દરેક વ્યક્તિ પ્રત્યે આદરથી જોતાં શીખવું જોઈએ

ઉત્સવ

સુખનો પાસવર્ડ – આશુ પટેલ

જાણીતા અભિનેતા અને મજાના મિત્ર જિમિત ત્રિવેદીની નવી ફિલ્મ થોડા દિવસો અગાઉ રિલીઝ થઈ. એ વખતે સ્વાભાવિક રીતે ગુજરાતનાં ઘણાં બધાં થિયેટર્સની મુલાકાત લીધી. એવી જ રીતે તેઓ એક થિયેટરમાં ગયા ત્યારે તેમના ઘણા બધા ચાહકોએ તેમની સાથે તસવીરો ખેંચાવી અને સેલ્ફી લીધી અને તેમને પ્રોત્સાહક પ્રતિભાવો મળ્યા. અને છેલ્લે થિયેટરની સફાઈની જાળવણી કરનારા કર્મચારીઓ પણ તેમની પાસે આવ્યા અને તેમણે કહ્યું કે ‘સર, ઘણા વખતે તમને જોયા. તમને મળીને આનંદ થયો.’
એ વખતે જિમિત ત્રિવેદીએ તે કર્મચારીઓને કહ્યું કે ‘તમને પણ ઘણા વખતે જોયા. હું તમારી સાથે એક ફોટો લઈ શકું?’
અને એ કર્મચારીઓના ખભે હાથ મૂકીને જિમિત ત્રિવેદીએ તસવીર ખેંચાવી.
જિમિત ત્રિવેદીએ એ પછી સોશિયલ મીડિયા પર એ પોસ્ટ મૂકીને લખ્યું કે ‘આ લોકો પ્રેક્ષકો ફિલ્મ જોવા આવે એ પહેલાં થિયેટર સ્વચ્છ કરી રાખે છે અને પ્રેક્ષકો ફિલ્મ જોઈને નીકળે ત્યારે તેઓ ફરી એ થિયેટરની સફાઈ કરે છે. ઓડિયન્સ માટે થિયેટરને સ્વચ્છ અને હાઈજિનિક બનાવવાની જવાબદારી તેઓ સાંભળે છે.’
એ પછી તેમણે સ્માઇલી મૂકીને ઉમેર્યું હતું કે ‘મને ખરેખર સારું લાગ્યું કે એ કર્મચારીઓએ તેમની સાથે તસવીર ખેંચવા માટે પરવાનગી આપી!’
આ વાત બહુ મોટી છે. જેમણે એક નાટકની સફળતા જોઈ હોય કે એક ફિલ્મની સફળતા જોઈ હોય અને હવામાં ઊડવા માંડતા હોય, પ્રેક્ષકોને હડધૂત કરવા માંડતા હોય એવા કલાકારોએ આ કિસ્સા પરથી બોધ લેવો જોઈએ.
જિમિત ત્રિવેદીને તો હું વ્યક્તિગત રીતે જાણું છું. તે અત્યંત સરળ માણસ છે. તેમના જેવા સરળ બીજા કલાકારો પણ મારા મિત્રો છે, પણ ઘણા કલાકારોને સફળતાનો મદ ચડી જતો હોય છે. કેટલાક કલાકારો તો સફળતાને કારણે છકી જતા હોય છે એવા કલાકારોની બોચી ઝાલીને નિત્ય પ્રાત:કાળે આવા કિસ્સાઓનું સાત વખત પઠન કરવાની ફરજ પાડવી જોઈએ.
કલાકારો છેવટે તો હાડ-ચામ-માંસના બનેલા માણસો જ છે એટલે ક્યારેક તેઓ અકળાયેલા હોય કે થાકેલા હોય એ સમજી શકાય, પણ ઘણા કલાકારોમાં અહમ્ જોવા મળતો હોય છે. આનાથી એક વિપરીત કિસ્સો મુંબઈમાં મારી નજર સામે બન્યો હતો. એક નાના છોકરાએ એક જાણીતા અભિનેતા પાસે જઈને વિનંતી કરી કે મારે તમારી સાથે એક સેલ્ફી લેવી છે. પેલા અભિનેતાએ જડતાપૂર્વક અને વાયડાઈથી તેને ના પાડી દીધી અને પછી તેણે અન્ય પાવરફુલ વ્યક્તિઓ સાથે ઉમળકાભેર તસવીરો ખેંચાવી!
ઘણા લોકો, સૌરાષ્ટ્રની ભાષામાં કહીએ તો, ભારમાં રહેતા હોય છે. નાના લોકો સાથે અમુક રીતે જ વર્તાવ કરવો જોઈએ એવું તેઓ માનતા હોય છે.
