ટાઈ ફગાવો, એનર્જી બચાવો: સ્પેનના પીએમનો નવો મંત્ર!

પુરુષ

 

કવર સ્ટોરી – હેન્રી શાસ્ત્રી

યુક્રેન યુદ્ધને પગલે ઈંધણ મોંઘું થતાં રશિયા પરનું અવલંબન ઘટાડવા વ્યાપક વિચાર થઈ રહ્યો છે અને એ માટે સ્પેનના વડા પ્રધાનનો નુસખો કેવળ ખયાલી પુલાવ છે કે ટીપે ટીપે સરોવર ભરાય એવો છે એ વિશે તર્ક-વિતર્ક થઈ રહ્યા છે

પ્રાઈમ મિનિસ્ટર-પ્રેસિડેન્ટ ન્યુઝ કોન્ફરન્સને સંબોધન કરવા આવે ત્યારે સૌના કાન સરવા થઈ જાય કે સાહેબ શું બોલશે? અને જે બોલશે એનાથી જનતાનો ચહેરો ખીલી ઊઠશે કે પરસેવો વળી જશે એવા વિચાર ઘૂમરાવા લાગે. નોટબંધીની ઘોષણા પછી જ્યારે પણ નરેન્દ્ર મોદી રાષ્ટ્રજોગ પ્રવચન કરવાના હોય ત્યારે જનતાના કાનની લંબાઈ-પહોળાઈ વધી જતી હોવાનું માનવામાં આવે છે. એમાંય કોવિડ-૧૯ની મહામારી પછી તો ‘સાહેબ શું બોલશે?’ એ ઉત્સુકતા વિશ્ર્વવ્યાપી બની ગઈ છે. ગયા શુક્રવારે યુરોપિયન યુનિયનના સભ્ય દેશ સ્પેનના વડા પ્રધાન પેદ્રો સાંચેઝ અખબારી પરિષદને સંબોધવા આવ્યા ત્યારે હાજર રહેલા મીડિયાકર્મી અને ટેક્નોલોજીની મદદથી એમને સાંભળવા ઉત્સુક દેશભરની જનતાના કાન તો સરવા થઈ જ ગયા હતા, પણ તેમના આગમનની સાથે જ બધાની આંખો તેમના ચહેરા પર મંડાવાને બદલે તેમની ગરદન પર ફરી વળી. ના, ના, ત્યાં કોઈ ગબ્બરે ફાંસીનો ગાળિયો નહોતો ભેરવી દીધો કે કોઈ હત્યારો પોતાની મનમાની કરાવવા બંદૂકની અણી ગરદન પર રાખી તેમને કોન્ફરન્સમાં ઢસડી લાવ્યો એવી પણ કોઈ વાત નહોતી. બધી આંખોમાં કુતૂહલ ડોકિયાં કરી રહ્યું હતું, કારણ કે સાંચેઝસાહેબ ગાળામાં ટાઈ પહેર્યા વિના આવ્યા હતા. યુરોપિયન દેશોના વડા નિશ્ર્ચિત ડ્રેસકોડ અનુસરતા હોય છે અને નજર તેમને એ રીતે જોવા ટેવાયેલી હોય છે. નજીવો ફેરફાર પણ આશ્ર્ચર્ય જન્માવે છે. વાત અહીં પૂરી નથી થતી. ઉતાવળમાં નીકળ્યા હશે એટલે ટાઈ પહેરવાની ભુલાઈ ગઈ હશે એવું વિચારનારા ભોંઠા પડે એવી જાહેરાત પીએમએ ન્યુઝ કોન્ફરન્સમાં કરી. રાષ્ટ્રજોગ પ્રવચનમાં મિસ્ટર સાંચેઝે કહ્યું કે ‘સરકારી અધિકારીઓ, કર્મચારીઓ તેમ જ પ્રાઈવેટ સેક્ટરમાં કામ કરતા કર્મચારીઓએ ટાઈ પહેરવાનું બંધ કરી દેવું જોઈએ. એમ કરવાથી એનર્જી વપરાશમાં બચત થશે.’
આ અખબારી પરિષદમાં પેદ્રો સાંચેઝ ખુલ્લા ગળાનું વ્હાઈટ શર્ટ અને બ્લુ જેકેટ પહેરીને આવ્યા હતા. તેમણે એક મહત્ત્વની વાત એ કરી કે શુક્રવારે કેઝ્યુઅલ ડ્રેસ પહેરવાનો શિરસ્તો છે એટલે પોતે ટાઈ પહેર્યા વિના કેઝ્યુઅલ ડ્રેસમાં આવ્યા છે એવું નથી, પણ અમુક ઉપકરણ વાપરવાં ન પડે એટલે આવા પહેરવેશની પસંદગી કરી હોવા પર તેમણે ભાર મૂક્યો હતો. ઉપકરણનું નામ તેમણે નહોતું