ડૉલર સામે રૂપિયો ૧૪ પૈસાના કડાકા સાથે નવા તળિયે

વેપાર વાણિજ્ય

મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આક્રમક વેચવાલીને કારણે શૅરઆંકમાં ગાબડાં ઉપરાંત વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ, ક્રૂડતેલના ભાવમાં આગળ ધપતી તેજી અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની અવિરત વેચવાલીના દબાણને કારણે આજે ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના બંધથી વધુ ૧૪ પૈસાના કડાકા સાથે નવી ૭૭.૮૮ની નીચી સપાટીએ બંધ રહ્યો હતો. આજે ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૭૭.૭૪ના બંધ સામે નરમાઈના ટોને ૭૭.૮૧ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર નીચામાં ૭૭.૮૮ અને ઉપરમાં ૭૭.૭૯ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધથી ૧૪ પૈસાના કડાકા સાથે ૭૭.૮૮ના તળિયે બંધ રહ્યો હતો.
નબળા મેક્રો ડેટા, વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂતાઈ અને આયાતકારોની ડૉલરમાં લેવાલી પ્રબળ રહેતાં રૂપિયો વધુ દબાણ હેઠળ આવ્યો હોવાનું એચડીએફસી સિક્યોરિટીઝના વિશ્ર્લેષક દિલીપ પરમારે જણાવતા ઉમેર્યું હતું કે વૈશ્ર્વિક કેન્દ્રવર્તી બૅન્કો વધતા ફુગાવા સામે ઝઝૂમવા માટે વ્યાજદરમાં વધારો કરી રહી હોવાથી ડૉલરમાં તેજીનો અન્ડરટોન રહેતાં રૂપિયો નિત નવું તળિયું શોધી રહ્યો છે. આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધથી ૦.૨૦ ટકા વધીને ૧૦૩.૪૩ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૦.૫૧ ટકા વધીને ૧૨૩.૭૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૧૫૧૨.૬૪ કરોડની ચોખ્ખી વેચવાલી તેમ જ આજે પણ બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સમાં ૧૦૧૬ પૉઈન્ટનો અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં ૨૭૬ પૉઈન્ટનો કડાકો બોલાઈ ગયો હોવાથી રૂપિયામાં ઑલ ફોલ ડાઉન જોવા મળ્યું હતું.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.