તમારાં બધાં કામ અધૂરાં રહી જાય છે?

ઇન્ટરવલ

આનન-ફાનન-પાર્થ દવે

આજનો મોડર્ન હ્યુમનબીઇંગ વોકિંગ કે વર્કઆઉટ પણ કાનમાં ઇયરબર્ડ કે હેડફોન દ્વારા કાન સુધી પહોંચતા સંગીત વિના નથી કરતો. આજકાલ તો ડ્રાઇવિંગ પણ મોબાઇલ વિના નથી થતું! ‘મલ્ટિટાસ્કિંગનો જમાનો છે’ કહેનારા સાચા, પણ તે બધી જગ્યાએ કામ નથી આવતું
————————
એક યુવાન અત્યંત પ્રતિભાવાન છે. તેની મેનેજમેન્ટમાં સૂઝ સારી છે. તેને સારી એવી કંપનીમાં નોકરી મળે છે. પગાર પણ સારો છે. ત્યાં તેને વિચાર આવે છે કે હું કંઈક પોતાનું શરૂ કરું. તે પોતાનો ઇવેન્ટનો બિઝનેસ શરૂ કરે છે. બિઝનેસ પણ તેના ટેલન્ટના કારણે શરૂઆતથી જ ધમધમે છે. ત્યાં તેને સમાંતર વિચાર આવે છે કે વાંચવાનો બાળપણથી જ શોખ હતો મને. હજુ પણ વાંચું છું. જુદા જુદા સેમિનારોમાં જઉં છું. મારે મેનેજમેન્ટનું પુસ્તક લખવું છે. તે પુસ્તક લખવાનું શરૂ કરે છે.
પુસ્તક અડધે પહોંચ્યું ત્યાં તે મોટિવેશન લેક્ચર આપવાનું શરૂ કરે છે, કેમ કે તેણે જોયું કે આજે લોકો લાઇવ પ્રેરણાત્મક પ્રવચનો આપી રહ્યા છે. તે સફળ જઈ રહ્યાં છે અને યુટ્યુબ પર પણ હજારો-લાખો લોકો તે જુએ છે. આમ કરતાં તે યુવાનની જેમાં સૌથી વધારે હથરોટી હતી તે મેનેજમેન્ટનો બિઝનેસ ખોટ ખાવાનું શરૂ કરે છે. પેલું પુસ્તક અડધું લખાયેલું પડ્યું છે અને તેને થાય છે કે હું કંઈ જ કરી શકું તેમ નથી. મારે પાછી નોકરી જ કરવી પડશે!
આમ થવાનું કારણ શું? તે યુવાન, શરૂઆતમાં કહ્યું તેમ, નાનપણથી હોશિયાર છે. તે જેમાં જેમાં નિષ્ફળ ગયો તે બધું જ કરી શકે તેમ હતો, પણ કરી એટલે ન શક્યો કે તેણે તે બધું જ એકસાથે કરવાનું વિચાર્યું. આ દેખીતી રીતે નાનો, પણ અત્યંત મહત્ત્વનો મુદ્દો છે.
આજના ચોતરફ માહિતીના આક્રમણના યુગમાં ટેક્નોસેવી યુવાનોને બધું જ એક સાથે કરવું છે. તેને તેના મિત્ર, સગાં-વહાલાં, સોશિયલ મીડિયા ફ્રેન્ડ્ઝ, કલિગ્સ જે આઇડિયા આપે છે તે તમામ આઇડિયા પર કામ કરવું છે. પૈસા કમાવાના, રાધર ફટાફટ પૈસા કમાવાના આ ડિજિટલ જમાનામાં ઘણા રસ્તાઓ છે. તે તમામ રસ્તા ચેક કરવા છે, પણ ચોક્કસ સમય પછી કે વર્ષો પછી તે અચાનક વિચારે છે કે હું એક પણ વસ્તુમાં એક નિશ્ર્ચિત અંતર ન કાપી શક્યો! મને સફળતા ન મળી. તેનું કારણ એ જ કે તેના બધા રસ્તા સાચા હતા, પણ તે રસ્તા ‘ઘણા બધા’ હતા. એક હોત તો તેની બધી એનર્જી અને સમય તેમાં વપરાયાં હોત. તે દરેક જગ્યાએ ત્રીસ ટકા પહોંચે છે, તેના બદલે તે આપોઆપ એક જગ્યાએ – એક કામમાં સંપૂર્ણ – સો ટકાએ પહોંચ્યો હોત.
‘એક સમયે એક કામ કરો’ જેવા ક્ષુલ્લક અને સરળ લાગતા મુદ્દા પર જય પેપસન અને ગેરી કેલર નામના લેખકે ‘ધ વન થિંગ: ધ સરપ્રાઇઝિંગલી સિમ્પલ ટ્રુથ અબાઉટ એક્સ્ટ્રાઑર્ડિનરી રિઝલ્ટ્સ’ નામનું પુસ્તક લખી નાખ્યું છે! કારણ કે આપણે માનીએ છીએ તેટલું આપણા મનને સમજાવવું સરળ નથી! નહીંતર અમુક ફિલ્મ કે નોવેલ કે ચિત્ર કે શોધ આપણા ધાર્યા કરતાં વહેલાં થઈ ગયાં હોત! એક કામ પૂરું કર્યા બાદ બીજું કામ ઉપાડો – આ આઇડિયા વાંચવામાં સરળ લાગે, પણ જીવનમાં તેનું અમલીકરણ કરવું થોડું કઠિન છે.
