તમે ખરેખર અનિદ્રાથી પીડાઓ છો?

વીક એન્ડ

સાંપ્રત -અનંત મામતોરા

સુપરહિટ ફિલ્મ ‘હમ’નું એક હિટ ગીત છે,
‘સનમ મેરે સનમ, કસમ તેરી કસમ,
મુઝે આજકલ નીંદ આતી હૈ કમ…’
ફિલ્મના ગીતમાં તો અર્થ સાફ છે કે પ્રણયના ઉન્માદમાં ઊંઘ આવતી નથી, પરંતુ સાહિત્યની આ વ્યાખ્યા વિજ્ઞાનને મંજૂર નથી. શું કારણો છે ઓછી ઊંઘ કે ઊંઘ ન આવવાનાં? જાણવા જેવું છે.
ભારતમાં ૨૦૧૯માં એક ગાદલા બનાવતી કંપનીએ ‘સ્લીપ ઇન્ટર્નશિપ’ માટે અરજીઓ મગાવી હતી. જવાબમાં માન્યામાં ન આવે તેટલી ૧.૭ લાખ અરજીઓ કંપનીને મળી હતી. આ ‘સ્લીપ ઇન્ટર્નશિપ’ માટે ૧૦૦ રાત સુધી રોજ ૯ કલાક ઊંઘવાની શરત રાખવામાં આવી હતી. આ માટે કંપની દરેક ઇન્ટર્નને એક લાખ રૂપિયા આપવા તૈયાર હતી. આ જાહેરાત જોઈને બધાને લાગ્યું કે એમાં શું મોટી ધાડ મારવાની છે? બધાને લાગ્યું કે બંદાને તો ગમે ત્યાં અને ગમે ત્યારે ઊંઘ આવી જ જાય! એમ વિચારીને એટલા બધાએ કરી અરજી. આપણે ત્યાં તો કહેવત છે, ‘ઊંઘ ન જુએ ઓટલો’. પણ ઇન્ટરવ્યુ આપ્યા ત્યારે ખબર પડી કે આ કેટલું મુશ્કેલ કામ છે. જો તમને પણ એમ લાગતું હોય કે આપણને તો ઊંઘનો ક્યાં વાંધો જ છે?! તો જરા થોભો. એક રિસર્ચ પ્રમાણે કોરોનાકાળમાં બીમારીથી ઠીક થયેલા દર ૧૦માંથી ૩ દર્દીઓ ઊંઘને લગતી સમસ્યાથી પીડાય છે. કોરોના પહેલાં પણ દર ૧૦માંથી ૩ દર્દીઓ ઊંઘને લગતી કોઈ ને કોઈ સમસ્યાથી પરેશાન હતા. જોકે ઊંઘને લગતી દરેક તકલીફ બીમારી જ હોય તેવું માની લેવાની જરૂર પણ નથી. માટે એ જાણવું જરૂરી છે કે ક્યારે ઊંઘ ન આવવી એ બીમારી બની શકે છે અને ક્યારે ડોક્ટરની સલાહ લેવાની જરૂર છે.
ઇન્સ્ટિટ્યૂટ ઓફ હ્યુમન બિહેવિયર એન્ડ એલાઇડ સાયન્સ (ઈંઇંઇઅજ)ના વરિષ્ઠ મનોચિકિત્સક ડો. ઓમ પ્રકાશ કહે છે કે ઊંઘની એક સાઇકલ ૯૦ મિનિટની હોય છે. આપણે એક રાતમાં લગભગ આવી ૪-૫ સાઇકલ પૂરી કરીએ છીએ. ૯૦ મિનિટની પહેલી સાઇકલને નોન રેપિડ આઈ મૂવમેન્ટ (ગછઊખ) કહેવાય છે. સાધારણ ભાષામાં તેને ગાઢ નિદ્રા કહેવાય છે. બીજા ચરણ કરતાં આ ઊંઘ લાંબી હોય છે. સૂતા પછી ૯૦ મિનિટની સાઇકલની પહેલી ૬૦-૭૦ મિનિટ આ સાઇકલ ચાલે છે.
બીજા ચરણને રેપિડ આઈ મૂવમેન્ટ કહે છે (છઊખ). આ ચરણમાં આપણે સપનાંઓ જોઈએ છીએ. આ સમયની ઊંઘની ઘટનાઓ આપણને યાદ પણ રહી જાય છે. આપણે જ્યારે ઊંઘતા હોઈએ છીએ ત્યારે એનઆરઈએમ ઘટતી જાય છે અને આરઈએમ વધતી જાય છે. જેટલા લોકો ઊંઘને લગતી સમસ્યાની વાત કરે છે તેઓને આ બે ચરણ સાથે જોડાયેલી સમસ્યા જ
હોય છે.
જેમને એનઆરઈએમને લગતી સમસ્યા હોય છે તેઓ કહે છે, મને તો કંઈ ભાન જ નહોતું, બહુ સરસ ઊંઘ આવી. જ્યારે આરઈએમની સમસ્યાવાળા લોકો કહેશે કે સવારે જલદી આંખ ખૂલી ગઈ, સરખી ઊંઘ જ ન આવી.
