ટેરર ફંડિંગ કેસમાં યાસીન મલિક દોષી: કોર્ટ

દેશ વિદેશ

નવી દિલ્હી: દિલ્હીની અદાલતે કાશ્મીરના ભાગલાવાદી નેતા યાસીન મલિકને ટેરર ફન્ડિંગ કેસમાં દોષિત ઠેરવ્યો હતો. યાસીન મલિકે અગાઉ અનલૉફુલ ઍક્ટિવિટીઝ પ્રિવેન્શન ઍક્ટ (યુએપીએ)ની જોગવાઈઓ સહિત વિવિધ આરોપો કબૂલ કર્યા હતા. આરોપી પાસેથી દંડ રૂપે કેટલી રકમ વસૂલ કરી શકાય, એ નક્કી કરવા માટે યાસીન મલિકની આર્થિક સ્થિતિનો કયાસ કાઢવાનો આદેશ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)ના અધિકારીઓને સ્પેશિયલ જજ પ્રવીણ સિંહે આપ્યો હતો. સ્પેશિયલ જજે યાસીન મલિકને સજાના પ્રમાણ બાબતે દલીલો માટે સુનાવણી ૨૫ મે ઉપર મુલતવી રાખી હતી. આ કેસના અન્ય આરોપીઓ સામે કેસની કાર્યવાહી ચાલી રહી છે.
યાસીન મલિકે અદાલતને જણાવ્યું હતું કે મારા પર યુએપીએની કલમ ૧૬ (આતંકવાદી પ્રવૃત્તિ), કલમ ૧૭ (આતંકવાદી પ્રવૃત્તિ માટે ભંડોળ ભેગું કરવું), કલમ ૧૮ (આતંકવાદી કૃત્યનું કાવતરું ઘડવું), કલમ ૨૦ (આતંકવાદી ટોળી કે સંગઠનના સભ્ય હોવું) અને ઇન્ડિયન પીનલ કોડ (આઈપીસી)ની કલમો ૧૨૦-બી (ગુનાહિત કાવતરાંખોરી) અને
૧૨૪-એ (રાષ્ટ્રદ્રોહ) હેઠળ મુકાયેલા આરોપોને પડકારતો નથી.
અગાઉ અદાલતે ફારુક અહમદ દાર ઉર્ફે બિટ્ટા કરાટે, શબ્બીર શાહ, મસર્રત આલમ, મોહમ્મદ યુસુફ શાહ, આફતાબ અહમદ શાહ, અલ્તાફ અહમદ શાહ, નઈમ ખાન, મોહમ્મદ અકબર ખાંડે, રાજા મહેરાજુદ્દીન કલવાલ, બશીર અહમદ ભટ, ઝહૂર અહમદ શાહ વતાલી, શાબિર અહમદ શાહ, અબ્દુલ રશીદ શેખ અને નવલ કિશોર કપૂર સહિતના કાશ્મીરી ભાગલાવાદી નેતાઓ સામે આરોપો ઘડ્યા હતા. આ કેસમાં ઘોષિત ગુનેગારો આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના સ્થાપક હાફીઝ સઈદ અને હિઝ્બ-ઉલ મુજાહિદીનના વડા સૈયદ સલાહુદ્દીન વિરુદ્ધ પણ ચાર્જ શીટ ફાઇલ કરવામાં આવી હતી.
આ કેસ હાફિઝ સઈદ અને હુર્રિયત કૉન્ફરન્સના સભ્યો સહિતના કાશ્મીરી ભાગલાવાદી નેતાઓના કહેવાતા કાવતરા વિશેનો છે. એ કાવતરાખોરોએ અન્ય આતંકી સંગઠનો હિઝ્બ-ઉલ-મુજાહિદીન, દુખ્તરન-એ-મિલ્લત, લશ્કર-એ-તૈયબા (એલઈટી) તથા અન્યો જોડે સાઠગાંઠમાં આતંકવાદી કૃત્યો આચર્યા હતા. તેઓ હવાલા સહિતના ગેરકાયદેસર માધ્યમો દ્વારા આતંકી પ્રવૃત્તિઓ માટે ભારતમાંથી અને પરદેશથી ભંડોળ ઊભું કરવા, ભેગું કરવા અને સ્વીકારવાની પ્રવૃત્તિ કરતા હતા. એ ભંડોળનો વપરાશ જમ્મુ-કાશ્મીરમાં ભાગલાવાદી અને આતંકવાદી પ્રવૃત્તિઓ માટે કરવામાં આવતો હતો. ભાંગફોડની પ્રવૃત્તિમાં સુરક્ષા દળો પર પથ્થર ફેંકનારાઓ અને દેખાવકારોને પૈસા વહેંચવા, શાળાઓને બાળી નાખવી, સાર્વજનિક મિલકતોને નુકસાન કરવા અને ભારતીય રાષ્ટ્ર વિરુદ્ધ યુદ્ધ સમાન લડાયક પ્રવૃત્તિઓનો સમાવેશ હતો.
એનઆઈએના અધિકારીઓએ જણાવ્યું હતું કે યાસીન મલિક ભાગલાવાદી સંગઠન જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટનું નેતૃત્વ સંભાળતો હોવાનું અને જમ્મુ-કાશ્મીરમાં આતંક ફેલાવવામાં સક્રિય રહ્યો હોવાનું તપાસમાં સાબિત થયું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે યાસીન મલિક સીમાવર્તી ક્ષેત્રો (એલઓસી)ના વેપારીઓ પાસેથી તથા વિદેશી વ્યક્તિઓ અને સંસ્થાઓ પાસેથી ભંડોળ ભેગું કરતો હતો. એ ભંડોળ સુરક્ષા દળોના જવાનો પર હુમલા કરતા પથ્થરબાજો અને દેખાવકારોને વહેંચતા હતા. (એજન્સી)

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.