(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વર્ષોથી મુંબઈની કાયાકલ્પ નહીં કરી શકેલી મુંબઈ મહાનગરપાલિકાએ જી-૨૦ માટે રાતોરાત મુંબઈના રસ્તાથી લઈને ફૂટપાથની હાલત સુધારી દીધી છે. મુંબઈનું જે ઝડપે અને જે હદે સૌંદર્યીકરણ કર્યું છે, તેનાથી મુંબઈગરા આશ્ર્ચર્યચકિત થઈ ગયા છે અને આ જ ઉત્સાહ સાથે આગામી સમયમાં પણ કામ કરતી રહે એવી અપેક્ષા રાખી રહ્યા છે.
જી-૨૦ પરિષદની મુંબઈમાં પહેલી બેઠક યોજાઈ છે. એ પાર્શ્ર્વભૂમિ પર મુંબઈ મહાનગરપાલિકાએ મુંબઈમાં નાગરી સેવા-સુવિધાનાં કામ અને સુશોભીકરણ, મુંબઈને સ્વચ્છ કરવા જેવાં કામ અત્યંત ઝડપથી કર્યા છે. નીતિ આયોગના ચીફ ઍક્ઝિક્યુટીવ ઓફિસરે મુંબઈ મહાનગરપાલિકાના કામના ભારોભાર વખાણ કર્યા છે અને ભવિષ્યમાં પણ આ વેગે જ મુંબઈમાં કામ કરવાની સલાહ પણ આપી હતી.
મુંબઈ મહાનગરપાલિકાએ જોકે જે ઝડપે મુંબઈના રસ્તાઓના ખાડા પૂરી નાખ્યા, તૂટેલી ફૂટપાથ સહિત લાઈટના સમારકામ કરવા, રસ્તાઓ સાફ કરવા જેવાં કામ કર્યા છે અને રાતોરાત મુંબઈની શકલ બદલી નાખી છે. તેમ જ દૈનિક કામકાજની સાથે જ મુંબઈ સુશોભીકરણ પ્રોજેક્ટ સહિત ‘માઝી મુંબઈ-સ્વચ્છ મુંબઈ’ ઉપક્રમ હેઠળ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને પાલિકા કમિશનરે મુંબઈ માટે અનેક યોજનાઓ પણ જાહેરાત કરી છે ત્યારે આ કામ અને જાહેરાતો ‘ચાર દીન કી ચાંદની’ બનીને ના રહે તે જોવાનું રહેશે.
સ્વચ્છ મુંબઈ માટે માર્શલ નહીં દૂત
મુંબઈને ચકાચક રાખવા અને રસ્તા પર લોકો ગંદકી ફેલાવે નહીં તે માટે તેમના પર નજર રાખવા માટે ટૂંક સમયમાં પાંચ હજાર સ્વચ્છતાદૂત નીમવામાં આવવાના છે.
જી-૨૦ સમિટનું મુંબઈમાં આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હાજરી આપવા અનેક દેશોના પ્રતિનિધિઓ મુંબઈ આવ્યા છે. તે માટે મુંબઈ મહાનગરપાલિકાએ મુંબઈમાં યુદ્ધના ધોરણે કામ કરીને મુંબઈને સ્વચ્છ સુંદર બનાવી નાખી છે. ભવિષ્યમાં મુંબઈની આ સુંદરતા કાયમ રહે તે માટે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની સૂચના મુજબ સંપૂર્ણ મુંબઈ માટે પાંચ હજાર સ્વચ્છતાદૂત નીમવામાં આવવાના છે.
પાલિકા કમિશનર અને પ્રશાસક ઈકબાલ ચહલના કહેવા મુજબ આ સ્વચ્છતાદૂતના માધ્યમથી મુંબઈને સ્વચ્છ રાખી શકશે. આ સ્વચ્છતાદૂત કોઈ પણ પ્રકારની દંડાત્મક કાર્યવાહી કરશે નહીં. તેઓ ફક્ત મુંબઈ મહાનગરપાલિકાના આંખ અને કાન સ્વરૂપમાં કામ કરશે.
પ્રત્યેક ૧૦ સ્વચ્છતાદૂત પાછળ એક ઈન્સ્પેકટર નીમવામાં આવવાનો છે. તેઓ મુખ્યત્વે મુંબઈના જે ભાગમાં તેમને ફરજ સોંપી હશે ત્યાં દૈનિક સ્વચ્છતા, કચરો જમા કરવાની સાથે લોકો પર નજર રાખવાનું કામ કરશે. તેમ જ લોકોમાં સ્વચ્છતાને લઈને જાગરૂકતા લાવવાનું કામ કરશે.
નોંધનીય છે કે મુંબઈમાં અગાઉ ક્લીનઅપ-માર્શલ નીમવાામાં આવ્યા હતા, જે સાર્વજનિક સ્થળે ગંદકી ફેલાવનારાને દંડતા હતા અને તેમના પર નજર રાખવાનું કામ કરતા હતા.
અંધારી ગલીઓ થશે પ્રકાશથી ઝળહળાટ
‘માઝી મુંબઈ-સ્વચ્છ મુંબઈ’ ઉપક્રમ હેઠળ અનેક પ્રોજેક્ટ હાથ ધરવામાં આવવાના છે ત્યારે મુંબઈની ગીચ વસતી અને ઝૂંપડપટ્ટીના પરિસર પણ હવે પ્રકાશથી ઝળહળી ઊઠવાની છે.
