ડૉલર સામે રૂપિયો ચાર પૈસા ઘટીને નવી નીચી સપાટીએ

વેપાર વાણિજ્ય

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ છતાં વિદેશી ફંડોની અવિરત વેચવાલી ઉપરાંત બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ વધી આવતાં ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો સાંકડી વધઘટે અથડાઈને અંતે આગલા બંધથી ચાર પૈસાના ઘટાડા સાથે ૭૮.૩૭ની નવી નીચી સપાટીએ બંધ રહ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગત શુક્રવારના ૭૮.૩૩ના બંધ સામે સુધારાના ટોને ૭૮.૨૪ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૭૮.૩૭ અને ઉપરમાં ૭૮.૨૪ની રેન્જમાં અથડાઈને અંતે આગલા બંધથી ચાર પૈસા ઘટીને ૭૮.૩૭ના મથાળે બંધ રહ્યો હતો.
એકંદરે આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ આગલા બંધથી ૦.૩૨ ટકા વધીને બેરલદીઠ ૧૧૩.૪૮ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો. તેમ જ ગત શુક્રવારે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૨૩૫૩.૭૭ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાથી રૂપિયો દબાણ હેઠળ રહ્યો હતો. જોકે, આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સમાં ૪૩૩.૩૦ પૉઈન્ટનો અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં ૧૩૨.૮૦ પૉઈન્ટનો સુધારો આવ્યો હોવાથી તેમ જ વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ આગલા બંધથી ૦.૨૧ ટકા ઘટીને ૧૦૩.૯૭ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી રૂપિયામાં ઘટાડો મર્યાદિત રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.