જ્યાં ભગવાન શ્રીકૃષ્ણની ધર્મસભા ભરાતી તે દ્વારકા વિશે જાણવા જેવી વાતો

ધર્મતેજ

મીમાંસા – અનવર વલિયાણી

કહેવાય છે કે, સૌરાષ્ટ્રના પાંચ રત્નો છે. નદી, નારી, તુરંગ, (ઘોડો), ચોથું શ્રી સોમનાથ ધામ અને દ્વારકાધીશનાં દર્શન. મગધ દેશના રાજા જરાસંઘના ત્રાસથી કંટાળીને ભગવાન શ્રીકૃષ્ણ દ્વારકા આવીને વસ્યા હતા. ભગવાન શ્રીકૃષ્ણે ગોમતી ઘાટે આવેલી દ્વારકાને પોતાની રાજધાની બનાવી હતી. દ્વારકામાં ‘દ્વાર’નો અર્થ થાય છે દરવાજો અથવા માર્ગ. જ્યારે ‘કા’નો અર્થ છે ‘બ્રહ્મ’ સંયુક્ત અર્થ જોઇએ તો દ્વારકાનો અર્થ છે બ્રહ્મ તરફ લઇ જતો માર્ગ. દ્વારકા પુરાણોમાં દ્વારામતી અથવા દ્વારાવતી તરીકે પણ પ્રખ્યાત છે. ભગવાન શ્રીકૃષ્ણ મથુરા છોડી સમસ્ત યાદવ પરિવાર સાથે અહીં આવીને વસ્યા ત્યારથી આ સ્થળ પવિત્રધામ ગણાયું. હાલનું ત્રેલોક્ય સુંદર જગત મંદિર કૃષ્ણના પ્રપોત્ર વ્રજનાભે બંધાવ્યું હતું. વ્રજનાભ ધર્મપ્રિય તરીકે જાણીતો હતો. એવી માન્યતા છે કે આ મંદિર રાતોરાત એટલે કે માત્ર એક જ રાતમાં કોઇ દૈવી શક્તિથી વ્રજનાભના માર્ગદર્શન હેઠળ બંધાયું હતું. કહેવાય છે કે આ નગરી ભગવાન શ્રીકૃષ્ણે ૩૫૦૦થી૪૦૦૦ વર્ષ પહેલાં વસાવેલી. શ્રીકૃષ્ણની આગેવાની હેઠળ યાદવોએ સૌરાષ્ટ્રનો પશ્ર્ચિમ પ્રદેશ (આજના જૂનાગઢ અને જામનગર જિલ્લાઓ)ને એક કર્યાં હતા. પરંતુ પોતાના આ જ વૈભવના લીધે યાદવો દારૂ-જુગારની બદીથી છાકટા બની અંદરોઅંદર યુદ્ધે ચઢયા… સમગ્ર યાદવ કુળના અંત પછી ભગવાન શ્રીકૃષ્ણે પણ યોગ દ્વારા પ્રાણત્યાગ કર્યો અને ‘મહાભારત’માં ઉલ્લેખ મુજબ દ્વારકા સમુદ્રમાં ડૂબી ગઇ હતી. દ્વારકાધીશનું ૪૩ મીટર ઊંચું સાત માળનું વિશ્ર્વપ્રસિદ્ધ મંદિર ગોમતી નદી અને અરબી સમુદ્રના સંગમ સ્થળે આવેલું છે. મંદિરનો અંદરનો ભાગ ૧૩મી સદીનો હોય એવું જણાય છે. જ્યારે મધ્ય ખંડ લાડવા મંડપ તરીકે ઓળખાય છે. ગોમતી નદીના તટ પર બીજાં પુરાતન મંદિરો પણ છે.
