ડૉલર ઈન્ડેક્સ મજબૂત થતાં વૈશ્ર્વિક સોનામાં એક ટકાનો ઘટાડો

વેપાર વાણિજ્ય

ન્યૂ યોર્ક: અમેરિકી ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં વધારો કર્યા બાદ ગત શુક્રવારે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ ઉપરાંત અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં વધારો થવાથી સોનામાં સલામતી માટેની માગ નિરસ રહી હતી અને ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હતું.
પ્રાપ્ત અહેવાલ અનુસાર ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ પર સત્રના અંત પૂર્વે હાજરમાં સોનાના ભાવ આગલા બંધથી એક ટકો ઘટીને ઔંસદીઠ ૧૮૩૭.૫૯ ડૉલર ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ ભાવમાં સાપ્તાહિક ધોરણે ૧.૭ ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો, જ્યારે વાયદામાં ભાવ આગલા બંધથી ૦.૫ ટકા ઘટીને ૧૮૪૦.૬૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા અને ચાંદીના ભાવ ૧.૫ ટકા ઘટીને ઔંસદીઠ ૨૧.૬૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
એકંદરે ગત ગુરુવારે સોનામાં આરંભિક તબક્કે ભાવમાં સુધારાતરફી વલણ રહ્યા બાદ ડૉલર ઈન્ડેક્સમાં ૧.૧ ટકા જેટલો ઉછાળો આવતા સોનામાં આરંભિક સુધારો ધોવાઈ ગયો હોવાનું આરજેઓ ફ્યુચર્સના સિનિયર માર્કેટ સ્ટ્રેટેજિસ્ટ બૉબ હેબેર્કોને જણાવતાં ઉમેર્યું હતું કે ડૉલરની મજબૂતી સોનાની તેજીને રૂંધી રહી છે અને દરિયાપારના રોકાણકારોની પડતરમાં વધારો થવાથી તેઓની સોનામાં લેવાલી ધીમી પડે છે.
નોંધનીય બાબત એ છે કે ગત ૧૫ જૂનના રોજ ફેડરલ રિઝર્વે વ્યાજમાં વર્ષ ૧૯૯૪ પછીનો સૌથી મોટો ૭૫ બેસિસ પૉઈન્ટનો વધારો કર્યો હતો, જ્યારે સ્વિસ નેશનલ બૅન્કે ૧૫ વર્ષમાં પહેલી વખત વ્યાજદર વધાર્યા હતા. જો ફુગાવામાં મક્કમ વલણ રહેશે તો સોનામાં સલામતી માટેની માગનો ટેકો મળતો હોય છે, પરંતુ કેન્દ્રવર્તી બૅન્કો દ્વારા વ્યાજદરમાં વધારો કરવામાં આવતા સોનાના ભાવ દબાણ હેઠળ રહેતા હોવાનું જે પી મોર્ગને એક નૉટ્સમાં જણાવ્યું હતું. જોકે, સ્ટેગફ્લેશનની ચિંતા અને ઈક્વિટી જેવી જોખમી અસ્ક્યામતોમાં થઈ રહેલા ધોવાણને કારણે સોનામાં છૂટીછવાઈ સલામતી માટેની માગનો ટેકો મળી રહેતો હોવાથી ભાવમાં મોટો ઘટાડો જોવા નથી મળ્યો.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.