જે માણસ બધું સમજી જાય તેને કોઈ ભૌતિક વસ્તુ સ્પર્શવી ન જોઈએ
સુખનો પાસવર્ડ -આશુ પટેલ
ઘણા સમય અગાઉ કોઈ અંગ્રેજી પુસ્તકમાં એક ઝેનકથા વાંચી હતી. ઝેન ગુરુ મુ-નાન વૃદ્ધ થઈ ગયા એ પછી તેમને એક દિવસ વિચાર આવ્યો કે પૃથ્વી પરથી વિદાય લેતા અગાઉ મારે મારા સૌથી પ્રિય શિષ્ય શોજુને મારી સૌથી વધુ મહત્વની વસ્તુ આપી દેવી જોઈએ.
તેમણે શોજુને પોતાના ખંડમાં બોલાવ્યો અને કહ્યું, શોજુ, હવે હું વૃદ્ધ થઈ ગયો છું અને જીવનના અંત તરફ આગળ વધી રહ્યો છું. તું મારો એક માત્ર એવો શિષ્ય છે કે જે મેં શીખવેલી વસ્તુઓને આગળ લઈ જઈ શકશે. હું તને એક ગ્રંથ આપું છું. તું મારો ઉત્તરાધિકારી છે એ પ્રતીકાત્મકરૂપે દર્શાવવા માટે હું તને આ અમૂલ્ય ગ્રંથ આપી રહ્યો છું. ઝેનગુરુઓની સાત પેઢીઓએ લખેલું જ્ઞાન આ ગ્રંથમાં છે અને આ ગ્રંથમાં મેં મારી ટિપ્પણીઓ તથા જીવન વિશે હું જે સમજ્યો છું એ વાતો પણ આ ગ્રંથમાં લખી છે. આ ગ્રંથને જીવની જેમ સાચવી રાખજે.
શોજુએ કહ્યું, ગુરુજી, આ ગ્રંથ એટલો જ મહત્ત્વનો હોય તો તમે તમારી પાસે જ રાખો. હું ઝેનના સિદ્ધાંતો કોઈ પુસ્તક વિના તમારી પાસેથી શીખ્યો છું અને મારા માટે એ પૂરતું છે એટલે મને આ ગ્રંથની કોઈ જરૂર નથી.
જો કે મુ-નાને તેને ભારપૂર્વક કહ્યું કે આ ગ્રંથ તારે રાખવો જ પડશે. અને તેમણે એ ગ્રંથ પરાણે શોજુના હાથમાં આપી દીધો.
એ વખતે ત્યાં બાજુમાં એક તાપણું સળગી રહ્યું હતું. શોજુએ એક ક્ષણનો પણ વિચાર કર્યા વિના એ ગ્રંથ સળગતા તાપણામાં ફેંકી દીધો! એ ગ્રંથ સળગવા લાગ્યો.
મુ-નાન જીવનમાં ક્યારેય ગુસ્સે નહોતા થયા, પરંતુ શોજુએ એ અમૂલ્ય ગ્રંથ આગમાં ફેંકી દીધો અને એ ગ્રંથ સળગવા લાગ્યો એ જોઈને તેઓ ગુસ્સે થઈ ગયા અને તેમણે બરાડો પાડ્યો: બેવકૂફ, આ તું શું કરી રહ્યો છે?
શોજુએ સામે બરાડો પાડ્યો: તમે શું કહી રહ્યા છો!
૦૦૦
ઝેનકથાઓ દેખીતી રીતે એકદમ સરળ હોય છે, પરંતુ એમાં જબરદસ્ત ઊંડાણ હોય છે.
થોડા સમય અગાઉ એક ફાઈવસ્ટાર બાવાનું તેના ખાસ માણસને કારણે આર્થિક નુકસાન થઈ ગયું એટલે તે ફાઈવસ્ટાર બાવાએ તેના ખાસ માણસ પર ભયંકર ગુસ્સો કર્યો અને તેને અપમાનિત કર્યો એ કિસ્સો જાણીને આ ઝેનકથા યાદ આવી ગઈ હતી.
