તારા પર મૂકેલા ભરોસાને આજેય પ્રશ્ર્નાર્થચિહ્ન લાગેલું છે..!

લાડકી

સંબંધોને પેલે પાર-જાનકી કળથિયા

કોઈ પણ સંબંધ ટકી રહેવા પાછળનું કારણ શું? સંબંધ શેના લીધે કાયમ ટકે છે? એ જ રીતે સંબંધ તૂટવાનું મુખ્ય કારણ શું? મોટા ભાગે બે ગમતી વ્યક્તિ વચ્ચે સંબંધ શેના લીધે તૂટે છે? બંને પ્રશ્ર્નોના જવાબમાં એક શબ્દ કોમન છે અને એ છે ‘અનહદ વિશ્ર્વાસ’ અને ‘વિશ્ર્વાસનો અભાવ’.
બે વ્યક્તિ વચ્ચે સંબંધનો આધાર ભલે પ્રેમ હોય, પરંતુ વિશ્ર્વાસ એ સંબંધના કાયમીપણા માટે સૌથી મોટી મૂડી છે. જિંદગી નામના રંગમંચ પર બે પાત્રોના પરસ્પર સ્નેહ અને વિશ્ર્વાસના આધારે જિવાતું ઓરિજિનલ નાટક સુપેરે પાર પડી જાય છે. એટલે એક સમયે પ્રેમમાં વધઘટ થઈ શકે, એમાં ઓછપ આવે તો ચલાવી લેવાય, પણ વિશ્ર્વાસનો પાયો જો ડગમગે તો જે તે સંબંધનો પાયો હલબલી જાય છે. આપણી વ્યક્તિ આપણી જ છે, અન્ય કોઈની નથી એવો વિશ્ર્વાસ બે પાત્રો વચ્ચેના સ્નેહને આજીવન જીવંત રાખે છે.
પરંતુ આપણે બધા એક એવા ડર સાથે જીવવા ટેવાઈ ગયા છીએ. ડગલે ને પગલે એવું લાગ્યા કરે કે કોઈ આપણને છેતરી તો નથી રહ્યુંને? કોઈ આપણને બેવકૂફ તો નથી બનાવી રહ્યુંને? સમય સાથે આપણે વધુ ને વધુ શંકાશીલ બનતા ગયા. એ હદે કે આ વિશ્ર્વાસના અભાવે, માત્ર શંકાના લીધે સંબંધો તૂટવા લાગ્યા. આપણા માણસના બદલે એના મોબાઈલના કોલ લોગ અને એના ટાઈમિંગ પર વધુ ભરોસો કરવા લાગ્યા. જેના લીધે શંકા કે વહેમનાં ઊંડાં બીજ રોપાઈ ગયાં.
પતિ-પત્ની એકબીજા પર વોચ રાખે. કોણ ક્યાં જાય છે, કોને મળે છે, કોની સાથે વાત કરે છે, કોની સાથે કેટલો સમય વાત કરે છે, કોની સાથે વધુ સારું બને છે, ફ્રી સમયે શું કરે છે, ઓનલાઈન કયા સમયે અને કોની સાથે હોય છે, ક્યાં કેટલા રૂપિયા કોના માટે વાપરે છે વગેરે જાણવા મોબાઈલની છૂપી રીતે જાસૂસી કરે. આ સિવાય મોબાઈલમાં વિવિધ એપ્સ, રેકોર્ડિંગ, વીડિયો કોલનો ઉપયોગ કરે. કાર્યસ્થળની સરપ્રાઈઝ વિઝિટ લે. અરે, ડિટેક્ટિવ પણ રાખે. એકાઉન્ટ ડિટેઇલ્સ, રોકાણ વગેરેની માહિતી મેળવવાનાય રસ્તા શોધી લે. લગ્ન પહેલાં પણ પોતાના પાર્ટનરની તમામ પ્રકારની જાસૂસી કરે. બે કલિગ્સ એકબીજા સાથે ફોનમાં વાત કરતી વખતે શબ્દો જાળવીને વાપરે. બોસ સાથે ફોનમાં વાત કરતી વખતે રેકોર્ડિંગ ચાલુ રાખે. ચેટ કરતા બે મિત્રો કે બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ એકબીજાના સ્ક્રીનશોટ્સ રાખી લે. ઈવન ચોરીછૂપીથી એકબીજાના ફોન લઈને ચેટ ચેક કરી લે. ચેટ કરતી વખતે ડિલિટ ફોર એવરીવનનો ઉપયોગ કરે. રેકોર્ડેડ ઓડિયો કોલ સેવ કરીને રાખે. સોશિયલ મીડિયા એકાઉન્ટ ચેક કરી વર્ચ્યુઅલ ફ્રેન્ડ્સની ડિટેઇલ્સ મેળવી લે. જે તે સ્થળનું લોકેશન માગી ખાતરી કરી લે. આવું બીજું ઘણુંય છે જે એ બતાવે છે કે રિલેશનમાં જોડાયેલાં બે પાત્રો એકબીજાના મોઢે જુદાં છે, જ્યારે અંદરથી શંકાશીલ સ્વભાવનાં છે.
વધતી જતી ટેક્નોલોજી સાથે લોકોની પ્રાઈવસીનો ભંગ થાય છે. જેના લીધે સંબંધ પર અવિશ્ર્વાસ નામની કાળી ટીલી લાગે છે. સંપૂર્ણ વફાદાર વ્યક્તિનો/ની પાર્ટનર એનાથી બે-ત્રણ દિવસ બહાર હોય તો એ ક્યાં છે અને શું કરે છે એની ખરાઈ કરવા વીડિયો કોલ કરવામાં આવે કે લોકેશન માગવામાં આવે એટલે સામેવાળી વ્યક્તિને વિચારવા મજબૂર કરી દે છે. ‘શું એને મારા પર વિશ્ર્વાસ નહિ હોય?’ પ્રશ્ર્નથી ઉદ્ભવેલી પોતાના પાર્ટનર પ્રત્યેની કાઉન્ટર શંકા ઘણી વાર પોતાનો સંબંધ તોડીને અન્યત્ર નવો સંબંધ શોધવા પણ મજબૂર કરી દે છે. એટલે અવિશ્ર્વાસની પરીક્ષામાં પોતાનો પાર્ટનર સફળ થાય ત્યાં સુધીમાં સામેવાળા પાત્રએ ઘણું બધું ગુમાવી દીધું હોય છે. આ પ્રકારનો અવિશ્ર્વાસ માણસની નિખાલસતાનું ખૂન કરી નાખે છે.
એક છોકરો અને છોકરી વચ્ચે છએક મહિનાની રિલેશનશિપ હતી. બંને વચ્ચે અનહદ લાગણી હતી અને ટૂંક સમયમાં તેઓ લગ્ન કરવાનાં હતાં. હવે થયું એવું કે પેલો છોકરો જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ વધુ પઝેસિવ બનતો ગયો. ત્યાં સુધી કે પોતાની ફિયાન્સીની જાસૂસી કરવા પોતાનો કામધંધો છોડી એની પાછળ ફરવા લાગ્યો. એના મોબાઈલની ડિટેઇલ્સ ચોરીછૂપીથી મેળવવા લાગ્યો. હવે આ વાતની ખબર પેલી છોકરીને પડી એટલે એને બહુ દુ:ખ થયું. આવા શંકાશીલ માણસ સાથે લાઈફ જીવી જ ન શકાય એવા નિર્ધાર સાથે પેલાએ માફી માગવા છતાં તેનાથી અલગ થઈ.
