ઠાકર-બ્રાહ્મણ પરિવારનાં વીરબાઈ સતી માતા

ધર્મતેજ

અલખનો ઓટલો – ડૉ. નિરંજન રાજ્યગુરુ

રાજકોટ જિલ્લાના ગોંડલથી માત્ર સાત કિલોમીટરના અંતરે ગોંડલ-આટકોટ હાઈ-વે પર આવેલા ઘોઘાવદર ગામના પાદરમાં નદીકાંઠે આવેલ વીરબાઈ સતી માતાની દેહરી અનેક બ્રાહ્મણ પરિવારો, જાડેજા ક્ષત્રિય પરિવારો, કણબી-પટેલ સહિત અન્ય જ્ઞાતિના પરિવારો અને સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ માટેનું પણ તીર્થધામ છે.
અરડોઈના રાજા જાડેજા મોટાકુંભાજીના પાટવી કુંવર સગ્રામજી ગોંડલની ગાદીએ ઈ. સ. ૧૬૭૯થી ૧૭૧૪ સુધી કુલ ૩પ વર્ષ્ા રહ્યા. સગ્રામજીને ચાર દીકરા હતા: હાલોજી, નથુજી, હોથીજી તથા ભારોજી.
સૌથી મોટા તે હાલોજી જેને પિતા સગ્રામજીના અવસાન પછી ગોંડલની ગાદી મળી, જેણે ઈ. સ. ૧૭૧૪ થી ૧૭પ૩ સુધી કુલ ૩૯ વરસ ગોંડલની રાજગાદી ભોગવી. જાડેજા રાજવી હાલોજીનું મૃત્યુ વિ. સં. ૧૮૦૮, ઈ. સ. ૧૭પર-પ૩માં થયું એ પછી ગોંડલની ગાદીએ કુંભાજી (બીજા) ભા’કુંભાજી આવ્યા. જે ઈ. સ. ૧૭પ૩થી ૧૭૯૦ સુધી ગોંડલની ગાદીએ ૩૭ વર્ષ્ા સુધી રહેલા. હાલોજીના નાના ભાઈ નથુજીને પિતા સગ્રામજીની હયાતીમાં જ મેંગણી મહાલ મળ્યો, હોથીજીને રીબડા ગામે ગરાસ મળ્યો અને ભારોજી જાડેજાને પણ પિતા સગ્રામજીની હયાતીમાં જ વિ. સં. ૧૭૬પ/ઈ. સ. ૧૭૦૯માં ઘોઘાવદર, વાછરા, નાગડકા, રીબ, નાના મહિકા અને પીપળિયા એ છ ગામ ભાયાત તરીકે ભાગમાં મળેલાં, જેમણે ગામનો ગઢ અને કોઠો ચણાવેલા, ભારોજીના દીકરા લાખાજી આ ઘોઘાવદર ગામનો વહીવટ સંભાળતા હતા. એક સમયે ધરતીકંપના કારણે કોઠો ભાંગી પડતાં કોઠા નીચે ભારોજીના દીકરા લાખાજી જાડેજા અવસાન પામ્યા, અને તેમના અવસાનના આઘાતથી ઘોઘાવદરના ઠાકર શાખના બ્રાહ્મણ જયરામ/જેરામનાં પત્ની (જે રવજી જાનીનાં દીકરી હતાં) અને લાખાજી જાડેજાનાં ધર્મનાં બહેન હતાં તે સતી થયાં. (એમને ત્રણ સંતાનો હતાં: હરદેવ, મોનજી અને શામજી, જેમાંથી મોનજીના વંશજો કાયમ ખાતે ઘોઘાવદર વસેલા.)
પોતાના ધર્મના માનેલા ભાઈનું અકાળ અવસાન થતાં જ પોતાના ઘરમાં કામ કરતાં વીરબાઈ માતાને એકાએક સત ચડ્યું, પોતાના ઘરની ઓસરીમાં હાથના પંજાના થાપા મારી પોતે એકદમ ઘર બહાર નીકળી ગયાં અને ‘મારો ભાઈ, મારો વીર’ કહેતાંકને એ બજારમાં નીકળી ત્યાંથી દોડતાં દોડતાં નદી કાંઠે પહોંચ્યાં જ્યાં લાખાજી ઠાકોરને અગ્નિદાહ અપાતો હતો. તેની સામે આવ્યાં ત્યાં જમણા પગના અંગૂઠામાંથી ઝડપભેર અગ્નિ પ્રગટ થયો અને જય અંબે બોલતાં ત્યાં જ ઢળી પડ્યાં, એમનો આત્મા પરમાત્મામાં તદાકાર થઈ ગયો. પાછળથી આ સ્થળે દેહરી ચણાવી અને સતી માતાના પંજાનો પાળિયો સ્થાપવામાં આવ્યો તે જ આ દેહરી.
