ત્રિકાળ-૩૯

ઉત્સવ

વલ્લભે બાપુજી પાસે જઇને કહ્યું: ‘બાપુજી, મને આ માણસ આપણો હરિ નથી લાગતો, પણ હરિ જેવો દેખાતો એનો ડુપ્લિકેટ ગઠિયો લાગે છે’

અનિલ રાવલ

બાબાશેઠના ઘર પર વીજળી ત્રાટકી. પ્રચંડ મેઘગર્જનાનો અવાજ ઘરમાં ફરી વળ્યો. તોફાની વરસાદનું પાણી અંદર ધસી આવ્યું. ઝંઝાવાતી વરસાદના પાણીમાં ભીંજાઇને નીતરી રહેલા હરિને ઓળખતા હેમંતને થોડી વાર લાગી. ઊંડી ઉતરી ગયેલી નિસ્તેજ આંખો, બેસી ગયેલા ગાલ, બરછટ દાઢી, ખભા સુધી વિસ્તેરેલા લાંબા વાળ, કોઇ વિચિત્ર કલરવાળા ઝભ્ભો-લેંઘો, પગમાં રબ્બરના ચપ્પલ..
હરિ? હેમંતે પૂછ્યું, પણ એ જવાબ આપ્યા વિના ધીમી ચાલે અંદર પ્રવેશ્યો. અજંપાભરી બધી આંખો હરિ પર ખોડાયેલી રહી. બધાના ચહેરા સ્તબ્ધ હતા. પળવારમાં આ શું થઇ ગયું. હર્ષા અને અશોકની સગાઈના દિવસે જ હરિના અચાનક આગમને સૌને ચોંકાવી દીધા. હવે શું થશે એવો સવાલ બધાની આંખોમાં તગતગતો હતો.
હરિની નજર પિતા બાબા શેઠ, મા મંગુબા, પત્ની હર્ષા, નાના ભાઇ અશોક, મોટા ભાઇ વલ્લભ, ભાભી શકુંતલા, રામજી, બિઝનેસ પાર્ટનર અને દોસ્ત રવિકાન્ત, હેમંત તથા અંજલિ અને સૌથી છેલ્લે રાહુલ પર જઇને અટકી. એના ધીમા ડગલા એની તરફ વળ્યા. એને ઊચકી લેતા બોલ્યો: ‘હું તારો પપ્પા છું. શું નામ તારું.?’ રાહુલ ઝડપથી ઉતરીને હર્ષાની પાછળ સંતાઇ ગયો. અશોકે વીંટી ખિસ્સામાં મૂકી.
અરે, તમે બધા મારી સામે આમ કેમ જુઓ છો.? હું હરિ છું. બા, હું તારો હરિ.’
‘ઓહ હરિ, તેં મારી સાથે આવી ક્રૂર મશ્કરી શા માટે કરી. કેટલી રાહ જોઇ અને અંતે મેં મારા બચ્ચાઓનું ભલું કરવાનું વિચાર્યું ત્યારે જ તું પ્રગટ થયો. આવો જીરવી ન શકાય એવો કુઠુરાઘાત કર્યો?’ મંગુબા મનોમન મંદિરમાં બિરાજેલા હરિને કહી રહ્યાં હતાં. હરિ હેબતાઇ ગયેલાં મંગુબા પાસેથી કોઇ પ્રતિભાવ ન મળતા હર્ષા પાસે ગયો.
‘હર્ષા, તું મને જોઇને આમ પરેશાન કેમ થઇ ગઇ.? હું હરિ. તારો હરિ.’