મુંબઈમાં જ્યાં જ્યાં ગીચ વસતી અને ગલીઓ તથા ઝૂંપડપટ્ટી આવેલી છે, તે પરિસરમાં હાઈમાસ્ટ (લાઈટ) લગાડવામાં આવવાની છે. તેથી પરિસરમાં પૂરતો પ્રકાશ મળી રહે. તે પાછી હૅગિંગ લાઈટ્સ હોવી જોઈએ એવી સૂચના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આપી છે.
ફડણવીસની સૂચના મુજબ સંપૂર્ણ મુંબઈમાં કુલ મળીને ૫૦૦ હાઈમાસ્ટ આગામી ત્રણ મહિનામાં ઊભા કરવામાં આવવાના છે, જેથી કરીને જે-તે પરિસરમાં નાગરિકોને રાતના સમયમાં પૂરતો પ્રકાશ મળી રહેશે.
દવાખાનાની હાલત સુધરશે અને શૌચાલયોનો થશે કાયાકલ્પ
મુંબઈના સૌંદર્યકરણ પ્રોજેક્ટ હેઠળ સાર્વજનિક સ્થળોને સ્વચ્છ બનાવવા પર ભાર આપવામાં આવી રહ્યો છે. જી-૨૦ સમિટને ધ્યાનમાં રાખીને અનેક સાર્વજનિક શૌચાલયોની કાયાકલ્પ કરવામાં આવ્યો છે. ભવિષ્યમાં ફક્ત મહિલાઓ માટે ખાસ ૨૦૦ શૌચાલય બાંધવામાં આવવાનાં છે.
મુંબઈ મહાનગરપાલિકા દ્વારા સાર્વજનિક સ્થળોએ મોટી સંખ્યામાં શૌચાલય બાંધવામાં આવ્યાં છે. ભવિષ્યમાં પણ તેની સંખ્યા વધારવામાં આવવાની છે. હાલ પાલિકાએ અનેક સ્થળોએ રહેલા સાર્વજનિક શૌચાલયોની કાયાપલટ કરી નાખી છે. ભવિષ્યમાં પણ શૌચાલયો સ્વચ્છ રહે તે માટે અનેક યોજના હાથ ધરવાની છે.
સંપૂર્ણ મુંબઈના સાર્વજનિક પ્રસાધનગૃહની નિયમિત દેખરેખ અને સ્વચ્છતા માટે બહુ જલદી પૉલિસી લાવવામાં આવવાની છે. તે માટે આવશ્યક મહિતી ભેગી કરવામાં આવી રહી છે. અઠવાડિયાના સાતે દિવસ ચોવીસ કલાક આ શૌચાલય સ્વચ્છ રહેતે માટે પ્રશાસન કાર્યવાહી કરવાની છે. તેમ જ જે વસતી અને પરિસરમાં નવા પ્રસાધનગૃહ બાંધવાની આવશ્યકતા છે, ત્યા નવા બાંધવાનું કામ ચાલુ કરવાની છે. ફકત મહિલાઓ માટે આરક્ષિત અને તમામ સુુવિધા સાથેના લગભગ ૨૦૦ પ્રસાધનગૃહ પાલિકા મુંબઈમાં બાંધવાની છે.
સાર્વજનિક પ્રસાધનગૃહ તેમ જ ‘હિંદુહૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે આપલા દવાખાના’માટે જે પરિસરમાં જગ્યા લેવામાં આવશે, ત્યાં સંબંધિત લોકોના પુનર્વસનની પણ તૈયારી પાલિકાએ રાખી છે.
મુંબઈ સુશોભીકરણ પ્રોજેક્ટ પર નજર રાખવા ફ્લાઈંગ સ્કવૉડ
મુંબઈ સુશોભીકરણનો પ્રોજેક્ટના કામની પ્રગતિ અને ગુણવત્તા પર નજર રાખવા માટે દરેક વોર્ડ સ્તરની ઓફિસમાં અને સંબંધિત ખાતાના સ્તર પર ફ્લાઈંગ સ્કવૉડની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મુંબઈ સુશોભીકરણ પ્રોજેક્ટ અંતર્ગત થઈ રહેલા કામની અમલબજાવણી પર નજર રાખવામાં આવવાની છે. વોર્ડ સ્તરે દર અઠવાડિયે તો ઝોન સ્તર પર દર પંદર દિવસે કામનો અહેવાલ લેવામાં આવવાનો છે.
પાલિકાના કહેવા મુજબ મુંબઈના તમામ ૨૪ વોર્ડ ઓફિસ અને સંબંધિત ખાતા પરના સ્તર પર નજર રાખવા વિજિલન્સ કમિટીની પણ રચના કરવામાં આવવાની છે. તેનું મુખ્ય કામ સુશોભીકરણ અંતર્ગત થનારા કામની પ્રગતિ પર અને ગુણવત્તા પર નજર રાખવાનું રહેશે. તેમ જ કોઈ પણ પ્રકારની ફરિયાદ મળી તો તેનું તાત્કાલિક નિરાકરણ લાવવાનું કામ તેણે કરવાનું રહેશે.