ડ્રગ્સ કેસમાં આર્યનને ક્લીન ચીટ

આમચી મુંબઈ

મુંબઈ: ક્રૂઝ શિપ પર ડ્રગ્સના કેસમાં નાર્કોટિક્સ ક્ધટ્રોલ બ્યૂરો (એનસીબી)એ બોલીવૂડના સુપરસ્ટાર શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનને શુક્રવારે ક્લીન ચિટ આપી હતી. એનસીબીએ ગયા વર્ષે મુંબઈ નજીકના દરિયામાં શિપ પર કાર્યવાહી કરી આર્યન ખાનની ધરપકડ કરી હતી અને તેણે ૨૨ દિવસ જેલમાં વિતાવવા પડ્યા હતા.
આ કેસમાં મુંબઈની કોર્ટમાં આરોપનામું દાખલ કરનારા એનસીબીના અધિકારીએ જણાવ્યું હતું કે ‘પૂરતા પુરાવાને અભાવે’ ચાર્જશીટમાં આર્યન ખાન અને અન્ય પાંચ જણનાં નામ નોંધવામાં આવ્યાં નથી. એનસીબીએ શુક્રવારે મુંબઈની કોર્ટમાં ૨૦૨૧ના આ કેસમાં ૧૪ આરોપી સામે આશરે ૬૦૦૦ પાનાંનું આરોપનામું દાખલ કર્યું હતું, જેમાં પૂરતા પુરવાને અભાવે આર્યન ખાન સહિત છ જણ પણ કોઈ આરોપ મુકાયા નથી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
એનસીબીના ચીફ એસ. એન. પ્રધાને જણાવ્યું હતું કે અમે પુરાવાના સિદ્ધાંતોનું અનુસરણ કર્યું છે.
અમને ૧૪ જણ સામે ભૌતિક અને સાંયોગિક પુરાવા મળ્યા છે અને છ જણ સામે પૂરતા પુરાવા નથી. અમે પ્રાથમિક તપાસમાં જણાયેલાં બધાં તથ્યોની તપાસ કરી હતી અને આર્યન વિરુદ્ધ કોઈ સબળ પુરાવા મળ્યા નહોતા.
આ કેસમાં શાહરુખ ખાનની પણ પૂછપરછ કરવામાં આવી હતી કે કેમ એવો પ્રશ્ર્ન પૂછવામાં આવતાં અધિકારીએ જણાવ્યું હતું કે કેટલાક લોકોની વ્યક્તિગત પૂછપરછ કરવામાં આવી હતી, પરંતુ કોઈનાં પણ નામ આપવાનો તેમણે ઇનકાર કર્યો હતો.
એસઆઈટીએ તટસ્થ રીતે તપાસ કરી હતી. ઉચિત શંકાની પાર પુરાવાનો સિદ્ધાંત અહીં લાગુ કરવામાં આવ્યો છે. એસઆઈટી દ્વારા કરાયેલી તપાસને આધારે એનડીપીએસ ઍક્ટની વિવિધ કલમો હેઠળ ૧૪ જમ સામે ફરિયાદ નોંધાઈ છે. અન્ય છ જણ સામે પૂરતા પુરાવાને અભાવે ફરિયાદ દાખલ કરાઈ નથી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે એનસીબીની મુંબઈ ઝોનલ ઑફિસના અધિકારીઓએ બીજી ઑક્ટોબરની રાતે ક્રૂઝ શિપ પર કાર્યવાહી કરી ડ્રગ્સના કેસમાં આઠ જણની ધરપકડ કરી હતી, જેમાં વિક્રાંત, ઈશમીત, અરબાઝ, આર્યન, ગોમીત, નૂપુર, મોહક અને મુનમુનનો સમાવેશ થાય છે. અધિકારીના જણાવ્યા મુજબ આર્યન ખાન અને મોહક જૈસ્વાલ સિવાયના બાકીના આરોપી પાસેથી ડ્રગ્સ મળી આવ્યું હતું.
ધરપકડ કરાયેલા આર્યન ખાનને બાદમાં અદાલતી કસ્ટડીમાં મોકલી દેવાયો હતો. ડ્રગ્સના કેસમાં જામીન મળ્યા પછી ૨૬ દિવસ બાદ ૩૦ ઑક્ટોબરે તે મુંબઈની આર્થર રોડ જેલમાંથી બહાર આવ્યો હતો.
એનસીબીની આ કાર્યવાહી શરૂઆતથી જ વિવાદમાં સપડાઈ હતી. કાર્યવાહી કરનારી ટીમના આગેવાન તે સમયના એનસીબીના મુંબઈ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે સામે આક્ષેપો થયા હતા. આખરે ગયા વર્ષની ૬ નવેમ્બરે આ કેસની તપાસ તેમની પાસેથી લઈને દિલ્હીની એનસીબીની એસઆઈટીને સોંપાઈ હતી. (પીટીઆઈ)
