ઢોરના ઓડકાર પર ટેક્સ વસૂલશે ન્યુ ઝીલેન્ડ!

વીક એન્ડ

કવરસ્ટોરી-લોકમિત્ર ગૌતમ

જરા વિચારો કે કોઈ એક દેશની વસ્તી પચાસ લાખ છે અને એ જ દેશમાં ઢોર અને ઘેટાં-બકરાંની સંખ્યા હોય ઓલમોસ્ટ સાડાત્રણ કરોડ… સાંભળવામાં ભલે આ વિચિત્ર લાગે કે લગભગ અશક્ય જ લાગે, પણ આ હકીકત છે અને આવી પરિસ્થિતિ છે ન્યુ ઝીલેન્ડમાં. આટલી મોટી સંખ્યામાં ઢોર-ઢાંખરાનો ફાયદો હોય એટલું જ નુકસાન પણ હોય એ સ્વાભાવિક છે અને આ જ ગેરફાયદા વિશે વાત કરીશું આજે આપણે…
દેશમાં ગ્રીનહાઉસ ગેસના કુલ ઉત્સર્જન માટે કૃષિક્ષેત્ર અડધોઅડધ જવાબદાર છે અને તેમાં મુખ્યત્વે મિથેન વાયુ છે. એટલે જ ન્યુ ઝીલેન્ડે ગ્રીનહાઉસ ગેસની દેશના સૌથી મોટા સ્રોતોમાંની એક ગણાતી આ સમસ્યાને પહોંચી વળવા માટે ઢોરના ઓડકાર પર ટેક્સ લગાવવાની યોજના તૈયાર કરી છે, જેમાં મોટા ભાગે મિથેન હોય છે. આ યોજના અમલમાં મુકાતાં જ ન્યુ ઝીલેન્ડ એવો પહેલો દેશ બની જશે કે જે ખેડૂતો પાસેથી તેમનાં પશુઓના મિથેન ઉત્સર્જન માટે કર વસૂલશે. જોકે ખેડૂતો પાસેથી વસૂલવામાં આવનારા આ ટેક્સના પૈસા ખેડૂતોના જ વિકાસ માટે ખર્ચવામાં આવશે, એવું પર્યાવરણ મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું હતું.
ન્યુ ઝીલેન્ડની માનવવસ્તી ૫૦ લાખની છે અને દેશમાં એક કરોડ ઢોર અને આશરે ૨.૬ કરોડ ઘેટાં છે. દેશના કુલ ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાંથી લગભગ અડધો હિસ્સો કૃષિમાંથી આવે છે અને તેમાં મુખ્યત્વે મિથેન વાયુનો સમાવેશ થાય છે. જોકે કૃષિ સંલગ્ન ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનનો અગાઉ ન્યુ ઝીલેન્ડની ઉત્સર્જન વ્યાપાર યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો નહોતો અને સરકાર દ્વારા લેવામાં આવેલા આ પગલાની ગ્લોબલ વૉર્મિંગ રોકવા માટે કટિબદ્ધ લોકો દ્વારા ટીકા કરવામાં આવી હતી.
ન્યુ ઝીલેન્ડના ક્લાઇમેટ ચેન્જ મિનિસ્ટર જેમ્સ શોએ જણાવ્યું હતું કે ‘આપણે વાતાવરણમાં મિથેનનું જે માત્રામાં ઉત્સર્જન કરીએ છીએ તેમાં ચોક્કસ જ ઘટાડો કરવાની જરૂર છે, પણ એમાં શંકાને કોઈ જ સ્થાન નથી અને કૃષિ માટે અસરકારક ઉત્સર્જન કિંમત પ્રણાલી તેમાં મુખ્યરૂપે મદદરૂપ થશે.’
