જૈન સામેના કેસમાં આપ હવે કેમ ચૂપ?

એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારના આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનને ઉઠાવીને જેલભેગા કરી દીધા પછી આમ આદમી પાર્ટી દિલ્હીના મંત્રી સત્યેન્દ્ર જૈનનો બચાવ કરવામાં પડી છે ત્યાં જૈનને ત્યાં પડેલી રેડમાં મળેલી માલમતા જોઈને સૌની આંખો ફાટી ગઈ છે. ઈડીએ પાડેલી રેડમાં જૈનને ત્યાંથી ૨ કરોડ ૮૨ લાખ રૂપિયા રોકડા ને ૧.૮૦ કિલો સોનું મળ્યું હોવાનું કહેવાય છે. જૈનના ખાસ માણસ પાસેથી ૧૩૩ સોનાના સિક્કા ને બિસ્કિટ મળ્યાં હોવાનું પણ કહેવાય છે.
જૈન હમણાં જેલની હવા ખાઈ રહ્યા છે ને હજુ બે દિવસ લગી ઈડીની જ સરભરા માણવી પડે એવો યોગ છે કેમ કે જૈનના ૯ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. ઈડીએ ૧ જૂને જૈનને કોર્ટમાં રજૂ કરીને નવ દિવસની કસ્ટડી મેળવી હતી. એ રિમાન્ડ પૂરા થવાને બે દિવસની વાર છે ત્યાં હવે નવો ફણગો ફૂટતાં જૈનની જેલમાંથી મુક્તિ જલદી શક્ય નહીં બને એ નક્કી છે.
ઈડીએ જૈન સામે પાંચ કરોડ રૂપિયાની હેરાફેરી અને કાળાં નાણાંને ધોળાં કરવાના ગોરખધંધામાં સંડોવણીનો આરોપ મૂક્યો છે. જૈન સામે આવક કરતાં વધારે સંપત્તિનો કેસ પણ નોંધાયો છે. જૈને આ બધી કાળાંધોળાં કરીને ભેગી કરી છે એવો ઈડીનો દાવો છે. આપ પૂરી તાકાતથી જૈનના બચાવમાં કૂદી પડી છે. આપનું કહેવું છે કે, મોદી સરકારે રાજકીય કિન્નાખોરી દાખવીને ઈડીનો ઉપયોગ કરીને જૈનને અંદર કરી દીધા છે, બાકી જૈન સામેનો કેસ ક્યારનોય પતી ગયો છે.
આપના નેતાઓએ બીજા પણ રાજકીય આક્ષેપો કર્યા છે ને એ બધી પંચાતમાં પડતા નથી પણ ઈડીની નવી રેડમાં મળેલી માલમતા જોતાં આમ આદમી પાર્ટીનો બચાવ લૂલો હોવાનું લાગી રહ્યું છે. કોઈ સામાન્ય માણસ પાસેથી આટલી બધી રોકડ ના જ મળે એ જોતાં આમ આદમી પાર્ટીએ આ રોકડ ક્યાંથી આવી તેની ચોખવટ કરવી જોઈએ.
આપનો બચાવ પહેલેથી વાહિયાત છે કેમ કે જૈન સામે ગોબાચારીના પુરાવા છે જ. ઈડીએ જૈન પરિવારની ચાર કંપનીમાં ગરબડ ગોટાળાનો આરોપ મૂક્યો છે. ઈડીની ચાર્જશીટમાં ઉલ્લેખ છે કે, જૈન પરિવારની ચાર કંપનીમાં ડિરેક્ટર તરીકે આ કંપનીઓના કર્મચારીઓ અને સહયોગીઓ મારફતે જૈને કાળાં નાણાં કોલકત્તાની બોગસ કંપનીઓને રોકડમાં નાણાં આપેલાં. એ જ નાણાં રોકાણના રૂપમાં કંપનીમાં પાછાં આવી ગયાં.
જૈને આ ગોરખધંધો કરીને ૨૦૧૦થી ૨૦૧૨ વચ્ચે ૧૧.૭૧ કરોડ રૂપિયાની હેરાફેરી કરેલી. એ પછી જૈન આમ આદમી પાર્ટીમાં જોડાયા અને ૨૦૧૫-૧૬મા ધારાસભ્ય બનેલા ત્યારે બીજા ૪.૬૩ કરોડની હેરાફેરી કરાયેલી. કુલ મળીને જૈને આ ચાર કંપની દ્વારા ૧૬.૩૪ કરોડ રૂપિયાની હરામની કમાણીને કાયદેસરની બનાવી દીધી હતી.
આમ આદમી પાર્ટીના નેતાઓનું કહેવું છે કે, જૈન ૨૦૧૩માં જ ચારેય કંપનીમાંથી રાજીનામાં ધરીને નવરા થઈ ગયેલા તેથી તેમની સામે આંગળી ના ચીંધી શકાય. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પોતે જૈનના બચાવમાં કૂદી પડેલા. કેજરીવાલે એવો બચાવ કર્યો હતો કે, જૈન સામેના કેસનો મેં પૂરો અભ્યાસ કર્યો છે. આ કેસમાં જરાય દમ નથી પણ ભાજપ આપથી ડરી ગયેલો હોવાથી અમને ડરાવવા માગે છે.
