તમારી આસપાસ કોઇ એટેંશન સીકિંગ બિહેવિયરનો શિકાર તો નથીને?

લાડકી

કેતકી જાની

સવાલ : મારા ચાર મહિના પહેલાં જ લગ્ન થયાં છે. સાસરામાં આવ્યા બાદ બધું જ નવું છે. એડજસ્ટ થવાની કોશિશ કરું છુ. આ બધામાં એક અઘરી વ્યક્તિ મારી નણંદ છે. તે હર હંમેશ ઘરમાં રોબ જમાવતી ફરે છે. એકવાર કોઇ કારણ વગર તેમણે હાથથી કાચનો મોટો બાઉલ નીચે ફેંકી દીધો તે મેં રીતસર જોયું હતું. છતાં ઘરનાં બધા તેમની સરભરામાં લાગ્યા. ત્યારે મેં આ હકીકત જણાવી તો તેઓ અને બીજા બધા મને જ દોષી / જલનખોર સમજવા લાગ્યા. તે બધા જ સમયે કોઇપણ મેટરમાં ઇન સેન્ટર જ હોય તેમ તેઓ ઇચ્છે અને તે માટે કંઇપણ કરે છે, આવું વર્તન શું કહેવાય? હું તો ડઘાઇ જાઉં કયારેક તેમનું વિચિત્ર વર્તન જોઇ, હું શું કરું?
જવાબ : બહેન, તમારાં પ્રશ્ર્ન પરથી મારું અનુમાન છે કે તમારી નણંદ એટેંશન સીકિંગ બિહેવિયર (અઈઇ)ની શિકાર છે. આગળ તમને હું જે જવાબ લખું છું તેનાં અનુસંધાને તેના વર્તન વ્યવહારનું ઓબ્ઝર્વેશન કરશો તો તમને તેના વિશે સો ટકા ખાતરી થશે અથવા તે નહીં હોય તો અન્ય કોઇ કારણ હશે તેનો તમારે જ તમારી રીતે ઉકેલ લાવવો પડશે. પરંતુ તમને આ માહિતી મદદરૂપ તો ચોક્કસ થશે. ઘમંડી / અભિમાની, આકર્ષક રૂપાળા અને ઓવર કોન્ફિડન્ટ/ અતિ આત્મવિશ્ર્વાસવાદી લોકોને લાગે કે અટેંશન પામવું તેમનો જન્મસિદ્ધ હક છે. આ વાત હકીકતે તેમનું છીછરાપણું / અપરિપક્વતા બતાવે છે. -આવા ભાવનાત્મક રીતે અપરિપક્વ લોકો કાયમ સેંટર ઓફ એટ્રેકશન બની રહેવા છળકપટ-દગાબાજી-ધાકધમકી જેવા કોઇપણ પ્રકારના આત્યંતિક કહી શકાય તેવા હથકંડા અપનાવી શકે છે, જે તમારી નણંદના કેસમાં કાચનો બાઉલ જાતે જ ફોડી ઘરનાની સહાનુભૂતિ ઉઘરાવી અટેંશન મેળવવાની બાબતે લાગુ પડે છે. -મનોવૈજ્ઞાનિકોના મતાનુસાર આવા અટેંશન સીકર્સ હકીકતે પોતાની અયોગ્યતા અને અસુરક્ષાની ભાવના છુપાવવા માટે અજીબોગરીબ કહેવાય તેવી હરકતો કરી બીજાનું ધ્યાન આકર્ષિત કરે છે. સ્વ મૂલ્યાંકનમાં પોતાને ઓછા માર્ક આવે તેવું પ્રતિત થતાં તેમની અટેંશન પામવાની ઇચ્છા ઉત્તરોત્તર વધુ બળવત્તર બને છે. ઇન શોર્ટ પોતાની માનસિક રીતે ઊભી કરેલી સૃષ્ટિમાં તેઓ ફીટ ના બેસે તો કોઇપણ મતલબ કોઇપણ હદ સુધી તેઓ નીચે ઉતરી જઇ કોઇ અયોગ્ય કામ કરતાં અચકાતા નથી. હદથી ગુજરી જઇને પણ ચર્ચાપાત્ર રહેવા યત્ન કરે જેને આપણે કહી શકીએ કે બદનામ હુએ તો કયા? નામ તો હુઆ, જેવું વર્તન કરે છે.