——–
આર્યન ખાનની ધરપકડ ગેરવાજબી હતી
મુંબઈ: આર્યન ખાન પાસેથી કોઇ ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું ન હોવા છતાં તેની ધરપકડ અને તેને ત્રણ સપ્તાહથી વધુ સમય જેલવાસ ભોગવવો પડ્યો એ ગેરવાજબી હતું. આર્યન ખાનની અટકાયત અને ધરપકડ ગેરવાજબી હતી. તેની પાસેથી કોઇ ડ્રગ્સ મળ્યું નહોતું અને એ અંગે કોઇ પુરાવા નહોતા, એમ તેના વકીલ સતીષ માનેશિંદેએ કહ્યું હતું. સહ-આરોપી અનિવ સાહુની વકીલ સના રઇસ ખાને જણાવ્યું હતું કે ‘ખોટી રીતે ફસાવવાનો’ આ કેસ છે. આ કેસમાં અવિન સાહુને સૌપ્રથમ જામીન મળ્યા હતા અને આરોપનામામાં તેનું નામ પણ નથી. (પીટીઆઇ)
——-
આર્યન ખાન કેસનો ઘટનાક્રમ
૨ ઓક્ટોબર, ૨૦૨૧: એનસીબીએ મુંબઈ-ગોવા ક્રૂઝ શિપ પર રાતે રેઇડ પાડી હતી અને ૧૩ ગ્રામ કોકેઇન, પાંચ ગ્રામ મેફેડ્રોન, ૨૧ ગ્રામ ચરસ અને એમડીએમએ અથવા એકસ્ટસીની ૨૨ ગોળી જપ્ત કર્યા બાદ આર્યન સહિત અમુક લોકોને તાબામાં લીધા હતા.
૩ ઓક્ટોબર: એનસીબીએ ગુનો દાખલ કર્યો હતો અને આર્યન ખાન, તેના મિત્ર અરબાઝ મર્ચન્ટ અને મોડેલ મુનમુન ધામેચાની ધરપકડ કરી હતી. કોર્ટે ત્રણેયને એક દિવસની એનસીબી કસ્ટડી ફટકારી હતી.
૪ ઓક્ટોબર: એનસીબીએ તેમની વધુ કસ્ટડીની માગણી કરી હતી. એનસીબીએ કહ્યું હતું કે ઇન્ટરનેશનલ ડ્રગ ટ્રાફિકિંગ સાથે ત્રણેયની કડી હોવાના પુરાવા મળ્યા છે. બાદમાં ત્રણેયની કસ્ટડી ૭ ઓક્ટોબર સુધી લંબાવાઇ હતી.
૭ ઓક્ટોબર: એનસીબીએ ત્રણેયની કસ્ટડી લંબાવી આપવાની માગણી કરી હતી. જોકે કોર્ટે ઇનકાર કર્યો હતો અને ત્રણેયને જ્યુડિશિયલ કસ્ટડી ફટકારાઇ હતી.
૮ ઓક્ટોબર: આર્યન ખાને મેજિસ્ટ્રેટ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. જોકે કોર્ટે અરજી ફગાવી દીધી હતી.
૯ ઓક્ટોબર: આરોપીઓએ વિશેષ એનડીપીએસ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી.
૧૧ ઓક્ટોબર: એનડીપીએસ કોર્ટે ૧૩
ઓક્ટોબરે જવાબ નોંધવવાનું એનસીબીને કહ્યું હતું.
૧૪ ઓક્ટોબર: કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળી હતી. આર્યન ખાન, અન્ય આરોપીના વકીલોએ ફરી જામીન માટે અરજી કરી હતી. તેમણે કહ્યું હતું કે આરોપીને આ કેસમાં ખોટી રીતે સંડોવવામાં આવ્યા છે. એનસીબીએ અરજીનો વિરોધ કર્યો હતો.
૨૦ ઓક્ટોબર: વિશેષ એનડીપીએસ કોર્ટે આર્યન ખાનની જામીન અરજી ફગાવી દીધી હતી. આરોપીએ ત્યાર બાદ હાઇ કોર્ટમાં ધા નાખી હતી.
૨૧ ઓક્ટોબર: શાહરુખ ખાન તેના પુત્ર આર્યન ખાનને મળવા આર્થર રોડ જેલમાં ગયો હતો.
૨૬ ઓક્ટોબર: હાઇ કોર્ટે આ કેસમાં સુનાવણી શરૂ કરી હતી. દલીલો ત્રણ દિવસ સુધી ચાલી હતી.
૨૮ ઓક્ટોબર: હાઇ કોર્ટે આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચાના જામીન મંજૂર કર્યા હતા.
૩૦ ઓક્ટોબર: આર્યન ખાન સવારે ૧૧ વાગ્યે જેલમાંથી બહાર આવ્યો હતો. (પીટીઆઇ)

 

તપાસમાં ગંભીર ગેરરીતિ: એનસીબી

વીડિયોગ્રાફી અને મેડિકલ ટેસ્ટ ન કરાઈ

મુંબઈ: નાર્કોટિક્સ ક્ધટ્રોલ બ્યૂરો (એનસીબી)ની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી)ને મુંબઈમાં ક્રૂઝ શિપ પર ડ્રગ્સના કેસમાં તપાસ કરનારી એનસીબીની પ્રથમ ટીમની તપાસમાં ગંભીર અનિયમિતતાઓ અને ખામીઓ જણાઈ છે. સુપરસ્ટાર શાહરુખ ખાનના પુત્ર આર્યનની ધરપકડ કરનારી ટીમે આરોપીઓની ફરજિયાત મેડિકલ ટેસ્ટ, રેઈડની વીડિયોગ્રાફી અને વ્હૉટ્સઍપ ચૅટને સમર્થન આપતા પુરાવા ભેગા કરવા જેવા નિયમોનું પાલન કર્યું નહોતું.
એનસીબીના ડિરેક્ટર જનરલ (ડીજી) એસ. એન. પ્રધાને જણાવ્યું હતું કે તપાસમાં ઘણી બધી ખામીઓ હતી અને કોર્ટમાં આરોપ સિદ્ધ કરવા માટે જરૂરી એવા આરોપીના વ્હૉટ્સઍપ ચૅટને સમર્થન આપવા નક્કર પુરાવા રજૂ કરાયા નહોતા.
ચાર્જશીટ દાખલ કરવાના છેલ્લા દિવસ સુધી અમારી એસઆઈટીને જે પણ મળ્યું તેને આધારે આરોપનામું દાખલ કરવામાં આવ્યું છે, એમ તેમણે જણાવ્યું હતું. આર્યનને ૨૬ દિવસ જેલમા
ં વિતાવવા પડ્યા તો આ કેસમાં તેની ભૂમિકા વિશે પૂછવામાં આવતાં એનસીબીના ડેપ્યુટી ડિરેક્ટર જનરલ (ઑપરેશન્સ) અને એસઆઈટીના ચીફ સંજય કુમાર સિંહે જણાવ્યું હતું કે મિત્ર અરબાઝ આર્યન માટે ડ્રગ્સ લાવ્યો હતો, એવો આરોપ કરાયો હતો, પરંતુ તે સિદ્ધ થયું નહીં અને તે આરોપ ખોટો હતો.
વાસ્તવમાં અરબાઝે એસઆઈટીને જણાવ્યું હતું કે આર્યને ઊલટાનું ક્રૂઝ પર ડ્રગ્સ નહીં લાવવું જોઈએ, કારણ કે એનસીબી બહુ સક્રિય છે, એવું કહ્યું હોવાનું જણાવ્યું હતું.
અધિકારીએ ઉમેર્યું હતું કે આર્યને ડ્રગ્સનું સેવન કર્યું હોય, ડ્રગ્સ પ્રાપ્ત કર્યું હોય કે ડ્રગ્સ સંબંધમાં આંતરરાષ્ટ્રીય કડી સહિત કોઈ કાવતરું ઘડ્યું હોય તેવા કોઈ પુરાવા મળ્યા નથી અને તેથી તેની વિરુદ્ધ કોઈ આરોપ બનતા નથી.
આર્યને ડ્રગ્સનું સેવન કર્યું હતું એવું સિદ્ધ કરવા તબીબી પરીક્ષણ પણ કરાયું નહોતું. વીડિયોગ્રાફી પણ કરાઈ નહોતી. આર્યનનો ફોન જપ્ત કર્યા પછી તે ખોલવા કાનૂની પ્રક્રિયાનું પાલન કરાયું નહોતું. આરંભથી જ મોબાઈલની જપ્તિ સામે પ્રશ્ર્નો ઉપસ્થિત થયા હતા, એમ એસઆઈટીના ચીફે જણાવ્યું હતું.
આ કેસનો સાક્ષીદાર પ્રભાકર સાઈલે એસઆઈટીને જણાવ્યું હતું કે તેને કોરા કાગળો પર સહી કરાવવામાં આવી હતી અને ક્રૂઝ પર ડ્રગ્સની જપ્તિ કરી હોય તેવું પોતે જોયું નહોતું. જોકે હાલમાં છેતરપિંડીના કેસમાં જેલમાં બંધ અન્ય સાક્ષીદાર કિરણ ગોસાવીએ ઑક્ટોબરના તે દિવસે એનસીબી દ્વારા લેવાયેલા પગલાને સમર્થન આપ્યું હતું, એમ તેમણે જણાવ્યું હતું. (પીટીઆઈ)

