જીવનની અભિવ્યક્તિ દ્વંદ્વમાં

ધર્મતેજ

અહીં સારાની સાથે ખરાબ અને ખરાબની સાથે સારું જોડાયેલું છે

જિનદર્શન – મહેન્દ્ર પુનાતર

ભીડ પડે ત્યારે ભગવાન યાદ આવે છે. સુખ અને દુ:ખ બે અંતિમો પર પ્રભુનું સ્મરણ થાય છે. વધારે પડતું સુખ અને વધારે પડતું દુ:ખ અંતરમનને ઢંઢોળે છે. સુખની પરાકાષ્ઠામાં માણસને બોધ થાય છે કે કહેવાતા આ સુખમાં સાર નથી. સુખની સાથે ચિંતા, ઉપાધિ અને અજંપો પણ છે. વધારે પડતું સુખ પણ થકવી નાખે છે. સુખ વધતું જાય છે તેમ સંસારની અસારતાનો પણ ખ્યાલ આવતો જાય છે. દુ:ખ અને મુશ્કેલીમાં રહેલાં માણસને આવો ખ્યાલ કે વિચાર આવતો નથી. દુ:ખી માણસો તો એ આશામાં જીવે છે કે થોડું ધન, થોડી મિલ્કત મળી જાય એટલે બધું ઠીક ઠાક થઈ જશે અને સુખના દિવસો આવશે. એટલે તેઓ પ્રભુનું સ્મરણ કરતા રહે છે. સુખી અને શ્રીમંત માણસોને ડર છે આ બધું જે મળ્યું છે તે ચાલ્યું તો નહીં જાય ને? એટલે તેઓ પ્રભુને યાદ કરતાં રહે છે. જ્યાં સુધી ધારેલું સુખ ન મળે ત્યાં સુધી દુ:ખી માણસોની આશા જીવંત રહે છે. જેમને મળી ગયું છે તેમની દુન્યવી સુખોની આશાની જ્યોત ધીરેધીરે ખોવાઈ જાય છે. એટલે સુખી માણસો માટે ધાર્મિક યાત્રાએ નીકળવાનું અને સંસારનો ત્યાગ કરવાનું સરળ બની જાય છે. એટલે તો મહાવીર જેવા મહાપુરૂષોએ શાંતિ અને શાશ્ર્વત સુખની શોધમાં મહેલો છોડી દીધા હતા અને સંસારનો ત્યાગ કર્યો હતો.
સુખ અને દુ:ખ જીવનની ઘટમાળ છે. બંને એકબીજા સાથે જોડાયેલા છે. સુખ ક્યારે દુ:ખ બની જશે અને દુ:ખ ક્યારે સુખમાં પરિણમશે તેનો ખ્યાલ આવતો નથી. આજે જે સુખ લાગે છે તે કાલે દુ:ખ પણ લાગે. બધું આપણા સ્વભાવ અને મન પર છે. સુખને આપણે છોડવા માંગતા નથી. આપણે તેને જોરથી પકડી રાખીએ છીએ. જે વસ્તુને જોરથી પકડી રાખીશું તે મોકો મળતાં હાથમાંથી છટકી જશે. સુખની જેમ દુ:ખનો સ્વીકાર કરીએ તો દુ:ખ જેવું કશું રહેશે નહીં. મોટાભાગના દુ:ખો માનસિક છે તે આપણા મનના કારણે ઊભા થાય છે. સુખ અને દુ:ખ બંને સરખા છે. બંનેથી બચવાનું છે. સુખ અને દુ:ખ બંનેનો ભાવ ન રહે તો આશક્તિ છૂટી જશે. કોઇપણ જાતનું વળગણ રહેશે નહીં. સુખમાં રહેવા છતાં સુખથી અલિપ્ત અમે દુ:ખમાં રહેવા છતાં દુ:ખથી પણ વિમુક્ત રહીએ તો બંનેમાંથી કોઈપણ આપણને વિચલિત કરી શકશે નહીં. આપણી પાસે કહેવાતા બધા સુખો હોય આમ છતાં શાંતિ અને અંતરનું સુખ ન હોય તો એક વાત સાફ થઈ ગઈ કે જેને આપણે સુખ ગણીએ છીએ તે સાચું સુખ નથી. બહારથી બધું ભેગું કરી લીધા પછી આ ભ્રમ તૂટી જાય છે.
સુખ માણસને જન્મની સાથે મળેલું છે. આ તેનો સ્વભાવ છે. આ સ્વભાવને સચ્ચિદાનંદ કહ્યો છે. આના ત્રણ લક્ષણો છે. સત્ત, ચિત્ત, અને આનંદ. સતનો અર્થ એ છે કે જે નાશ પામે નહીં તેવું શાશ્ર્વત. ચિત્તનો અર્થ થાય છે ચૈતન્ય – જાગ્રતિ અને આનંદ તેની પરાકાષ્ઠા છે. જેનું સુખ અમિટ છે, જે ચૈતન્યમય છે અને પ્રેમપૂર્ણ છે તે સાચા સુખનો અનુભવ કરી શકે છે. આ દરેક મનુષ્યનો સ્વભાવ છે પરંતુ સ્વાર્થ, લોભ, લાલચ અને અહંકારને કારણે માણસ સ્વભાવિકરીતે વર્તતો નથી તેથી તે પોતાને અને તેની સાથે સંબંધ રાખનાર માણસોને દુ:ખી કરે છે.
વૃક્ષો લહેરાય છે, ફુલો ખીલે છે, ફળો લચે છે, પક્ષીઓ કલરવ કરે છે અને પાંખો પ્રસારીને ગગનમાં ઉડે છે એ જેટલું સ્વાભાવિક છે એટલો જ મનુષ્યનો આનંદ સ્વભાવિક છે. તમારી પાસે શું છે અને શું નથી તેની સાથે સુખને કશો સંબંધ નથી. જીવનની અભિવ્યક્તિ દ્વંદમાં છે. આ દ્વંદો એકબીજા પર આધારિત છે. એટલે બંનેનો સ્વીકાર એ જીવનનો બોધ છે. પ્રકાશ છે તો અંધકાર પણ છે. જન્મ છે તો મૃત્યુ છે. સારું છે તો ખરાબ પણ છે. સફેદ સાથે શ્યામ, સુંદરતાની સાથે કરૂપતા છે. રાવણ છે તો રામ પણ છે. આ બધો પરમાત્માનો ખેલ છે. સાચું જોવાની દૃષ્ટિ જો મળી જાય તો દરેક જગ્યાએ અને ગમે તેવી પરિસ્થિતિમાં આનંદનો અનુભવ થશે.
જીવન એ પ્રભુની અણમોલ ભેટ છે. જન્મની સાથે આપણને શું નથી મળ્યું ? કામ કરવા માટે હાથ, ચાલવા માટે પગ, જોવા માટે આંખ, સાંભળવા માટે કાન, આમ આપણા એકેએક અંગની યથાર્થતા છે. સાથે બુદ્ધિ પણ મળેલી છે. આમાંનું એક પણ અંગ ન હોય તો આપણું જીવન દુષ્કર બની જાય. આપણને મળેલી ભેટનો સદ્ઉપયોગ થવો જોઈએ. સારું જોવું, સારુંબોલવું, સારું સાંભળવું અને બીજાને ઉપયોગી થવાની ભાવના રાખવી જોઈએ. જીવનની રમત બુમરેંગ જેવી છે. જેવું કરીશું તેવું પાછું આવશે સારું કરીશું તો શુભ થશે ખરાબ કરીશું તો અશુભને પામીશું. બધું આપણા હાથમાં છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.