દરેક ઋતુમાં ને દરેક પ્રસંગે જમાવટ કરી દે છે પંજાબી ઢોલ

વીક એન્ડ

સાંપ્રત – વિજય કપૂર

સ્ટેડિયમની અંદર દેશની એક જાણીતી કૉર્પોરેટ કંપનીની એજીએમ (એન્યુઅલ જનરલ મીટિંગ) ચાલી રહી છે. કંપનીએ ૨,૦૦૦ કરોડનો નફો કર્યાની જાહેરાત કરી. તેની ગુંજ સ્ટેડિયમની બહાર વાગતા પંજાબી ઢોલથી સમજાઈ રહી છે. રોકાણકારો ખુશ છે, નાચી રહ્યા છે.
કલા પ્રદર્શન માટેના કાલાઘોડા ફેસ્ટિવલના પ્રવેશદ્વાર પર દેશના ઘણા જાણીતા ઢોલ બૅન્ડ ઢોલ વગાડી રહ્યા છે. લોકો રોમાંચ અનુભવે છે.
કોઈ પાર્ટી હોય, તહેવાર હોય, ક્રિકેટમાં ભારતની જીત હોય, કોઈ વ્યક્તિગત સફળતાની ઉજવણી હોય, ગૃહપ્રવેશ હોય, કોઈ કારખાના કે દુકાનનું ઉદ્ઘાટન હોય અને કંઈ ન હોય તો માત્ર મોજમસ્તી કરવાનું મન હોય. એટલે કે હોય કાંઈ પણ, પરંતુ ઢોલ તો વાગશે જ. જી હા, ભારતમાં ઢોલ અને એ પણ પંજાબી ઢોલ દરેક પ્રકારની ઉજવણીનું પ્રતીક છે. કાશ્મીરથી ક્ધયાકુમારી સુધી, દિબ્રૂગઢ જોરહટથી કચ્છના રણ સુધી, આખા ભારતમાં પ્રસંગ કોઈ પણ હોય, માહોલ ગમે તે હોય, વાત જ્યારે ઉજવણીની આવે, ખુશીની આવે ત્યારે ઢોલ તો વાગે જ છે. ઢોલની થાપ પર પંજાબી કે ગિદા કરીને દેશમાં માત્ર પંજાબી જ નથી ઝૂમતા, ઢોલની થાપ પર આખું ભારત ઝૂમે છે. ઢોલ આખા ભારતમાં ખુશી અને ઉજવણીનું પ્રતીક છે. દાયકાઓથી ઔપચારિક અને અનૌપચારિક તમામ પ્રકારના નૃત્ય પ્રદર્શન માટે ઢોલ એક લોકપ્રિય વાજિંત્ર રહ્યું છે.
ગઈ સદીમાં ૧૯૮૦ના શતકમાં જ્યારે ટેપ રેકોર્ડર જેવાં ઈલેક્ટ્રૉનિક ઉપકરણોનું આવા પ્રસંગે ચલણ વધી ગયું ત્યારે લાગતું હતું કે ભવિષ્યમાં લગ્નો ઢોલ વગાડનારા વિના જ થઈ જશે, પરંતુ ટૂંક સમયમાં જ બધાને સમજાઈ ગયું કે આવું ક્યારેય બનશે નહીં. ભંગડા, ગરબા અને રાસ ઢોલ વિના શક્ય નથી. ઢોલની થાપ માત્ર ભારત કે પાકિસ્તાન નહીં, પરંતુ ફિજી, ટ્રિનિડાડ, ગુયાના, યુનાઈટેડ કિંગડમ, ઑસ્ટ્રેલિયા, આર્મેનિયા અને ઉત્તરી અમેરિકામાં ખુશી જાહેર કરવાનું માધ્યમ બની ગઈ છે. પંજાબ કલ્ચર સોસાયટી આખી દુનિયામાં રહેતા પંજાબીઓને ઢોલ કલ્ચર દેખાડવા અને શિખવાડવા માટે સમર કેમ્પનું આયોજન કરે છે. કેમ્પની ખાસિયત એ છે કે આમાં ત્રણ વર્ષથી માંડી ૭૦ વર્ષની ઉંમરના લોકો પંજાબી સભ્યાચાર મેળવી શકે છે. ત્યાં આવનારાને ભાંગડા, બોલિયા, ઘોડિયા, સુહાગ દેખાડવામાં આવે છે અને શિખવાડવામાં આવે છે, પરંતુ લોકોને સૌથી વધુ રસ ઢોલ વગાડવાનું શીખવામાં હોય છે. સોસાયટીના સંસ્થાપક રવીંદર સિંહ રંગૂવાલના કહેવા અનુસાર આ નવા કેમ્પોની પંજાબ જેવી માગ કેનેડા, અમેરિકા અને યુરોપીય દેશોમાં છે.