હાલ ઘોઘાવદર ગામથી આથમણી દિશાએ પ્રાથમિક શાળાની સામે ખારામાંથી આવતી નદીના કાંઠા પર જ આ દેહરી છે. ઓશરીના ઘુમ્મટમાં ભીંતે સતી માતાનો સિંદૂરભર્યો પંજોે (પાળિયો) છે. મંદિરની અંદર મહાદેવનું લિંગ છે. દેહરીની બાજુમાં જમણી તરફ વિશાળ બીલીવૃક્ષ હતું, ડાબી બાજુ દસેક રજપૂત વીરો તથા અન્ય જ્ઞાતિઓના પાળિયા પણ છે, મંદિરમાં ર્જીણોદ્ધારનો પુરાણો લેખ છે પણ અક્ષરો તદ્દન ઝાંખા હોવાથી ઉકેલી શકાતો નથી. ખાસ કરીને ઠાકર કુળના બ્રાહ્મણો તથા જાડેજા કુળના ક્ષ્ાત્રિયોની છેડાછેડી અહીં છોડવામાં આવે છે.
સતી થયેલાં વીરબાઈ અને પતિ જેરામ ઠાકરને ત્યાં ત્રણ સંતાનો થયેલાં: હરદેવ, મોનજી અને શામજી. એમાંથી વચેટ ભાઈ મોનજીનો પરિવાર ઘોઘાવદરમાં જ વસવાટ કરતો હતો.
ઠાકર પરિવારનાં વીરબાઈ સતી માતાના દેહત્યાગ પછી રાજપરિવાર દ્વારા સતી માતાના પંજા સહિત શિવાલયનું બાંધકામ કરવામાં આવેલું. આ દેહરીની બાજુમાં વિવિધ જ્ઞાતિઓના શૂરાપૂરાના પાળિયા તથા ખાંભીઓ આવેલાં છે. અમુક વરસે સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન સાધુ સ્વામી ગુણાતીતાનંદજી આ રસ્તે નીકળેલા ત્યારે નદીના નિર્મળ નીરમાં સ્નાન કરી સતી માતાની દેહરીના ઓટા પર વિશ્રાંતિ લઈ ગઢડા પ્રથમ પ્રકરણ વચનામૃત ર૩, ગઢડા મધ્યમ પ્રકરણ વચનામૃત-૩૦ અને ૪પ,અમદાવાદ પ્રકરણ વચનામૃત ર અને ૩, વચનામૃતોનું પઠન કરેલું. જે ઘટનાનો શિલાલેખ પણ આજે સતી માતાની દેહરીમાં સચવાયો છે, જેમાં લખાયું છે કે – સ્વામી શ્રીજી સત્ય છે. મૂળ અક્ષ્ારમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીએ અનાદિ મુક્તમંડળ પૂ. ભગતજી મહારાજ, પૂ. જાગાસ્વામી, પૂ. કરશનજીઅદા, પૂ. શામજીઅદા, પૂ. હરિશંકરભાઈ વગેરે સાથે જૂનાગઢથી ગઢડા જતાં રસ્તામાં આ ગામ ઘોઘાવદરને પાદર આ દેરીએ વિશ્રામ કરી પ્ર. ર૩, મ. ૩૦ ને ૪પ, અમદાવાદ ર તથા ૩ એ પાંચ વચનામૃત ફરી ફરીને એમ ત્રણ વાર વંચાવી અમૃતપાન કરાવ્યું હતું અને પાસેના વોંકળામાં નાહ્યા હતા. પ્ર. બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજશ્રી યજ્ઞપુરુષ્ાદાસજી આ તીર્થસ્થાને સંતો સહ ઘણી વખત પધારેલા તેવા આ તીર્થધામનો ર્જીણોદ્ધાર પ્ર.બ્ર.સ્વ.પ.પૂ. યોગીજી મહારાજશ્રી જ્ઞાનજીવનદાસજીની પ્રસન્નતાર્થે શ્રી સ્વામિનારાયણ સત્સંગ મંડળ તરફથી કરાવેલ છે. સંવત ર૦૧૬ના શ્રાવણ સુદ પ, ઈ. સ. ૧૯૬૦માં ઘોઘાવદરના આ તીર્થધામનો ર્જીણોદ્ધાર પૂ. યોગીજી મહારાજના આદેશથી થયેલો એ સમયે જે શિલાલેખ કોતરાવીને મુકાયો છે એમાં ઉપરની વિગતે લખાણ છે.
ગોંડલથી માત્ર સાત કિલોમીટરના અંતરે આવેલ ઘોઘાવદરની અમારી પ્રાથમિક શાળાના મકાન સામે, નદી કાંઠે આવેલ સતી માતાની દેહરીનું સ્થાન પણ તીર્થધામ વારંવાર ગોંડલના સંત યોગીજી મહારાજ ઘોઘાવદર આવે, સતી માતાની દેહરીના ઓટા પર બેસે, વચનામૃતનો પાઠ કરે પછી શાળામાં આવે અને સૌ વિદ્યાર્થીઓ સામે બેસી સંતોની વાર્તાઓ કહે. એમાં ક્યારેક મારે પણ બ્રહ્માનંદ સ્વામીની રચના- ‘રે શિર સાટે નટવરને વરીએ…’ ગાવાનું બને અને યોગીબાપા રાજી થઈને વાંસામાં વારંવાર ધબ્બા મારે. આમ બાળપણથી જ યોગીબાપાના આશીર્વાદ મને પણ મળતા રહ્યા.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.