જીવણરામ મહારાજની વાણી

ધર્મતેજ

અલખનો ઓટલો – ડૉ. નિરંજન રાજ્યગુરુ

જીવણરામ મહારાજનો જન્મ વિ.સં. ૧૯૯૦ આસો સુદ ૧૦, બુધવાર તા. ૧૭/૧૦/૧૯૩૪ના રોજ ઈન્દ્રોડા(ગાંધીનગર) ગામે બ્રાહ્મણ જ્ઞાતિમાં જેઠારામને ત્યાં સંતોકબાની કૂખે થયેલો. ૧૬ વરસની વયે માત-પિતાનો સ્વર્ગવાસ થયો. સ્વામી સચ્ચિદાનંદ તત્ત્વદર્શી પાસે સાધનાની દીક્ષ્ાા લીધેલી. તેઓ ઈન્દ્રોડા ગામે વસવાટ કરતા પણ વારંવાર મુસાફરી કરતા રહેતા. વિસનગરના સ્વામી સચ્ચિદાનંદ તત્ત્વદર્શી પાસે એમણે સંતસાધનાની દીક્ષ્ાા લીધેલી. ત્યારબાદ જીવણરામે સાણંદમાં પંદર વર્ષ્ા ગાળેલા. તેઓ ભજન સત્સંગ કરતા અને અનેક મુમુક્ષ્ાુઓને સાધનાના માર્ગે ચડાવેલા. એમની ભક્તિરચનાઓનું પુસ્તક ‘જીવણ જ્ઞાન પ્રકાશ-સચ્ચિદાનંદ સ્વયં પ્રકાશ’ નામે પ્રકા. ગલાભાઈ સોલંકી તથા ચિકાભાઈ વાણિયા દ્વારા સાણંદથી ઈ.સ. ૧૯૭રમાં પ્રકાશિત થયું છે. જેમાં કેટલીક ભજનરચનાઓ અને સત્સંગની વાતો સંપાદિત કરવામાં આવી છે.
સદ્ગુરુ સ્વામી મુંને ભેટિયા રે
વણઝારા જી રે રામ;
મારા ગુરુ હૈયાના હાર રે
હો વણઝારા જી રે રામ…
ભવસાગર નૈયા ડૂબતી રે
વણઝારા જી રે રામ;
મુંને ઉગાર્યો પેલે પાર રે
હો વણઝારા જી રે રામ…
મને ઘરેણાં આપ્યાં રે
મોંઘા મૂલનાં રે વણઝારા જી રે રામ;
મેં તો પહેર્યા સોળે શણગાર રે હો વણઝારા જી રે રામ…
સુરતા ચડી છે છેક શૂન્યમાં રે
વણઝારા જી રે રામ;
મેં તો રચના જોઈ અપાર રે
હો વણઝારા જી રે રામ…
શોધી કાયા ભેદ અંતર જડ્યો રે
વણઝારા જી રે રામ;
નથી શ્ર્વાસ, શબદ ઉચ્ચાર રે હો વણઝારા જી રે રામ…
સત્ય-કરૂણા-સમાધિ -ધારણા રે વણઝારા જી રે રામ;
અખંડ નિહાળ્યા ૐકાર રે
હો વણઝારા જી રે રામ…
આવરણ ગુરુજીએ ભેદીયાં રે
વણઝારા જી રે રામ;
મહાપદ ગુરુનો આધાર રે
હો વણઝારા જી રે રામ…
ગુરુ અવાચ્ય પદ વાતડી રે
વણઝારા જી રે રામ;
તત્ત્વદર્શીના દેખ્યાં દિદાર રે
હો વણઝારા જી રે રામ…
વારી વારી લઉં ગુરુના વારણા રે
વણઝારા જી રે રામ;
વસ્તુ જોઈ છે નિરાકાર રે
હો વણઝારા જી રે રામ…
‘જીવણ’ રમે રંગ મોલમાં રે
વણઝારા જી રે રામ;
તમે જ્ઞાની કરજો વિચાર રે
હો વણઝારા જી રે રામ…
વણઝારાનું રૂપક આમ તો આપણા અનેક સંતો પોતાની અનુભવવાણીમાં આત્માને ઓળખાવવા માટે પ્રયોજતા રહ્યા છે. આત્મા જ્યારે કાયાને છોડીને નીકળે છે ત્યારે કાયારાણીના વિલાપની અનેક રચનાઓ મળે છે.
સંતકવિ કાજી મામદશાએ ગાયું છે ને ?
છોડી મત જાજે મુંને એકલી વણજારા રે , જીયો રામ…
મેલી મત જાજે તારે દેશ, જી હો વણજારા જી રે વણજારા…
ડુંગર માથે દેરડી વણજારા રે , જીયો રામ…
ચડી ચડી જોઉં તારી વાટ, જી હો વણજારા જી રે વણજારા…
સોનું જાણી મેં સંગ ર્ક્યો વણજારા રે, જીયો રામ…
મારા કરમે નીકળ્યું કથીર, જી હો વણજારા જી રે વણજારા…
દૂધે ભરી તળાવડી વણજારા રે, જીયો રામ…