અન્ય એક કિસ્સામાં યુવક અને યુવતીનાં લગ્નનાં બે વર્ષ કરતાં વધુ સમય પછી પાસ્ટ અફેરને લઈને વાત ડિવોર્સ સુધી પહોંચે છે. સગાઈ થઈ એ પહેલાં જ બંને વ્યક્તિએ એકાંતમાં એકબીજાના પાસ્ટ વિશે પૂછ્યું હતું. ત્યારે છોકરાએ ‘એવું કંઈ જ નથી’ એમ કહી છોકરીનો વિશ્ર્વાસ જીતી લીધેલો, પણ લગ્નના અમુક સમય પછી છોકરાના જૂના સંબંધનું પ્રૂફ વારંવાર મળતું રહ્યું અને પોતાને અંધારામાં રાખી છેતરવામાં આવી એમ માની એ છોકરીએ પોતાના પતિ સાથે ડિવોર્સની માગણી કરી
બીજી એક ઘટનામાં બે જિગર જાન મિત્રો કે જેમની વચ્ચે તમામ પ્રકારની વાતચીત થતી. જેઓ એક ઓફિસમાં સાથે જ કામ કરતા. કોઈ જોબ ઇસ્યુના લીધે એકને પ્રમોશન મળ્યું અને બીજાને ન મળ્યું, જેથી બીજાને જેલસી ફીલ થઈ અને એણે અગાઉ બંને મિત્રો વચ્ચે થયેલ ઓફિસ અંગેની ગુપ્ત વાતની ઓડિયો ક્લિપ બોસને સંભળાવી. હવે બંનેને જોબ છોડવાનો વારો આવ્યો.
આવી તો કેટલીય ઘટનાઓ આપણી આસપાસ બનતી હશે, જે અતૂટ ભરોસાના અભાવમાં સંબંધને તોડવાનું કામ કરે છે. હવે તો ઓફિસ, દુકાનો, સોસાયટી, મોલ, થિયેટર, બાગબગીચા, વાહનો, જાહેર રસ્તાઓ એમ દરેક જગ્યાએ સીસીટીવી કેમેરાની હાજરી જોઈ શકાય છે. તેના લીધે આપણી દરેક હરકત પર નિયંત્રણ આવી જાય છે. ઘણા ગુનાઓના ઉકેલ માટે આ જરૂરી પણ છે, પરંતુ ઘણી વાર તો ઘરમાંય શંકાના આધારે છૂપા કેમેરા લગાવવામાં આવે છે. ગુનેગાર વ્યક્તિ તો પકડાશે જ, પણ જે નિર્દોષ છે એને જ્યારે આ વાતની ખબર પડે એટલે ઢગલો પ્રેમ હોવા છતાંય પોતાના પાર્ટનરનું આવું શંકાશીલ માનસ સહન થઈ શકતું નથી. પોતાની લાગણીઓ સાથે થઈ રહેલી રમતમાં તમામ દાવ હારીને અફસોસ સાથે સંબંધ તોડવા પર ઊતરી આવે છે.
આપણી આસપાસ જે પણ થતું હોય, છતાંય લાઈફમાં એક વાર તો એકાદ ગમતી વ્યક્તિ પર ૧૦૦ % આંધળો વિશ્ર્વાસ મૂકી જ દેવો જોઈએ. મારી સાથે ચીટ કરશે કે મને છોડી દેશે એવા ભયમાંથી મુક્ત થઈને, ભવિષ્યની ચિંતા કર્યા વગર ગમતી વ્યક્તિ પર ભરોસો મૂકી પોતાની જાતને સમગ્રપણે એના હવાલે કરી દેવી જોઈએ. કાં તો એનું મન જાગી જશે અને આપણા પ્રબળ વિશ્ર્વાસના લીધે ચીટ કરવાનું બંધ કરી દેશે અથવા તો આપણને છેતર્યા પછીય આપણો એના પરનો અનહદ વિશ્ર્વાસ એને અંદરથી કોરી ખાશે. આ બંને સ્થિતિમાં જીત હંમેશાં વિશ્ર્વાસ મૂકનારની જ થશે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.