ડિરેક્ટર્સ ૨.૦: ડાઈવિંગ ઈન્ટુ ડિફરન્ટ ડિરેક્શન

મેટિની

દિગ્દર્શકો કરિયરમાં મોટો ટર્ન લે તો શું થાય?

શો- શરાબા – દિવ્યકાંત પંડ્યા

માર્ચ મહિનામાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ સુપર હિટ રહી. માત્ર ૧૫ કરોડમાં બનેલી આ ફિલ્મે ૩૪૦.૧૬ કરોડની કમાણી કરી. કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચારના કારણે લોકો ફિલ્મ સાથે લાગણીથી જોડાયા અને દિવસો સુધી અખબાર, ટીવી, સોશિયલ મીડિયા અને વ્યક્તિગતરૂપે તેની ચર્ચાઓ ચાલી. ફિલ્મની અધિકૃતતા પર સવાલો પણ ઊઠ્યા, કેમ કે ફિલ્મનો વિષય જ એટલો ગંભીર હતો, પણ મારે વાત ફિલ્મની નહીં તેના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીની કરવી છે. ફિલ્મ માટે ઈન્ટરવ્યુઝ અને ડિબેટ્સની સાથે સાથે વિવેક અગ્નિહોત્રીનું નામ તેનાં વિવાદાસ્પદ, અંતિમવાદી અને મૂર્ખામીભર્યાં વિધાનો અને વર્તનના કારણે પણ ચર્ચામાં રહ્યું. આપણો મુદ્દો એની ખરાઈ કે ઊંડાણનો નહીં, પણ એ સમજવાનો છે કે શું તેણે પહેલેથી જ આવા સામાજિક, રાજકીય અને બૌદ્ધિક વિષય પર ફિલ્મ્સ બનાવી છે? ના! બસ, આ જ છે આપણો વિષય- ડિરેક્ટર્સની કથાવસ્તુ પસંદગી, ફિલ્મમેકિંગમાં આવેલા ધરખમ ફેરફાર અને બે ભાગમાં વહેંચાયેલી તેમની કારકિર્દી.
વિવેક અગ્નિહોત્રીની ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ પહેલાંની ફિલ્મ એટલે ‘ધ તાશ્કંદ ફાઈલ્સ’ (૨૦૧૯). બંને ફિલ્મ ઓફિશિયલી એક ફ્રેન્ચાઈઝનો ભાગ નથી, પણ નામ સરખાં અને જૂની ઘટનાઓ પર શોધખોળ કરતી ચર્ચાનું ફોર્મેટ સરખું. ફિલ્મ છે આપણા પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીના રહસ્યમય મૃત્યુ પર આધારિત. જેમાં એક એક્સપર્ટ પેનલ શાસ્ત્રીજીના મૃત્યુની આજુબાજુ ઘૂંટાયેલાં તથ્યો પર વિચારણા કરી ઉકેલ મેળવવાની કોશિશ કરે છે, પણ આ બંને ફિલ્મ્સ પહેલાંની વિવેક અગ્નિહોત્રીની ફિલ્મોગ્રાફી સાવ જ અલગ હતી. વિવેક અગ્નિહોત્રીની ડિરેક્ટર તરીકેની પહેલી ફિલ્મ એટલે ૨૦૦૫માં આવેલી અનિલ કપૂર, સુનીલ શેટ્ટી, ઇમરાન હાશ્મી, તનુશ્રી દત્તા સ્ટારર ક્રાઈમ થ્રિલર ‘ચોકલેટ’. તેનાં બે વર્ષ પછી આવી જોન અબ્રાહમ, અર્શદ વારસી અને બિપાશા બાસુ સ્ટારર સ્પોર્ટ્સડ્રામા ‘ધન ધના ધન ગોલ’. આ ફિલ્મ્સમાં સ્ટાર્સ અને મેઈન સ્ટ્રીમ કોમર્શિયલ ટ્રીટમેન્ટ હોવા છતાં એક પણ ફિલ્મ સફળ ન રહી.