એની મોતીડે બાંધી પાળ, જી હો વણજારા જી રે વણજારા…
કાયા છે કાચની પૂતળી વણજારા રે, જીયો રામ…
એને તૂટતા નહિ લાગે વાર, જી હો વણજારા જી રે વણજારા…
કાજી મામદશાની વિનતી વણજારા રે, જીયો રામ…
તમે રહી જાવ આજની રાત, જી હો વણજારા જી રે વણજારા…
૦૦૦૦૦
મારી મમતા મરે નહીં એનું મારે શું રે કરવું? વાલીડો છે દીનનો દયાળ,
મારું ચિત્ત રે ચડાવ્યું સંતો ચાકડે , થિર નહીં થાણે રે લગાર..
-મમતા મરે નૈં એનું મારે શું રે કરવું….૦
જોગીના સ્વરૂપ ધરીને મેં જોયું, પેર્યો મેં તો ભગવો રે ભેખ,
એટલા જોગે રે મારું મન થિર નૈં, જોવો મારે જોગેસરનો દેશ…ૉ
-મમતા મરે નૈં એનું મારે શું રે કરવું….૦
એવા રાજાનું સ્વરૂપ ધરીને મેં જોયું, સંતો મારે ધનનો નહીં પાર રે
એટલા ધને મારું મન થિર નો થિયું લૂંટયો મેં સઘળો સંસાર રે….
-મમતા મરે નૈં એનું મારે શું રે કરવું….૦ ગુરુ મેં તો પંડિતનું રૂપ ધરી જોઈ લીધું, સંતો હું તો ભણ્યો વેદ ને પુરાણ રે
એટલી વિદ્યાએ મારું મન થિર નો થિયું, કીધા મેં પેટને માટે પાપ રે…
-મમતા મરે નૈં એનું મારે શું રે કરવું….૦ એવી છીપનું સ્વરૂપ ધરીને મેં જોયું , કીધો મે તો મધદરિયે વાસ રે,
એટલા જળે મારું મન થિર નો થિયું, લાગી મને કાંઈ સુવાંતુંની આશ રે…
-મમતા મરે નૈં એનું મારે શું રે કરવું….૦
મારાં ચિત્ત રે ચડાવ્યા સંતો ચાકડે, થિર નહીં થાણે રે લગાર
કાજી રે મામદશાની વીનતી, સુણો તમે સંત સુજાણ,સુણી લેજો ગરીબનિવાજ..
-મમતા મરે નૈં એનું મારે શું રે કરવું….૦
આ આપણો ધીરેધીરે વિસરાતો જતો ભવ્ય વારસો છે, નવી પેઢીને આપણી આ ભવ્ય વિરાસત વિશે જાણકારી મળે અને આજના કલુષ્ાિત-પ્રદૂષિત વાતાવરણમાં એની પવિત્ર સુગંધ જીવતરને તરબતર બનાવે એવા ધ્યેય સાથે ‘અલખનો ઓટલો’ કોલમમાં સામગ્રી લખાતી રહી છે એનો મનમાં અપાર હરખ છે. તળપદા લોકજીવનમાં જે સંસ્કારવારસો હજુયે ક્યાંક ક્યાંક સંઘરાયો છે એની પરકમ્મા આદરતાં રહ્યાં છીએ.
આજે ખમીર, ખાનદાની, ત્યાગ, વૈરાગ, આતિથ્યભાવના, સ્નેહ, ઉદારતા જેવાં તત્ત્વો ધીરે ધીરે નગરજીવનમાંથી વિદાય લઈ રહ્યા છે, મનુષ્ય એકાંગી બનતો જાય છે, તન છીછરા-ક્ષ્ાુલ્લક મનોરંજન દ્વારા પોતાની માનસિક તાણને દૂર કરવાના વ્યર્થ પ્રયત્નો કરી રહ્યો છે ત્યારે સાહિત્યના નવે રસ અને જીવનના છયે રસના છાંટણાં મળતાં રહે અને તમામ વયના વાચકોને એમાંથી વૈવિધ્યસભર વાચનરસ મળતો રહે એવી ખેવના સાથે સાહિત્યના તથા માનવ જીવતરના વિભિન્ન ક્ષ્ોત્રોમાં સ્વૈરવિહાર કરતા રહ્યાં છીએ. કોઈપણ શબ્દોનું સાર્થક્ય અંતે તો તેના ભાવકો ઉપર જ અવલંબે છે. રચનાકારનું ઉત્તરદાયિત્વ માત્ર એટલું કે સામગ્રીને ભાવકો સુધી પહોંચાડવી. કાળદેવતા એનું કામ ર્ક્યે જાય છે, એની ચારણીમાંથી જે બચી જશે એ જ સર્વકાલીન સત્ય હશે.

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.