તેરી બોલી લે કે સૂર જગે-સૂર જગે, જાનેમન તૂ હૈ કહા…

મેટિની

રંગીન ઝમાને -હકીમ રંગવાલા

કિશોરકુમાર એક મહાન પ્રતિભા હતા. હિન્દી ફિલ્મોમાં જીનિયસ કહેવાય એવી એક હસ્તી હતા. એમની જોડ હિન્દી ફિલ્મોના ઇતિહાસમાં જોવા નથી મળતી એવી અજોડ પ્રતિભા. લોકપ્રિય લેખક અને વક્તા શ્રી જય વસાવડા કહે છે કે, ‘કોઈપણ માણસે પોતાના શોખ કે સંજોગ મુજબનું કોઈપણ ક્ષેત્ર પસંદ કર્યું હોય એ ક્ષેત્રમાં મહારથ હાસિલ કરવા માટે માણસે દસ હજાર કલાક એની માટે આપવા પડે. ત્યારે જ માણસ એ ક્ષેત્રમાં મહારથ મેળવી શકે. પણ પ્રતિભા હોય એમને આવી કોઈ મહોતાજી નથી હોતી. એમનામાં રહેલી પ્રતિભાનો પ્રચંડ વિસ્ફોટ થાય છે અને દુનિયા તેના તેજમાં અંજાઈ જાય છે. જેમ કે કોઈપણ કવિ, લેખકે સારા કવિ, લેખક બનવા માટે પુષ્કળ વાંચન કરવું પડે પણ ગાલિબ જેવી પ્રતિભાને કઈ વાંચવાની જરૂર નથી રહેતી કારણકે એમનામાં પ્રતિભા છે અને એ પ્રતિભાનો પ્રચંડ વિસ્ફોટ થવાનો.’
કિશોરકુમારે પદ્ધતિસર કોઈ શાસ્ત્રીય તાલીમ નહોતી લીધી કે નહોતા એમના કોઈ ગુરુ. એટલે જ કિશોરકુમાર શાસ્ત્રીય રાગ-રાગિણી ઊંડાણપૂર્વક જાણતાં નહોતા છતાં ’કુદરત’ ફિલ્મમાં ખાસ શાસ્ત્રીય ગાયિકા પરવીન સુલતાનાજી પાસે ગવડાવેલું વર્ઝન યાદ નહીં આવે પણ જેવા ગીતના શબ્દો નજર સમક્ષ આવશે, ‘હમે તુમ સે પ્યાર કિતના યે હમ નહીં જાનતે, મગર જી નહીં શકતે તુમ્હારે બીના…’ ત્યારે કિશોરકુમારનો અવાજ જ મન મગજમાં ગુંજી ઉઠશે. આવી જ રીતે બે વર્ઝનમાં ‘મહેબૂબા’ ફિલ્મમાં આવેલું ગીત, ’મેરે નૈના સાવન ભાદો ફિરભી મેરા મન પ્યાસા…’ તો કિશોરકુમારના અવાજ માટે ખુદ એક ઇતિહાસ બની ગયું છે.
કિશોરકુમાર એક અજોડ ગાયક હોવા છતાં પોતાની ગાયકીની મર્યાદા બાબતે સભાન હતા. ફિલ્મ ‘દુશ્મન’માં સંગીતકાર લક્ષ્મીકાંતજીએ પોતાના અવાજમાં ’વાદા તેરા વાદા…’ રેકર્ડ કરીને આપ્યું એ સાંભળીને કિશોરકુમાર બોલ્યા કે આ તો કવ્વાલી જેવું છે, મને આ નહીં ફાવે, તમે રફી સા’બ પાસે કરાવી લો. પણ ફિલ્મના હીરો રાજેશ ખન્નાની જીદ જીતી ગઈ અને કિશોરકુમાર એ વાદા તેરા વાદા ગીત ગાયું અને અફલાતૂન ગાયું છે. અમુક વખત પરદા પર કિશોર ગાતા હોય અને પ્લેબેક રફી સા’બનું હોય એવું પણ બન્યું છે.
કોઈ સંગીતકાર અઘરી શાસ્ત્રીય ધૂન લઈને કિશોરકુમાર પાસે જતા તો કિશોરકુમાર હસતા હસતા કહી દેતા, ‘કયા ભાઈ, મુઝે ગુલામ અલી સમજા હૈ કયા !’
