દિલ્હીને અત્યાધુનિક બનાવાશે: મોદી

દેશ વિદેશ

રાજધાનીમાં ટનલ અને પાંચ અન્ડરપાસનું વડા પ્રધાન દ્વારા ઉદ્ઘાટન

પ્રગતિ અને વિકાસ: નવી દિલ્હીમાં પ્રગતિ મેદાન ઇન્ટિગ્રેટેડ ટ્રાન્ઝિટ કોરિડોર ખાતે મુખ્ય ટનલ (બોગદું) અને પાંચ અન્ડરપાસના ઉદ્ઘાટન વખતે વડા પ્રધાન મોદી.
(પીટીઆઇ)

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે દેશની રાજધાની દિલ્હીમાં એક ટનલ અને પાંચ અન્ડરપાસનું ઉદ્ઘાટન કરતા જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દિલ્હીની કાયાપલટ કરીને તેને અત્યાધુનિક બનાવશે.
રૂ. ૯૨૦ કરોડ કરતાં પણ વધુને ખર્ચે પ્રગતિ મેદાન ઈન્ટિગ્રેટેડ ટ્રાન્ઝિટ કોરિડોર પ્રોજેક્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે અને આ સંપૂર્ણ ભંડોળ કેન્દ્ર સરકારે પૂરું પાડ્યું છે.
મોદીએ ભારપૂર્વક કહ્યું હતું કે દિલ્હીનો ચહેરો બદલવા અને તેને અત્યાધુનિક બનાવવા કેન્દ્ર સરકાર દ્વારા આધુનિક વિકાસના કામો હાથ ધરવામાં આવ્યા છે. દિલ્હીની સમસ્યાઓનો ઉકેલ લાવવા દિલ્હી-એનસીઆરમાં મેટ્રો ટ્રેક ડબલ કરવા સહિત
દિલ્હી-મેરઠ હાઈવેના કામ હાથ ધરવામાં આવ્યા હોવાનું તેમણે કહ્યું હતું.
કેન્દ્ર સરકાર તરફથી દિલ્હીને સુંદર માળખાકીય સુવિધાઓ મળી હોવાનું જણાવતાં તેમણે કહ્યું હતું કે આ યોજનાઓનો અમલ પંચાવન લાખ લિટર ઈંધણ બચાવવામાં તેમ જ પ્રદૂષણ ઘટાડવામાં મદદ કરશે.
વધતાજતા શહેરીકરણને સરકાર તક તરીકે નિહાળી રહી છે અને લોકોનું જીવન વધુ સરળ કઈ રીતે બને તેનાં પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, એમ તેમણે કહ્યું હતું.
સમય મૂલ્યવાન છે એમ જણાવતાં મોદીએ કહ્યું હતું કે સરકાર લોકો માટે રૂ. ૧૦૦ની મદદની જાહેરાત કરે તો તે સમાચારપત્રમાં મથાળાં બાંધે છે, પરંતુ સરકાર રૂ. ૨૦૦ની બચત કરે તો તેની નોંધ પણ નથી લેવાતી. (એજન્સી)

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.