તન, મન અને પર્યાવરણનું રક્ષણ કરે છે વટસાવિત્રી વ્રત

ધર્મતેજ

મીમાંસા- મુકેશ પંડ્યા

આ પૃથ્વી પર અસંખ્ય વૃક્ષો છે, પરંતુ જેને વેદોમાં વટવૃક્ષ અથવા તો મહાવૃક્ષ કહેવામાં આવ્યું છે એ વડલાની વાત જ કંઇક ન્યારી છે. વડના એક એક ગુણધર્મ જાણ્યા પછી તમને લાગશે કે ખરેખર વડ એ તો આપણાં માતા અને પિતા બન્ને છે.
ચોખ્ખી હવા : વાતાવરણમાં રહેતાં ઝેરી તત્ત્વો કે પ્રદૂષણને દૂર કરી શુદ્ધ પ્રાણવાયુ દરેક વૃક્ષો આપતાં હોય છે, પરંતુ પીપળો અને વડ આ કાર્ય વિપુલ પ્રમાણમાં કરી શકે છે. પીપળો વડની તુલનામાં વધુ પ્રાણવાયુ છોડે છે પરંતુ પીપળા પાસે છાંયડો નથી, જે વડ આપે છે. વડના છાંયડા પાસે આવવા માત્રથી જ ઘણાં રોગનો નાશ થઇ જાય છે એવું આયુર્વેદ નિષ્ણાંત રાજીવ શર્મા કહે છે.
પાણી : વરસાદને ખેંચી લાવવા માટે વૃક્ષો ઘણાં અગત્યનાં છે એ વાત તો સહુ જાણે છે, પરંતુ સૌથી વધુ વરસાદ ખેંચી લાવવાનું કાર્ય કોઇ કરતા હોય તો એ છે આપણાં વડદાદા.
વડવાઇ : બીજાં બધાં વૃક્ષો કરતા વડ પોતાની વડવાઇને કારણે વિશેષ મહત્ત્વનું વૃક્ષ બની જાય છ. નાનકડા બાળકને જેમ મા પારણામાં ઝુલાવે એમ વડવાઇને પકડીને હિંચકા ખાવાથી વધુને વધુ માત્રામાં શુદ્ધ ઑક્સિજન આપણા શરીરમાં જાય છે અને શરીર અને મનને તરોતાજા બનાવી દે છે. કંઇ નહીં તો વડવાઇનું દાતણ કરવાથી દાંત અને શરીર બન્ને નીરોગી રહે છે.
આયુષ્ય : વડની અન્ય એક વિશેષતા એ છે કે તે સૌથી વધુ આયુષ્ય ધરાવે છે. હજારો વર્ષ જીવી શકતું આ વૃક્ષ પોતાની વડવાઇને વિસ્તારીને પાછી જમીનમાં ખૂંપાવે છે અને થોડાં વર્ષ પછી તમે કહી જ ન શકો કે વડનું અસલી થડ કયું હશે. અસંખ્ય વડવાઇને થડમાં રૂપાંતર કરી વિશાળ બનેલું આ વૃક્ષ પોતે તો લાંબુ જીવન જીવે છે, પણ એનો ઉપયોગ કરી તમે તમારું આયુષ્ય પણ વધારી શકો છો.
દૂધ : નવજાત શિશુ માટે જેમ માતાની છાતીમાં દૂધ ભરાય એમ ધરતી પરનાં તમામ સંતાનો માટે વડલો દૂધ પણ ઉત્પન્ન કરે છે. આ દૂધ આહાર, પોષણ તેમ જ ઔષધ સ્વરૂપે તો કામ લાગે જ છે એમ તો તમે કોઇ પણ વૈદ્યને પૂછશો તો તમને જણાવશે, તદુપરાંત આ દૂધ તમારું સૌંદર્ય વધારવાના ઉપયોગમાં પણ આવેે છે.