 

સમીર વાનખેડે સામે પગલાં
લેવાનો કેન્દ્રનો આદેશ

મુંબઈ: સુપરસ્ટાર શાહરુખ ખાનના પુત્ર આર્યનની જે કેસમાં ધરપકડ કરાઇ હતી એ ક્રૂઝ શિપ ડ્રગ્સ કેસની તપાસ દરમિયાન કથિત ‘કંગાળ કામગીરી’ બદલ એનસીબીના ભૂતપૂર્વ અધિકારી સમીર વાનખેડે સામે પગલાં લેવાનો સરકારે આદેશ આપ્યો છે. બનાવટી જ્ઞાતિ પ્રમાણપત્ર રજૂ કરવા બદલ પણ વાનખેડે સામે યોગ્ય પગલાં લેવાનું શરૂ કરવામાં આવ્યું છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. વાનખેડે ઇન્ડિયન રેવન્યુ સર્વિસ (આઇઆરએસ) અધિકારી છે અને વાનખેડે સામે પગલાં લેવા માટે નાણા મંત્રાલય પાસે સક્ષમ સત્તા છેે.
ક્રૂઝ શિપ ડ્રગ્સ કેસમાં ‘કંગાળ’ તપાસ બદલ સમીર વાનખેડે સામે પગલાં લેવાનું સરકારે સક્ષમ પ્રશાસનને જણાવ્યું છે.
ઓક્ટોબર, ૨૦૨૧ના આ કેસમાં શુક્રવારે આર્યન ખાનને ક્લીન ચિટ આપવામાં આવ્યા બાદ સમીર વાનખેડેની તપાસ શંકાના ઘેરામાં આવી ગઇ હતી.
આર્યનને ૨૮ ઓક્ટોબરે મુંબઈ હાઇ કોર્ટે જામીન આપ્યા હતા. કોર્ટે એનસીબીની દલીલો નકારી કાઢી હતી અને ગંભીર આરોપો કરવા માટે માત્ર વ્હૉટ્સઍપ મેસેજ પર આધાર નહીં રાખી શકાય એવી નોંધ કરી હતી.
૬ નવેમ્બર, ૨૦૨૧ના રોજ સમીર વાનખેડેને કેસની તપાસમાંથી હટાવાયા હતા અને આ કેસ ત્યાર બાદ ડેપ્યુટી ડિરેક્ટર જનરલ (ઓપરેશન્સ) સંજય કુમાર સિંહના નેતૃત્વ હેઠળની દિલ્હી સ્થિત સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમને ટ્રાન્સફર કરાયો હતો.
દરમિયાન રાજ્યના નેતા નવાબ મલિકની ઓફિસ તરફથી ટ્વીટ કરાયું હતું કે આર્યન ખાન તથા અન્ય પાંચ જણને ક્લીન ચિટ મળી છે. એનસીબી સમીર વાનખેડે તેમની ટીમ અને ખાનગી સેના સામે પગલાં લેશે? કે પછી દોષીઓને રક્ષણ આપશે? (પીટીઆઇ)

