…તો મેદસ્વિતા બનશે મહામારી?!

વીક એન્ડ

કવર સ્ટોરી -દર્શના વિસરીયા

એક નવા સરકારી સર્વેક્ષણ અનુસાર ભારતીયો દિવસે દિવસે વધુ ને વધુ મેદસ્વી થતા જઈ રહ્યા છે અને નિષ્ણાતો એવી ચેતવણી આપી રહ્યા છે કે વધતી જઈ રહેલી આ મેદસ્વિતાની સમસ્યાનું સમાધાન
નહીં કરવામાં આવે તો વધુ મુશ્કેલીઓનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે.
એક સમય હતો કે જ્યારે આ મેદસ્વિતા પશ્ર્ચિમી દેશોની સમસ્યા ગણાતી હતી, પણ હવે એવું નથી રહ્યું અને નિમ્ન અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં પણ આ સમસ્યા પગપેસારો કરી રહી છે. એમાં પણ ખાસ કરીને ભારતમાં આ સમસ્યા ફુલ સ્પીડમાં વકરી રહી છે. લાંબા સમયથી કુપોષિત અને ઓછા વજનવાળા લોકોના દેશ તરીકેની ભારતની ઓળખ હતી, પણ છેલ્લાં પાંચ વર્ષની વાત કરીએ તો મેદસ્વિતાની સમસ્યાથી ગ્રસિત દેશની યાદીમાં ટોપ ફાઈવની યાદીમાં ભારત પહોંચી ગયું છે. એક અનુમાન અનુસાર ૨૦૧૬માં ૧૩.૫ કરોડ ભારતીય વધુ વજન કે મેદસ્વિતાની સમસ્યાથી પીડાઈ રહ્યા હતા. હવે આ આંકડો દિવસે દિવસે ઝડપથી વધી રહ્યો હોવાની ચેતવણી સ્વાસ્થ્યના નિષ્ણાતો દ્વારા આપવામાં આવી રહી છે અને દેશની કુપોષિત આબાદીની જગ્યા હવે મેદસ્વી લોકો લઈ રહ્યા છે.
નેશનલ ફેમિલી હેલ્થ સર્વે – પાંચના અનુસાર આશરે ૨૩ ટકા પુરુષ અને ૨૪ ટકા મહિલાઓનો બોડી માસ ઇન્ડેક્સ (બીએમએસ) પચીસ જેટલો જોવા મળ્યો હતો, જે ૨૦૧૫-૧૬ની સરખામણીએ ચાર ટકા વધુ હતો. આંકડાઓ પરથી એવું પણ સ્પષ્ટ થાય છે કે ૨૦૧૫-૧૬માં પાંચ વર્ષથી ઓછી ઉંમરનાં ૨.૧ ટકા બાળકોનું વજન વધુ હતું. આ સંખ્યા નવા સર્વેક્ષણમાં વધીને ૩.૪ ટકા થઈ ગઈ છે. નિષ્ણાતોએ આ નવા જોખમ અંગેની ચેતવણી આપતાં જણાવ્યું હતું કે ભારત અને જાગતિક સ્તરે આપણે બધા મોટાપાની સમસ્યાથી પીડાઈ રહ્યા છીએ અને જો સમય સાથે આ સમસ્યાનું નિવારણ નહીં કરવામાં આવે તો એ એક મહામારીનું રૂપ ધારણ કરી લેશે. મેદસ્વિતાની સામે લડવા માટે આપણે જીવશૈલીમાં અને ખાણીપીણીની પદ્ધતિમાં સુધારો લાવવો પડશે. આ બંને બાબતો તરફ દુર્લક્ષ સેવવાને કારણે જ મોટા ભાગના ભારતીયોની બોડી શેપલેસ થઈ ગઈ છે. બીએમઆઇ લોકોને સામાન્ય, વધુ વજન, મેદસ્વિતા અને ગંભીર મેદસ્વિતા એમ વર્ગીકૃત કરવા માટેનો વૈશ્ર્વિક સ્તરનો એકમ છે. એમાં કોઈ એક વ્યક્તિની ઊંચાઈ અને વજનને ધ્યાનમાં લઈને ગણતરી કરવામાં આવે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (હુ)ની ગણતરી પ્રમાણે ૨૫ કે એનાથી વધુ બીએમઆઇને વધુ વજન માનવામાં આવે છે, પણ અમુક નિષ્ણાતોની માન્યતા અનુસાર