ઊંઘની સમસ્યા બીમારી ક્યારે બને?
ઊંઘને લગતી બીમારીઓ ઘણા પ્રકારની હોય છે, જેમ કે, ઊંઘ ન આવવી, વધારે પડતી ઊંઘ આવવી, નસકોરાં બોલાવવાં, ઊંઘમાં ‘ટેરર એટેક’ આવવો, વગેરે. કોરોના બાદ જેમને ઊંઘની સમસ્યા સર્જાઈ છે તે કોઈ પ્રકારનો ડિસઓર્ડર નથી. કેટલાક લોકો તેમાં અપવાદ હોઈ શકે.
ડોક્ટર કહે છે કે હકીકતમાં ઊંઘમાં કોઈ પ્રકારની તકલીફ હોવી અને તેને લગતી બીમારી હોવા વચ્ચે ફરક છે. જેવી રીતે, ભૂખ લાગવી એક સમસ્યા છે, પણ તેને કારણે સામે જે આવે તે ખાઈ લેવું એક ડિસઓર્ડર અથવા બીમારી છે.
દરેક વ્યક્તિને મહિનામાં ત્રણ-ચાર વાર ઊંઘ ન આવવાની ફરિયાદ રહેતી હોય છે. એટલે કોઈને આવું થાય તો તેને બીમારી ન કહેવાય. કોરોના પછી ૧૦માંથી લગભગ ૩ વ્યક્તિઓ આ ફરિયાદ ધરાવે છે. તેનો મતલબ કે સમસ્યા તો છે, પણ તેણે બીમારીનું સ્વરૂપ નથી લીધું.
ડિપ્રેશન, એન્ક્ઝાઈટી અથવા ફેફસાંની બમારીથી પીડિતોમાં આ સમસ્યા વધુ જોવા મળી છે. તેના ઘણા દુષ્પ્રભાવ છે, જેમ કે સ્મરણશક્તિ ઘટવી, નિર્ણયો લેવાની ક્ષમતા ઓછી થવી, સંક્રમણ અને સ્થૂળતા. બધા જ આ જોખમ જાણે છે, પણ તેને અવગણે છે.
ઊંઘની બીમારીનાં પ્રાથમિક લક્ષણો
ડોક્ટરો નિદ્રા રોગનાં શરૂઆતનાં લક્ષણો ત્રણ રીતે સમજાવે છે – પહેલું: ઊંઘના કલાકોમાં ઘટાડો. બીજું: ઊંઘની ગુણવત્તા પર ધ્યાન. ત્રીજું: ઊંઘના સમયમાં તકલીફ.
એક ધ્યાનમાં રાખવા જેવી વાત એ છે કે દરેકની ઊંઘની જરૂરિયાત એક જેવી નથી હોતી. કેટલાક ૫-૬ કલાક ઊંઘીને પોતાને તાજામાજા અનુભવે છે, તો કેટલાક ૮-૧૦ કલાક પણ ઊંઘે છે. તેમને ‘લોન્ગ ટર્મ સ્લીપર’ કહે છે.
જો ૫-૬ કલાક ઊંઘનારની નિદ્રા ૨-૩ કલાક થઇ જાય અને ૮-૧૦ કલાક ઊંઘનારની નિદ્રા ૫-૬ કલાક જેટલી જ રહી ગઈ હોય તો નિદ્રા રોગનું આ પ્રાથમિક લક્ષણ છે. જો આ સમસ્યા બે-ત્રણ અઠવાડિયાં સુધી સતત રહ્યા કરે તો આ બીમારીનો શરૂઆતનો તબક્કો હોઈ શકે છે. આ માટે પહેલાં તમે જનરલ ફિઝિશિયનની સલાહ લઇ શકો છો. જો તેઓ તમને મનોચિકિત્સક પાસે જવાની સલાહ આપે તો તેમનો સંપર્ક કરવો જોઈએ.
બીજું લક્ષણ છે, ઊંઘની ગુણવત્તા. એક માણસ ૮-૧૦ કલાક ઊંઘે છે, પણ વચ્ચે ચાર-પાંચ વાર ઊઠી જાય છે, તો તેને સારી ઊંઘ ન આવવાની ફરિયાદ હોય છે. આ પણ તકલીફની શરૂઆતનો એક સંકેત છે. ત્રીજા લક્ષણમાં સમયની સમસ્યા હોય છે. કેટલાકને પથારીમાં પોઢ્યા બાદ કલાકો પછી ઊંઘ આવે. તેઓ પડખાં ફર્યા કરતા હોય. તેને ‘ઇનિશિયલ ઇન્સોમ્નિયા’ કહે છે. ઘણાને ઊંઘ તો આવી જાય, પણ અડધી રાતે ઊઠી જાય. આ સમસ્યાને ‘મિડલ ઇન્સોમ્નિયા’ કહે છે.
ત્રીજા પ્રકારમાં સવાર થતાં પહેલાં જ જેમની આંખ ખૂલી જાય છે, તેને ‘ટર્મિનલ ઇન્સોમ્નિયા’ કહેવાય છે.
