ક ફાયર સૅફ્ટી સિસ્ટમ કામ કરતી નહોતી ક ઈમારતને ફાયરબ્રિગેડની નોટિસ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દાદર (પૂર્વ)માં ૪૪ માળની ઈમારતના ૪૨માં માળે ગુરુવારે મોડી રાતે આગ ફાટી નીકળી હતી. ઈમારતની ફાયર સૅફ્ટી સિસ્ટમ કામ કરતી ન હોવાથી ઊંચી ઈમારતના રહેવાસીઓની સુરક્ષાનો પ્રશ્ર્ન ફરી ચર્ચાસ્પદ બન્યો છે. તો ફાયર બ્રિગેડ પાસે ઊંચી ઈમારતમાં ઉપરના માળા
સુધી પહોંચવા માટેનું સાધન ન હોવાથી અનેક અડચણો આવતા આગ બુઝાવવાની કામગીરીમાં પણ વિલંબ થયો હતો. સદ્નસીબે આગમાં કોઈ જાનહાનિ થઈ નહોતી. મુંબઈમાં બુધવારે અંધેરીમાં ૨૮ માળની ઈમારતના ૨૩માં માળે લાગેલી આગમાં ૧૦ લોકો જખમી થયા હોવાની દુર્ઘટના હજી તાજી હતી ત્યાં ગુરુવારે સતત બીજા દિવસે બહુમાળી ઈમારતમાં આગ લાગવાની દુર્ઘટના બની હતી. દાદર (પૂર્વ)માં મરાઠી ગં્રથ સંગ્રહાલયની સામે બાબાસાહેબ આંબેડક રોડ પર આવેલી ગ્રાઉન્ડ પ્લસ ૪૪ માળના આરએ રેસિડેન્સી ટાવરના ૪૨માં માળે બંધ ફ્લેટમાં ઈલેક્ટ્રીક ફીટિંગમાં
ગુરુવારે રાતના ૮.૩૦ વાગે અચાનક આગ ફાટી નીકળી હતી.
આગ બુઝાવવા માટે ફાયર બ્રિગેડનાં ૧૬ ફાયર એન્જિન, ફાયર ટેન્ડર અને ચાર જંબો ટેન્કર તથા ૯૦ મીટરની હાઈ ક્રેન (સીડી) સહિત અન્ય સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. છતાં આગ બુઝાવવામાં ફાયર બ્રિગેડે નાકે દમ આવી ગયો હતો.
સદ્નસીબે આગ લાગી એ દરમિયાન લોકો સહીસલામત રીતે બિલ્ડિંગના દાદરા પરથી સુરક્ષિત રીતે બહાર નીકળવામાં સફળ રહ્યા હતા. તેથી કોઈના જખમી થવાનો કે જાનહાનિનો બનાવ ટળ્યો નહોતો.
ગુરુવાર રાતે લાગેલ આગ પર છેક શુક્રવારે વહેલી સવારના ૩.૩૦ વાગ્યાની આસપાસ એટલે કે લગભગ સાડા સાત કલાકે નિયંત્રણ મેળવવામાં સફળતા મળી હતી. આગને અગાઉ લેવલ-૨ની જાહેર કરવામાં આવી હતી. બાદમાં લગભગ રાતના ૧૧.૩૦ વાગ્યાની આસપાસ તેને ચાર નંબરની (મોટી આગ) આગ જાહેર કરવામાં આવી હતી.
—
આગ બુઝાવવામાં આવી અડચણો
ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર સંજય માંજરેકરે ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે આ બિલ્ંિડગની ફાયર ફાઈટિંગ સિસ્ટમ કરતી ન હોવાનું જણાયું છે. તેથી હાઈ પ્રેશર લાઈનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જો કે તેમાં પણ અનેક અડચણો આવી હતી. પાણીમાં પ્રેશર ન હોવાથી પાણી ઉપર સુધી પહોંચી શક્યું નહોતું. બાદમાં સ્વિમિંગ પૂલમાંથી ઉપર પાણી લાવીને ફાયર બ્રિગેડના જવાનોને મેન્યુલ આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
—
૯૦ મીટરની સીડી પણ કામ ન આવી
ચીફ ફાયર ઓફિસર સંજય માંજરેકરે કહ્યું હતું કે હાલ ફાયર બ્રિગેડ પાસે ૯૦ મીટરની ઊંચાઈની લેડર (સીડી) છે, પરંતુ તે માંડ ૩૦ માળ સુધી જ પહોંચી શકે છે. તેથી મુંબઈની ૩૦ માળથી ઊંચી ઈમારતમાં આગ લાગે અને બિલ્ંિડગની ફાયર સૅફ્ટી સિસ્ટમ કામ કરતી ન હોય તો આગ બુઝાવવામાં મુશ્કેલી આવે છે. દાદરની ઈમારતમાં ફાયર સૅફ્ટી સિસ્ટમ કામ કરતી ન હોવાને કારણે ૪૨મા માળે લાગેલી આગ બુઝાવવામાં ફાયર બ્રિગેડને ભારે તકલીફનો સામનો કરવો પડ્યો હતો.
—
નિયમો માત્ર કાગળ પર
મુંબઈમાં ઊંચી ઈમારત બાંધતા સમયે અમુક નિયમોનું પાલન કરવાનું હોય છે. ઈમારતનું બાંધકામ કરતા સમયે ‘ફાયર ઈવેક્યુએશન લિફ્ટ’ ફાયર સૅફ્ટી સિસ્ટમ વગેરે ન હોય તો બાંધકામને મંજૂરી આપવામાં આવતી નથી.
—
બિલ્ડિંગને નોટિસ
ઊંચી ઈમારતમાં ફાયર સૅફ્ટી સિસ્ટમ બેસાડવી આવશ્યક છે અને વખતોવખત તેનું ઈન્સ્પેક્શન કરાવીને તે કામ કરે છે તે ચેક કરવાનું પણ આવશ્યક છે. છતાં દાદરની આ ઈમારતમાં ફાયર સૅફ્ટી સિસ્ટમ કામ કરતી ન હોવાનું જણાયું છે. તેથી ઈમારતને નિયમ મુજબ નોટિસ ફટકારવામાં આવશે. નિયત સમયમાં તેમણે સિસ્ટમમાં સુધારો નહીં કર્યો તો પાણી, વીજળીનું જોડાણ કાપી નાખવામાં આવશે.