હવે જૈનને ત્યાંથી મળેલી માલમતા પછી કેજરીવાલની બોલતી બંધ છે. આમ આદમી પાર્ટીના નેતા પણ ચૂપ છે કેમ કે સામે પડેલા સત્યને નકારી શકાય તેમ નથી, જૈનને ત્યાંથી મળેલા માલનો હિસાબ આપી શકાય તેમ નથી. જૈન દૂધે ધોયેલા હોવાનો જે દાવો કરતો હતો તેની હવા આ રેડ પછી નીકળી ગઈ છે.
જો કે જૈન સામેનો કેસ પહેલેથી મજબૂત હતો ને ઈડીએ વચ્ચેના સમયમાં ઢીલ ના મૂકી હોત તો જૈન સામેનો કેસ પતી પણ ગયો હોત. જૈનના પરિવારની ચાર કંપની પર્યાસ ઈન્ફોસોલ્યુશન્સ, ઈંડે મોટલ ઈમ્પેક્સ, અકિંચન ડેવલપર્સ અને મંગલાયતન પ્રોજેક્ટ્સમાંથી ૨૦૧૦થી ૨૦૧૨ની વચ્ચે ૧૧.૭૨ કરોડ રૂપિયાની હેરાફેરી થયેલી એવો ઈડીનો આરોપ છે. જૈને ૨૦૧૩માં ચારેય કંપનીના ડિરેક્ટરપદેથી રાજીનામું આપી દીધેલું એવો આમ આદમી પાર્ટીનો દાવો છે પણ ૨૦૧૩ પહેલાં થયેલી હેરાફેરી માટે જૈન જવાબદાર ગણાય જ એ દેખીતું છે એ જોતાં જૈન સામેના આરોપો મજબૂત જ છે.
કેજરીવાલે આમ આદમી પાર્ટીની સ્થાપના કરી પછી તરત જૈન કેજરીવાલ સાથે જોડાયા. ૨૦૧૩માં આપ પહેલી વાર દિલ્હી વિધાનસભાની ચૂંટણી લડી હતી. એ વખતે જૈનને ઉમેદવાર બનાવાતાં જૈને રાજીનામું આપી દીધેલું પણ તેમનો પરિવાર આ કંપનીઓ ચલાવતો હતો. જૈનના પરિવારે જે કંઈ કર્યું હોય તેને માટે જૈનને જવાબદાર ના ગણીએ તો પણ ૨૦૧૩ પહેલાંનાં પાપમાં એ ભાગીદાર ગણાય જ તેથી રાજકીય કિન્નાખોરીની વાતમાં દમ નથી. જૈન પરિવારની કંપનીઓમાં ડિરેક્ટર હતા ત્યારે થયેલી ગરબડોમાં એ પૂરેપૂરા ભાગીદાર
છે જ.
આ નક્કર કારણોસર જૈનનો બચાવ થઈ શકે તેમ નથી પણ ઈડીએ જૈન સામેના કેસમાં સમયસર કાર્યવાહી કેમ ના કરી એ પણ મોટો સવાલ છે. વાસ્તવમાં આપને જૈનનો બચાવ કરવાનો મોકો ઈડીના વલણને કારણે જ મળી ગયો છે.
જૈન સામેની તપાસ મૂળ સીબીઆઈએ શરૂ કરી હતી. સીબીઆઈએ મંત્રી તરીકે જૈને કરેલા ભ્રષ્ટાચારની ફરિયાદ મળતાં ૨૦૧૭માં જૈન સામે તપાસ શરૂ કરી હતી. સીબીઆઈએ ઝડપથી તપાસ કરીને કેસને ફટાફટ આગળ વધારેલો. સીબીઆઈએ એ વખતે જ જૈને ભ્રષ્ટાચાર કર્યો હોવાના દાવા કરેલા. સીબીઆઈનું કહેવું હતું કે, ૨૦૧૫થી ૨૦૧૭ દરમિયાન જૈન દિલ્હી સરકારમાં મંત્રી હતા ત્યારે તેમની સંપત્તિ આવકના જાણીતા સ્રોત કરતાં ૨૦૦ ટકા વધારે હતી.
સીબીઆઈએ જૈન સામે ચાર્જશીટ દાખલ પણ કરેલું ને તેના આધારે ઈડીએ તપાસ શરૂ કરીને ૨૦૧૮માં જૈન સામે કેસ નોંધ્યો હતો. આ કેસમાં લાંબા સમય સુધી કશું જ ના થયું ને હવે અચાનક ઈડીએ સક્રિયતા બતાવતાં આ કેસને રાજકીય રંગ આપવાનો આપને મોકો મળી ગયો છે. ઈડીએ નક્કર પુરાવા મૂકીને આ કેસ રાજકીય નથી એ સાબિત કરવું જોઈએ, જૈનને સજા કરાવવી જોઈએ.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.