જાવેદ અખ્તર સાહેબે એક મુલાકાતમાં કહેલું કે, ‘કિશોરકુમાર એક એવા ગાયક છે જે કોઈપણ ગીત હોય કે કોઈપણ સાથી ગાયકો હોય કે ગમે તેવું સંગીત હોય પણ જ્યારે ગીતમાં કિશોરકુમાર પ્રવેશ કરે એટલે બધાની ઉપર કિશોરકુમાર જ હાવી થઈ જવાના.’ આટલું કહીને જાવેદ અખ્તરે ઉમેર્યું કે, ‘કોઈ ગીત ફિલ્મમાં પુરુષ અને સ્ત્રીના અવાજમાં બે વખત આવતું હોય અથવા બે પુરુષ ગાયકના અલગ વર્ઝન હોય એવા ગીતમાં જો એક વર્ઝન કિશોરકુમારે ગાયું હોય તો કિશોરકુમાર જ છવાઈ જવાના.’
૧૯૭૧થી લઈને ૧૯૭૫ સતત પાંચ વર્ષ સુધી અમીન સાયાની સાહેબનો મશહૂર રેડિયો કાર્યક્રમ ‘બિનાકા ગીતમાલા’માં ટોપ ૨૫ ગીતોમાં સૌથી વધારે ગીતો કિશોરકુમારના હતા. ૧૯૭૧માં ટોપ ૨૫માંથી ૧૬ ગીતો કિશોર, ૧૯૭૨માં ટોપ ૨૫ ગીતોમાંથી ૧૫ ગીતો કિશોર, ૧૯૭૩માં ટોપ ૨૫માંથી ૧૪ ગીતો કિશોર, ૧૯૭૪માં ટોપ ૨૫ ગીતોમાંથી ૧૬ ગીતો કિશોર અને ૧૯૭૫માં ટોપ ૨૫માં ૧૫ ગીતો કિશોરકુમાર.
કિશોરકુમાર એક એવી પ્રતિભા હતા કે ગીત ગાવા સિવાયની ફિલ્મો સાથે સંકળાયેલી દરેક બાબતોમાં આવડત ધરાવતા અને અભિનય, સંગીત, પટકથા, દિગ્દર્શન, એડિટિંગ, લેખન બધા કામો કરી શકતા. આવો કિશોરકુમાર જેવો જીનિયસ બીજો કોઈ હિન્દી ફિલ્મજગતમાં નથી આવ્યો.
કિશોરકુમાર અને મહંમદ રફીની હરીફાઈ, દુશ્મની એવી ગોસીપો ખૂબ ચગેલી પણ અમિતકુમારે કહ્યું છે કે, કિશોરકુમાર જ્યારે કાર્યક્રમ આપવા લંડન ગયેલા ત્યારે રફી સા’બ લંડનમાં એમના દીકરાના ઘરે હતા અને એમને ખબર પડી કે અમે લોકો લંડનમાં છીએ એટલે એમના ઘરે મને અને પપ્પાને જમવા તેડાવેલા.
આગળ અમિતકુમારે જ કહ્યું છે કે જ્યારે રફી સા’બ ગુજરી ગયા એ ખબર આવી એટલે હું અને પપ્પા રફી સા’બના ઘરે પહોંચી ગયા એ વખતે રફી સા’બના મૃતદેહ પાસે બેસીને કિશોરકુમાર ધ્રુસ્કે ધ્રુસ્કે રડેલા અને એવા રડતા પાપા જિંદગીમાં પહેલીવાર જ મેં જોયા હતા ! અમેરિકામાં જ્યારે મુકેશજીનો દેહાંત થયો ત્યારે એમનો મૃતદેહ ભારત લઈ આવનાર પ્લેનની રાહ જોવામાં મુકેશજીના પરિવારની સાથે મહંમદ રફી અને કિશોરકુમાર પણ ઊભા હતા !
ઇન્દિરા ગાંધીએ લાદેલ કટોકટી વખતે ઇન્દિરા જેવા સમર્થ રાજનેતા અને વડાં પ્રધાનને પણ ’મૈં ઝુકેગા નહિ’ કહીને ખફગી વ્હોરી લેનાર કિશોરકુમાર જ હોય.
કિશોરકુમારે હિન્દી ઉપરાંત બંગાળી, તમિલ, ગુજરાતી ગીતો પણ ગાયાં છે. આ બધા ગીતોમાં એક પણ ગીત એવું નહીં મળે જેમાં કિશોરકુમાર શું શબ્દ બોલ્યા છે એ જાણવા માટે ગીત સાંભળનારે રિવાઇન્ડ કરીને ગીત સાંભળવું પડે. એક એક શબ્દ પહેલીવાર ગીત સાંભળનારને સ્પષ્ટપણે સમજાય અને સંભળાય જાય જ, ન તો એમાં વચ્ચે સંગીત આવે કે ન તો કિશોરકુમારનો શ્ર્વાસ પણ વચ્ચે આવે. આટલી હદે સ્પષ્ટ શબ્દોના ઉચ્ચાર રણકાભેર કરતો બીજો કોઈ ગાયક આ દુનિયાની પીઠ પર નથી થયો એમાં કોઈ શક નથી.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.