જીવનને સુંદર રીતે જીવવું એ દરેકની ફરજ છે: વિપરીત સંજોગોમાં પણ સાર્થક જીવન જીવી શકાય

ઇન્ટરવલ

 

નવી સવાર – રમેશ તન્ના

જિંદગી એક છે, પરંતુ તેને જીવવાની રીત જુદી જુદી છે. જેટલી જિંદગી તેટલી રીત. જિંદગીને જેટલો સંબંધ રીત સાથે છે તેના કરતાં વધારે સંબંધ પ્રીત સાથે છે એ વાત બધા જાણતા હોવા છતાં જ્યારે પૈસાની વાત આવે છે ત્યારે પ્રીત એટલે કે પ્રેમ બાજુ પર રહી જાય છે.
શરીર જેવું અજાયબ યંત્ર બનાવનાર નિયતિ કે પછી કુદરતે જીવનને જીવવા માટેની તમામ જરૂરિયાતો મનુષ્ય નામના પ્રાણીને નિ:શુલ્ક ઉપલબ્ધ કરાવી છે, જેમ કે શ્ર્વાસ લીધા વિના મનુષ્ય જીવી ન શકે તો કુદરતે હવા મફત આપી દીધી. શરીરને ટકાવી રાખવા માટે પાણી અને ખોરાક જોઈએ. ઈશ્ર્વરે પાણીની એવી વ્યવસ્થા કરી કે સદીઓ વીતે તો પણ પાણી ખૂટે નહીં, ખોરાકનો પણ ઈશ્ર્વરે પ્રબંધ કર્યો. એવી સરસ જમીન આપી કે તેમાં ખેતી કરીને મનુષ્ય ધારે તેટલું પકવી શકે અને ફળફળાદિ તથા શાકભાજીની પણ સુવિધા કરી આપી. સૂર્યનારાયણને હાજર કરી દીધા.
સૂર્યની ગેરહાજરી હોય તો એક ક્ષણ પણ જીવવું અઘરું પડે. આકાશની ભેટ ધરી, અગ્નિનું નિર્માણ કર્યું. જો આપણે સ્વસ્થ ચિત્તે વિચાર કરીએ તો સમજાય છે કે ઈશ્ર્વરે આપણને અજાયબ શરીર અને તેને ટકાવી રાખવા માટેની તમામ સુંદર સગવડ એક પણ પૈસાના ચાર્જ વગર કરી આપી છે.
કવિવર ઉમાશંકર જોશીએ કહ્યું છે-
‘ત્રણ વાનાં મુજને મળ્યાં,
હૈયું, મસ્તક, હાથ,
બહુ દઈ દીધું નાથ,
જા ચોથું નથી માગવું.’
જો જિંદગીને આપણે એક વરદાન માનીએ તો તેને ઉત્તમ રીતે જીવવાનો ચોક્કસ પ્રયાસ કરીએ. મનુષ્ય જીવન ખરેખર એક મોટી ઉપલબ્ધિ છે. કોઈ ને કોઈ કારણથી જો એને વેડફી દેવામાં આવે તો તે જિંદગી સાથે થતો સૌથી મોટો અન્યાય છે.
એવું કહેવાય છે કે ૧૯મી સદીની સૌથી મોટી બે શોધ, નોટ અને વોટ ક્રાંતિકારી શોધ છે. નોટ (મૂડીવાદ) અને વોટ (લોકશાહી)ને કારણે મનુષ્ય જીવન જેટલું વ્યસ્ત થયું છે તેના કરતાં વધારે અસ્તવ્યસ્ત થયું છે.
ઘણા લોકો જીવનને જાણે કે પૈસા કમાવા માટેનું જ મુખ્ય પ્રયોજન માને છે. આર્થિક ઉપાર્જન મનુષ્ય માટે અત્યંત જરૂરી છે, પૈસા વિના ઉત્તમ જીવન જીવવાનું અઘરું છે, પરંતુ સાથે સાથે એ વાત પણ એટલી જ સાચી છે કે માત્ર પૈસાથી ઉત્તમ જીવન જીવી શકાતું નથી. પૈસો હાથનો મેલ છે એવું કહેવાય છે, પરંતુ પૈસાના અતિરેકને કારણે આખું જીવન મેલ જ મેલ થઈ જાય એવું પણ બનવું ન જોઈએ. હાસ્યલેખક અને હાસ્યકાર શાહબુદ્દીન રાઠોડ સાચું જ કહે છે કે આધુનિક માણસો પહેલાં સ્વાસ્થ્યના ભોગે સંપત્તિ ભેગી કરે છે અને પછી એ સંપત્તિનો ઉપયોગ સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે કરે છે. આધુનિક માણસ જાણે કે હોસ્પિટલો અને ડોક્ટરો માટે જ કમાતો હોય તેવું ઘણી વાર લાગે છે.