હર્ષા પ્રશ્ર્નોભરી આંખે એને જોઇ રહી. તું મારો હરિ હતો તો આટલો વખત ક્યાં હતો.? અમને છોડી જવાનો દિવસ તે રાહુલનો જન્મદિવસ જ પસંદ કર્યો.? જેથી આખી જિંદગી હું રાહુલનો જન્મદિવસ મનાવી ન શકું.? શું ભૂલ હતી મારી.? અને આવ્યો તો… આજે જ્યારે મેં મારી જિંદગીનો એક મહત્ત્વનો નિર્ણય લીધો ને મારી તરફ લંબાવેલો હાથ ઝાલવાનો અને એ હાથને તારા જ વંશનું છતર બનાવવાનો નિર્ણય કર્યો.? હર્ષાની આંખોના સવાલોને મૌન સમજીને નારાજ થઇને એ બાબાશેઠ પાસે ગયો.
‘બાપુજી, તમે તો કાંઇક બોલો.’
‘મારે કાંઇ બોલવું નથી, પણ તને પૂછવું છે. ક્યાં હતો આટલા વર્ષો.? હરિએ એક ઊંડો શ્ર્વાસ લીધો. બધા પર એક નજર ફેરવીને બોલ્યો: ‘હું હિમાયલમાં હતો.’
સાંભળીને બાબાશેઠને મુનીમજીએ કહેલા શબ્દો યાદ આવી ગયા: ‘હરિને કોઇ માનસિક બીમારી હોય અને એને લીધે ઘર છોડીને જતો રહ્યો હોય એવું ન બને અથવા વૈરાગ્ય ભાવ જાગ્યો હોય.’ બાબા શેઠ હરિની વાતોમાં માનસિક રોગ તપાસવા લાગ્યા. એનો વેશ ભટકતા સાધુ જેવો છે. એટલે હિમાલયની વાત સાચી માની શકાય.
‘નાલાયક, તારે સાધુ થઇને ભટકવું હતું તો લગ્ન શા માટે કર્યા.? હર્ષાને દુ:ખી કરી, એની કૂખે જન્મેલા તારા બાળકને માથે બાપનું છતર રહેવા ન દીધું. તારા આ ઢોંગી વૈરાગે આખા ઘરની ફજેતી કરી. કુટુંબ વેરણછેરણ કરી નાખ્યું.’ બાબાશેઠનો ગુસ્સો બહાર ત્રાટકતી વીજળી કરતા વધુ ઝડપે, વધુ તેજીથી હરિ પર ત્રાટક્યો.
‘બાપુજી, મારું ગુમ થઇ જવું વૈરાગનું પરિણામ નથી. એ દિવસે શું થયું મને ખુદને ખબર નથી. હું હિમાલય કંઇ રીતે પહોંચી ગયો એની ય ખબર નથી. મને કશું યાદ નહતું. અચાનક મને બધું યાદ આવવા લાગ્યું.’

અશોક, હેમંત, અંજલિ હરિની નિકટ પહોંચી ગયા. કદાચ એમને હરિની આવી વાતોમાં કોઇ લોજિક ન દેખાયું.
‘હું હૉસ્પિટલમાંથી નીકળ્યો અને ચાલવા માંડ્યો. પછી કંઇ ટ્રેનમાં બેઠો કે ચાલતો રહ્યો કાંઇ યાદ નથી. બસ હિમાલયમાં થોડા દિવસ પહેલાં જાણે મારી યાદદાસ્ત પાછી આવવા લાગી.’ હરિએ અશોક, હેમંત અને અંજલિની સામે જોઇને કહ્યું.
વલ્લભે બાપુજી પાસે જઇને કહ્યું: ‘બાપુજી, મને આ માણસ આપણો હરિ નથી લાગતો, પણ હરિ જેવો દેખાતો એનો ડુપ્લીકેટ ગઠિયો લાગે છે. એની માનિસક બીમારીની નહીં, પણ એ હરિ છે કે નહીં એની સચ્ચાઇ ચકાસવી પડશે.’ ઘરમાં સન્નાટો છવાઇ ગયો. બહારના વરસાદી તોફાન કરતા અંદરનું માનસિક તાંડવ વધુ તીવ્ર હતું.
મને ક્યારનું એની આંખોમાં છળ દેખાય છે. આ માણસ કોઇ બદઇરાદાથી ઘરમાં આવ્યો છે. અશોકે કહ્યું.