માણસ જીવનને સમજી જાય તો કોઈ ભૌતિક નુક્સાનથી કે કોઈ વસ્તુ ગુમાવવાથી તેને અસર ન થવી જોઈએ. આપણે સામાન્ય માણસોની વાત તો બાજુ પર મૂકી દઈએ, પણ જેમને લાખો કે કરોડો લોકો અનુસરતા હોય છે એવા ઘણા ફાઈવસ્ટાર બાવાઓ ભૌતિક વસ્તુઓને લીધે કોઈ વ્યક્તિઓને ધમકાવે કે તેમનું અપમાન કરે કે તેમને ધમકી અપાવે કે તેમનું નુકસાન કરવાની અને ક્યારેક ખૂન કરાવવાની હદ સુધી જાય તેવા કિસ્સાઓ પણ બનતા રહે છે. એમાંના અમુક જ કિસ્સાઓ બહાર આવતા હોય છે.
આનાથી વિપરીત એવા એક કિસ્સામાં મારા એક શ્રીમંત પરિચિતે ઉદાર વલણ દાખવીને તેમના એક જૂના કર્મચારીને માફ કરી દીધો હતો.
મારા તે શ્રીમંત પરિચિતને તેમના એક કર્મચારીની બેદરકારીને કારણે મોટું આર્થિક નુકસાન પહોંચ્યું હતું. એ વખતે તેમનો કર્મચારી ડરી ગયો હતો. તેણે માફી માગી અને કહ્યું કે મારા પગારમાંથી આ રકમ કાપી લેજો. શ્રીમંત પરિચિતે તેને કહ્યું: ભલા માણસ, આ નુકસાન એટલું મોટું છે કે તું આખી જિંદગી નોકરી કરે અને તારો પગાર હું કાપતો રહું તોપણ ભરપાઈ ન થઈ શકે, પણ તું ચિંતા ન કરતો. મારું જે નુકસાન થવાનું હતું એ થઈ ચૂક્યું છે. આ ભૂલ કદાચ મારાથી કે મારા કુટુંબના સભ્યોથી પણ થઈ શકી હોત. તારો ઈરાદો મને નુકસાન પહોંચાડવાનો નહોતો. તું મારો વિશ્ર્વાસુ માણસ છે. તેં તારી વફાદારી સાબિત કરેલી છે. તું આટલા દાયકાઓથી મારી સાથે જોડાયેલો છે એટલે આ વાત તું ભૂલી જા. તેમણે તેને ઠપકો આપવાને બદલે સાંત્વન આપ્યું કે થઈ ગયું એ થઈ ગયું. હવે તું આ વાત મનમાં ન રાખતો. ભવિષ્યમાં ધ્યાન રાખજે.
તે કર્મચારી રડી પડ્યો અને તેણે કહ્યું કે તમે ભગવાન સમાન છો.
શ્રીમંત પરિચિતે કહ્યું: હું ભગવાન નથી હું સારો માણસ બનવાની કોશિશ કરી રહ્યો છું. આ નુકસાન થયું ત્યારે મને પણ થોડીક ક્ષણ માટે આંચકો લાગ્યો હતો. અને સાચું કહું તો થોડોક ગુસ્સો પણ આવી ગયો હતો, પણ પછી મેં મનોમન એકથી દસ સુધી ગણતરી કરીને વિચાર્યું કે હું તને ગમે એટલું નુકસાન કરું તોપણ મારું – આપણી કંપનીનું જે નુકસાન થઈ ચૂક્યું છે એ તો ભરપાઈ થવાનું નથી. એટલે હવે થઈ ગયું છે એને રડવાને બદલે આગળ વધીએ.
દોસ્તો, સંસારમાં પૂરેપૂરો ખૂંપેલો એવો એક શ્રીમંત માણસ જ્યારે પોતાનું મોટું નુકસાન કરનારા માણસને માફ કરી દે અને કોઈ ફાઈવસ્ટાર બાવો તેનું નુકસાન કરનારાને હડધૂત કરે, અપમાનિત કરે એવા સમયમાં બંનેનું ચારિત્ર્ય સાબિત થઈ જતું હોય છે. નજીકની વ્યક્તિથી કશુંક પણ નુકસાન થઈ જાય તો તેના પર ગુસ્સો કરનારો માણસ જ્ઞાની ન હોઈ શકે.
જીવનને સમજવા માટે માણસને કોઈ ગુરુ કે કોઈ પુસ્તક એક હદથી વધુ કામ ન લાગી શકે. જે માણસ જીવનને સમજી ગયો હોય તેને કોઈ પુસ્તક કે કોઈ ગુરુની જરૂર પણ રહેતી નથી.
જીવનને સમજવાની કળા શીખવી જોઈએ.