જેઠ મહિનો, સ્ત્રીઓ અને વટવૃક્ષ : આપણા ઋષિમુનિઓ આપણા કરતાં પણ વધુ બુદ્ધિશાળી, લાગણીશીલ અને નિષ્કામ સેવાના ગુણો ધરાવતા હતા. પર્યાવરણની રક્ષા માટે વૃક્ષોનું સંવર્ધન અને રક્ષણ જરૂરી છે એ તો આજનું વિજ્ઞાન પણ માને છે, પણ કંઇ ઋતુમાં કયા મહિનામાં કયા વૃક્ષનું સાંનિધ્ય માનવજાતને ફાયદો કરાવી શકે અને તહેવારો-વ્રતોમાં એને સાંકળી લેવાથી આબાલવૃદ્ધ, અમીર-ગરીબ દરેક લોકોને ફરજિયાત તેનો લાભ મળે એટલી સુંદર વ્યવસ્થા ઋષિમુનિઓએ આપણા માટે કરી છે. ચોમાસામાં અને શિયાળામાં જ્યારે વૃક્ષના છાંયડાની ઓછી જરૂર પડે ત્યારે વિવિધ ઘાસ કે છોડમાં રહેલા ગુણોનો ઉપયોગ થાય તે રીતે તહેવારો ગોઠવ્યા છે, જેમ કે અષાઢમાં કુંવારિકાઓ માટે જવારા વ્રત કરવાને બહાને ઘઉંના જવારાનું સેવન, જેને આજના વિદેશી તબીબો પણ ઉત્તમ માને છે. શ્રાવણમાં કૃષ્ણજન્મ નિમિત્તે તુલસીનું સંવર્ધન અને સેવન ખાંસી-શરદી કે મચ્છર દ્વારા ફેલાતા મલેરિયા-ડેન્ગ્યૂ, ચિકનગુનિયા જેવા રોગ સામે રક્ષણ આપી શકે છે. ભાદરવામાં ગણેશોત્સવ નિમિત્તે દુર્વા પિત્તનું શમન કરનારી છે. આસોમા-શરદઋતુમાં ચોખા અને દૂધની વાનગીનું સેવન. કારતકમાં તુલસીવિવાહને બહાને શેરડી અને તુલસીનું સેવન. માગસરમાં યજ્ઞ-પૂજાને બહાને લીલી હળદર (સૂકી હળદરનો પાઉંડર તો આપણે બારે માસ મસાલા તરીકે ઉપયોગમાં લઇએ જ છીએ, પણ લીલી હળદરનું કચુંબર માગસરની ઠંડીમાં આરોગ્ય માટે ઘણો જ અગત્યનો ભાગ ભજવે છે). પોષમાં ઠંડા વાયુના પ્રકોપ સામે લડવા ઉત્તરાયણમાં તલનું સેવન. વળી, મહા મહિનાથી ગરમીનું પ્રમાણ વધવા લાગે એટલે વૃક્ષોનું સાનિધ્ય મળે તેવા તહેવાર શરૂ થાય, જેમ કે મહાશિવરાત્રિ નિમિત્તે બીલી વૃક્ષો, ફાગણમાં હોળી નિમિત્તે કેસૂડાનાં વૃક્ષો, ચૈત્રમાં લીમડો અને વૈશાખમાં આંબો અને છેલ્લે જેઠમાં આપણા વડદાદા. આ બધાં વૃક્ષો ઉનાળામાં છાંયડો અને શીતળતા તો પ્રદાન કરે, વધારામાં તેમના વિવિધ ભાગોનું વિવેકપૂર્ણ સેવન ગરમીથી થતાં રોગથી બચાવે. અષાઢમાં ઘઉંના જવારાથી માંડીને વૈશાખની કેરી સુધીનું મહત્ત્વ તો આપણે અગાઉના પ્રકરણોમાં જોઇ ચૂકયા છીએ. હવે જેઠ મહિનામાં જ વટસાવિત્રી વ્રત કેમ કરવું જોઇએ એ જાણીએ.
