ડૉલર સામે રૂપિયામાં નવ પૈસાનો ઘસારો

વેપાર વાણિજ્ય

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ, ક્રૂડતેલના ભાવમાં ઘટાડો તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં પણ સુધારાતરફી વલણ રહ્યું હોવા છતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ગઈકાલે ડૉલર સામે રૂપિયામાં ૨૧ પૈસાનો ઉછાળો આવ્યા બાદ નવ પૈસાના પ્રત્યાઘાતી ઘટાડા સાથે ૭૭.૫૯ની સપાટીએ બંધ રહ્યો હતો. આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૭૭.૫૦ના બંધ સામે નરમાઈના ટોને ૭૭.૬૧ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૭૭.૬૩ અને ઉપરમાં ૭૭.૫૪ની રેન્જમાં અથડાઈને અંતે નવ પૈસાના ઘટાડા સાથે ૭૭.૫૯ના મથાળે બંધ રહ્યો હતો. ગત મે મહિનાનો અમેરિકાનો ઉત્પાદનનો પીએમઆઈ આંક બજારની અપેક્ષા કરતાં સારો આવ્યા બાદ આજે મુખ્ય ચલણો સામે ડૉલર મજબૂત થવાથી સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સાંકડી રેન્જમાં અથડાઈ ગયો હતો, જોકે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારો અને ક્રૂડતેલના ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હોવાથી રૂપિયામાં વધઘટ મર્યાદિત રહી હોવાનું મોતીલાલ ઓસ્વાલ ફાઈનાન્સિયલ સર્વિસીસનાં ફોરેક્સ અને બુલિયન એનાલિસ્ટ ગૌરાંગ સોમૈયાએ જણાવ્યું હતું. આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધથી ૦.૨૫ ટકા ઘટીને ૧૦૨.૨૪ આસપાસ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૨.૨૭ ટકા ઘટીને બેરલદીઠ ૧૧૩.૬૫ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે સ્થાનિકમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૪૩૬.૯૪ પૉઈન્ટનો અને ૧૦૫.૨૫ પૉઈન્ટનો સુધારો આવ્યો હતો.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.