ઢળતી ઉંમરે અંગ્રેજોને લલકારનારી મિઝો મહિલા રોપુલિયાની

લાડકી

ભારતની વીરાંગનાઓ-ટીના દોશી

જીવનના છ દાયકા વીતી ગયા પછી સામાન્યપણે ઈશ્ર્વરભક્તિમાં સમય ગાળવાનું પસંદ કરવામાં આવે, પણ એક એવી સ્ત્રી હતી જેણે વાનપ્રસ્થાશ્રમમાં પ્રવેશ કર્યા પછી દેશના દુશ્મનો સામે લડવાનો નિશ્ર્ચય કર્યો અને એ સંકલ્પ અમલમાં પણ મૂક્યો…
એ વીરાંગનાનું નામ રોપુલિયાની. રોપુલિયાનીનો જન્મ ૧૮૨૮માં થયો. ઉત્તરના મહાન મિઝો મુખિયા લાલસાવુંગાની એ લાડકવાયી દીકરી. પોતાના પરિવાર અને પરંપરાઓનું ખૂબ ગૌરવ હતું એને. દક્ષિણ લુશાઈ પર્વતમાળાના અગ્રીમ હરોળના મુખિયા વંડુલા સાથે રોપુલિયાનીનાં લગ્ન થયાં.
ચાલીસેક વર્ષ પસાર થઈ ગયાં. ૧૯મી સદીના અંત સુધી ગૌરવશાળી મિઝો પ્રજા અને બ્રિટિશરો અડખેપડખે જ વસતાં. આમ તો પહેલો સગો પાડોશી એમ કહેવાય છે, પણ આ પાડોશીઓ વચ્ચે માનસિક તણાવ રહેતો. એનું કારણ એ હતું કે બ્રિટિશરોના ચાના બગીચા મિઝો વસાહત નજીક આવેલા, એથી વ્યાપારી હિતો જાળવવાના સ્વાર્થમાં અંધ બનેલા અંગ્રેજો જાણેઅજાણે મિઝો પરંપરા અને રીતરિવાજોમાં હસ્તક્ષેપ કરીને એમને ઠેસ પહોંચાડતા. પરિણામે અંગ્રેજો અને મિઝો લોકો વચ્ચે વારંવાર અથડામણ થયા કરતી.
કાળક્રમે અંગ્રેજોએ ૧૮૯૦ના આરંભે અમુક મિઝો વિસ્તારો પર વર્ચસ્વ જમાવી દીધું, પરંતુ કેટલાક મિઝો મુખિયાઓએ અંગ્રેજોનું પ્રભુત્વ સ્વીકારવાનો ધરાર ઇનકાર કરી દીધો. વંડુલાએ પણ બહારથી આવેલા બ્રિટિશરોના પ્રભાવને સ્વીકારવાનો નનૈયો ભણ્યો. બ્રિટિશરોએ વંડુલાને પ્રલોભનો આપીને વશમાં કરવા પ્રયત્નો કર્યા, પણ મેરુ ચળે તો વંડુલાનું મન ચળે! વંડુલાને પોતાની સ્વતંત્રતાનો ગર્વ હતો. અંગ્રેજ અધિકારી કેપ્ટન જોન શેક્સપિયરે નોંધેલું કે ‘વંડુલાનું વલણ બ્રિટિશવિરોધી હતું અને મિઝો પ્રજા પર તેનો ખાસ્સો પ્રભાવ હતો.’
વંડુલા કોઈ પણ પ્રકારે અંગ્રેજોને વશ ન થયો, પણ ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે! વંડુલાના જીવનનો સૂર્ય આથમી ગયો. એનું મૃત્યુ થયું. રણીધણી વિનાનું રાજ્ય બગાસું ખાતાં પતાસાની જેમ પોતાના હાથમાં આવી જશે એવું વિચારીને અંગ્રેજો હરખાયા, પણ એમની ખુશી ક્ષણજીવી નીવડી, કારણ કે જીવનસંધ્યાએ ઊભેલી રોપુલિયાનીએ વંડુલાનું સ્થાન સંભાળી લીધું. પોતાના ગામ રલવોંગથી શાસન ચલાવવાનો એણે આરંભ કર્યો.