ન્યુ ઝીલેન્ડની સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલા આ પ્રસ્તાવ અંતર્ગત ૨૦૨૫થી ખેડૂતોએ તેમના મિથેન ગેસ ઉત્સર્જન માટે ટેક્સ ચૂકવવો પડશે. આ યોજનામાં ખેડૂતો માટે પ્રોત્સાહક યોજનાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જો કોઈ ખેડૂત ઈચ્છે તો તેમની ઈચ્છા પ્રમાણે વૃક્ષોનું વાવેતર વધારીને ઉત્સર્જનને સરભર કરી શકે છે.
પશુપાલક ઍન્ડ્રુ હોગાર્ડ ‘ફેડરેટેડ ફાર્મર્સ ઑફ ન્યુ ઝીલેન્ડ’ સંસ્થાના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. તેમણે સ્થાનિક મીડિયા સાથે આ બાબતે વાત કરતાં એવું જણાવ્યું હતું કે તેઓ આ પ્રસ્તાવને આવકારે છે. અમે આ મુદ્દે વર્ષોથી સરકાર અને અન્ય સંસ્થાઓ સાથે તાલમેલ જાળવીને કામ કરી રહ્યા છીએ, જેથી ખેડૂતો હતાશ થઈને ખેતી કરવાની બંધ ન કરી દે કે પછી તેઓ ખેતીથી વિમુખ ન થઈ જાય. અમે લોકોએ એક સાથે અનેક કોન્ટ્રાક્ટ સાઈન કર્યા છે, જેનાથી અમે ખૂબ જ ખુશ છીએ, પણ ઉજ્જ્વળ અને સુંદર ભવિષ્ય માટે દેશના નાગરિકો અને ખેડૂતોએ કેટલાક કડવા ઘૂંટડા ભરવા પડશે અને ૨૦૨૫થી લાગુ થનારો આ નવો ટેક્સ આવો જ એક કડવો ઘૂંટડો છે.
જોકે ઍન્ડ્રુ હોગાર્ડે એવી સ્પષ્ટતા પણ કરી હતી કે આ યોજનાઓને લાગુ કરવા અંગે હજી તેઓ સહમત નથી, કારણ કે આ બાબતે અનેક સ્પષ્ટતાઓની તેમને જરૂર છે. ઉદાહરણ આપીને વાત કરવાની થાય તો કે આ યોજનાને કોણ અમલમાં મૂકવા માગે છે, ક્યારથી મૂકવામાં આવશે, આ યોજનામાં ટેક્સ તરીકે વસૂલવામાં આવનારાં નાણાંનો કઈ રીતે ખેડૂતો માટે ઉપયોગ કરવામાં આવશે. ટૂંકમાં, સરકારે હજુ ઘણું કામ કરવાનું બાકી છે.
એન્ડ્રુના એક પ્રશ્ર્નનો જવાબ આપતાં દેશના પર્યાવરણ મંત્રાલય દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે આ યોજનાના માધ્યમથી જે પણ નાણાં ભેગાં કરવામાં આવશે એ નાણાંનું ખેડૂતો માટે સંશોધન, વિકાસ અને સલાહકારી સેવાઓમાં રોકાણ કરવામાં આવશે. ગયા મહિને જ ન્યુ ઝીલેન્ડના નાણામંત્રીએ ક્લાઇમેટ ચેન્જને પહોંચી વળવા માટેની પહેલના ભાગરૂપે જ ૧.૯ અબજ ડોલરની ફાળવણી કરી હતી. આ નાણાં પ્રદૂષકો પર કર લાદતી ઉત્સર્જન ટ્રેડિંગ સિસ્ટમ દ્વારા ઊભાં કરવામાં આવશે.