દ્વારકાધીશ મંદિર સંકુલમાં પ્રદ્યુમનજી, દેવકીજી, પુરુષોત્તમજી, આદ્ય જગતગુરુ શંકરાચાર્યજીએ નવમી સદીમાં સ્થાપેલી શારદા પીઠ વગેરે પણ જોવા મળે છે. હજારો વર્ષ પહેલાં મોટી નૌકાઓ ગોમતી ઘાટ પર લગારવામાં આવતી. પરંતુ ૧૮૯૦માં મહારાજા ગાયકવાડે ત્યાં પથ્થરની દીવાલ બનાવી. આથી ગોમતી ઘાટનું પાણી સમુદ્રમાં ઠલવાતું અટક્યું. આ સ્થળે પશ્ર્ચિમ દિશામાં દરિયાઇ દેવ સમુદ્ર નારાયણનું મંદિર છે જે વરુણ દેવના નામે પણ ઓળખાય છે.
૧૯૭૯થી ૧૯૮૦ના ખોદકામે દ્વારકાની પ્રાચીનતાની ઝલક રજૂ કરી છે. જેમ કે દરિયાનાં મોજા કે તોફાનના કારણે પહેલું મંદિર નષ્ટ થયું. આ પછી બીજું મંદિર એ જગ્યાએ બનાવાયું. બીજુ મંદિર પણ નષ્ટ થયું અને નવમી સદીમાં વિષ્ણુનું મંદિર બન્યું. જેને શક્યત ૧૨મી સદીમાં વાવાઝોડાથી ભારે નુકસાન થયું. આજનું દ્વારકાધીશ મંદિર પાંચમી વાર બાંધવામાં આવેલું મંદિર છે. આ જ રીતે હાલની દ્વારકા નગરી પૌરાણિક દ્વારિકા નગરીનું આઠમું રૂપાંતર છે. દ્વારિકામાં કૃષ્ણની ધર્મસભા ભરાતી હતી. દ્વારિકા કૃષ્ણની રાજધાની હતી. જ્યારે બેટ-દ્વારકામાં શ્રીકૃષ્ણનું નિવાસસ્થાન હતું.
દ્વારકાથી આશરે ૧૪ કિલોમીટરના અંતરે ગોપી તળાવ છે. જેની માટી વિશિષ્ટ પ્રકારની છે. તે રંગે પીળી અને સુંવાળી છે. કહેવાય છે કે કૃષ્ણે વ્રજ છોડયું એ પછી ફરી કદી વ્રજ નહોતા ગયા. કૃષ્ણના બાળપણમાં વ્રજમાં ગોપીઓએ કૃષ્ણ સાથે અનેક વખત રાસલીલા કરી હતી. આ ગોપીઓ કૃષ્ણ માટે સતત ઝૂરતી હતી. ગોપીઓએ કૃષ્ણને મળવા દ્વારિકા આવી અને ગોપી ગામે જ્યાં ગોપી તળાવ છે ત્યાં શરદપૂનમની રાતે ગોપીઓએ કૃષ્ણ સાથે રાસલીલા કરી અને છેવટે ત્યાં જ સમાઇ ગઇ. આથી ગોપી તળાવની માટી પવિત્ર માનવામાં આવે છે. દ્વારકાથી આશરે બે કિલોમીટર દૂર રુક્ષમણિજીનું મંદિર છે.
દુર્વાસા ઋષિ એક વખત દ્વારકા પધારેલા ત્યારે દુર્વાસાજીને દ્વારકાનું દર્શન કરાવવા માટે તેમને રથમાં કૃષ્ણ અને રુક્ષમણિજી લઇ ગયેલા. વચ્ચે રુક્ષમણિજીને તરસ લાગતાં કૃષ્ણે રથ થંભાવીને પોતાના જમણા પગના અંગૂઠાથી ત્યાં ગંગાજી પ્રગટ કર્યાં. જેનું જળ રુક્ષમણિજીએ પીધું. દુર્વાસાજી ક્રોધે ભરાયા કે એને પૂછયા વિના શા માટે રથ અટકાવ્યો. તેમણે રુક્ષમણિજીને કૃષ્ણથી દૂર રહેવાનો શાપ આપ્યો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.