દમણના દરિયામાં ડૂબતા બે યુવાનોનું દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન, સ્થાનિક માછીમારો અને કોસ્ટ ગાર્ડની પ્રશંસાપાત્ર કામગીરી

આપણું ગુજરાત

કેન્દ્ર શાષિત પ્રદેશ દમણના દરિયામાં બે યુવાનો તણાઈ જતા કોસ્ટગાર્ડે કરેલા દિલધડક રેસ્ક્યૂ ઓપરેશનનો વિડીયો સામે આવ્યો છે. દરિયામાં નાહવા પડેલા બે સહેલાણીઓ દરિયો તોફાની બનતા પાણીમાં તણાઈ ગયા હતા. સ્થાનિક માછીમારોને જાણ થતા તેમણે એક યુવાનને બચાવી લીધો હતો. જ્યારે અન્ય એક યુવક ન મળતા દમણ કોસ્ટગાર્ડની ટીમે મધદરિયામાં હેલિકોપ્ટરની મદદથી સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. ત્યારે યુવક મધદરિયે પાણીમાં તરતો મળી આવતા કોસ્ટગાર્ડની ટીમે યુવકનું રેસ્ક્યૂ કરી બચાવ્યો હતો. બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.

મળતી માહિતી મુજબ વાપીના રહેવાસી મેહુલ પટેલ (ઉ.વ.18) અને રાહુલ નરેશ હળપતિ (ઉ.વ.16) દમણના દરિયા કિનારે ફરવા માટે આવ્યાં હતા. ગઈ કાલે સાંજે ૫ વાગ્યાની આજુબાજુ બંને દરિયામાં નાહવા પડ્યા હતા આ દરમિયાન દરિયો તોફાની બનતા બંને દરિયાના પાણીમાં તણાઈ ગયા હતા. આ સમયે દરિયા કિનારે બેઠેલા અન્ય સહેલાણીઓનું ધ્યાન જતા બૂમાબુમ કરી હતી અને કોસ્ટ ગાર્ડને જાણ કરી હતી. સ્થાનિક માછીમારોએ તાત્કાલિક પોતાની બોટની મદદથી દરિયાના પાણીમાં બન્ને યુવકની શોધખોળ હાથ ધરી હતી. માછીમારોએ એક યુવકનું રેસ્કયૂ કર્યુ હતું. અન્ય એક યુવકનો પતો ન મળતા કોસ્ટ ગાર્ડની ટીમે હેલિકોપ્ટરથી મધદરિયે યુવકની શોધખોળ હાથ ધરી હતી. ત્યારે મધદરિયે યુવક તરતો મળી આવતા કોસ્ટગાર્ડે તેને બચાવી લીધો હતો . હાલ બન્ને વ્યક્તિને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં છે.
રેસ્કયૂની કામગીરીની જોવા મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને પર્યટકો દરિયાકિનારે ટોળે વળ્યા હતા.
ઘટનાની જાણ જિલ્લા પ્રશાસનને થતા ડેપ્યુટી કલેક્ટર મોહિત મિશ્રા ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. દમણ કોસ્ટ ગાર્ડ તેમજ દમન કલેક્ટરે ભરતીના સમય દરમિયાન દરિયા નજીક ન જવા અપીલ કરી છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.