જોન અને જોસેફ કેનેડી: પિતા-પુત્ર બન્ને એક જ સ્ત્રી પાછળ પાગલ હોય ત્યારે…

વીક એન્ડ

ભાતભાતકેલોગ – જ્વલંત નાયક

આવતી કાલે ફાધર્સ ડે છે. ‘આગુ સે ચલી આતી હૈ’ની રીત મુજબ આજનાં અને આવતી કાલનાં છાપાંઓ પાનાં ભરી ભરીને બાપ-દીકરાના સંબંધો વિષે છાપશે. આમ જુઓ તો એમાં કશું ખોટું પણ નથી. પ્રસંગ પ્રમાણેનાં ગીતો તો ગવાવાં જ જોઈએને! પણ એમાં થાય એવું કે વાચકોને ઘણી વાર અતિરેક-અપચો અને અભાવ થઇ આવે, એટલી પ્રચુર માત્રામાં છાપકામ થઇ જતું હોય છે. આવું ન થાય એ માટે દરેક છાપાએ એકાદ ‘આઉટ લાઈન’ કોલમિસ્ટ રાખવો જોઈએ, જે પ્રસંગે ગવાતાં ગીતો વચ્ચે એકાદ ભળતી જ દિશાનું ગીત ગાઈ નાખે, જેથી વાચકો અતિરેકની ભાવનાથી બચે! બીજાની ખબર નથી, પણ આપણા ‘મુંબઈ સમાચાર’માં આ કામ (કોઈએ કીધું નથી છતાં) અમે હોંશે હોંશે ઉપાડી લીધું છે. સોશિયલ મીડિયા સહિતનાં માધ્યમોમાં બાપ-દીકરા અંગેનાં લાગણીસભર લખાણો વાંચીને અતિરેક જેવું લાગતું હોય તો એક જરા ‘હટકે’ બાપ વિશેનો આ લેખ તમારા માટે છે.
વાત અમેરિકાના એક સમયના અતિલોકપ્રિય પ્રમુખ જોન એફ. કેનેડીના પિતા જોસેફ કેનેડીની છે. જોન કેનેડી વિષે આપણે ત્યાં ઘણું લખાયું છે, પણ જોસેફ કેનેડી વિષે આપણે ખાસ કશું નથી જાણતા. કદાચ જોન કેનેડીનીય બહુ ઈચ્છા નહિ હોય કે આપણે એમના પિતા વિષે બધું જાણી લઈએ! ખેર, એ જે હોય તે, પણ જોસેફ કેનેડી કંઈ એમ ભુલાવી દેવાય એવું વ્યક્તિત્વ નહોતું. માર્ક ઓલિવર નામના બ્લોગરે જોસેફ વિષે માહિતીપ્રદ લેખ લખ્યો છે. જોસેફ પોતે ડેમોક્રેટિક પાર્ટીના મોટા નેતા ગણાતા. આઈરિશ કેથોલિક સમાજમાં પણ એમનું ખાસ્સું વર્ચસ્વ હતું. જોસેફ શેરબજારના પણ મોટા ખેલાડી! ઈ. સ. ૧૯૨૯માં જ્યારે વોલસ્ટ્રીટ મોટી પડતીનો ભોગ બન્યું, એ પછી શેરબજારની ઉઠાપટક પર ચાંપતી નજર અને નિયંત્રણ રાખવા અમેરિકાની સંઘીય સરકારે સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ કમિશન (જઊઈ)ની રચના કરી. તત્કાલીન અમેરિકન પ્રેસિડેન્ટ રુઝવેલ્ટે જોસેફ કેનેડીને જઊઈના પ્રથમ ચેરમેન બનાવેલા. આ બધું કહેવાનો ભાવાર્થ એટલો જ કે પુત્ર જોન કેનેડી જેટલી લોકપ્રિયતા ભલે ન મળી હોય, પણ પિતા જોસેફ કેનેડી પણ પાંચમાં પુછાય એવી વ્યક્તિ તો હતા જ, પરંતુ ઉપર પ્રથમ ફકરામાં ચોખવટ કરી એમ, આપણે આજે કેનેડી પિતા-પુત્ર વચ્ચેના ઊર્મિસભર સંબંધો વિષેની લાગણીસભર વાતો નથી કરવાના, બલકે જોસેફ કેનેડીનાં કેટલાંક ‘કારનામા’ વિષે ચર્ચા કરીશું.