લીધું, પણ તેમનો ઈશારો એર કંડિશનર તરફ હતો એવો તર્ક મોટા ભાગના લોકોનો હતો. મીડિયા અને જનતાને સંબોધીને તેમણે કહ્યું કે ‘મેં આજે ટાઈ નથી પહેરી એ વાત પર હું તમારું ધ્યાન દોરવા માગું છું. આમ કરવાથી આપણે બધા એનર્જીના વપરાશમાં બચાવ કરી શકીશું. મારા મિનિસ્ટર્સ અને જાહેર એકમના અધિકારીઓને મેં જણાવી દીધું છે કે જરૂર ન હોય તો ટાઈ પહેરવી નહીં.’
યુકે અને યુરોપના કેટલાક દેશ છેલ્લા એક મહિનાથી કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે. એક અહેવાલ પ્રમાણે યુકેના ઈતિહાસમાં પહેલી વાર ૪૦ ડિગ્રી સેન્ટિગ્રેડ તાપમાન નોંધાયું છે. હવાની લહેરખી વિનાની સૂકી ગરમીથી લોકો હેરાન-પરેશાન થઈ રહ્યા છે. સ્પેનની જનતા સુધ્ધાં એક મહિનાથી ગરમીથી અકળામણનો અનુભવ કરી રહી છે. દેશના કેટલાક વિસ્તારમાં તો તાપમાન ૪૦ ડિગ્રીને પાર કરી ગયું હોય એવા દાખલા જોવા મળ્યા છે. સ્વાભાવિક છે આવા વાતાવરણમાં રાહત મેળવવા લોકો એર કંડિશનરનો ઉપયોગ વધુ કરે. એટલે સરકાર તરફથી એર કંડિશનિંગ વ્યવસ્થાનો વધુ પડતો વપરાશ ટાળી વીજળીનું બિલ ઘટાડવા આગ્રહ કરવામાં આવ્યો છે. વીજળીનો વપરાશ ઘટે એટલે આપોઆપ એનર્જી બચાવ થાય અને આજની પરિસ્થિતિમાં રશિયા પરનું અવલંબન ઘટે. સરવાળે દેશને આર્થિક ફાયદો થાય. બીજી એક મહત્ત્વની વાત એ છે કે કાળઝાળ ગરમીથી બચવા એર કંડિશનર જેવા ઉપકરણનો વપરાશ વધતાં એનર્જી ખર્ચનો વધુ બોજો સરકારની કેડે આવે જ છે જે પછી જનતાએ ભોગવવો પડે છે, પણ આ હીટવેવને પગલે છેલ્લાં બે અઠવાડિયાંમાં સ્પેનમાં ૫૦૦થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. આમ વાત માત્ર ગેસ-વીજળીનાં બિલ પૂરતી માર્યાદિત નથી, જનજીવનની રક્ષાની પણ છે.
સ્પેનના વડા પ્રધાનનો આ સુઝાવ કોઈ તિકડમ છે કે એનાં નક્કર પરિણામ આવી શકે એ વિશે તર્કવિતર્ક થઈ રહ્યા છે. અલબત્ત આ આખીય વાતને વિશાળ પરિપ્રેક્ષ્યમાં જોવી-સમજવી જોઈએ. કોઈ એક માણસ ટાઈ પહેરવાનું બંધ કરી એસી ઓછું વાપરે તો વીજળીના બિલમાં કોઈ મોટો ફરક ન પડી જાય, પણ આખા દેશના લોકો જો આ રીતે વિચારે તો કેટલા મેગાવોટ વીજળી ખર્ચાતી બચી જાય એ વિચારશો તો આ નિર્ણયનું મહત્ત્વ સમજાશે. ટૂંકમાં આ પ્રયાસ ‘ટીપે ટીપે સરોવર ભરાય’ એ રીતે મૂલવવો જોઈએ. વીજળીના ઉત્પાદનમાં ઘટાડો સરવાળે એનર્જીની બચત કરે અને વર્તમાન વાતાવરણમાં રશિયાની ‘દાદાગીરી’ સામે રક્ષણ મળી શકે. એ બાબત તો જાણીતી છે કે યુક્રેન યુદ્ધને પગલે વિશ્ર્વના અનેક દેશના વ્યાવસાયિક કાર્યાલય અને રહેવાસીઓ
વીજળી અને ગેસ વપરાશ મોંઘા થતાં અગાઉ કરતાં વધુ પૈસા ચૂકવી રહ્યા છે.
—————–
૨૦૧૧માં જાપાનની શરૂઆત

