ડૉલર સામે રૂપિયામાં છ પૈસાનો ઘટાડો

વેપાર વાણિજ્ય

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના ભાવમાં વધારો અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી ફંડોનો બાહ્યપ્રવાહ જળવાઈ રહેતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો છ પૈસાના ઘટાડા સાથે ૭૭.૬૧ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, આજે ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ અને ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેતાં રૂપિયામાં ઘટાડો મર્યાદિત રહ્યો હતો. વધુમાં આજે મૂડીઝ ઈન્વેસ્ટર સર્વિસીસે વર્તમાન નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટેના ભારતના આર્થિક વૃદ્ધિદરનો અંદાજ જે અગાઉ ૯.૧ ટકાનો મૂક્યો હતો તે ઘટાડીને ૮.૮ ટકા કરતાં રૂપિયો દબાણ હેઠળ રહ્યો હોવાનું અમુક વર્તુળોનું માનવું હતું. આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૭૭.૫૫ના બંધ સામે સાધારણ સુધારા સાથે ૭૭.૫૪ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૭૭.૬૫ અને ઉપરમાં ૭૭.૫૨ સુધી મજબૂત થયા બાદ અંતે ગઈકાલના બંધથી છ પૈસાના ઘટાડા સાથે ૭૭.૬૧ના મથાળે બંધ રહ્યો હતો.
આજે વૈશ્ર્વિક વિનિમય બજારમાં ખાસ કરીને અમેરિકાની આર્થિક વૃદ્ધિ અને ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારાની ચિંતા વચ્ચે ચાઈનીઝ યુઆન નબળો પડ્યો હોવાથી અને માસાન્તને કારણે તેલ આયાતકારોની ડૉલરમાં માગ રહેતાં ડૉલર સામે રૂપિયો નબળો પડ્યો હોવાનું એચડીએફસી સિક્યોરિટીઝનાં વિશ્ર્લેષક દિલીપ પરમારે જણાવતા ઉમેર્યું હતું કે હાલમાં રોકાણકારોની નજર ફુગાવા અને રશિયા-યુક્રેન વચ્ચેની યુદ્ધની સ્થિતિ પર જળવાયેલી રહેશે.
પ્રાપ્ત અહેવાલ અનુસાર આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૦.૮૧ ટકા વધીને બેરલદીઠ ૧૧૪.૯૫ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૧૮૦૩.૦૬ કરોડ ડૉલરની વેચવાલી રહી હોવાથી રૂપિયો દબાણ હેઠળ રહ્યો હતો. જોકે, ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધથી ૦.૨૩ ટકા ઘટીને ૧૦૧.૮૩ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સમાં ૫૦૩.૨૭ પૉઈન્ટનો અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં ૧૪૪.૩૫ પૉઈન્ટનો સુધારો આવ્યો હોવાથી રૂપિયામાં ઘટાડો સીમિત રહ્યો હતો.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.