આ ત્રણમાંથી કોઈ એક પ્રકારની સમસ્યા જો સતત રહેતી હોય તો તેવી વ્યક્તિએ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
ઊંઘની સમસ્યાની સરળ જાણકારી મેળવવા સ્લીપ હાઇજીન ટેસ્ટ (જહયયા ઇુંલશયક્ષય ઝયતિ)ં થાય છે, જેમાં થોડા સવાલોના જવાબ આપીને તમે જાણી શકો કે તમારાં લક્ષણ કયા પ્રકારનાં છે અને તેમાં જ બીમારીનો ઈલાજ છુપાયેલો છે.
ચેન્નાઈની ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થના એક ડોક્ટર કહે છે, ‘કોરોનાના સમયમાં લોકોની લાઇફ સ્ટાઇલ ઘણી બદલાઈ ગઈ છે. બીમાર પડતાં અચાનક આઇસોલેશનમાં રહેવું પડે છે, ક્યારેક હોસ્પિટલમાં જવું પડે. જેઓ બીમાર નથી તેમનું પણ બહાર જવું, લોકોને મળવું, શારીરિક શ્રમ બહુ ખરાબ રીતે પ્રભાવિત થયાં છે. સોશિયલ મીડિયા પર નિર્ભરતા વધી ગઈ છે. જાત જાતની અનિશ્ર્ચિતતાઓથી લોકો ઝઝૂમી રહ્યા છે. આખો દિવસ ઘરમાં રહેવાથી તેમનું રોજિંદું જીવન અસ્તવ્યસ્ત થયું છે. આ બધાની અસર લોકોની ઊંઘ અને ઊંઘની સાઇકલ પર પડી છે. માટે આ તકલીફ હવે પહેલાં કરતાં વધુ સામાન્ય બની ગઈ છે. ઊંઘ ન આવવી એક બીમારી હોઈ શકે છે અથવા અન્ય કોઈ બીમારીનું લક્ષણ પણ હોઈ શકે છે.’
કોરોના બાદ લોકોમાં વધી ગયેલી આ તકલીફમાંથી ડોક્ટરો પણ બાકાત નથી રહી શક્યા. વર્ષ ૨૦૨૦માં મેડિકલ જર્નલ ‘ધ લેસેન્ટ’માં છપાયેલા એક રિપોર્ટ મુજબ, ચીનમાં કોરોના દરમ્યાન ૩૫ કે તેથી વધુ ઉંમરના ૭,૨૩૬ લોકોની સ્લીપ પેટર્નનું અધ્યયન કરવામાં આવ્યું. તેમાંથી એક તૃતીયાંશ હેલ્થ વર્કર્સ હતા. આ સંશોધન અનુસાર ૩૫ ટકા લોકોમાં જનરલ એન્ક્ઝાઈટી, ૨૦ ટકામાં ડિપ્રેશન અર્થાત્ હતાશા અને ૧૮ ટકામાં ખરાબ ઊંઘનાં લક્ષણ જોવામાં આવ્યાં. તેનું કારણ હતું – લોકો કોરોના રોગચાળા વિષે વધારે ચિંતિત હતા.
ઈલાજ શું છે?
ડોક્ટરો સ્લીપ હાઇજીન સારી રીતે અપનાવવાની સલાહ આપે છે. સ્લીપ હાઇજીનનો મતલબ છે સૂતાં પહેલાં અથવા સૂતી વખતે કયા નિયમોનું પાલન કરવું જોઈએ? સારી ઊંઘ માટે નીચે આપેલી ટિપ્સ અપનાવો:
* ઊંઘના સમયના બે કલાક પહેલાંથી ચા-કોફી ન પીઓ.
* ભારે આહાર ન લો.
* સૂતાં પહેલાં ધૂમ્રપાન તો બિલકુલ ન કરો.
* ઊંઘવાની નિશ્ર્ચિત જગ્યા અને પથારી રાખો. તેના પર ખાવા, વાંચવા કે રમવા જેવી પ્રવૃત્તિ ન કરો.
* દિવસે નાનકડું ઝોકું પણ લેવું હોય તો પોતાની પથારીમાં ન લો.
* ઊંઘતાં પહેલાં બે કલાક સુધી સ્ક્રીન ટાઈમ ન રાખો.
* વારંવાર બાથરૂમ જવું પડતું હોય તો અવશ્ય ડોક્ટરની સલાહ લો.
* જો તમને સુગર કે બ્લડ પ્રેશરની તકલીફ હોય તો તેની દવાઓ સમયસર લો.
* રોજિંદા કામમાં એક ચોક્કસ રૂટિન રાખો, જેમાં સૂવા, ઊઠવા અને વ્યાયામનો સમય નિશ્ર્ચિત હોય.
આ રીતો અપનાવવાથી તમારી સમસ્યા મહદંશે જરૂર દૂર થઇ શકે છે. તેમ છતાં, જો સમસ્યા બીમારીનું રૂપ લેતી હોય તો ડોક્ટરની સલાહ જરૂર લો.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.