 

શું એનસીબી હવે વાનખેડે વિરુદ્ધ કાર્યવાહી કરશે: મલિક

મુંબઈ: ડ્રગ્સ કેસમાં આર્યન ખાનને ક્લીન ચીટ આપ્યા બાદ શું સમીર વાનખેડે અને તેના ખાનગી લશ્કર વિરુદ્ધ એનસીબી કાર્યવાહી કશે, એવો સવાલ મહારાષ્ટ્રના નેતા નવાબ મલિકે કર્યો હતો. જોકે મની લોન્ડરિંગ કેસમાં નવાબ મલિક જેલમાં સજા કાપી રહ્યા છે ત્યારે તેમના અધિકૃત ટ્વિટ પરથી આ સવાલ કરવામાં આવ્યો હતો. હવે આર્યન ખાન અને તેની સાથે અન્ય પાંચ જણને ક્લીન ચીટ મળી ગઇ છે તો શું એનસીબી સમીર વાનખેડે વિરુદ્ધ કાર્યવાહી કરશે કે પછી ગુનેગારોને તેઓ બચાવશે, એવું તેમણે ટ્વિટમાં લખ્યું હતું.

 

આર્યનને ભોગવવા પડેલા આઘાત માટે કોણ જવાબદાર: એનસીપી

મુંબઈ: બોલિવુડના સુપરસ્ટાર શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)એ શુક્રવારે ચાર્જશીટ ફાઇલ કરીને ક્લીનચીટ આપતાં મહારાષ્ટ્રમાં શાસન ધરાવતી એમવીએ સરકારના ઘટક પક્ષ એનસીપીએ એવો સવાલ કર્યો હતો કે આર્યન ખાને જેલયાત્રા ભોગવીને આઘાત સહન કર્યો તેના માટે જવાબદાર કોણ? એનસીપીએ એવું પણ કહ્યું હતું કે એનસીબીના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ આનો જવાબ પણ આપવો પડશે. એમવીએના સાથી પક્ષ કોંગ્રેસે એવો દાવો કર્યો હતો કે આખો મામલો મહાવિકાસ આઘાડી સરકારને તોડવા માટેના મોટા કાવતરાનો એક ભાગ હતો. અત્રે ઉલ્લેખનીય છે કે એનસીબીએ શુક્રવારે ઓક્ટોબર, ૨૦૨૧ના ‘ક્રૂઝ પર ડ્રગ્સ’ કેસમાં આર્યન ખાનને ક્લીન ચીટ આપી હતી. આ કેસમાં આર્યન ખાનની ધરપકડ કરવામાં આવી હતી. શુક્રવારે કોર્ટમાં આરોપનામું રજૂ કરતાં એનસીબીએ અપૂરતા પુરાવાને કારણે આર્યન ખાન અને અન્ય પાંચ જણનાં નામ ન હોવાનું જણાવ્યું હતું.

 

 

 

 

 

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.