દીકરીના ભવિષ્ય માટે ૩૬ વર્ષ બાપ બનીને જીવી એક મા!

લાડકી

લાઈમ લાઈટ -નિધિ ભટ્ટ

કહે છે કે દરેક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે, પણ જીવનના સંઘર્ષને સફળ કરવા એક સ્ત્રીએ પુરુષાતનનો સહારો લેવો પડે તો? પોતાનું સાચું અસ્તિત્વ છુપાવીને વર્ષો સુધી જીવવું સહેલું નથી. આપણે મોટે ભાગે માનીએ છીએ કે આવું કરનાર કાં તો કોઈ જાસૂસ હોય કાં તો કોઈ ગુનેગાર, પણ એ સાચું નથી. જો તમે રાજ કપૂરની ફિલ્મ ‘મેરા નામ જોકર’ જોઈ હોય તો તેમાં ‘મીનુ માસ્ટર’ (પદ્મિની)નું પાત્ર જરૂર યાદ હશે, જે રાજુ (રાજ કપૂર)નો મિત્ર હોય છે. શરૂઆતમાં રાજુ એમ જ સમજે છે કે તે પુરુષ છે, પરંતુ જ્યારે રાજુને મીનુ માસ્ટરની સચ્ચાઈ ખબર પડી, ત્યારે એ ચોંકી જ ગયો. સમાજના વરુઓથી બચવા મીનુ પુરુષ બનીને જીવી રહી હતી. આ તો એક ફિલ્મ હતી, પણ જો આપણને ખબર પડે કે આપણી આસપાસ કોઈ એવો પુરુષ છે જે હકીકતમાં સ્ત્રી છે, તો આપણે પણ ચોંકી જ જઈએને? મીનુ માસ્ટરની કહાણીને મળતી આવતી એક સાવ સાચી કહાણી આપણી દુનિયામાં, આપણા દેશમાં જ બની છે. એક એવી મા, જે પતિના મૃત્યુ બાદ ૩૬ વર્ષથી પુરુષ બનીને જીવી રહી છે.
જે સ્ત્રીની આપણે વાત કરીએ છીએ તેનું નામ છે, એસ. પેચિયામ્મલ, જે તમિળનાડુના થુથુકુડી શહેરથી ૩૦ કિલોમીટર દૂર નાનકડા ગામ કટુનાયક્કનપટ્ટીમાં રહે છે. તેમની કહાણી આપણને હચમચાવી નાખે તેવી છે. ફિલ્મી વાર્તાઓ કરતાં જીવનની વાસ્તવિકતા વધુ કઠોર હોય છે. લગ્નના માત્ર ૧૫ દિવસમાં પતિનું મૃત્યુ થયું ત્યારે તેની ઉંમર હતી માત્ર ૨૦ વર્ષ. જે ઉંમરે એક સ્ત્રી લગ્નજીવનનાં, સુખી સંસારનાં સપ્નાં જોતી હોય, તે ઉંમરે તો એ વિધવા થઈ ગઈ, એ પણ ત્યારે જ્યારે તે ગર્ભવતી હતી, પણ પેચિયામ્મલ બીજાં લગ્ન કરવા નહોતી માગતી. બાકીની જિંદગી જે કોઈ પડકાર લાવે, તેનો મુકાબલો કરી કાપી લેવાનો તેણે નિશ્ર્ચય કરી લીધો. થોડા સમયમાં તેણે એક દીકરીને જન્મ આપ્યો. ઘર અને દીકરીની પરવરિશ માટે કામ કરવાનું શરૂ કરી દીધું.
પેચિયામ્મલ માટે જે ગામમાં રહેતી હતી ત્યાં કામ કરવું ખૂબ મુશ્કેલ હતું. ત્યાં લોકો તેને બહુ હેરાન કરતા હતા. દીકરીના પાલનપોષણ માટે તેમણે હોટલ, ચાની રેંકડી અને ક્ધસ્ટ્રક્શન સાઈટ જેવી જગ્યાઓએ પણ કામ કર્યું, પણ ત્યાં લોકો મહેણાંટોણા મારતાં, તેને ખરાબ નજરે જોતા અને સાથે સાથે અભદ્ર કમેન્ટ્સ પણ કરતા. એક એકલીઅટૂલી સ્ત્રી માટે આવા માહોલમાં કામ કરવું કેટલું અસહ્ય હોઈ શકે! આખરે તેણે અજાણી વાટ
પકડવી પડી.
પેચિયામ્મલમાંથી મુથુ બનવાનો નિર્ણય
જ્યારે પેચિયામ્મલને લાગ્યું કે આ પુરુષપ્રધાન સમાજમાં એક દીકરી સાથે રહેવું અશક્ય છે તો તેમણે નિશ્ર્ચય કર્યો કે પોતાની સ્ત્રી તરીકેની ઓળખ છુપાવીને એક પુરુષ તરીકે જીવશે. આ માટે પહેલાં તેમણે પોતાના કેશ તિરુચેન્દુર મુરુગન મંદિરમાં દાન કર્યા અને સ્ત્રીના વેશનો ત્યાગ કરીને પુરુષની જેમ શર્ટ અને લુંગીનો વેશ ધારણ કર્યો. તે સાથે પોતાનું નામ પણ બદલીને મુથુ રાખ્યું.
