જી-૨૦ રાષ્ટ્રોમાં ભારત સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર: મોદી

ટૉપ ન્યૂઝ

વંશવાદને કારણે દેશના પ્રતિભાશાળી યુવાનોને રાજકારણમાં પ્રવેશવાની તક નથી મળતી

હૈદરાબાદ: જી-૨૦ રાષ્ટ્રોમાં ભારત સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર હોવાનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે કહ્યું હતું.
સ્ટાર્ટ-અપ સહિતના ક્ષેત્ર માટે યોગ્ય વાતાવરણ ઊભું કરવા ઉપરાંત અન્ય સિદ્ધિઓ પણ ભારતે મેળવી હોવાનું તેમણે કહ્યું હતું.
ઈન્ડિયન સ્કૂલ ઑફ બિઝનેસના વિદ્યાર્થીઓને સંબોધન કરતા મોદીએ કહ્યું હતું કે ગયા વરસે ભારતમાં વિક્રમજનક સીધું વિદેશી રોકાણ આવ્યું હતું. આજે ભારત જી-૨૦ રાષ્ટ્રોમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે. ઈન્ટરનેટના વપરાશને મામલે ભારત વિશ્ર્વમાં બીજા ક્રમે હોવાનું તેમણે કહ્યું હતું.ગ્લૉબલ રિટેલ ઈન્ડેક્સમાં પણ ભારત બીજા સ્થાને છે. ભારત વિશ્ર્વમાં ત્રીજા ક્રમાંકની સૌથી મોટી સ્ટાર્ટ-અપ ઈકો-સિસ્ટમ ધરાવે છે, એમ તેમણે કહ્યું હતું.
આવી અનેક સિદ્ધિઓ ભારતે મેળવી હોવાનું તેમણે કહ્યું હતું. આજે વિશ્ર્વ ભારત એટલે બિઝનેસ એ દૃષ્ટિકોણથી જોઈ રહ્યું છે અને આ માત્ર સરકારની સિદ્ધિ નથી. દેશના યુવાનો અને આઈએસબી જેવી સંસ્થામાંથી સ્નાતક
થયેલા વિદ્યાર્થીઓની આ સિદ્ધિ છે, એમ તેમણે કહ્યું હતું.
‘રિફૉર્મ, પરફૉર્મ અને ટ્રાન્સફૉર્મ’ મંત્રએ દેશના વહીવટની નવી વ્યાખ્યા કરી છે, એમ તેમણે કહ્યું હતું. વિશ્ર્વના ૧૦૦ કરતા પણ વધુ દેશમાં ભારતે કોરોનાની વૅક્સિન મોકલી છે, એમ તેમણે કહ્યું હતું.
દરમિયાન, તેલંગણામાં ટીઆરએસ સરકાર પર પ્રહાર કરતા મોદીએ કહ્યું હતું કે એક પરિવારને સમર્પિત પક્ષ સત્તા પર આવી જાય છે ત્યારે એ પરિવારના સભ્યો ભ્રષ્ટાચારનો મુખ્ય ચહેરો બની જાય છે.
રાજકારણમાં વંશવાદને કારણે દેશના યુવાનો, પ્રતિભાશાળી લોકોને રાજકારણમાં પ્રવેશવાની તક નથી મળતી એમ જણાવતાં મોદીએ કહ્યું હતું કે પરિવારવાદ દરેક યુવાનોનાં સપનાને કચડી નાખે છે અને તેમના માટે રાજનીતિના દરવાજા બંધ કરી દે છે. રાજવંશો અને પારિવારિક પક્ષથી મુક્તિ એ પણ ૨૧મી સદીના ભારત માટે એક સંકલ્પ છે.
તેલંગણાના લોકો એ જોઈ રહ્યા છે કે જ્યારે એક પક્ષને સમર્પિત પક્ષ સત્તા પર આવે છે ત્યારે એ પરિવારના સભ્યો ભ્રષ્ટાચારનો મુખ્ય ચહેરો બની જાય છે. તેલંગણાના લોકો જોઈ રહ્યા છે કે પારિવારિક પક્ષ માત્ર પોતે જ સમૃદ્ધ થાય છે અને પોતાની તિજોરી ભરતો રહે છે.
જ્યારે રાજવંશોને સત્તા પરથી હટાવી દેવામાં આવે છે ત્યારે તે વિકાસના રસ્તા ખોલી દે છે. હવે તેલંગણામાં આ અભિયાનને આગળ વધારવાની લોકોની જવાબદારી છે, એમ તેમણે કહ્યું હતું. (એજન્સી)

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.