જોસેફે પોતાની કારકિર્દીમાં ખાસ્સા ડોલર્સ બનાવ્યા. ફાઇનાન્સના ક્ષેત્રમાં જોસેફની હથોટી સારી હતી. માત્ર ૨૫ વર્ષની કુમળી વયે તો એ બેન્કના પ્રેસિડેન્ટની ખુરસી સુધી પહોંચી ગયેલા. જોકે આ માટેનું બધું શ્રેય જોસેફની કામ પ્રત્યેની ધગશ અને સખત મહેનતને ફાળે જાય છે, પણ સ્ટોક માર્કેટમાં એણે જે કબાડો કર્યો, એનાં વખાણ થઇ શકે એમ નથી. જાણકારો કહે છે કે નાણાકીય બાબત અંગે ઊંડી સૂઝબૂઝ ધરાવતા જોસેફે શેર માર્કેટમાંથી એ રીતે પૈસા બનાવ્યા, જાણે સોનાની ખાણમાંથી સોનું ઉલેચતો હોય! ઈનસાઈડ ટ્રેડિંગ, કૃત્રિમ અછત વગેરે જેવા હાથકંડા અપનાવીને જોસેફે શેર માર્કેટમાંથી અઢળક ડોલર્સ રળી લીધા. એ સમયે હજી કાયદા આજના જેટલા કડક નહોતા, એટલે ચાલી ગયું, પણ જોસેફે જે કર્યું, એ સીધેસીધી છેતરપિંડી જ હતી! ખૂબીની વાત એ હતી કે પોતે કરેલા આર્થિક ગોટાળા બાબતે જોસેફ પૂરેપૂરો સભાન હતો. એણે એના સહાધ્યાયી રહી ચૂકેલા મિત્રને કહેલું, સરકાર નવા કાયદા બનાવીને આ બધી બાબતોને ગેરકાયદે જાહેર કરે, એ પહેલાં આપણે સ્ટોક માર્કેટમાંથી અઢળક કમાઈ લેવું જોઈએ! થયું એવું કે પ્રેસિડેન્ટ રુઝવેલ્ટે તોફાનીને મોનિટર બનાવતા હોય એ રીતે જોસેફને જ સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ કમિશનનો ચેરમેન બનાવી દીધો. એ પછી જોસેફે પોઝિટિવ દિશામાં મગજ વાપરીને પોતે જ એવા કાયદા બનાવ્યા, જેનાથી સ્ટોક માર્કેટમાં થતી ‘જોસેફ બ્રાંડ’ છેતરપિંડી પર અંકુશ મૂકી શકાય! છેને કમાલની વાત!
જ્યાં રૂપિયા કમાવાની વાત આવે, ત્યાં કાયદાને તડકે મૂકવામાં જોસેફને કોઈ નાનમ નડતી નહિ. વાત તો એવી પણ છે કે અમેરિકામાં જ્યારે દારૂબંધી લાગુ કરવામાં આવી, ત્યારે જોસેફે દારૂના ગેરકાયદે વેપારમાંથી અઢળક માલ કમાઈ લીધો. દારૂબંધીએ અમેરિકામાં અનેક માફિયા ગેન્ગ્સને જન્મ આપ્યો. આ બધામાં અલ કપોનનું નામ સૌથી મોટું હતું. ખૂનખાર માફિયા બોસ અલ કપોનનું નામ પડે ત્યાં ભલભલા ભડવીરો ધ્રૂજી ઊઠતા. એક વાયકા એવી પણ છે કે જોસેફે દારૂના ધંધામાં અલ કપોન સાથે પણ ભાગીદારી કરેલી. આ બધી વાતોમાં કેટલું તથ્ય હશે, એની કોઈ સાબિતી મળતી નથી, પણ હા, અમેરિકન સરકારે જ્યારે દારૂબંધી ઉઠાવી લેવાનો નિર્ણય કર્યો, ત્યારે જોસેફ કેનેડીએ દારૂનો ગંજાવર જથ્થો વેચાણાર્થે માર્કેટમાં મૂકેલો! આવડો મોટો જથ્થો એની પાસે ક્યાંથી આવ્યો, એ સવાલનો કોઈ ચોક્કસ જવાબ નથી મળતો. જોસેફે પોતાના બચાવમાં કહેલું કે સરકારે દારૂબંધી ઉઠાવી લીધી, એ પછી કાયદેસર રીતે એણે દારૂનો જથ્થો ખરીદીને માર્કેટમાં વેચાણાર્થે મૂકેલો. આમાં સાચુંખોટું જિસસ જાણે.