એ પછી વિવેક અગ્નિહોત્રીએ બનાવી ઈન્ટિમેટ સીન્સની દૃષ્ટિએ એ સમયની કદાચ સૌથી બોલ્ડ ફિલ્મ ‘હેટ સ્ટોરી’ (૨૦૧૨). એ પછીની ૨૦૧૪માં આવેલી ‘ઝિદ’ પણ એ જ પ્રકારની બોલ્ડ થ્રિલર ફિલ્મ. પછી ૨૦૧૬માં તેણે બનાવી બે ફિલ્મ્સ – ‘બુદ્ધા ઈન અ ટ્રાફિક જામ’ અને ‘ઝુનૂનિયત’. એમાંથી ‘ઝુનૂનિયત’ પણ એક મેઈન સ્ટ્રીમ લવ સ્ટોરી જ હતી. હા, ‘બુદ્ધા ઈન અ ટ્રાફિક જામ’માં એમનો હમણાંની ફિલ્મ્સનો થોડો સ્પાર્ક દેખાયેલો, પણ એ પછી આ ફાઈલ્સ ફિલ્મ્સના ઝોનમાં તેની એન્ટ્રી સાથે આવ્યો ફિલ્મમેકિંગ અને વિષય પસંદગીમાં ૧૮૦ ડિગ્રીનો ફેરફાર.
તમે માનશો, ૨૦૦૭માં આવેલી મલ્ટિસ્ટારર ફ્લોપ ફિલ્મ ‘કેશ’ અને ૨૦૧૯માં આવેલી કાસ્ટ સિસ્ટમ પર કટાક્ષ કરતી અફલાતૂન ફિલ્મ ‘આર્ટિકલ ૧૫’ના ડિરેક્ટર એક જ છે? જોગાનુજોગ વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ઝિદ’ના નિર્માતા અનુભવ સિંહા જ એ ડિરેક્ટર. આ ડિરેક્ટર્સ ૨.૦ની યાદીનું કદાચ તે સૌથી મોટું ઉદાહરણ. અનુભવ સિંહાની ફિલ્મોગ્રાફી આ જોનર શિફ્ટિંગના મામલામાં ખૂબ જ રસપ્રદ છે. અનુભવ સિંહા માટે તો સાચે જ મીડિયામાં ‘અનુભવ સિંહા ૨.૦’ શબ્દ પણ ફરતો થયો છે. અનુભવ સિંહાની પહેલી ફિલ્મ એટલે ૨૦૦૧માં આવેલી રોમેન્ટિક હિટ ‘તુમ બિન’. એક વસ્તુ ફરી નોંધજો કે વાત દિગ્દર્શકની હિટ-ફ્લોપ, મેઈન સ્ટ્રીમ-ઓફબીટ કે સારી-ખરાબ ફિલ્મ્સની નહીં, પણ તેમના એકદમ છેવાડાના વિષયો અને ફિલ્મમેકિંગ સ્ટાઈલની છે. વર્સેટાઈલ દિગ્દર્શક તો બીજા પણ ઘણા છે જ, પણ અહીં વાત એવાં નામોની છે જેમની અત્યાર સુધીની કારકિર્દીનાં વર્ષો આવી રીતે પ્રકારની દૃષ્ટિએ સાવ જ બે ભાગમાં વહેંચાયેલાં છે.
‘તુમ બિન’ પછી આવેલી અનુભવ સિંહાના ફેઝ ૧ ફિલ્મ્સની યાદી જુઓ. ‘આપકો પહલે ભી કહીં દેખા હૈ’ (૨૦૦૩), મલ્ટિસ્ટારર ફિલ્મ ‘દસ’ (૨૦૦૫), ‘તથાસ્તુ’ (૨૦૦૬), ‘કેશ’ (૨૦૦૭), શાહરુખ ખાનની બિગ બજેટ ‘રા.વન’ (૨૦૧૧), ‘તુમ બિન-૨’ (૨૦૧૬) એમ આ બધી જ ફિલ્મ્સ હાડોહાડ કોમર્શિયલ મેઈન સ્ટ્રીમ ફિલ્મ્સ છે. જો તમે અનુભવ સિંહાના નામથી પરિચિત નથી તો તેની આ પછીની ફેઝ ૨ની ફિલ્મ્સ વિશે જાણીને ચોક્કસ ચોંકી જશો. ૨૦૧૮માં અનુભવ સિંહાએ રિશી કપૂર અને તાપસી પન્નુને લઈને મુસ્લિમ ફેમિલીની આસપાસ ફરતી લીગલ ડ્રામા ફિલ્મ બનાવી ‘મુલ્ક’. બસ, આ ફિલ્મથી શરૂઆત થઈ તેના ફિલ્મમેકિંગના અલગ જ વર્ઝનની. ‘મુલ્ક’ સહિત તેની આ વર્ઝનમાં આવી ચૂકી છે ત્રણ ફિલ્મ્સ. બાકીની બે એટલે ‘આર્ટિકલ ૧૫’ (૨૦૧૯) અને ‘થપ્પડ’ (૨૦૨૦). આ ત્રણે ફિલ્મ્સને ક્રિટિક્સ અને દર્શકોએ સેન્સિબલ ફિલ્મ્સ ગણાવીને બોક્સ ઓફિસ હિટ પણ બનાવી છે. આ ફિલ્મ્સના લેખન અને દિગ્દર્શનમાં રહેલી સાહજિકતા સૌને ખૂબ ગમેલી.