જેઠ મહિનામાં પરિણીત સ્ત્રીઓને વડની પ્રદક્ષિણા-પૂજા કરવાનું કહેવામાં આવ્યું છે. સ્ત્રીઓ પરણે પછી તેમની સૌથી મહત્ત્વની ઇચ્છા હોય છે મા બનવાની. પરણેલી સ્ત્રીને માતૃત્વ ધારણ કરવાનો આનંદ અને સુખ મળતું હોય છે એ અવર્ણનીય હોય છે. ડૉ. રાજીવ શર્મા કહે છે કે સ્ત્રીઓને લગતા જેટલા રોગ છે એ બધાના સરળ અને સસ્તા ઇલાજ આપણા વડદાદા પાસે છે. મહિલાઓ પ્રત્યે વટવૃક્ષ વધારે દયાળુ સાબિત થયું છે. કમરનો દુ:ખાવો, માસિક ધર્મની ગરબડ, પ્રદર, ગર્ભાશયના રોગ જેવા સ્ત્રીસંબંધી તમામ રોગનો જવાબ ‘વડ’ પાસે છે.
પુત્રપ્રાપ્તિ માટે વડની નવી નવી કૂંપળોનું સેવન સ્ત્રી માટે ઉત્તમ ગણવામાં આવ્યું છે અને આ નવી કૂંપળો જેઠ મહિનામાં ફૂટે છે એટલે જ પરિણીત સ્ત્રીઓ આ મહિનામાં વટવૃક્ષ પાસે જાય તેની પૂજાના બહાને કૂંપળોનું સેવન કરે તો સંતાનપ્રાપ્તિની તક ઘણી વધી જાય છે. આજે એલોપથીની ખર્ચાળ દવાના જમાનામાં સ્ત્રીઓ વડનાં પાન, ડાળી, કૂંપળ જેવા ભાગોનું ઉપયોગ કરવાનું જ્ઞાન પણ નથી હોતું. આવા અધૂરા જ્ઞાનને લીધે જ દરેક વ્રત-તહેવારો માત્ર ‘દેખાવ’ બનીને રહી ગયા છે. દરેક વ્રત, તહેવારોનું વિજ્ઞાન જાણી તે મુજબ, ઊજવવામાં આવે તો તન અને મનની સ્વસ્થતા તો જળવાય, ઉપરાંત તે તહેવારો ઊજવવાનો ઉમળકો અને આનંદ બમણો થઇ જાય.
વડનાં ટેટાં પુરુષોની કમજોરી પણ દૂર કરે છે. ટેટાંમાં એટલું પૌરુષ ભરેલું હોય છે કે એ પુરુષોની સુસ્તી અને નપુંસકતા દૂર કરી શકે છે. દ્રવ્ય ગુણ વિજ્ઞાન નામનો આયુર્વેદિક ગ્રંથ, જેનો આયુર્વેદના વિદ્યાર્થીઓનાં અભ્યાસ માટે ઉપયોગ થાય છે. વડનું દૂધ પતાશા સાથે ખાવાથી શુક્રાણુઓની સંખ્યા અને સ્તંભન શક્તિ વધે છે, જે સંતાનપ્રાપ્તિ માટે ઘણું અગત્યનું છે. આ ગ્રંથ વડને કફપિત્તશામક ગણાવે છે, જે ઉનાળામાં વધેલા પિત્તને દૂર કરે છે અને આવી રહેલા ચોમાસાને કારણે શરીરમાં ઉત્પન્ન થતા કફ સામે પણ રક્ષણ આપે છે.
