દેશમાં ડ્રોન સેવાઓ અને ડ્રોન આધારિત ઉદ્યોગની હરણફાળ: મોદી

ટૉપ ન્યૂઝ

પ્રત્યેક વ્યક્તિના હાથમાં એક સ્માર્ટ ફોન, દરેક ખેતરમાં એક ડ્રોન અને દરેક ઘરમાં સમૃદ્ધિ હોય તેવું વડા પ્રધાનનું સપનું

પીએમએ ડ્રોન ઉડાડ્યું: નવી દિલ્હીસ્થિત પ્રગતિ મેદાન ખાતે યોજાયેલા ભારત ડ્રોન મહોત્સવના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન ડ્રોન ઉડાડી રહેલા વડા પ્રધાન નરેન્દ્ર મંોદી. તસવીરમાં કેન્દ્રના નાગરિકી ઉડ્ડયન ખાતાના પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા અને કેન્દ્રના રાજ્યકક્ષાના નાગરિકી ઉડ્ડયન ખાતાના પ્રધાન વી. કે. સિંહ પણ નજરે પડી રહ્યા છે. (એજન્સી)

નવી દિલ્હી: ડ્રોન મહોત્સવના ઉદ્ઘાટન સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ડ્રોન ટેક્નોલોજીને લઈને દેશભરમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને એનાથી એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે આપણા દેશમાં ડ્રોન સેવાઓ અને ડ્રોન આધારિત ઉદ્યોગ લાંબી છલાંગ લગાવી રહ્યો છે.
ડ્રોન ટેક્નિકને કારણે દેશમાં રોજગારનું નિર્માણ માટે એક વધુ સેક્ટર ઊભરી રહ્યું હોવાની સંભાવના જોવા મળી રહી છે. ખેતીવાડીમાં ડ્રોનના ઉપયોગ તેમ જ મહત્ત્વની પણ તેમણે ચર્ચા કરી હતી અને કઈ રીતે ડ્રોન ટેક્નોલોજી મોટી ક્રાન્તિનો આધાર બની શકે છે એ જણાવ્યું હતું. વધુ માહિતી આપતા તેમણે કહ્યું હતું કે પહેલીવાર દેશનાં ગામોની તમામ મિલકતનું ડિજિટલ મેપિંગ કરવામાં આવી રહ્યું છે. કેન્દ્રના કૃષી ખાતાના પ્રધાન નરેન્દ્રસિંહ તોમરે પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. બે દિવસના આ મહોત્સવમાં ૭૦ પ્રદર્શનકર્તાઓ તેમની ટેકનિકનું પ્રદર્શન કરશે. ‘ભારતીય ડ્રોન મહોત્સવ ૨૦૨૨’માં સરકારી અધિકારીઓ, વિદેશી રાજનેતાઓ,
સશસ્ત્ર દળ, કેન્દ્રીય સશસ્ત્ર દળ, ખાનગી કંપનીઓ અને ડ્રોન સ્ટાર્ટ-અપથી જોડાયેલા ૧૬૦૦થી વધુ લોકો ભાગ લેશે.
‘આત્મનિર્ભર ભારત’ અભિયાન અંતર્ગત હવે ડ્રોન ટેકનિક કૃષી, ખાણકામ, પાયાની માળખાકીય સુવિધા, દેખરેખ યંત્રણા, આપત્તિ પ્રબંધન, પરિવહન, જિયો મેપિંગ, રક્ષા તેમ જ કાયદો અને વ્યવસ્થા લાગુ કરવાના ક્ષેત્રમાં મોટી ભૂમિકા ભજવશે.
મહોત્સવ દરમિયાન મોદીએ ખેડૂત ડ્રોનચાલકો સાથે પણ વાતચીત કરી હતી અને ડ્રોનના પ્રદર્શન કેન્દ્રમાં સ્ટાર્ટ-અપ સાથે પણ સંવાદ કર્યો હતો.
તેમણે કહ્યું હતું કે ડ્રોન ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવું એ સુશાસન અને જીવનમાં સુગમતા લાવવા પ્રતિની અમારી પ્રતિબદ્ધતાને આગળ વધારવાનું એક માધ્યમ છે.
ડ્રોનના સ્વરૂપમાં આપણી પાસે એક સ્માર્ટ ઉપકરણ છે, જે લોકોના જીવનનો હિસ્સો બનવા જઈ રહ્યું છે.
વર્ષ ૨૦૧૪ અગાઉ શાસનમાં ટેકનોલોજીના ઉપયોગ પરત્વે ઉદાસીનતાનું વાતાવરણ જોવા મળતું હતું અને તેને કારણે ગરીબ તેમ જ મધ્યમ વર્ગના લોકો સૌથી વધુ પ્રભાવિત થયા હતા.
વર્તમાન સરકારે ડ્રોન અને અન્ય ટેક્નોલોજીની મદદથી સેવાઓને શ્રેષ્ઠતા સુધી લઈ જવાનું સુનિશ્ર્ચિત કર્યું હોવાનું તેમણે ભારપૂર્વક કહ્યું હતું.
દેશની આઝાદીનો અમૃત મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે દેશની પ્રત્યેક વ્યક્તિના હાથમાં એક સ્માર્ટ ફોન, દરેક ખેતરમાં એક ડ્રોન અને દરેક ઘરમાં સમૃદ્ધિ હોય તેવું મારું સપનું છે, એમ તેમણે કહ્યું હતું.
ભારતમાં ડ્રોન ટેક્નોલોજીને લઈને જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે તે અદ્ભુત છે અને આ બાબત ઊભરતા ક્ષેત્રમાં રોજગારના નિર્માણની સંભાવનાના સંકેત આપે છે, એમ તેમણે કહ્યું હતું.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.