તાપસી પન્નુએ અનુભવ સિંહા વિશે કહેલું કે ‘હું ‘મુલ્ક’ પહેલાંની ફિલ્મ બનાવનાર અનુભવને જાણે ઓળખતી જ નથી, હું તો આ નવા અનુભવને જ ઓળખું છું.’ ‘થપ્પડ’ના અભિનેતા પવૈલ ગુલાટીએ પણ મજાકમાં કહેલું કે ‘કંઈક મોટી ગડબડ થઈ હશે. તેઓ રાતે સૂઈને સવારે ઊઠ્યા હશે ત્યારે નક્કી કોઈ બીજી જ વ્યક્તિ તરીકે ઊઠ્યા હશે.’ ગયા જ અઠવાડિયે રિલીઝ થયેલી આયુષમાન ખુરાના સાથેની અનુભવની ફિલ્મ ‘અનેક’ પણ સોશ્યો-પોલિટિકલ જોનરની જ તેની ૨.૦ વર્ઝનની ફિલ્મ!
આવા જ એક બીજા ડિરેક્ટર એટલે અનુરાગ બાસુ. એ જ અનુરાગ બાસુ જેમના નામે મલ્લિકા શેરાવત અને ઈમરાન હાશ્મીના કિસિંગ સીન્સ અને ‘ભીગે હોઠ’ ગીત માટે ચર્ચાયેલી ફિલ્મ ‘મર્ડર’ પણ બોલે છે અને ભારત તરફથી ઓસ્કાર માટે મોકલાયેલી કલાત્મક ફિલ્મ ‘બરફી’ પણ બોલે છે. બાસુની ફિલ્મી સફર પણ વિવેક અગ્નિહોત્રી અને અનુભવ સિંહા જેમ જ બે ફાંટામાં વહેંચાયેલી છે. ૨૦૦૦ના દાયકાની ભટ્ટ કેમ્પની વિશેષ ફિલ્મ્સ બેનરની ઈરોટિક ડ્રામા થ્રિલર ફોર્મ્યુલા ફિલ્મ્સમાંની ઘણી ફિલ્મ્સ અનુરાગ બાસુએ પણ ડિરેક્ટ કરેલી. ૨૦૦૩ની રોમેન્ટિક થ્રિલર ‘સાયા’થી શરૂ કરીને ‘મર્ડર’ (૨૦૦૪), ‘તુમસા નહીં દેખા: અ લવ સ્ટોરી’ (૨૦૦૪), ‘ગેંગસ્ટર’ (૨૦૦૬), ‘લાઈફ ઈન અ મેટ્રો’ (૨૦૦૭) જેવી આ ફિલ્મ્સ અનુરાગના ફેઝ ૧ની ફિલ્મ્સ ચોક્કસ કહી શકાય.
આ ફિલ્મ્સ પછી ત્રણ વર્ષના ગેપ બાદ આવેલી તેની ફિલ્મ ‘કાઈટ્સ (૨૦૧૦) અલગ જ ફ્લેવર અને સ્કેલ પર હતી. રાકેશ રોશને પ્રોડ્યુસ કરેલી રિતિક રોશન અભિનીત એ લવ સ્ટોરી ફ્લોપ ગયેલી, પણ ત્યારથી વધુ સોફ્ટ, પોએટિક અને વિઝ્યુઅલી યુનિક ફિલ્મ્સ બનાવવા તરફનો રસ્તો અનુરાગ બાસુએ પકડ્યો એમ કહી શકાય. ‘કાઈટ્સ’ પછી આવેલી તેની ‘બરફી’ (૨૦૧૨) અને ‘જગ્ગા જાસૂસ’ (૨૦૧૭) જાણે ટ્વિન ફિલ્મ્સ હોય એવું સ્ટોરી અને વિઝ્યુઅલ્સ પરથી લાગે છે. એ પછી આવેલી ‘લુડો’ (૨૦૨૦)માં પહેલાં જેવાં વિઝ્યુઅલ્સ, વાર્તાની અલગ જરૂરત નથી; પણ વિષયમાં ઊંડાણ તો એ જ જોવા મળે છે. આ ૨.૦ની યાદીમાં જોકે રામગોપાલ વર્માનું નામ પણ ઉમેરવું પડે. સૌને ગમતી અનેક હિટ ફિલ્મ્સ આપી ચૂકેલા આરજીવીની અતરંગી કેમેરા એંગલ્સ અને લાઉડ બેક્ગ્રાઉન્ડ મ્યુઝિક સાથે ફિલ્મમેકિંગમાં અનેક ફેરફાર પછી ઘણી રીતે કથળેલા સ્તરની આવેલી ફિલ્મ્સ તેની કારકિર્દીના થઈ ચૂકેલા બે હિસ્સાનો પુરાવો જ તો છે!

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.