Homeદેશ વિદેશઝિમ્બાબ્વેને ૭૧ રનથી હરાવી ટીમ ઇન્ડિયા સેમિ ફાઇનલમાં પહોંચી, ઇંગ્લેન્ડ સામે ટકરાશે

ઝિમ્બાબ્વેને ૭૧ રનથી હરાવી ટીમ ઇન્ડિયા સેમિ ફાઇનલમાં પહોંચી, ઇંગ્લેન્ડ સામે ટકરાશે

મેલબનર્: ટીમ ઇન્ડિયાએ ટી-૨૦ વર્લ્ડકપ ૨૦૨૨ સુપર-૧૨ની અંતિમ મેચમાં ઝિમ્બાબ્વેને ૭૧ રનથી હરાવ્યું હતું. આ જીત સાથે ટીમ ઇન્ડિયા ગ્રુપ-૨ના પોઈન્ટ ટેબલમાં ૮ પોઈન્ટ સાથે ટોપ પર પહોંચી ગઇ છે. હવે ટીમ ઇન્ડિયા ૧૦ નવેમ્બરે એડિલેડ ઓવલ ખાતે સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે ટકરાશે. ઝિમ્બાબ્વે સામે પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ કેએલ રાહુલ અને સૂર્યકુમાર યાદવની અડધી સદીની મદદથી ૧૮૬ રન બનાવ્યા હતા જેના જવાબમાં ઝિમ્બાબ્વેની ટીમ ૧૭.૨ ઓવરમાં ૧૧૫ રનમાં જ ઓલઆઉટ થઇ ગઇ હતી. આક્રમક બેટિંગ બદલ સૂર્યકુમાર યાદવને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. સૂર્યકુમાર યાદવે ૨૫ બોલમાં ૬૧ રનની અણનમ ઈનિંગ રમી હતી.
૧૮૭ રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઝિમ્બાબ્વેની શરૂઆત સારી રહી ન હતી, ભુવનેશ્ર્વર કુમારે ઈનિંગના પહેલા બોલ પર વેસ્લી મધવેરેને આઉટ કરીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. આ પછી અર્શદીપ સિંહે બીજી ઓવરમાં રેગિસ ચકાબ્વાને બોલ્ડ કર્યો હતો. પાવરપ્લેમાં મોહમ્મદ શમીએ સીન વિલિયમ્સને આઉટ કરીને ભારતને ત્રીજી સફળતા અપાવી હતી. ત્યારબાદ સિકંદર રઝા અને રેયાન બર્લેએ ૬ઠ્ઠી વિકેટ માટે ૬૦ રનની ભાગીદારી કરીને ટીમની સ્થિતિ સંભાળી હતી, પરંતુ તેમની વિકેટો પડી જતાં ઝિમ્બાબ્વે ૧૧૫ રનમાં પર સમેટાઈ ગયું હતું. ભારત તરફથી રવિચંદ્રન અશ્ર્વિને ૨૨ રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી હાર્દિક પંડ્યા અને મોહમ્મદ શમીએ બે-બે વિકેટ લીધી હતી. જ્યારે ભુવનેશ્ર્વર કુમાર, અક્ષર પટેલ અને અર્શદીપ સિંહને એક-એક વિકેટ મળી હતી.
આ અગાઉ ટીમ ઇન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઝિમ્બાબ્વે સામે જીતવા માટે ૧૮૭ રનનો ટાર્ગેટ આપ્યો હતો. કેપ્ટન રોહિત શર્મા ઝિમ્બાબ્વે સામે પણ નિષ્ફળ રહ્યો હતો અને ૧૫ રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ કેએલ રાહુલ અને વિરાટ કોહલીએ ઇનિંગ સંભાળી હતી. કોહલી ૨૫ બોલમાં ૨૬ રન બનાવી આઉટ થયો હતો. બાદમાં કેએલ રાહુલે ટૂર્નામેન્ટની તેની બીજી અડધી સદી પૂરી કરી હતી. કેએલ રાહુલે ત્રણ સિક્સ અને ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા. બાદમાં દિનેશ કાર્તિકના સ્થાને ટીમમાં સામેલ કરાયેલા ઋષભ પંત માત્ર ત્રણ રન બનાવીને વિલિયમ્સનો શિકાર બન્યો હતો, ત્યારબાદ સૂર્યકુમાર અને પંડ્યાએ ભારતને મજબૂત સ્કોર સુધી પહોંચાડ્યું હતું.
ભારત તરફથી કેએલ રાહુલ બાદ સૂર્યકુમાર યાદવે તોફાની અડધી સદી ફટકારી હતી. રાહુલે ૩૫ બોલમાં ૫૧ રન બનાવ્યા હતા, જ્યારે સૂર્યાએ ૨૫ બોલમાં ૬૧ રનની અણનમ ઈનિંગ રમી હતી. ભારતે છેલ્લા ૩૦ બોલમાં ૭૯ રન બનાવ્યા, જેના કારણે ટીમ ૧૮૬ના સ્કોર સુધી પહોંચવામાં સફળ રહી હતી.

RELATED ARTICLES

Most Popular