નાની ઉમરમાં આડાતેડા રસ્તે અઢળક રૂપિયા કમાઈ ગયેલો માણસ ચારિત્ર્ય બાબતે શિથિલ ન થાય તો જ નવાઈ! ૧૯૧૪માં રોઝ ફિટ્ઝગેરાલ્ડ નામની સ્ત્રી સાથે જોસેફે લગ્ન કર્યાં. પાછળથી આ જ રોઝની કૂખે જોન એફ કેનેડીનો જન્મ થયેલો, પણ જોસેફ કેનેડીએ તો રોઝ સાથે લગ્ન થતાંવેંત બીજે ફાંફાં મારવાનાં ચાલુ કરી દીધેલાં. આમાં ઓલ ટાઈમ ક્લાસિક ગણાતી ફિલ્મ ‘સનસેટ બુલેવાર્ડ’ની અભિનેત્રી ગ્લોરિયા સ્વેન્સન સાથેનું અફેર ખાસ્સું ચર્ચાસ્પદ બન્યું. બે વર્ષ ચાલેલો આ સંબંધ એટલો ચર્ચાયો કે જાહેર જીવનમાં કોઈને એની છોછ જ ન રહી! રોઝ સાથે પરણેલો જોસેફ ખુલ્લેઆમ ગ્લોરિયા સાથે ફરતો હતો. હદ તો ત્યારે થઇ કે જોસેફ વેકેશન માણવા યુરોપ ગયો ત્યારે કાયદેસરની પત્ની રોઝ અને ગર્લફ્રેન્ડ ગ્લોરિયા, બન્નેને સાથે લઇ ગયો! (આ વાંચીને આપણા ઘણા ગુજરાતી શેઠ લોકોના મનમાં ઈર્ષ્યાની આગ ભડકી ઊઠી હશે!) રોઝ ઉદાર હૃદય રાખીને આખો તમાશો જોઈ રહી અને જોસેફ એક પછી એક સ્ત્રીઓ બદલતો રહ્યો. કેનેડી દંપતીનાં સંતાનો પણ પિતાના અફેર્સથી બરાબર વાકેફ હતાં, એથીય આગળ વધીને કહીએ તો પિતા જોસેફનો ‘વારસો’ સંતાનોએ બરાબર સાચવ્યો. ચાર્મિંગ દેખાવના જોન કેનેડી પણ પિતાને પગલે ચાલતા હોય એમ મશહૂર ફિલ્મ એક્ટ્રેસ મેરેલીન મનરોના દીવાના હતા. જોને પિતાનો રંગીન મિજાજ બરાબર પચાવ્યો હતો. જોસેફ હંમેશાં પોતાના પુત્રોને કહેતા, વધુ ને વધુ સ્ત્રીઓ સાથે સૂવાનું રાખો! ૧૯૪૦માં જોન કેનેડી પોતાના પિતાને એક પત્રમાં લખે છે, અક્ષ ફૂરીહ હજ્ઞિં જ્ઞર ાયજ્ઞાહય ૂયયિ વિંયયિ, વિંયિય લશહિત જ્ઞિં યદયિુ ળફક્ષ, તજ્ઞ ઈં મશમ બયિિંંયિ વિંફક્ષ ીતીફહ.
મેરેલીન ડિટ્રિચ નામની જર્મન-અમેરિકન અભિનેત્રી અને ગાયિકા પોતાના લવ અફેર્સ બાબતે પ્રખ્યાત હતી. ૧૯૩૮માં એનું પ્રેમ પ્રકરણ જોસેફ કેનેડી સાથે બરાબર ચાલ્યું. એના દશકો બાદ, ઈ. સ. ૧૯૬૩માં જ્યારે જોસેફના પુત્ર જોન કેનેડી અમેરિકાના પ્રમુખ હતા, ત્યારે એ પણ મેરેલીન ડિટ્રિચને વ્હાઈટ હાઉસ ખાતે મળવા બોલાવતા. આ મુલાકાતો બેડરૂમ સુધી પહોંચી હોવાની ચર્ચા છે. એ સમયે મેરેલીનની ઉંમર પૂરાં સાઠ વર્ષની હતી, તેમ છતાં પ્રેસિડેન્ટ જોન પોતાના પિતાની આ ભૂતપૂર્વ પ્રેમિકા તરફ આકર્ષાયેલા! એક આડવાત, મેરેલીન ડિટ્રિચના અનેક પ્રેમીઓમાં એક નામ અભૂતપૂર્વ નાટ્યકાર જ્યોર્જ બર્નાર્ડ શોનું પણ હતું!