વડ આંખ માટે પણ ગુણકારી : આયુર્વેદમાં વડ ‘ચક્ષુષ્ય’ અને ‘નેત્રભિષ્યન્દ’ પણ કહેવાય છે. આંખ દુખતી હોય, બળતી હોય કે પછી ઝાંખપ આવી હોય કશુંય સ્પષ્ટ ન દેખાતું હોય, તો વડના દૂધ સહિત વિવિધ જણસોનો ઉપયોગ જાણકાર વૈદ્યની સલાહ લઇને કરી શકો છો. જેઠ મહિનામાં ફૂટતી કૂંપળોને તોડી તેમાંથી નીકળતો રસ દિવસમાં ત્રણ વાર આંખમાં આંજવાથી ઉનાળામાં લાલ થયેલી આંખોની લાલાશ ગાયબ થઇ જાય છે. બળતરા શાંત થાય છે.
વટસાવિત્રી વ્રત: આ વ્રત આજે પણ એટલું જ મહત્ત્વનું બની શકે. આ વ્રતની વાર્તા તો સૌએ સાંભળી જ હશે, પણે તેમાં ત્રણ મુખ્ય ઘટના બને છે. એક સતી સાવિત્રીનું પતિનું આયુષ્ય વધે છે. બીજું, સાવિત્રીને સંતાનપ્રાપ્તિ થાય છે અને ત્રીજું, સાવિત્રીના અંધ-સાસુ સસરા દેખતાં થાય છે. આજની પેઢી પણ વટસાવિત્રી વ્રત ઊજવવાના બહાને વડની પૂજા કરે અને તેનાં પાંદડા, ટેટાં વગેેરેનું વૈજ્ઞાનિક રીતે સેવન કરે તો ઉપર્યુક્ત ત્રણેય લાભ મેળવી શકે છે, એ તમને હવે સમજાઇ ગયું હશે.
કોઇ મહાનુભાવનું સન્માન આપણે શાલ ઓઢાડીને કરીએ છીએ તેમ વડીલ વડલાનું સન્માન આપણે કાચા સૂતરના દોરા વીંટાળીને કરીએ તો એમાં ખોટું શું છે? આ બહાને આપણે વૃક્ષની વધુ ને વધુ પ્રદક્ષિણા કરીએ અને જેઠ મહિનામં વડનું વધુ સાંનિધ્ય લઇએ તો અંતે તો લાભ આપણને જ થાય છે. સાવિત્રીના પતિ સત્યવાનની જેમ આજના યુવાનો પણ ‘વડલા’ની હૂંફમાં અકાળે આવનારી વ્યાધિથી બચી શકે છે અને યમરાજાના મુખમાંથી પોતાને છોડાવી શકે છે.
દરેક સોસાયટીમાં લીમડો-વડલો જેવાં વૃક્ષ હોવાં જોઇએ. હિંદીમાં વડને બરગદ એટલે બડા અગદ અર્થાત્ મહાઔષધના નામથી ઓળખવામાં આવે છે. અરે, યજ્ઞમાં વડનાં લાકડાંની સમિધા વગર યજ્ઞનું કાર્ય પૂર્ણ થતું નથી. આવા મહાન વૃક્ષની સામે જોવાની પણ આજે-ખાસ કરીને શહેરીજનોને ફૂરસદ નથી, તો પૂજા-પ્રદક્ષિણા તો બહુ દૂરની વાત થઇ. આધુનિક માતા પણ એમ કહીને પોરસાતી હોય છે તે મારી દીકરી તો બહુ ભણે છે એટલે હું એકેય વ્રત એની પાસે કરાવતી નથી. બ્રિટન કે અમેરિકામાં કોઇ હેરિટેજ (વારસા) ને નુકસાન થતું હોય તો એ લોકોનું લોહી ઊકળી ઊઠે, પણ આપણા ભારતીયોને એમની ભવ્ય હેરિટેજ જેવી સંસ્કૃતિનો વિનાશ થતો હોય તો પેટનું પાણી પણ હલતું નથી. છતાંય વડદાદા તો માન-અપમાનની ખેવના વગર બધા પર પોતાના આશીર્વાદ ઉતારતા જ જાય છે. પર્યાવરણની રક્ષા કરતાં વૃક્ષો અને વડદાદાને ફરીયાદ કરી લઇએ તો સાચો ફાધર્સ ડે ઊજવ્યો ગણાય.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.