ડૉલર સામે રૂપિયામાં સાધારણ એક પૈસાનો સુધારો

વેપાર વાણિજ્ય

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈતરફી વલણ અને વિદેશી ફંડોનો બાહ્ય પ્રવાહ જળવાયેલો રહેતાં આજે ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સાધારણ એક પૈસાના સુધારા સાથે ૭૮.૦૯ની સપાટીએ બંધ રહ્યો હતો.
જોકે, ડૉલર ઈન્ડેક્સમાં મજબૂતાઈ અને ક્રૂડતેલના ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાથી રૂપિયામાં સુધારાને બ્રેક લાગી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૭૮.૧૦ના બંધ સામે સુધારાના અન્ડરટોને ૭૮.૦૩ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૭૮.૦૯ અને ઉપરમાં ૭૮.૦૨ સુધી મજબૂત થયા બાદ અંતે ગઈકાલના બંધથી સાધારણ એક પૈસાના સુધારા સાથે ૭૮.૦૯ના મથાળે બંધ રહ્યો હતો. આજે વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધથી ૦.૭૧ ટકા વધીને ૧૦૪.૩૭ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો. તેમ જ વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૦.૯૬ ટકા ઉછળીને બેરલદીઠ ૧૨૦.૯૬ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. વધુમાં આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સમાં ૧૩૫.૩૭ પૉઈન્ટનો અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં ૬૭.૧૦ પૉઈન્ટનો ઘટાડો અને ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૩૨૫૮.૧૬ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાને કારણે રૂપિયામાં સુધારો રૂંધાઈ ગયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.