હકીકતમાં પંજાબી ઢોલનું પંજાબમાં ભલે ભૌગોલિક મહત્ત્વ હોય, પરંતુ હિમાચલ, હરિયાણા અને દિલ્હીમાં નથી. આ ઢોલમાં મહાન સૂફી ફકીરોનું જીવન અને દર્શન પણ વસેલું છે.
માનવામાં આવે છે કે મધ્યકાળમાં આ ઢોલનો ઉપયોગ માત્ર યુદ્ધમાં નથી થયો, પરંતુ આધ્યાત્મિક સમાધિને શોધવાવાળા ભક્તોના મનને પ્રેરિત કરવાવાળા ઢોલના પેટર્ન પણ વિકસિત કરવામાં આવ્યા છે. પરંપરાગત રીતે પંજાબી ઢોલ પુરુષોનું ડોમેન રહ્યું છે. પંજાબી ઢોલ વાસ્તવમાં એક ડ્રમ છે. આ શરૂઆતી ઐતિહાસિક ક્ષેત્ર ભારત અને પાકિસ્તાનમાં સ્થિત પંજાબ અને ગુજરાત પ્રાંત રહ્યા છે. ત્યાર બાદ ઉત્તર ભારત, ગુજરાત, રાજસ્થાન, ઈંગ્લેન્ડ, કેનેડા અને સોમાલિયા જેવી અન્ય સંસ્કૃતિમાં તેનો સમાવેશ થાય છે. આજે પંજાબી ઢોલ આખી દુનિયામાં લોકપ્રિય એવા પંજાબી સંગીતનો અભિન્ન ભાગ છે. પંજાબી ઢોલ એક બેરલ આકારનું ડ્રમ છે, જે સખત લાકડીના એક જ બ્લોકમાંથી બનાવવામાં આવે છે. સામાન્ય રીતે તે આંબો, સિસમની લાકડીથી બનાવવામાં આવે છે. ઢોલ લગભગ ૨૦-૨૬ ઈંચ લાંબું હોય છે. એને એક મોટા સૂતરના બેલ્ટથી ખભા પર બાંધવામાં આવે છે. ઢોલના તમામ કિનારા પર ખુલ્લા ભાગને ઢાંકવા માટે બકરીની ખાલ વપરાય છે. આ પારંપરિક અને પ્રામાણિક રસ્તો છે. મોટે ભાગે ભાંગડા જેવા પંજાબી, ગરબા જેવા ગુજરાતી અને સૂફી કવ્વાલી જેવા નૃત્ય અને સંગીતના કાર્યક્રમો ઢોલ વિના શક્ય જ નથી.
કવ્વાલીમાં ઢોલની જગ્યા હવે તબલાંએ લઈ લીધી છે, જે ઢોલનો જ એક ભાગ છે. પંજાબી નૃત્યો જેવા જોરદાર પ્રકાર માટે ઢોલ હવે થોડા નાના થતા લાગે છે, પણ ભારત અને પાકિસ્તાનમાં હજુ પણ મોટા ઢોલ વગાડવામાં આવે છે. ઢોલના અવાજને વધારે દમદાર બનાવવા માટે તેના બન્ને છેડા પર લાગેલી રસ્સીઓને નટ અને બોલ્ટથી બનેલા તંત્ર સાથે જોડી વધારે ટાઈટ અથવા ઢીલી કરવામાં આવે છે. ખાલને કસવાથી કે ઢીલી કરવાથી ઢોલનો અવાજ જાણે ડિજિટલ થઈ
જાય છે. અત્યારના પંજાબી સંગીતમાં સિન્થેટિક કે પ્લાસ્ટિકની ખાલવાળા ઢોલ પણ હવે જોવા મળે છે. ઢોલ વાગડનારાને ઢોલવાદક કે ઢોલી કહેવામાં આવે છે. ઢોલને બે લાકડીના નાના દાંડિયાનો ઉપયોગ કરી વગાડવામાં આવે છે, જે સામાન્ય રીતે વાંસ કે વેંતના હોય છે. ઢોલ વગાડવાનો સૌથી પ્રસિદ્ધ લય આઠ બીટનો હોય છે. ઢોલનો ઈતિહાસ એ છે કે સિંધુ ઘાટીની સભ્યતાના સમયે પણ ઢોલ જેવું વાજિંત્ર જોવા મળતું હતું. આ પ્રાચીન ભારતીય સંગીતનાં મુખ્ય તાલ વાદ્ય યંત્રોમાંનું એક છે. આઈન-એ-અકબરી અનુસાર અકબરના ઓરકેસ્ટ્રામાં પણ ઢોલ હતા, પરંતુ ઈન્ડો-આર્યન શબ્દ ઢોલ વર્ષ ૧૮૦૦ની આસપાસ સંગીતાસાર ગ્રંથમાં પહેલી વાર
મળ્યો હતો.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.