ડૉલર સામે રૂપિયામાં ૧૧ પૈસાનો સુધારો ધોવાઈને અંતે ટકેલું વલણ

વેપાર વાણિજ્ય

મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈતરફી વલણ રહ્યું હોવાના નિર્દેશ સાથે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે એક તબક્કે ડૉલર સામે રૂપિયામાં ૧૧ પૈસાનો સુધારો જોવા મળ્યો હતો, પરંતુ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈનું વલણ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં વેચવાલીનું દબાણ રહ્યાના નિર્દેશો સાથે રૂપિયામાં જોવા મળેલો સુધારો ધોવાઈ ગયો હતો અને અંતે ગત શુક્રવારના ૭૭.૬૬ની બંધ સપાટીએ જ ટકેલા ધોરણે બંધ રહ્યો હતો. આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગત શુક્રવારના રૂ. ૭૭.૬૬ના બંધ સામે ૭૭.૬૫ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૭૭.૬૭ અને ઉપરમાં ૭૭.૫૫ની રેન્જમાં અથડાઈને અંતે ગત શુક્રવારની જ ૭૭.૬૬ની સપાટીએ બંધ રહ્યો હતો. આજે આંતરરાષ્ટ્રીય બજારમાં ડૉલર ઈન્ડેક્સ આગલા બંધથી ૦.૨૦ ટકા ઘટીને ૧૦૧.૯૩ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હતો, પરંતુ બ્રેન્ટ ક્રૂડતેલના ભાવ આગલા બંધથી ૦.૬૦ ટકા વધીને બેરલદીઠ ૧૨૦.૪૪ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સમાં ૯૩.૯૧ પૉઈન્ટનો અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં જોવા મળેલા ૧૪.૭૫ પૉઈન્ટના ઘટાડા ઉપરાંત ગત શુક્રવારે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૩૭૭૦.૫૧ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાના નિર્દેશને કારણે રૂપિયામાં સુધારો ધોવાઈ ગયો હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.