જોસેફ કેનેડી રાજકારણમાંય અગ્રેસર હતા અને એમના પોલિટિકલ એજન્ડા પણ જરા જુદા પ્રકારના – વિવાદાસ્પદ નીવડે એવા રહ્યા છે. એક વાર જોસેફે એક પત્રકારને કહેલું, બ્રિટનમાં લોકશાહી જેવું કંઈ છે જ નહિ. તેઓ જર્મની સામે લડે છે, કારણકે (બ્રિટનનું) અસ્તિત્વ ટકાવી રાખવા માટે એ જરૂરી છે. બાકી બ્રિટન કે અમેરિકાને ફાસીઝમ સામે લડવામાં બીજો કોઈ રસ નથી! જોસેફ કેનેડીની આ વાત કદાચ વિચિત્ર લાગશે, પણ એ સમયના રાજકીય સંજોગો મુજબ એ મહદંશે સાચી હતી. જોસેફ દૃઢપણે માનતો હતો કે અમેરિકાના રાજકારણ પર યહૂદીઓ હાવી થઇ ચૂક્યા છે અને પ્રેસિડેન્ટ રુઝવેલ્ટ પણ આ યહૂદી પ્રભાવથી મુક્ત નથી. સ્વાભાવિક રીતે જ પ્રેસિડેન્ટ રુઝવેલ્ટ જોસેફની આવી વાતોથી ખફા થયા. એમણે કહ્યું કે જોસેફ યહૂદી વિરોધી વાતો ફેલાવી રહ્યા છે અને આ રીતે એ હિટલરનું સમર્થન કરે છે! આ ઘટના પછી રુઝવેલ્ટે જોસેફની હકાલપટ્ટી કરી અને એ સાથે જ જોસેફની રાજકીય કારકિર્દીનો અંત આવી ગયો! રુઝવેલ્ટ ભલે ખિજાયા, પણ તમે ઇતિહાસ તપાસશો તો જણાશે કે જોસેફની વાત સાવ નકારી કઢાય એવી નહોતી. એમાં તથ્ય તો હતું જ!
કહેવાય છે કે જોસેફને એક પુત્રી પણ હતી, રોઝમેરી કેનેડી. બિચારી માનસિક બીમારીનો ભોગ બનેલી. જો પ્રમુખપદના ઉમેદવારના લોહીના સંબંધીને માનસિક રોગ હોય તો એ બાબતને ગંભીર ગણવામાં આવે છે. કેનેડી ફેમિલીએ ક્યારેય રોઝમેરી વિષે જાહેર ચર્ચા કરી નહિ. કેનેડી પરિવારની આ કમનસીબ દીકરીને હંમેશાં છાને ખૂણે રાખવામાં આવી. જોસેફ કેનેડીના સેક્રેટરીએ એક વાર કહેલું, ભલે રોઝમેરીના અસ્તિત્વને ઢાંકી દેવામાં આવ્યું હોય, પણ મને ખબર છે કે એ છે, મેં કેનેડી પરિવારના ફેમિલી ફોટોગ્રાફમાં એને જોઈ છે! દરેક પરિવારને પોતાનાં અંગત રહસ્યો હોય છે!
ખેર, જોસેફ કેનેડી આદર્શ પિતા કે રાજકારણી નહોતો, જોન કેનેડી પણ આદર્શ પુત્ર કે પ્રેસિડેન્ટ નહોતો… પણ દુનિયામાં આમેય ‘આદર્શ’ જેવું ખાસ કશું હોતું નથી. જે હોય એમાં નરી વાસ્તવિકતા હોય છે, જે નૈતિકતાના ચોકઠામાં ફિટ થાય એવી નથી હોતી. હેપ્પી ફાધર્સ ડે!

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.