દક્ષિણ એશિયાઈ આબાદી માટે તેને દરેક તબક્કામાં બે અંક ઓછું આંકવાની આવશ્યકતા છે, કારણ કે આપણે કેન્દ્રીય મોટાપાથી ગ્રસિત છીએ, અર્થાત્ જ આપણા બધાના પેટ પર સૌથી વધુ સહેલાઈથી ચરબીના થર જામી જાય છે. પેટ પર ચરબી વધવી એ શરીરના કોઈ પણ હિસ્સાના વજન વધવા કરતાં વધારે જોખમી છે. આ પરથી એવું સમજી શકાય છે કે ૨૩ બીએમઆઇવાળા ભારતીયોની ગણતરી મેદસ્વી લોકોમાં કરી શકાય છે. જો વધુ વજન માટે કોઈ કટ ઑફ પોઇન્ટ તરીકે ૨૩ બીએમઆઇને માન્યતા આપવામાં આવે તો ભારતની અડધી વસ્તી અને તેમાં પણ ખાસ કરીને શહેરી વસ્તી ચોક્કસ જ મેદસ્વીપણાની કેટેગરીમાં આવી જશે.
હુના જણાવ્યા અનુસાર શરીરમાં વધુ પડતી ચરબી નોન કમ્યુનિકેબલ બીમારીઓના જોખમને વધારે છે. એને કારણે ૧૩ પ્રકારનાં કેન્સર, ટાઈપ-ટૂ ડાયાબિટીસ, હૃદય સંબંધિત સમસ્યા અને ફેફસાંની બીમારીઓ થઈ શકે છે. ઇન્ટરનેશનલ ફેડરેશન ફોર ધ સર્જરી ઑફ ઓબેસિટી એન્ડ મેટાબોલિક ડિસઓર્ડર (આઇએફએસઓ)ના એક વડાએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે નિર્ધારિત વજન કરતાં દર દસ કિલો વધુ વજન તમારા આયુષ્યનાં ત્રણ વર્ષ ઓછાં કરી નાખે છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિનું વજન તેનું હોવું જોઈએ એ વજન કરતાં ૫૦ કિલો વધુ હોય તો તે પોતાના જીવનનાં ૧૫ વર્ષ ઓછાં કરી નાખે છે. અમુક વર્ષો પહેલાં સીન ટેક્સની વાત કરવામાં આવી હતી. આ પાછળનો હેતુ એવો હતો કે એવા ખાદ્ય પદાર્થોની કિંમત વધારવી કે જે આરોગ્ય માટે હાનિકારક હોય. કિંમત વધવાને કારણે લોકો જ આવા ખાદ્ય પદાર્થોનું સેવન કરવાનું ટાળે કે પછી હતોત્સાહ થાય.
આરોગ્યના નિષ્ણાતોનું કહેવું છે કે એવું ક્યારેય થયું જ નહીં, કારણ કે એ કંપની પાસેથી મદદ નહીં મળી જે એવા ખાદ્ય પદાર્થ બજારમાં મૂકે છે. એટલે ભારતે લોકોને એવા ખાદ્ય પદાર્થો ખાતા રોકવા માટે એ જ નીતિ અપનાવવી પડશે જે એણે ધૂમ્રપાન અને મદ્યપાન માટે અપનાવી છે એટલું જ નહીં, પણ એક સમયે સાર્વજનિક સ્થળો, ઓફિસ અને ફ્લાઇટ દરમિયાન ધૂમ્રપાન કરવાની પરવાનગી આપવામાં આવી હતી જે હવે પ્રતિબંધિત કરી નાખવામાં આવી છે. સરકારે ટીવી અને ફિલ્મોમાં પણ આવાં દૃશ્યો વખતે ડિસક્લેમર આપવાનું ફરજિયાત કરી નાખ્યું છે. એક્ઝેક્ટલી એવી જ રીતે સિગારેટના પેકેટ પર પણ ચેતવણી આપવામાં આવે છે. વિશેષજ્ઞોનું એવું માનવું છે કે વારંવાર એક જ પ્રકારની ચેતવણી લોકોને આપવામાં આવશે તો તેમના મગજ પર તેની અસર થશે અને આપણે મેદસ્વિતાને મહામારી બનતાં અટકાવી શકીશું…

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.