હર્ષા મંગુબાની સોડમાં ભરાઇ ગઇ. હરકોઇ હરિને તાકીને જોવા લાગ્યા. રાહુલ રડવા લાગ્યો એટલે રામજી એને અંદર લઇ ગયો. હેમંતે હરિની ખરાઇ ચકાસવા બીડું ઝડપ્યું. એ હરિની નિકટ ગયો. એની આંખોમાં આંખો નાખીને પૂછ્યું: “તું કોણ છે તું સાચું કહે.
‘હું હરિ છું. તું હેમંત છે. વકીલાત કરે છે. આપણા કૉલેજના દિવસોની યાદ અપાવું.’ હેમંતને થયું કે કૉલેજના પ્રિન્સિપાલની એક નંબરની ચાલુ દિકરીને જુનાગઢ ફરવા લઇ જવાનું પરાક્રમ કરેલું એનો ભાંડો હરિ ફોડી નાખશે તો અંજલિ ફૅમિલી કોર્ટમાં ગયા વિના અહીં જ ઊભા ઊભા છૂટાછેડા આપી દેશે. એ બે ડગલાં પાછળ હટી ગયો. એણે અંજલિને બતાવતા કહ્યું: આનું નામ શું છે.?’
‘અંજલિ મારફતિયા. તારી પત્રકાર વાઇફ.’ હેમંત હબક કાઇ ગયો.
રવિકાન્ત હરિની સામે જઇને ઊભો રહી ગયો. ‘મને ઓળખે છે.?’
‘મારો દોસ્ત. સાચો અને પ્રમાણિક ઇન્સાન રવિ. કેમ ચાલે છે આપણી ફેક્ટરી.?’
‘આપણા કૉલેજના દિવસો તો તને યાદ હશે ને.?’ અશોકને લાગ્યું કે પોતાના આવા સવાલથી બનાવટી માણસ આમાં થાપ ખાઇ જશે.
હરિ ખડખડાટ હસ્યો. ‘અશોક, તું મારો નાનો ભાઇ. મારાથી બેએક વર્ષ નાનો. તું કૉલેજમાં મારી જ ગર્લફ્રેન્ડ હર્ષાને ચાહવા લાગ્યો હતો, પણ જેવી અમારા સંબંધની ખબર પડી એટલે હટી ગયો. ત્યાગ… એક સાચા પ્રેમીનો ત્યાગ.’
અશોકે હર્ષાની સામે જોયું. હર્ષાએ નજર નીચી કરી લીધી. અશોકે ખિસ્સામાં મૂકેલી વીંટી બહાર કાઢીને જોઇ. હરિ થોડો મોડો આવ્યો હોત તો અનર્થ થઇ જાત..
સામે છેડે હર્ષા વિચારે છે: ‘મનને પાણીના વહેણની જેમ માંડમાંડ વાળ્યું ને વચ્ચે મોટો ખડક આવ્યો. વહેણ ફંટાઇ ગયું. સાત વર્ષ પાણીની થપાટો ખાઇને માંડ સ્થિર થયેલી હોડી હવે કિનારે લાંગરી નહીં શકાય કે નહીં મધદરિયે રહી શકે. હોડીના નસીબમાં હાલકડોલક જિંદગી લખાયેલી છે.’
‘વલ્લભભાઇ, મારા પર શંકા ન કરો. મને સમજો.. હું હરિ જ છું. બાપુજી, મારી એક વાત સાંભળી લો. તમને ખાતરી થઇ જશે.’
‘બોલ, જે કાંઇ કહેવું હોય તે જલ્દી કહે. અમને વિશ્ર્વાસ બેસે એ રીતે સાબિત કરી બતાવ કે તું હરિ છો.’ બાબાશેઠે વલ્લભને શાંત રહેવાનો ઇશારો કરીને કહ્યું.