અલબત્ત વીજ વપરાશમાં રાહત મેળવવા આવો અનોખો પ્રયાસ કરવાનું કહેનાર સ્પેન કંઈ પહેલો દેશ નથી. આજથી ૧૧ વર્ષ પહેલાં ૨૦૧૧માં ઊગતા સૂર્યના દેશની ઓળખ ધરાવતા જાપાનના પર્યાવરણ મંત્રાલય દ્વારા ‘સુપર કૂલ બિઝ’ કેમ્પેન શરૂ કરવામાં આવ્યું હતું. અગાઉ શરૂ કરવામાં આવેલા કૂલ બિઝ કેમ્પેનને વ્યાપક બનાવી કર્મચારીઓને સાદાં કપડાં (કેઝ્યુઅલ ડ્રેસ) પહેરીને આવવા આગ્રહ કરવામાં આવ્યો હતો. એને કારણે વીજ અછતના સમયમાં એર કન્ડિશનિંગનો ઉપયોગ ઓછો થાય એ વ્યવહારુ હેતુ હતો. આ નવી ઝુંબેશને પગલે મંત્રાલયના કર્મચારીઓને ઓફિસમાં અગાઉના ‘નો ટાઈ, નો જેકેટ’ ડ્રેસ કોડના કૂલ બિઝનેસ કેમ્પેનને બદલે પોલો શર્ટ, ટી-શર્ટ્સ, જીન્સ અને સ્નિકર્સ પહેરી આવવાની છૂટ આપવામાં આવી હતી. જાપાનના વીજ પ્લાન્ટની સમસ્યાને પગલે પાવર શોર્ટેજના પ્રોબ્લેમને પગલે સરકાર દ્વારા નવી ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. ગયા અઠવાડિયે ફ્રાન્સમાં બિઝનેસ એસ્ટાબ્લિશમેન્ટ્સને તેમના દરવાજા શક્ય હોય એટલી વાર બંધ રાખવા અનુરોધ કરવામાં આવ્યો હતો, જેથી એર કંડિશનિંગ બહાર ન જતું રહે. એમ થવાથી વધુ વીજળી ખર્ચાય છે. યુરોપિયન કમિશન દ્વારા રશિયન ગેસ પરનું અવલંબન ઘટાડી વૈકલ્પિક ઊર્જા મેળવવા ૨૧૦ બિલિયન પાઉન્ડનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. હીટવેવનું પ્રમાણ વધવાથી અને જુલાઈ મહિનામાં તાપમાન ખૂબ જ વધી જવાને કારણે અનેક દેશની સરકાર પર્યાવરણ અને ખર્ચની બચત થાય એવા વિકલ્પ વિશે વધુ ગંભીરતાથી વિચાર કરતી થઈ ગઈ છે. રશિયાએ જર્મનીના ગેસ પુરવઠા પર કાપ મૂકતાં હેનોવર નામના શહેરમાં પબ્લિક બિલ્ડિંગ્સમાં હાથ ધોવા માટે તેમ જ સ્વિમિંગ પૂલ, સ્પોર્ટ્સ હોલ અને જિમ્નેશિયમમાં શાવર માટે ગરમ પાણી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.