આજનો મોડર્ન હ્યુમનબીઇંગ વોકિંગ કે વર્કઆઉટ પણ કાનમાં ઇયરબર્ડ કે હેડફોન દ્વારા કાન સુધી પહોંચતા સંગીત વિના નથી કરતો. આજકાલ તો ડ્રાઇવિંગ પણ મોબાઇલ વિના નથી થતું! ‘મલ્ટિટાસ્કિંગનો જમાનો છે’ કહેનારા સાચા, પણ તે બધી જગ્યાએ કામ નથી આવતું. મોબાઇલ સદંતર ઑફ કરીને કે કામ વખતે મેઇલ ચેક ન કરતાં કે પરીક્ષા દરમ્યાન ટીવી કનેક્શન બંધ કરનારા યુવાનો તમારી ઇર્દગિર્દ જોવા મળશે જ. પરીક્ષામાં ઉત્તીર્ણ થનારાઓ કે મોટી સફળતા મેળવનારાઓનો એક લઘુતમ સામાન્ય જવાબ હશે: ફો-ક-સ. અને તે ક્યાંથી આવે? પાંચ-સાતને બદલે એક ઘોડે સવારી કરીએ તેમાંથી! મલ્ટિને બદલે સિંગલ વિષય પર ધ્યાન આપીએ તેમાંથી.
આપણે બધું જ જાણતા હોઈએ છીએ. આપણે બધું જ કરી શકતા હોઈએ છીએ. પત્રકાર લેખો લખી શકે, નોવેલ લખી શકે, કવિતા લખી શકે અને ફિલ્મની સ્ક્રિપ્ટ પણ લખી શકે. પબ્લિક રિલેશનનું કામ પણ પત્રકાર કરી શકે અને ઇમેજ બિલ્ડિંગનું પણ, પરંતુ તે બધું જ કરવા જાય તો કદાચ બની શકે કે કંઈ જ ન કરી શકે. તેને આ બધું જ એક પછી એક કરવું પડે. નહીંતર થાય એવું કે તેનું મૂળ કામ, જ્યાંથી તેણે શરૂઆત કરી હતી, તે પત્રકારત્વ પણ અધૂરું રહી જાય. પછી તેને એવો વિચાર આવી શકે કે મારું નામ ન થયું યાર! એટલે આપણે શું કરી શકીએ છીએ – વોટ વી ડુ કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ છે આપણે અત્યારે શું જાણીએ છીએ અને કરી શકીએ છીએ – વોટ વી નૉ ઍન્ડ ડુ નાવ!
તમે જીવનમાં ઑલમોસ્ટ બધું જ મેળવી શકો છો, પણ એક પછી એક. એક સમયે એક લક્ષ્ય પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરીને. ‘વન થિંગ સ્ટ્રેટેજી’નો અર્થ જીવનમાં બધું જ મૂકીને એક કામ પાછળ ઊંધા માથે પડી જવું તેમ પણ નથી, પણ તમારી ઈચ્છાઓ અને સપનાંઓને જાણી, સમજી, તેમાંથી કયાં મોટાં છે અને કયાં સમાંતર પૂરાં થઈ શકે તેમ છે તે રીતે તેનું વર્ગીકરણ કરીને આગળ વધવાનું છે, જેમ કે તમે તમારા આગળ વધી રહેલા બિઝી કરિયર સાથે મેરેથોનમાં ભાગ લઈને તેના પર એક પુસ્તક લખીને, તેમાંથી કમાયેલા પૈસા નવા બિઝનેસમાં ઇન્વેસ્ટ કર્યા બાદ વર્લ્ડ ટૂર પર નથી જઈ શકવાના! પણ તમે આ બધું જ જીવનના જુદા જુદા તબક્કે – એક નિશ્ર્ચિત અંતરે કરી શકો છો.
અન્ય લોકો પોતાના જીવનને કઈ રીતે મેનેજ કરે છે અને તેમ કરતાં તે સફળ જાય કે નિષ્ફળ તે જોયા વિના (તેની પંચાત કર્યા વિના) ગોલ્સ અને કેપિસિટી મુજબ પોતાની લાઇફને વર્ગીકૃત કરવી જરૂરી છે. કામ નાનું હોય કે મોટું તેને લઈને એક ચોક્કસ સ્ટ્રક્ચર તૈયાર નહીં હોય તો બધાં કામો ભેગાં થશે જે કેઓસ સર્જશે ને બધાં જ કામો બગડશે.
એક વખત આત્મવિશ્ર્વાસ અને આત્મવિશ્ર્વાસથી વધારે ફાવટ આવી ગયા બાદ તમે એક સાથે ચાર કામ ઉપાડી શકો છો. તે કામ ઑટોમોડમાં જ પરફેક્ટ થવા માંડશે. બાકી, બધું જ જાણતા હોવા છતાં કમલ હાસન પણ જ્યારે માત્ર ઍક્ટિંગ કરે છે ત્યારે તેઓ પણ ડિરેક્ટર પર સંપૂર્ણ નિર્ભર રહીને અભિનયમાં પોતાના સો ટકા આપે છે. ‘બધા બધું કરી શકે’ એ નિયમ હોત તો બધા દિગ્ગજ કલાકારો આખી ફિલ્મ પોતે જ બનાવતા હોત!

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.