મારો એક મિત્ર ધનાઢ્ય બની ગયો છે. થોડા સમય અગાઉ અમે મળ્યા ત્યારે તેણે મને સલાહ આપી કે તું આ ભૂલ કરી રહ્યો છે. આ રીતે વર્તાવ કરવો જોઈએ. નાના માણસો સાથે ઊઠબેસ ન રાખવી જોઈએ. એટલે હું વાત કરતાં કરતાં ઊભો થઈ ગયો અને ચાલવા માંડ્યો. એણે કહ્યું, ‘કેમ અચાનક ચાલતો થઈ ગયો.’
મેં કહ્યું, તેં મને જે સલાહ આપી છે તેને અમલમાં મૂકી રહ્યો છું.’
એટલે પહેલાં તો તે અકળાઈ ઊઠ્યો, પછી તેણે કહ્યું કે ‘મારે કશી સલાહ આપવાનો પણ અધિકાર નથી.’
મેં કહ્યું, ‘અધિકાર છે જ, પણ તેં મને સલાહ આપી છે એ અમલમાં મૂકવાનોય મને અધિકાર છે. તેં મને સલાહ આપી કે નાના માણસો સાથે ઊઠબેસ ન રાખવી જોઈએ. એટલે હું ચાલતો થઈ ગયો.’
એટલે પછી તે મિત્ર ઉશ્કેરાઈ ગયો. તેણે કહ્યું કે ‘આજે મારી પાસે કરોડો રૂપિયા છે, અબજો રૂપિયા છે અને આજે હું સફળ છું, કારણ કે મારા સમયનો ઉપયોગ કેવી રીતે કરવો એ મને ખબર છે. હું તારી જેમ સમયનો વેડફાટ નથી કરતો.’
મેં કહ્યું, ‘બરાબર છે. એટલે તારી પાસે માત્ર પૈસા છે. તું માણસ તરીકે નાનો જ છે. એટલે જેની પાસે પૈસા સિવાય કશું ન હોય એવા અને આ પ્રકારના નાના વિચારો ધરાવતા હોય એવા નાના માણસ સાથે મને પણ નથી ફાવતું.’
એ થોડા દિવસ અકળાયેલો રહ્યો પછી સામે ચાલીને ફરી તેણે મારી સાથે બોલવાનું શરૂ કર્યું.
હું મારા વ્યક્તિગત કિસ્સાઓ લખવાનું ટાળતો હોઉં છું, પરંતુ આ કિસ્સાનો ઉલ્લેખ મેં સમજવા માટે કર્યો છે કે આપણા દેશમાં માનસિકતા કેવી છે? કે કોઈની પાસે સફળતા છે એટલે તે મોટો કે કોઈની પાસે પૈસા હોય એટલે તે મોટો પછી પૈસા કે સફળતા કયા રસ્તે આવ્યાં એનું મહત્ત્વ આપણો સમાજ આંકતો નથી.
ગાંધીજીએ કહ્યું હતું કે ‘સાધ્ય કરતાં સાધનશુદ્ધિ વધુ મહત્ત્વની છે.’
થોડા સમય અગાઉ જ એક ઓડિયો વાઇરલ થયો હતો જેમાં એક સરકારી અધિકારી તેના ક્લાસમેટ સાથે ઉશ્કેરાઈને વાત કરી રહ્યો હતો કે તું મને તુંકારે ન બોલાવી શકે, તારે મને સાહેબ કહીને જ બોલાવવો પડશે. જો તું મને તું કહીને બોલાવે તો હું આટલો ભણીગણીને, આટલી મહેનત કરીને અહીં સુધી પહોંચ્યો એનો મતલબ જ નથી રહેતો. મને કોઈ તુંકારે ન બોલાવે એટલે તો ભણીગણીને આ સ્થાને પહોંચ્યો છું.
વચ્ચે એક ઉચ્ચ અધિકારી સરકારી બાઈએ (અહીં બાઈ શબ્દનું પ્રયોજન એટલા માટે કરું છું કે એના માટે બીજો કોઈ સારો શબ્દ સૂઝતો નથી.) એના સ્ટાફ માટે ફતવો બહાર પાડ્યો હતો કે મને સર કહીને બોલાવજો. બહેન કે મેડમ નહીં, મને સર કહીને બોલાવજો.
આ માનસિકતા કોઈ પણ સમાજ માટે હાનિકારક છે, પણ જોકે ખારા રણમાં મીઠી વીરડી જેવા કિસ્સાઓ જોવા મળતા રહે છે.
‘મુંબઈ સમાચાર’ના અને આ કોલમના એક વાચક અને ચાહક એવા વડોદરાના વતની જગદીશ સોલંકી સુરતની પ્રખ્યાત રેસ્ટોરાંનું સંચાલન કરે છે. હું જ્યારે જ્યારે તેમના રેસ્ટોરાંમાં ગયો છું ત્યારે ત્યારે મેં જોયું છે કે તેમના રેસ્ટોરાંના બધા કર્મચારીઓ સાથે તેઓ પ્રેમથી અને આત્મીયતાથી વાત કરતા હોય છે અને જગદીશભાઈ તેમના સ્ટાફને ઘરના સભ્યોની જેમ સાચવતા હોય છે.
