ડૉલર સામે રૂપિયો ત્રણ પૈસા નરમ

વેપાર વાણિજ્ય

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ ઉપરાંત સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિશ્ર્વ બજાર પાછળ ઑલ ફૉલ ડાઉનનું વલણ રહેતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો એક તબક્કે ૧૪ પૈસા ગબડી ગયા બાદ સત્રના અંતે ગઈકાલના બંધથી સાધારણ ત્રણ પૈસાના ઘટાડા સાથે ૭૭.૬૫ની સપાટીએ બંધ રહ્યો હતો. બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૭૭.૬૨ના બંધ સામે નરમાઈના ટોને ૭૭.૭૨ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૭૭.૭૬ અને ઉપરમાં ૭૭.૬૩ની રેન્જમાં અથડાઈને અંતે ૭૭.૬૨ના મથાળે બંધ રહ્યો હતો. અત્રે નોંધનીય બાબત એ છે કે ગઈકાલે અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે જણાવ્યું હતું કે વધતો ફુગાવો અર્થતંત્રને હચમચાવી મૂકતો હોય છે આથી અમે વધતા ફુગાવાને અંકુશમાં રાખવા માટે અમે કોઈ પણ સ્તરે વ્યાજદરમાં વધારો કરતા અચકાશુ નહીં. આમ ફેડ અધ્યક્ષના આ નિવેદનને પગલે આજે ડૉલર ઈન્ડેકસ વધીને ૨૦ વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. તેમ જ અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં પણ સુધારો આવતાં વૈશ્ર્વિક ઈક્વિટી માર્કેટમાં ઑલ ફૉલ ડાઉનનું વલણ રહ્યું હતું.
સ્થાનિકમાં આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૧૪૧૬.૩૦ પૉઈન્ટનું અને ૪૩૦.૯૦ પૉઈન્ટનું ગાબડું પડવા ઉપરાંત ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૧૨૫૪.૬૪ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાથી રૂપિયો દબાણ હેઠળ આવ્યો હતો. જોકે, આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૧.૨૯ ટકા ઘટીને બેરલદીઠ ૧૦૭.૭૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી રૂપિયામાં ઘટાડો મર્યાદિત રહ્યો હતો.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.