શરીર નામનું યંત્ર સાચવવાની પહેલી જવાબદારી શરીરધારકની પોતાની એટલે કે આપણી હોય છે. શરીરને સાજું રાખવું એ પણ એક પ્રકારની સમાજસેવા છે. નિરામય રહેવું એ પણ રાષ્ટ્રસેવા છે. વ્યક્તિ કદી માંદી ન પડે તો સમજવું કે તેણે પોતાનો રાષ્ટ્રધર્મ અદા કર્યો છે. જિંદગીમાં ચઢાવ-ઉતાર તો આવ્યા જ કરે. સુખ કે દુ:ખ, તડકો કે છાંયડો તેના વગરનું જીવન શક્ય નથી. એવી સ્થિતિમાં સ્વસ્થ અને સ્થિતપ્રજ્ઞ બનીને જીવન જીવવામાં જ જીવનનું સાચું સન્માન છે. અમારા એક મિત્ર રજનીભાઈ ગોહિલ. ૧૯૪૭માં તેમનો જન્મ. ૧૯પરથી ૧૯પ૬ સુધી ખંડાલામાં ભણ્યા. ૧૯પ૬થી ૧૯૬૩ સુધી ગુજરાતના માલપુર નામના ગામમાં દસમા ધોરણ સુધી ભણ્યા એ પછી માસ્ટર ડિગ્રી સુધી અમદાવાદમાં ભણ્યા. ૧૯૭૮માં અમેરિકા ગયા. રેખાબહેન સાથે લગ્ન કર્યાં. ભાવિક નામના પુત્રના પિતા બન્યા.
સને ર૦૦૪માં ખોરાકના રિએક્શનના કારણે તેમણે શ્રવણશક્તિ ગુમાવી. આ સ્થિતિને તેમણે ખૂબ પોઝિટિવલી લીધી. જેવું ભગવાનને ગમ્યું. તેમણે વિચાર્યું કે રેડિયો સાંભળવાનો, ટી.વી. જોવાનો, મિત્રો સાથે ગપ્પાં મારવાનો અને ટેલિફોન પર વાત કરવાનો સમય બચી ગયો. નોકરી પણ ગઈ. એમણે પોતાનું જીવન સમાજસેવાને ધરી દીધું. અમેરિકામાં જુદી જુદી સંસ્થાઓમાં તેઓ સેવાકાર્ય કરવા લાગ્યા. નાના ભાઈ દિલીપે તેમને સુંદર ક્વોટ (અવતરણ) કાર્ડ અને શુભેચ્છા કાર્ડ બનાવવાનું શીખવી દીધું. એ પછી તો તેમણે હેન્ડ લેટરિંગ, કેલિગ્રાફી અને ગ્રાફિક ડિઝાઈનનો અભ્યાસ કર્યો. તેઓ બર્થ-ડે કાર્ડ, ગેટ વેલ સૂન કાર્ડ તથા બીજા પ્રસંગોને અનુરૂપ કાર્ડ બનાવીને હોસ્પિટલોમાં, સામાજિક સંસ્થાઓમાં, કુટુંબમાં, મિત્રોને તથા બસ કે ટ્રેનમાં મુસાફરી કરતી અજાણી વ્યક્તિઓને ભેટ આપે છે.
નવેમ્બર, ર૦૦૭માં તેઓ ભારત જીવનસાથી રેખાબહેન સાથે આવ્યા. એક અકસ્માતમાં તેમણે રેખાબહેનને ગુમાવ્યાં. રજનીભાઈને પણ ઈજા થઈ હતી, જોકે તેઓ બચી ગયા. રજનીભાઈએ આમાં પણ ઈશ્ર્વરની કોઈ યોજના હશે તેમ વિચાર્યું અને અમેરિકામાં સત્ય સાંઈબાબા પ્રેરિત પ્રવૃત્તિઓમાં જોડાઈ ગયા. જરૂરિયાતમંદ લોકોને ભોજન પીરસવું તથા અન્ય રીતે મદદ કરવી એ તેમનો જીવનક્રમ બની ગયો.રજનીભાઈ છ મહિના ભારતમાં રહે છે અને છ મહિના અમેરિકા રહે છે. ભારતમાં તે અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. વિવિધ પ્રકારનાં કાર્ડ્સ બનાવીને તેઓ બાળકોને આપે છે. પર્યાવરણ માટે તેમને ઘણો પ્રેમ છે. અમેરિકન સરકાર તરફથી તેમને જે રકમ મળે છે તેમાંથી, ખૂબ જ કરકસર કરીને તેઓ અમુક રકમ બચાવે છે અને વિવિધ પ્રવૃત્તિઓમાં ખર્ચે છે.તેમની શ્રવણશક્તિ જતી રહી પછી તેમનું વાચન વધી ગયું. પ્રેમ અને પોઝિટિવિટીનો તેઓ સતત પ્રસાર કરે છે. કોમ્પ્યુટર પર સતત સક્રિય રહીને લોકોને પોઝિટિવિટીના સંદેશાઓ પહોંચાડે છે. અનેક લોકોને તેમણે નવજીવન આપ્યું છે. તેમના સંપર્કમાં આવનારી વ્યક્તિઓને આનંદ અને શાંતિનો અનુભવ થાય છે.આપણી આજુબાજુ નજર કરીએ તો રજનીભાઈ જેવી અનેક વ્યક્તિ જોવા મળશે, જે લોકો જીવનને સાર્થક રીતે જીવે છે. જીવનની સાર્થકતા જેટલી પોતાના માટે જીવવામાં છે તેના કરતાં વધારે બીજા માટે જીવવામાં છે. બીજા માટેની પ્રીત, એ જ જીવન જીવવાની સાચી રીત… આવું માનતા લોકો ખરેખર પોતાનું જીવન સાર્થક કરતા હોય છે.ઈશ્ર્વર પાસે આપણે જ્યારે જ્યારે સંપત્તિ માગીએ ત્યારે ત્યારે અચૂક સન્મતિ પણ માગી લેવી જોઈએ. સંપત્તિ હોય, પણ સન્મતિ ન હોય તો પ્રશ્ર્નો થાય. જો બન્ને સાથે હોય તો સરસ જીવન જિવાય.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.