જગદીશ સોલંકી એ રેસ્ટોરાંના મેનેજર છે, પણ અન્ય કર્મચારીઓ તેમના કુટુંબના સભ્યો હોય એવી રીતે તેઓ વાત કરતા હોય છે.
આવા તો ઘણા બધા કિસ્સાઓ જોવા મળતા હોય છે. મારા એક સફળ મિત્ર પાસે ડ્રાઈવર છે. તેઓ મોટે ભાગે ડ્રાઈવર સાથે જ ફરતા હોય છે, અપવાદરૂપ કિસ્સામાં મેં તેમને ડ્રાઈવ કરતા જોયા છે, પરંતુ એક વખત સાથે અમે ક્યાંક જઈ રહ્યા હતા એ વખતે તેમના ડ્રાઈવરે વચ્ચે ક્યાંક કાર ઊભી રાખીને મોં પર પાણીની છાલકો મારી અને ચા પીને તે ફરી સ્ટિયરિંગ વ્હીલ પર બેઠો.
એટલે મારા મિત્રએ કહ્યું કે ‘તું બેસ, હું કાર ચલાવી લઉં છું.’ અને તેમણે તેને પૂછ્યું કે ‘તું થાકેલો લાગે છે.’
ડ્રાઈવરે કહ્યું કે ‘નહીં, ગઈ રાતે મારા છોકરાને તાવ હતો એટલે વહેલી સવાર સુધી હું ઊંઘી શક્યો નથી.’
તે મિત્રએ તેને કહ્યું કે ‘તું ઘરે જા, તારા બાળકનું ધ્યાન રાખ’ અને ડ્રાઈવર ના પાડતો હતો, પરંતુ તેમણે તેને પૈસા પણ આપ્યા કે ‘આ રાખ તું, કંઈ પણ જરૂર પડે. ડોક્ટરની પાસે બતાવવા લઈ જજે અને બીજું કંઈ પણ કામ હોય તો મને કહેજે.’ અને પછી સહજતાથી તેઓ કાર ચલાવવા માંડ્યા.
એ મિત્રનું નામ જાણીતું છે, પણ મેં તેમને કહ્યું હતું કે આ કિસ્સો હું લખીશ. તેમણે કહ્યું હતું કે ‘તમે મારા નામ સાથે આ કિસ્સાનો ઉલ્લેખ નહીં કરતા.’
તો એવા કિસ્સાઓ પણ જોવા મળતા રહે છે.
‘મુન્નાભાઈ એમબીબીએસ’ ફિલ્મ ઘણા વાચકોએ જોઈ જ હશે. એ ફિલ્મમાં હોસ્પિટલમાં એક સફાઈ કામદાર લોબીમાં પોતું કરી રહ્યો હોય છે ત્યારે એ લોબીમાં એ સાફ કરે એ જ જગ્યાએ બધા પસાર થાય એટલે તે અકળાઈને કહે છે કે તમે પેલી બાજુથી ફરીને જાઓને, જોતા નથી હું સાફ કરી રહ્યો છું અને એ સફાઈ કામદાર અકળાઈ રહ્યો હોય છે એ વખતે મુન્નાભાઈનું પાત્ર (સંજય દત્તે એ પાત્ર ભજવ્યું હતું) તેની પાસે જઈને તેને ગળે લગાડીને કહે છે કે ચાચા તમે કેટલું સારું કામ કરો છો. તમે આખો દિવસ આ બધું સ્વચ્છ રાખો છો અમારા માટે એટલે મારે તમને બસ થેન્ક યુ કહેવું છે અને એક જાદુની જપ્પી આપવી છે.
એટલે પેલા વૃદ્ધ સફાઈ કામદારની આંખો ભીંની થઈ જાય છે. એ પછી મુન્નાભાઈએ પોતું થઈ ગયું છે એ તરફ ચાલવાનું હોય છે એટલે એક ડગલું માંડીને પાછો સફાઈ કામદારને કહે છે કે સોરી.
એટલે સફાઈ કામદારનું પાત્ર કહે છે, કોઈ બાત નહીં, મૈં વાપસ સાફ કર દૂંગા. અબ રુલાયેગા ક્યા.
તો આપણે કોઈને તુચ્છ ગણવાને બદલે બધા માણસોને માન આપતાં શીખવું જોઈએ. દરેક વ્યક્તિ કોઈ પોતાની પસંદગીથી સફાઈનું કામ…
ખરાબ સંજોગોમાં મુકાયેલી કોઈ વ્યક્તિની પસંદગી નથી હોતી, તેમના માટે ઘણી વાર મજબૂરી હોય છે, પરંતુ તેમની અંદર પણ ટેલેન્ટ, પ્રતિભા હોઈ શકે છે એટલે દરેક વ્યક્તિ પ્રત્યે આદરથી જોતાં શીખવું જોઈએ.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.