આ દરમિયાન ગુરુવારે, ૧૪ ટ્રિલિયન ડોલરની સંપત્તિનું સંચાલન કરતા રોકાણકારોએ સંયુક્ત રાષ્ટ્રને કૃષિક્ષેત્રને ટકાઉ બનાવવા વૈશ્ર્વિક યોજના ઘડવા માટે વિનંતી કરી હતી. સમાચાર સંસ્થા રોઇટર્સ અનુસાર યુએનના ‘ફૂડ ઍન્ડ ઍગ્રિકલ્ચર ઓર્ગેનાઈઝેશન’ના ડાયરેક્ટર જનરલને લખેલા પત્રમાં એફએઆઈઆરઆરએ જણાવ્યું હતું કે એજન્સી એક સૌથી મોટા આબોહવા નુકસાનકર્તા ઉત્સર્જનના સ્રોતને રોકવા માટે રોડ-મેપ બનાવવા સક્ષમ છે. કાર્બન ડાયોક્સાઇડ (ઈઘ૨) પછી મિથેન બીજા ક્રમનો ગ્રીનહાઉસ ગેસ છે.
મિથેન માનવપ્રવૃત્તિઓના કારણે પેદા થાય છે અને તાપમાનમાં વધારા પાછળ ત્રીજા ક્રમનો જવાબદાર વાયુ છે. કાર્બન ડાયોક્સાઇડના અણુઓ કરતાં મિથેનના અણુ વાતાવરણ પર વધુ શક્તિશાળી નકારાત્મક અસર ઊભી કરે છે.
ગયા વર્ષે ગ્લાસગોમાં ઈઘઙ૨૬ પર્યાવરણીય પરિષદમાં યુએસ અને યુરોપિયન યુનિયન ૨૦૩૦ સુધીમાં વાયુના ઉત્સર્જનમાં ૩૦% ઘટાડો કરવા સંમત થયા હતા. ન્યુ ઝીલેન્ડ સહિત ૧૦૦થી વધુ દેશોએ આ પહેલ પર હસ્તાક્ષર કર્યા છે.
૧૦૦ વર્ષના સમયગાળામાં મિથેન વાયુએ ઈઘ૨ની સરખામણીએ પૃથ્વીને ૨૮-૩૪ ગણી ગરમ કરી છે. લગભગ ૪૦% મિથેન વેટલેન્ડ્સ જેવા કુદરતી સ્રોતોમાંથી આવે છે, પરંતુ આજે મિથેનનો મોટો હિસ્સો માનવપ્રવૃત્તિઓ થકી આવે છે.
એમાં મોટો હિસ્સો પશુપાલન અને ચોખાના ઉત્પાદનથી લઈને કચરાના ઢગલા સહિતના કૃષિક્ષેત્રમાંથી આવે છે. ૨૦૦૮થી મિથેન ઉત્સર્જનમાં ભારે વધારો થયો છે. ૨૦૧૯માં વાતાવરણમાં મિથેનનું પ્રમાણ વિક્રમી સ્તરે પહોંચ્યું હતું, જે ઔદ્યોગિક યુગ પહેલાંના સ્તર કરતાં લગભગ અઢી ગણું વધારે છે. વૈજ્ઞાનિકોને ચિંતા એ છે કે પૃથ્વીને ગરમ કરવાની વાત હોય ત્યારે હંમેશાં જ મિથેન મોટા વિલન તરીકે ઊભરી આવ્યો છે.
વળી, મિથેન વાયુ છેલ્લાં ૨૦ વર્ષના સમયગાળામાં કાર્બન ડાયોક્સાઈડ કરતાં દળના એકમદીઠ લગભગ ૮૪ ગણો શક્તિશાળી છે. જોકે, વાતાવરણમાં મિથેન કરતાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધુ છે અને તેના અણુઓ સેંકડો વર્ષો સુધી ટકી રહે છે…
ટૂંકમાં, આટલી લાંબી રામાયણ કરવાનો સાર એટલો જ કે શરૂઆતમાં હેડિંગ વાંચીને તમને ભલે એવું લાગ્યું હોય કે આ તે વળી કેવો ટેક્સ છે કે પછી તમને આ બાબત રમૂજી પણ લાગી હોય, પરંતુ હકીકત તો એ છે કે આ જરાય રમૂજી કે હસવાની બાબત નથી. આ એક ખૂબ જ સિરિયસ કહી શકાય એવો ઇશ્યુ છે જેના વિશે આપણે ગંભીરતાથી વિચારવાનો સમય આવી ગયો છે…

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.