૨૦ વર્ષ સુધી પોતાના ગામથી દૂર રહ્યા પછી તે જ્યારે પાછી આવી ત્યારે તેની દીકરી અને નજીકનાં સગાંઓ સિવાય કોઈ તેની સાચી ઓળખ જાણતું નહોતું. પેચિયામ્મલ પોતાની સંઘર્ષગાથા સંભળાવતાં જણાવે છે કે શરૂઆતમાં આ બહુ જ મુશ્કેલ હતું, પણ પોતાની અને દીકરીની સુરક્ષા માટે આ રસ્તો અપનાવવાનો દૃઢ નિશ્ર્ચય કર્યો. વેશપલટા બાદ કામકાજ માટે એક પુરુષ તરીકે તે લોકો સમક્ષ આવી, પરિણામે જ્યાં પણ કામ કર્યું ત્યાં સુરક્ષિત રહી. પુરુષ તરીકેની ઓળખ કાયમ રાખવા નાના નાના કેટલાય ફેરફારો જીવનમાં કર્યા. સ્ત્રીઓને બસમાં મફત મુસાફરીનો લાભ સરકાર આપતી હતી, પણ પોતાની પુરુષ તરીકેની ઓળખ માટે થઈને તે એ લાભ જતો કરીને પણ પુરુષની સીટ પર પ્રવાસ કરતી હતી. એટલે સુધી કે શૌચાલય પણ પુરુષોનાં વાપર્યાં છે! એક સ્ત્રી માટે આ કેટલું કપરું, કેટલું પીડાદાયક હશે તેની આપણે કલ્પના પણ ન કરી શકીએ.
આ જ રીતે આજકાલ કરતાં ૩૦ વર્ષ વીતી ગયાં. બધા તેને અન્નાચી (પુરુષોને થતું સંબોધન) કહીને જ બોલાવતા.
મુથુ તરીકે જીવી,
મુથુ તરીકે મરવું છે
પેચિયામ્મલ હવે તો ૫૭ વર્ષની થઈ ચૂકી છે. તેની દીકરી, ષણ્મુગા સુંદરીનાં લગ્ન પણ થઈ ગયાં છે. તેનું કહેવું છે કે મુથુ તરીકેની આ ઓળખે તેને અને તેની દીકરીને આટલાં વર્ષો સુરક્ષિત રાખ્યાં છે, તેથી હવે તે પુરુષ તરીકે જ રહેવા માગે છે. પોતાની આપવીતી વર્ણવતાં તે જણાવે છે કે તેણે રંગરોગાનનું કામ, ચા બનાવવી, પરોઠા બનાવવાથી લઈને ૧૦૦ દિવસ મજૂરી કરવા જેવાં અનેક કામ કર્યાં છે. આ મજૂરીઓમાંથી મળેલી પાઇ પાઇ ભેગી કરીને પોતાનું અને દીકરીનું જીવન બહેતર બનાવવાની કોશિશ કરી છે. સમય વીતતાં તો તેની ઓળખાણ જ મુથુની બની ગઈ. વોટર આઈડી, આધાર કાર્ડ, રેશન કાર્ડ, બેન્ક એકાઉન્ટ સહિત બધા જ દસ્તાવેજો પર હવે તેનું નામ મુથુ જ છે.
આ ઉંમરે હવે પેચિયામ્મલ માટે મજૂરી કરવી સંભવ નથી. એક વર્ષ પહેલાં તેણે પોતાની મહિલાની ઓળખ પર મનરેગા કાર્ડ મેળવ્યું. તેણે કહ્યું કે ‘મારી પાસે ન તો મારું પોતાનું ઘર છે અને ન કોઈ બચત. હું તો વિધવા પ્રમાણપત્ર માટે પણ અરજી કરી શકું તેમ નથી. હવે હું વૃદ્ધ થઇ છું. મારાથી મજૂરી કામ નથી થઇ શકતું, તેથી સરકારને અપીલ છે કે મને આર્થિક સહાય કરે.’ કલેક્ટર ડો. સેન્થિલરાજ કહે છે કે તેઓ આ બાબતમાં સામાજિક કલ્યાણ યોજના હેઠળ ઘટતું કરવા કોશિશ કરશે.
આપણે સહુ એકવીસમી સદીમાં પહોંચ્યાની વાતો ભલે કરીએ, નારી કલ્યાણ, નારી સુરક્ષા, નારી સમાનતાની વાતો ગમે તેટલી થાય, પણ પાયાના સ્તરે વાસ્તવિકતા ઘણી વાર ખૂબ વરવી હોય છે. છાશવારે સ્ત્રીઓ પર થતા અત્યાચાર, છેડતી, દહેજ મૃત્યુના કિસ્સાઓ આજે પણ સંભળાય છે. આજે પણ ત્યક્તાઓ, વિધવાઓ કે અપરિણીત સ્ત્રીઓ માટે સમાજ એક સુરક્ષિત વાતાવરણનું નિર્માણ કરી શક્યો નથી. કડવી છતાં આ હકીકત છે. તેમ છતાં પેચિયામ્મલની કહાણી આપણને એક જબરજસ્ત પ્રેરણા પૂરી પાડે છે. હૈયે હામ હોય તો ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ માર્ગ મળી જાય છે અને અસ્તિત્વની લડાઈ જીતી
જવાય છે.
અમેરિકન કવયિત્રી કિમ એડોનિઝિયો તેની કવિતામાં જાણે પેચિયામ્મલની વાત જ કહે છે,
‘હું શું ઇચ્છું છું. મને જ્યારે એ મળી જશે, હું એ વસ્ત્રને એમ ખેંચી કાઢીશ
એના હેંગરમાંથી જેમ હું શરીર પસંદ ન કરતી હોઉં.
મને આ દુનિયામાં લઈ આવવા માટે,
જન્મના રુદન અને સંભોગના ચિત્કારોમાં થઈને પણ,
અને હું એને પહેરીશ હાડકાંની જેમ, ચામડીની જેમ,
એ એ જ કમબખ્ત ડ્રેસ હશે,
જેમાં તેઓ મને દફનાવશે.’

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.