પ્રત્યેક વ્યક્તિના મનમાં અચૂક જોવા મળતો હોય છે. ગાયનું-બકરીનું દૂધ શ્રેષ્ઠ ગણાય છે. ભેંસનું દૂધ સ્વાસ્થ્ય માટે ખાસ ઉપયોગી માનવામાં આવતું નથી. આજકાલ તો પાશ્ર્ચાત્ય દેશોમાં બકરી, ઊંટ, ઘેંટા તથા યાકના દૂધનો ઉપયોગ પણ છૂટથી કરવામાં આવી રહ્યો છે. ગાય સિવાય અન્ય પ્રાણીના દૂધનો ઉપયોગ કરવાથી સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે છે. ગાયના દૂધમાં લૅક્ટોઝની માત્રા ઘણી ઓછી જોવા મળે છે. એટલે ગાયનું દૂધ સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ ગણવામાં આવે છે. દૂધમાંથી બનતી ખાસ વાનગી એટલે ખીર, બાસુંદી, પેંડા, દૂધપાક, બરફી, કુલ્ફી વગેરે. દૂધનો ઉપયોગ કેરી-કેળાં-ચીકુ વગેરે સાથે કરીને મિલ્કશૅક પણ બનાવવામાં આવતો હોય છે. ગાયના દૂધમાંથી દહીં બનાવ્યા બાદ તેમાંથી ચીઝ, શ્રીખંડ કે મઠ્ઠો વગેરે પણ બનાવી શકાય છે. દૂધને ફાડીને તેમાંથી પનીર બનાવવામાં આવે છે.
દૂધનો ઉપયોગ આહારમાં કરવાથી વ્યક્તિની યાદશક્તિથી લઈને ત્વચા, વાળ, હાડકાં, વગેરે મજબૂત બને છે. દૂધ ન ભાવતું હોય તો તેમાંથી બનતી વિવિધ વસ્તુ જેવી કે દહીં, છાસ, માખણ કે પનીરનો ઉપયોગ પણ આહારમાં કરી શકાય છે. રાત્રે સૂતાં પહેલાં એક કપ ગરમ દૂધ પીવાથી ઊંઘ સારી આવે છે. દૂધમાં કૅલ્શિયમની સાથે સ્વાસ્થ્ય માટે આવશ્યક એમિનો એસિડ, વિટામિન બી-૧૨, વિટામિન -ડી, ફોસ્ફરસ વગેરે પૌષ્ટિક ગુણો પણ સમાયેલા છે, તેથી દૂધનો ઉપયોગ આહારમાં છૂટથી કરવાથી તંદુરસ્ત લાંબું જીવન મેળવવું સુલભ બને છે.
——————-
કેટલી માત્રામાં દૂધ પીવું જરૂરી છે?
શરીરમાં કૅલ્શિયમની માત્રા વયસ્ક વ્યક્તિ માટે ૧૦૦૦ મિલિગ્રામ, સગીર વ્યક્તિ માટે ૧૩૦૦ મિલિગ્રામ પ્રતિદિન આવશ્યક ગણાય છે. બાળકો માટે ૫૦૦-૮૦૦ મિલિગ્રામ જરૂરી છે. આશરે એક કપ દૂધમાં ૨૫૦ મિલિગ્રામ કૅલ્શિયમનું પ્રમાણ સમાયેલું હોય છે, આથી જ એવું કહેવાય છે કે શરીરની જરૂરિયાત પ્રમાણે કૅલ્શિયમની માત્રા દૂધ સિવાય અન્ય ચીજોમાંથી મેળવવી જરા મુશ્કેલ ગણાય છે. એટલે જ દૂધ કે દૂધમાંથી બનાવેલી વિવિધ વસ્તુનો ઉપયોગ આહારમાં કરવો આવશ્યક છે. અમેરિકન સરકાર દ્વારા દૂધનો ઉપયોગ કેટલો કરવો તે માટે ગાઈડલાઈન્સ બહાર પાડવામાં આવેલી છે તે મુજબ:
૧-૮ વર્ષના બાળક માટે દિવસમાં બે વખત દૂધ પીવું જરૂરી છે.
૯ વર્ષથી ઉપરનાય બાળકોને દિવસમાં ૩ વખત દૂધ પીવા આપવું.
યુવાવસ્થામાં તથા વયસ્ક વ્યક્તિને પણ દિવસમાં ૩ વખત દૂધ આપવાથી હાડકાં નબળાં પડવાની સમસ્યાથી બચાવી શકાય છે. યાદશક્તિ તેજ બને છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.