ડૉલર સામે રૂપિયો ચાર પૈસા નરમ

વેપાર વાણિજ્ય

ડૉલર સામે રૂપિયો ચાર પૈસા નરમ
મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈનું વલણ રહેતાં આજે ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ચાર પૈસાના ઘટાડા સાથે ૭૯.૫૬ની સપાટીએ બંધ રહ્યો હતો. આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગત મંગળવારના ૭૯.૫૨ના બંધ સામે નરમાઈના ટોને ૭૯.૫૫ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૭૯.૬૬ અને ઉપરમાં ૭૯.૩૦ની રેન્જમાં અથડાયા બાદ અંતે ગત મંગળવારના બંધથી ચાર પૈસા ઘટીને ૭૯.૫૬ના મથાળે બંધ રહ્યો હતો. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ગઈકાલે ફોરેક્સ માર્કેટ ગણેશચતુર્થી નિમિત્તે બંધ રહી હતી અને ગત મંગળવારે રૂપિયો બે સપ્તાહની ઊંચી ૭૯.૫૨ની સપાટીએ બંધ રહ્યો હતો. એકંદરે વૈશ્ર્વિક બજારમાં આજે બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૧.૫૪ ટકા ઘટીને બેરલદીઠ ૯૪.૧૭ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી એશિયન બજારમાં ડૉલર સામે રૂપિયાની કામગીરી સારી રહી હોવાથી આજે ડૉલરમાં નિકાસકારોની વેચવાલી રહી હોવાનું એચડીએફસી સિક્યોરિટીઝના વિશ્ર્લેષક દિલીપ પરમારે જણાવતાં ઉમેર્યું હતું કે આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયો ૭૮.૮૫થી ૭૯.૯૦ની રેન્જમાં અથડાતો રહે તેવી શક્યતા છે. દરમિયાન આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધથી ૦.૨ ટકા વધીને ૧૦૮.૯૨ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો.
————
ડૉલરમાં મજબૂતાઈ અને ચીનમાં ઉત્પાદન પ્રવૃત્તિ ધીમી પડતાં વિશ્ર્વ બજાર પાછળ ધાતુના ભાવમાં ગાબડાં
મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ ઉપરાંત ચીનનાં ૭૦ શહેરોની ફેક્ટરી એક્ટિવિટીમાં ત્રણ મહિનાનો સૌથી ધીમો વૃદ્ધિદર રહ્યો હોવાના અહેવાલ સાથે આજે લંડન મેટલ એક્સચેન્જ ખાતે ઝિન્કના ભાવમાં ૫.૯ ટકાનો, એલ્યુમિનિયમના ભાવમાં ૨.૩ ટકાનો, નિકલના ભાવમાં ૧.૯ ટકાનો અને કોપરના ભાવમાં ૧.૮ ટકા જેટલો કડાકો બોલાઈ ગયાના અહેવાલ સાથે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ તમામ ધાતુઓમાં સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ અને માગ નિરસ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૩થી ૧૨૭ સુધીના કડાકા બોલાઈ ગયા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે તમામ ધાતુઓમાં સ્ટોકિસ્ટોની આક્રમક વેચવાલીનું દબાણ ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની ભાવઘટાડાના માહોલમાં સાર્વત્રિક સ્તરેથી માગ ખપપૂરતી રહેતાં ભાવ દબાણ હેઠળ રહ્યા હતા. જેમાં ટીનના ભાવ કિલોદીઠ રૂ. ૧૨૭ ઘટીને રૂ. ૧૯૫૦, નિકલના ભાવ કિલોદીઠ રૂ. ૫૦ ઘટીને રૂ. ૧૮૦૫, કોપર વાયરબાર અને ઝિન્ક સ્લેબના ભાવ કિલોદીઠ રૂ. ૨૪ ઘટીને અનુક્રમે રૂ. ૬૬૮ અને રૂ. ૨૯૮, કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. ૨૦ ઘટીને રૂ. ૫૮૫, કોપર કેબલ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. ૧૮ ઘટીને રૂ. ૬૪૪, કોપર સ્ક્રેપ હેવી અને કોપર આર્મિચરના ભાવ કિલોદીઠ રૂ. ૧૭ ઘટીને અનુક્રમે રૂ. ૬૩૯ અને રૂ. ૬૩૩ અને બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. ૧૫ ઘટીને રૂ. ૪૬૦ના મથાળે રહ્યા હતા.
વધુમાં આજે બ્રાસ શીટ કટિંગ્સના ભાવ કિલોદીઠ રૂ. ૧૦ ઘટીને રૂ. ૫૦૮, એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપ અને એલ્યુમિનિયમ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. ૭ ઘટીને અનુક્રમે રૂ. ૧૫૭ અને રૂ. ૨૧૧ અને લીડ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. ૩ ઘટીને રૂ. ૧૯૦ના મથાળે રહ્યા હતા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.