જુઠાણાં અને ખોટી અફવાને લીધે પોલીસની દોડધામ

આમચી મુંબઈ

ઝવેરીબજારમાં બૉમ્બ પ્લાન્ટ કરવાની ધમકી અપાઈ: આરોપીની અટક
ફેસબૂક ફ્રેન્ડના ત્રાસથી કંટાળીને જામખેડમાં પણ બોમ્બની અફવા ફેલાવી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દક્ષિણ મુંબઈમાં વ્યાપારી પ્રવૃત્તિથી ધમધમતા ઝવેરીબજાર વિસ્તારમાં બૉમ્બ પ્લાન્ટ કરીને મોટી જાનહાનિ સર્જવાની ફોન પર ધમકી આપી પોલીસની દોડધામ વધારનારા સાંગલીના યુવકને એલ. ટી. માર્ગ પોલીસે ઝડપી પાડ્યો હતો. ફેસબૂક ફ્રેન્ડના ત્રાસથી કંટાળીને યુવકે મુંબઈ સહિત અહમદનગર જિલ્લાના જામખેડમાં પણ પાલીસને ફોન કરી બોમ્બની અફવા ફેલાવી હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું.
એલ. ટી. માર્ગ પોલીસે ઝડપી પાડેલા યુવકની ઓળખ દિનેશ પાંડુરંગ સુતાર તરીકે થઇ હોઇ તે આઠથી દસ દિવસ અગાઉ પરિવારજનો સાથે ઝઘડો કરીને સાંગલીથી મુંબઈ આવ્યો હતો અને તે કાલબાદેવી રોડ પર બદામવાડી ખાતે દુકાનની બહાર રહેવા લાગ્યો હતો. ઉપરોક્ત દુકાનમાં અગાઉ તે કામ કરતો હતો.
ઝવેરી બજાર ખાતે ખાઉ ગલીમાં બોમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યો હોવાનું અજાણી વ્યક્તિએ રવિવારે સવારે પોલીસ ક્ધટ્રોલ રૂમને ફોન કરીને જણાવ્યું હતું. ક્ધટ્રોલ રૂમ તરફથી આની જાણ એલ. ટી. માર્ગ પોલીસને કરાઇ હતી. બાદમાં ક્રાઇમ બ્રાન્ચ અને એન્ટિ ટેરરિઝમ સ્કવોડ (એટીએસ)ને પણ એલર્ટ કરાઇ હતી. દરમિયાન ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે એ વિસ્તારને ખાલી કરાવ્યો હતો અને લોકોને દૂર રહેવાનું કહ્યું હતું. બાદમાં બોમ્બ સ્કવોડ દ્વારા ત્યાં તપાસ કરવામાં આવી હતી, પણ કોઇ વિસ્ફોટક વસ્તુ મળી નહોતી.
દરમિયાન જે મોબાઇલ નંબર પરથી ક્ધટ્રોલ રૂમને ફોન આવ્યો હતો, એ નંબર પર પોલીસે સંપર્ક સાધ્યો હતો, પણ સામેવાળી વ્યક્તિ ફોન રિસીવ નહોતી કરી રહી. બાદમાં એ નંબર ટ્રેસ કરાતાં તેનું ટાવર લોકેશન ભૂલેશ્ર્વરની પંચાયતવાડી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે બાદમાં ઉપરોક્ત સ્થળે છટકું ગોઠવીને એ વ્યક્તિને તાબામાં લીધી હતી, જેની ઓળખ દિનેશ સુતાર તરીકે થઇ હતી. દિનેશ સુતારને બોમ્બ ક્યાં મૂક્યો છે એવું પૂછવામાં આવતાં તેણે કોઇ બોમ્બ પ્લાન્ટ કર્યો ન હોવાનું પોલીસને કહ્યું હતું.