પિતા તેવી પુત્રી અને પતિ તેવી પત્ની. રોપુલિયાનીને એના પિતાનો બહાદુરીનો વારસો મળેલો અને પતિના શૌર્યના રંગે એ રંગાઈ ગયેલી. વીરાંગના હતી એ. ઉંમરને સાહસ સાથે કોઈ સંબંધ નથી એવું પુરવાર કરતી જીવતુંજાગતું ઉદાહરણ હતી એ… રોપુલિયાનીએ જોયું કે લુશાઈ ક્ષેત્રમાં બ્રિટિશરોનો પ્રભાવ વધતો ચાલ્યો છે. એ પોતે વંડુલાની જેમ જ બ્રિટિશરોની કટ્ટર વિરોધી હતી, પણ વાસ્તવિકતા વરવી હતી. દુર્ભાગ્યે સ્વાર્થાંધ મિઝો મુખિયાઓ બ્રિટિશરો સાથે ભળી ગયેલા, પણ રોપુલિયાની કાંઈ ઘેટું નહોતી કે ગાડરિયા પ્રવાહમાં જોડાઈ જાય. એ તો વાઘણ હતી વાઘણ. વાઘણ ભૂખી રહે, પણ ઘાસ ન ખાય!
રોપુલિયાનીએ વાઘણની જેમ જ શત્રુઓનો સામનો કરવાનું નક્કી કર્યું. મિઝો મુખિયાઓ બ્રિટિશરોને પડખે ઘલાયેલા. રોપુલિયાની એકલી પડી ગયેલી, પણ ઈશ્ર્વરે ત્રણ વાનાં આપેલાં – હૈયું, મસ્તક ને હાથ. ચોથું કશું જોઈતું નહોતું, બહુ દઈ દીધું નાથ. હામ ભીડીને એણે પોતાની પ્રજાને અંગ્રેજોના હુકમ ન માનવાનો આદેશ કર્યો. અંગ્રેજોને કરવેરા ન ચૂકવવા માટે સ્પષ્ટ શબ્દોમાં આજ્ઞા આપી. ઊલટું, એણે અંગ્રેજોને પડકારતી ઘોષણા ગર્વભેર કરી: મેં અને મારી પ્રજાએ ક્યારેય કરવેરા ચૂકવ્યા નથી કે ન તો વેઠિયા તરીકે કામ કર્યું છે. અમે આ ભૂમિના માલિક છીએ. રોપુલિયાનીના લલકારથી પ્રજામાં પ્રાણસંચાર થયો. નેતા નબળો હોય તો પ્રજા માયકાંગલી થઈ જાય છે, પણ જો નેતા સબળો હોય તો એની મગતરા જેવી પ્રજા પણ મહારથી બની જાય છે. મિઝો પ્રજાને લડાયક નેતૃત્વ મળ્યું, એથી એ લોકો પણ લડવા તૈયાર થઈ ગયા. અંગ્રેજોના તઘલખી આદેશ માનવાનો ઇનકાર કરી દીધો. ન વેરા ચૂકવ્યા, ન વેઠ કરી… અંગ્રેજો ઘણું મથ્યા, પણ રોપુલિયાનીના સાહસને કારણે તેઓ ન કરવેરા વસૂલી શક્યા, ન એની રૈયતને વેઠિયા બનાવી શક્યા.
રૈયત રોપુલિયાનીને પડખે હતી અને રોપુલિયાની રૈયતને પડખે. રોપુલિયાની દૃઢપણે એવું માનતી હતી કે પોતાની ભૂમિ અને પોતાના લોકોનું રક્ષણ કરવું એ પોતાની જવાબદારી છે. એણે પોતાના પુત્ર લાલથોમા અને પોતાની પ્રજાને બ્રિટિશરોની શરણાગતિ ન સ્વીકારવાની સૂચના આપી. હથિયાર હેઠાં ન મૂકવાં અને શક્ય એટલાં વધુ શસ્ત્રો એકઠાં કરવાનો આદેશ પણ આપ્યો. અન્ય મિઝો મુખિયાઓએ રોપુલિયાનીને અંગ્રેજોને શરણે જવા માટે સમજાવવાનો પ્રયાસ કર્યો, પણ રોપુલિયાની જેનું નામ! પેલા પથ્થરની જેમ એણે પણ ઠાકોરજી નહોતું થવું. ધડ ધીંગાણે ને જેનાં માથાં મસાણે હોય એવા પાળિયા થઈ પૂજાવું’તું. રોપુલિયાનીએ અંગ્રેજોની સોડમાં પેસેલા મિઝો મુખિયાઓને રોકડું પરખાવ્યું: તમે સહુ શરણાગતિ સ્વીકારશો, તો પણ હું અહીં ઊભી છું. ઉત્તરના મહાન શાસક લાલસાવુંગાની દીકરી. એકલી ને અડીખમ… હું ક્યારેય વિદેશીઓને શરણે નહીં થાઉં..!