‘વલ્લભ તમારી આગલી પત્નીનો પુત્ર છે… હેમીકાકી ગુજરી ગયા પછી તમે અમારી મા મંગુબા સાથે લગન કર્યા. બરાબરને બા.?’ હરિએ મંગુબાની સામે જોઇને કહ્યું.
સાંભળીને વલ્લભ એકદમ હરિ સામે ધસી ગયો. ‘તું કોઇ બનાવટી કોઇ મક્કાર, ધૂતારો, ઠગ માણસ છો ને કોઇ ચોક્કસ ઇરાદાથી ઘરમાં આવ્યો છો. તેં જે કાંઇ કહ્યું એ તું કોઇની પાસેથી જાણીને આવ્યો છે. અથવા આટલો વખત અમારા પર નજર રાખીને બધી માહિતી મેળવી લીધી છે. બાપુજી, આને હમણાંને હમણાં ઘરમાંથી કાઢો નહીંતર મારું દિમાગ હટ્યું તો એને ધક્કો મારીને બહાર ફેંકી દઇશ.’
બાબાશેઠ એક છેલ્લો ચાન્સ લેવા માગતા હતા. એમણે હરિને પડકાર ફેંકવાનું નક્કી કર્યું. એમને ગળા સુધીની ખાતરી હતી કે આમાં હરિ માત ખાઇ જશે.
‘તું હરિ છો કે નહીં એ હમણાં સાબિત થઇ જશે. તું મને આપણી સાત પેઢીના નામ કહી બતાવ. કારણ ઘરમાં મારા અને મંગુ ઉપરાંત એક હરિ જ હતો જે આપણી સાત પેઢીના નામ જાણતો હતો.’
હરિ ચૂપ થઇ ગયો. નીચું જોઇને પગના અંગૂઠાથી જમીન ખોતરવા લાગ્યો. બધાના ચહેરા પર એક આછેરું સ્મિત ફરક્યું. વલ્લભ મૂછમાં હસ્યો. મંગુબાને અશોક અને હર્ષાના મંગલફેરા દેખાવા લાગ્યા. હેમંતને આ ચીટરને પોલીસને હવાલે કરવાનો વિચાર આવ્યો. અંજલિને થયું કે ‘આ દુનિયામાં હરિ જેવો દેખાતો બીજો ચહેરો પણ છે જેણે બાબાશેઠના ઘરમાં ઘૂસવાનું કાવતરું ઘડ્યું છે. વેરી ઇન્ટેરેસ્ટીંગ સ્ટોરી. અખબારને પહેલે પાને ચમકાવીશ.’
થોડીવાર પછી હરિ વિલે મોઢેં ઊભો થઇને બાબાશેઠની સામે જઇને ઊભો રહી ગયો.
‘કેમ યાદ નથી કે હિમાલયમાં જઇને બધું ભૂલી ગયો.?’ બાબાશેઠના ચહેરા વિજયપતાકા લહેરાઇ.
‘મંગળદાસ ગોપાળદાસ પોરેચા ઉર્ફ બાબાશેઠ, ગોપાળદાસ ગોકળદાસ પોરેચા, ગોકળદાસ હંસરાજ પોરેચા, હંસરાજ જમનાદાસ પોરેચા, જમનાદાસ ધરમસી પોરેચા, ધરમસી જયસીં પોરેચા અને જયસીં રતનશી પોરેચા.’ હરિ કડકડાટ બોલી ગયો. બધાના મોઢાં પડી ગયા. બાબાશેઠ સોફા પર ફસડાઇ પડ્યા. વલ્લભ એમની બાજુમાં બેસી ગયો. હરિએ એક અછડતી નજર શકુંતલા પર નાખી ને મોટેથી હસ્યો. એનું અટ્ટહાસ્ય આખા ઓરડામાં ફરી વળ્યું.
બહાર એક મોટા કડાકા સાથે કોઇ મકાન પર વીજળી પડી, પણ એનાથી ય મોટી આફત તો બાબાશેઠના ઘર પર ત્રાટકી હતી.
ક્રમશ:

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.