સ્કૂલ-સોસાયટીઓમાંથી બાળકોનાં
અપહરણના મેસેજથી માવતરોમાં ફફડાટ
અપહરણની વાત અફવા હોવાની પોલીસની સ્પષ્ટતા: ખાતરી
કર્યા વિના મેસેજ ફોરવર્ડ ન કરવા નાગરિકોને અપીલ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શહેરનાં વિવિધ વિસ્તારોમાંની રહેણાક સોસાયટી અને શાળાઓમાંથી બાળકોનાં અપહરણ કરવામાં આવી રહ્યાં હોવાના સોશિયલ મીડિયા પર ફરી રહેલા મેસેજથી વાલીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. જોકે સંબંધિત વિસ્તારોમાં તપાસ કરતાં અપહરણની વાત માત્ર અફવા હોવાની સ્પષ્ટતા પોલીસે કરી હતી. આવા કોઈ પણ મેસેજ ખાતરી કર્યા વિના ફોરવર્ડ ન કરવાની અપીલ પોલીસ દ્વારા કરાઈ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા બે-ત્રણ દિવસથી બાળકોનાં અપહરણના મેસેજ અને ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર ફરી રહ્યા છે. કાંજુર માર્ગની સોસાયટીમાંથી બે બાળકનાં અપહરણની વાત પછી વિક્રોલીની પાલિકાની શાળામાંથી બે બાળકનાં અપહરણના મેસેજ ફરતા થયા છે. એ સિવાય આ વિસ્તારોમાંથી બાળકોનાં અપહરણ સંબંધિત બે ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે.
ઝોન-૭ના ડેપ્યુટી પોલીસ કમિશનર પ્રશાંત કદમે આ બાબતે ચોખવટ કરી હતી કે આવી કોઈ અપહરણની ફરિયાદ પોલીસને મળી નથી. આ મેસેજ અને ઓડિયો ક્લિપ અનેક લોકો દ્વારા સોશિયલ મીડિયાના એક ગ્રુપમાંથી બીજા ગ્રુપમાં ફોરવર્ડ કરવામાં આવી રહ્યા છે, જેને પગલે ડરનો માહોલ ઊભો થઈ રહ્યો છે. આવા કોઈ પણ મેસેજને ખાતરી કર્યા વિના ફોરવર્ડ કરવા નહીં.
મેસેજ અને ક્લિપને પગલે પોલીસે વિક્રોલી, પાર્કસાઈટ, કાંજુર માર્ગ અને ઘાટકોપર વિસ્તારમાં તપાસ કરી હતી. સ્થાનિક રહેવાસીઓની પણ પૂછપરછ કરવામાં આવી હતી. કોઈ પણ વિસ્તારમાંથી બાળકના અપહરણની ફરિયાદ હજુ સુધી મળી નથી.
બીજી બાજુ, એક મહિલાએ અંધેરીની શાળાના નામનો ઉલ્લેખ કરીને ત્યાંથી ત્રણ બાળકનાં એક વૅનમાં અપહરણ કરવામાં આવ્યાં હોવાનો ઓડિયો ક્લિપ વાયરલ કર્યો હતો. સંબંધિત શાળાએ એ મહિલાને આ અંગે પૃછા પણ કરી હતી. માત્ર એક બાળકના કહેવા પરથી તેણે વાલીઓને સતર્ક રહેવાની સૂચના આપવા માટે આ ક્લિપ સોશિયલ મીડિયા પર વહેતી કરી હોવાનું મહિલાનું કહેવું છે. અંધેરીની શાળાએ પણ આ વાત ખોટી હોવાનું જાહેર કરતો પત્ર પોલીસને આપ્યો હતો. વળી, ઓડિયો ક્લિપ વહેતી કરનારી મહિલાએ માફી માગતો પત્ર શાળાને સોંપ્યો હતો, એ વાતને ઝોન-૧૦ના ડીસીપી ડૉ. મહેશ્ર્વર રેડ્ડીએ સમર્થન આપ્યું હતું.
આ મેસેજ અને ઓડિયો ક્લિપની અસર મુંબઈ આસપાસના જિલ્લાઓમાં પણ દેખાઈ રહી છે. થાણે બાદ નવી મુંબઈના વાલીઓમાં પણ આ મેસેજે ખાસ્સો ફફડાટ ફેલાવી દીધો છે.
અંધેરીના બાળકે ઉપજાવી કાઢી અપહરણની વાત!
મુંબઈ: સોશિયલ મીડિયા પર ફરી રહેલા મેસેજ અને સ્થાનિક રહેવાસીઓના મોઢે સાંભળેલી વાતો પરથી અંધેરીના ૧૧ વર્ષના બાળકે તેના અપહરણના પ્રયાસની વાત ઉપજાવી કાઢી હોવાનું સામે આવ્યું હતું. અંધેરી પોલીસના જણાવ્યા મુજબ અંધેરી પૂર્વના પારસી પંચાયત રોડ ખાતે રહેતા બાળકના કાકાએ આ પ્રકરણે પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસ ફરિયાદ અનુસાર બાળક રવિવારે સાંજે પાંચ વાગ્યાની આસપાસ ઘરથી થોડે દૂર આવેલી કાકાની પાનની ટપરી પાસે જવા નીકળ્યો હતો. જોકે માર્ગમાં એક શખસે તેનો હાથ પકડ્યો હતો અને જબરદસ્તી તેને પોતાની સાથે લઈ જઈ રહ્યો હતો. હાથ છોડાવી ભાગેલો બાળક કાકા પાસે પહોંચ્યો હતો. ફરિયાદને આધારે પોલીસે સંબંધિત વિસ્તારમાં લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસ્યાં હતાં. એ સિવાય બાળકે કહેલા પરિસરમાં દુકાનદારો અને રાહદારીઓની પૂછપરછ કરી હતી. આવી કોઈ ઘટના બની ન હોવાની ખાતરી થતાં આ મામલે પોલીસે ગુનો નોંધ્યો નહોતો. જોકે વધુ તપાસ ચાલી રહી હોવાનું પોલીસનું કહેવું છે. બાળકોનાં અપહરણની વાતો સાંભળીને બાળકે માત્ર આ વાત ઉપજાવી કાઢી હોવાનું પોલીસ માની રહી છે.

 

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.