ટ્રાફિક નિયમ ભંગ કરનારાની ખેર નથી: અમદાવાદ ટ્રાફિક પોલીસની આજથી એક અઠવાડિયા સુધી સ્પેશીયલ ડ્રાઈવ

આપણું ગુજરાત

અમદાવદમાં રોડ અકસ્માતમાં મૃત્યુનું પ્રમાણ વધતા હોવાના અહેવાલ બાદ અમદાવાદ ટ્રાફિક પોલીસ સતર્ક બની છે. રોડ પર નિયમોનું ભંગ કરીને આડેધડ વાહનો ચલાવતા ચાલકોને કાયદાનું ભાન કરાવવા અમદાવાદ ટ્રાફિક પોલીસ વિશેષ ટ્રાફિક ડ્રાઇવ ચલાવશે. આજે ૧૫મી જુનથી લઈને ૨૧મી જૂન સુધી પોલીસ ટ્રાફિક ડ્રાઈવ ચલાવશે. આ ડ્રાઈવ દરમિયાન ખાસ કરીને અંડરએજ વાહનચાલકો સામે કાર્યવાહી કરાશે સાથે કાચ પર ડાર્ક ફિલ્મવાળા અને એચએસઆરપી પ્લેટ વગરના વાહનો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.
ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ કડક વલણ અપનાવી રહી છે. આજે ૧૫મી જૂનથી શહેરના અલગ અલગ ૧૦૦ જેટલા સ્થળો પર ટ્રાફિક પોલીસ તૈનાત રહેશે અને જે વાહનચાલકો નિયમોને તોડશે તેમને સ્થળ પર જ દંડ ફટકારવામાં આવશે. હેલ્મેટ ન પહેરનારા ટુ વ્હીલર ચાલો સામે સ્પેશિયલ ડ્રાઈવ બાદ હવે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ એચએસઆરપી પ્લેટ વગરના વાહન ધારકો સામે કડક કાર્યવાહી કરશે. એચએસઆરપી પ્લેટ વગરના વાહનો અકસ્માત સર્જીને ભાગી જતા વાહનને ટ્રેસ કરવામાં મુશ્કેલી પડતી હોય છે. સાથે નિયમ વિરુધ લોકો કારના કાચપર બ્લેક ફિલ્મ લગાડી ફરી રહ્યા છે તેમને પણ મસમોટો દંડ ફટકારી કાયદાનું ભાન કરાવવામાં આવશે. સાથે જ, જે વાહનચાલકો રોંગસાઇડમાંથી પસાર થશે તેઓને ૧૫૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. એચએસઆરપી નંબર પ્લેટ નહીં લગાવનારા વાહનચાલકો પાસેથી ૧૦૦0 રૂપિયાનો દંડ લેવામાં આવશે. તેમજ બસ અને મોટા વાહન ચાલકોને ૫૦૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. ખાસ કરીને ૧૮ વર્ષથી ઓછી વયના વાહનચાલકો સામે કડક વલણ દાખવવામાં આવશે. આ ડ્રાઈવ અઠવાડિયા સુધી ચાલશે.
આ ટ્રાફિક ડ્રાઇવ દરમિયાન દરેક પોલીસ સ્ટેશન દ્વારા કરવામા આવેલી કાર્યવાહીની માહિતી ઉપરી અધિકારીઓને મોકલવામાં આવશે. અકસ્માતોનું પ્રમાણ ઘટે અને ટ્રાફિકના નિયમો પ્રત્યે જાગૃતિ કેળવાય તે માટે ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવી છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.