રોપુલિયાનીએ અંગ્રેજોને જાહેરમાં ખુલ્લો પડકાર ફેંકેલો. અંગ્રેજોથી સહન ન થયું. રોપુલિયાનીના વિસ્તારમાં એમણે કેટલાંક થાણાં નાખ્યાં. કેટલીક ચડાઈઓ પણ કરી. આવી જ એક ચડાઈમાં બ્રિટિશ લેફ્ટનન્ટ સ્ટુઅર્ટ એના બે સૈનિકો સાથે મરણને શરણ થયો. બનેલું એવું કે બ્રિટિશરો વેઠ માટે કુલીઓની માગણી કરતા હતા. વેઠિયા તરીકે કામ કરવું એ મિઝો રિવાજની વિરુદ્ધ હતું, એથી કેટલાક સ્થાનિક મુખિયાઓએ રોપુલિયાનીની જેમ જ હિંમત કરી. બળિયા સાથે બાથ ભીડી. કોઈ મિઝો કુલી તરીકે કામ નહીં કરે એવું સ્પષ્ટ સુણાવી દીધું. અંગ્રેજો સમસમી ગયા. તેમની નજરે રોપુલિયાની અને તેના દીકરા લાલથોમા આ પરિસ્થિતિ માટે માત્ર જવાબદાર જ નહીં, ગુનેગાર પણ ગણાયાં.
અંગ્રેજ સરકારે રોપુલિયાનીને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. સામી છાતીએ વાર કરવાનું એ કાયરોમાં સાહસ નહોતું. એટલે પીઠમાં ખંજર હુલાવવાનો કારસો ઘડ્યો. ૧૮૯૩માં એક વહેલી સવારે કેપ્ટન શેક્સપિયરની આગેવાનીમાં બ્રિટિશ દળે ગામ પર ઓચિંતો છાપો માર્યો. પરોઢનો સમય હોવાથી ઊંઘતા ગામવાસીઓ ઊંઘતાં જ ઝડપાયા. રોપુલિયાની અને એનો દીકરો લાલથોમા પણ. અંગ્રેજ સૈનિકોએ બંનેની ધરપકડ કરી. એમના માણસોનાં શસ્ત્ર છીનવી લેવાયાં. નિ:શસ્ત્ર મિઝો લોકો સશસ્ત્ર અંગ્રેજ સિપાહીઓ સાથે જઈ રહેલાં રોપુલિયાની અને લાલથોમાને પરવશ થઈને જોઈ રહ્યા.
રોપુલિયાની અને લાલથોમા પર પ્રજાને ઉશ્કેરવાનો અને સરકાર વિરુદ્ધ કાવતરાં ઘડવાના આરોપ લગાડવામાં આવ્યા. આ વૃદ્ધાની ધરપકડ થઈ ત્યારે એક બ્રિટિશ અહેવાલમાં નોંધાયેલું કે શેક્સપિયર બ્રિટિશરોની કટ્ટર વિરોધી એવી એક અત્યંત મહત્ત્વની વ્યક્તિને પકડવામાં સફળ થયો છે. એનું નામ રોપુલિયાની છે. લાલથોમાની
માતા અને વંડુલાની વિધવા છે, પણ મોટી હકીકત એ છે કે એ અંગ્રેજોની જૂની દુશ્મન છે!
બ્રિટિશરોએ છળથી રોપુલિયાનીની ધરપકડ કરી, પણ એનો પ્રભાવ જબરદસ્ત હતો. એ જોતાં અંગ્રેજોએ અનુભવ્યું કે બંદી તરીકે રોપુલિયાનીને મિઝો વિસ્તારમાં જ રાખવાથી લોકોમાં અસંતોષ ફાટી નીકળશે, એથી સાવચેતીનાં પગલાંરૂપે રોપુલિયાનીને ચિત્તગોંગની પહાડીઓમાં આવેલી રંગમતી જેલમાં કેદ કરાઈ. બે વર્ષ બાદ આ જેલમાં જ રોપુલિયાનીનું મૃત્યુ થયું. એ સાથે સ્વતંત્રતાની મિઝો મશાલ બુઝાઈ ગઈ. વીરાંગના રોપુલિયાનીના બલિદાનની ઇતિહાસમાં ઝાઝી નોંધ ન લેવાઈ, પણ મિઝો પ્રજાના માનસમાં આજે પણ એ ઠાકોરજી નહીં, પણ પાળિયો થઈને પૂજાય છે!

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.