-સ્ત્રીઓ / છોકરીઓમાં પુરુષોની તુલનાએ આ બિહેવીયર ડિસઓર્ડર વધુ પ્રમાણમાં દેખાય છે. આવી સ્ત્રીઓ ક્યારેક સામાન્ય લોકોને આશ્ર્ચર્ય થાય તેવા કપડાં પહેરે, લાઉડ મેકઅપ કરે અને ચિત્રવિચિત્ર હેર સ્ટાઇલ પણ કરે, ઇન શોર્ટ બધાથી અલગ દેખાવા માટેની રીતસરની ચળ ઉપડી હોય તેવું કરે છે. -તેઓ દિનપ્રતિદિન નિત્ય વ્યવહારમાં સહજ નથી હોતા. કોઇપણ વાત સીધી સટ બોલવાને બદલે મીઠું મરચું ભભરાવીને જ કરે છે. જે તે પરિસ્થિતિ તેમની જેવી કાબેલિયતથી બીજુ કોઇ હેન્ડલ કરી જ ના શક્યું હોય તેના કિસ્સા તેઓ સતત લોકોને મલાવી મલાવીને સંભળાવતા હોય છે. પોતાથી વધુ સમજદાર કે યોગ્યતાવાળુ કોઇ છે જ નહીં તેવું મિથ્યાભિમાન તેમને હોય છે. માટે જ્યારે સાચે કોઇ તેમનાથી ચડિયાતું પણ તેમની સામે આવે ત્યારે તેઓ મનથી આહત થાય અને તેમની માનસિકતા અંદરથી બળવો કરી મૂકે. ઇર્ષ્યાથી ચૂરચૂર થઇને, આવા વખતે દેખાડો/ એક્ટિંગ/ જૂઠ/ બીમારીનું બહાનું કે સ્વ વખાણ જેવાં હથિયાર વાપરે છે. -ક્યારેક સૌ પોતપોતામાં મશગૂલ હોય ત્યારે આવા લોકો અચાનક જોરજોરથી બોલવા લાગે, કંઇક પછાડે કે એવું કંઇક કરે કે સૌ તેમની આસપાસ જમા થાય. -દર વખતે કોઇ સતત તેમને સાંભળે, તેમના સતત વખાણ કરે, તેમને સતત પ્રેમ કરે, સંભાળ રાખે તેવું તેઓ ઇચ્છે છે, જે સામાન્ય રીતે કોઇપણ પરિપૂર્ણ કરી શકતું નથી. આવા લોકો જોડે સામાન્ય માણસોનું રહેવું મુશ્કેલ બને છે. આવું વર્તન આનુવંશિક પણ હોઇ શકે. બાળ ઉછેરમાં કમી, આસપાસનું વાતાવરણ કે સતત લાગણીઓને દબાવી રાખવી જે વ્યક્ત થવા રસ્તો શોધતી હોય તેવા લોકો આ એ.સી.બી.ના શિકાર બને છે. -ડાન્સ, પેન્ટિંગ કે મનગમતી ઇત્તર પ્રવૃત્તિ તરફ વાળી આવા લોકોની અણગમતી વૃત્તિઓ પર કાબૂ કરવા મનોવૈજ્ઞાનિકો સલાહ આપે છે. -તમારી નણંદના કેસમાં શું છે? તમારે શોધવું રહ્યું. -તેમને મનોચિકિત્સકની જરૂર હોય તેમ લાગે તો તમારા પતિ અને અન્ય સાસરિયાઓને શાંતિથી સમજાવી આગળ વધજો, અસ્તુ.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.